કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૩૭

નયના પટેલ

મનુભાઈ અને સરલાબહેન બન્નેમાંથી કોઈને પણ, ફોન પર સંભળાયેલી મરણપોક જેવી ચીસ અને સાવ થોડા બોલાયેલા શબ્દો કોનાં હશે તેનો એક ક્ષણ તો ખ્યાલ જ ન આવ્યો. પરંતુ બીજી જ ક્ષણે સરલાબહેને લતાબહેનનો અવાજ પારખ્યો.

લગભગ હત્પ્રભ થઈને ફોન સામે જોઈ રહેલા મનુભાઈ પાસેથી સરલાબહેને ફોન ઝૂંટવી જ લીધો, ‘લતાબહેન, લતાબહેન, તમે કાંઈ બોલો, બેન….બેન’

ત્યાં તો સામે છેડેથી એક સામટા ત્રણ – ચાર ગોળી છોડવાનાં અવાજ આવ્યા અને એકદમ સોપો પડી ગયો.

મનુભાઈ કારની ચાવી લઈને બારણા તરફ દોડ્યા. સરલાબહેન ત્વરિત નિર્ણય લઈને જે કાગળ મળ્યો એમાં ‘અમે લતાબહેનને ત્યાં જઈએ છીએ’ – લખીને, મોબાઈલ લઈને કારમાં જઈને બેસી ગયા. કારમાં બેસતાં જ નમનને ફોન કર્યો અને શું બન્યું તે ટૂંકમાં કહ્યું અને જરૂર પડે તો તરત જ અહીં આવી જવાનું કહ્યું અને સાથે સાથે નંદાને પણ કહેવાની જવાબદારી સોંપી ફોન મૂક્યો.

પ્રથમવાર જ પ્રેયસીને મળતા દીકરાને એક મા તરીકે ફોન કરતાં જીવ તો નહોતો ચાલતો પરંતુ પરિસ્થિતિની ગંભીરતા સમજીને કિશનને ફોન જોડ્યો. બે – ત્રણવાર ફોન જોડ્યો પરંતુ ફોન બંધ હોવાનો સિગ્નલ આવ્યા કર્યો.

‘હવે શું કરું’ની મુંઝવણ તો થઈ પણ તરત સ્નેહાને ફોન કરી જોવાનું યાદ આવ્યું અને એને ફોન જોડ્યો. બે – ત્રણ વખત ન ઉપાડ્યો પછી ફોન ઉપાડી ચિંતાભર્યા અવાજે પૂછ્યું, ‘શું થયું, ફોઈ ?’

‘આઈ એમ સો સોરી બેટા, પણ ઈમરજંસી છે, જલ્દી કિશનને ફોન આપતો .’

કિશન અને સ્નેહાને એ થોડી ક્ષણોમાં તો કાંઈ કેટલાય ખરાબ વિચારો આવી ગયા.

‘ હા, બોલ મમ, વોટ્સ અપ ?’

એનું વાક્ય પૂરું પણ નહોતું થયું અને સરલાબહેને કહેવા માંડ્યું, ‘ કિશું, તું ઝટ લતાફોઈને ત્યાં આવ, હું અને તારા ડેડ વાતો કરતા હતાં ત્યાં જ ફોન આવ્યો, સાવ અસ્પષ્ટ કોઈની ભયંકર ચીસ સંભળાઈ અને પછી કિશુ પાછળથી ફાયરીંગના અવાજ આવ્યા. મને અવાજ તારા ફોઈ જેવો જ લાગ્યો એટલે અમે ત્યાં જ જવા માટે નીકળ્યા છીએ.’

પ્રથમ રોમાંસની ભીની ભીની લાગણી ઝાકળની જેમ એક ક્ષણમાં ઊડી ગઈ. કિશને પણ કાર લતાબહેનના ઘર તરફ દોડાવી મૂકી. કાર ચલાવતાં ચલાવતાં કિશને સ્નેહાને પ્રીતને ફોન જોડવા કહ્યું પણ સામે છેડે કોઈ ઊપાડતું નહોતું.

ફફડતે જીવે લતાફોઈના ઘર પાસે આવ્યા ત્યારે બહાર લોકોનું ટોળું ઊભું હતું.

સરલાબહેને કિશન અને સ્નેહાને આવતાં જોયાં એટલે ટોળાને વિંધતા, દોડીને તેમની પાસે પહોંચી ગયા. મનુભાઈ પણ પાછળ જ રડતાં રડતાં આવ્યા.

‘કિશુ, કિશુ, આ પોલીસો અમને નથી અંદર જવા દેતાં કે નથી અંદરના કોઈ સમાચાર આપતાં. તું કહેને એમને !’

કિશને એમને શાંત પાડતાં કહ્યું, ‘ ડેડ, પ્લીઝ, તમારી જાતને પહેલા સંભાળો, રડો નહી.’ કહી એ સીધો પોલીસો ઉભા હતાં તેમની પાસે જઈને કઈ રીતે મનુભાઈને આ ઘરમાંથી ફોન આવ્યો તે વાત કરી ઉમેર્યું કે , ‘માય ડેડ ઈઝ બ્રધર ઓફ ધ લેડી લીવ્સ હીયર. પ્લીઝ ઓફીસર બીલીવ મી. શી ઇઝ માય આંટ.’

એ જ વખતે પેરામેડીક્સ અને હોસ્પિટલના સ્ટાફને, ત્રણ જુદા જુદા સ્ટ્રેચરમાં ત્રણ બોડી લઈને એમબ્યુલંસમાં લઈ જતાં જોઈને સરલાબહેન પણ સ્થળ, કાળનુ ભાન ભૂલી , ‘લતાબહેન, લતાબહેન’ બૂમો પાડતાં એમબ્યુલંસ તરફ દોડ્યા. મનુભાઈ, કિશન અને સ્નેહા પણ એ તરફ દોડ્યાં. લતાબહેન, નીલેશકુમાર અને પ્રીતના શરીરોને આમ લઈ જવાતાં જોઈને મનુભાઈ અને સરલાબહેને કલ્પાંત કરી મૂક્યું.

આ જોઈને પોલીસ ઓફીસરને ખાત્રી થતાં એટલી માહિતિ આપી કે એ લોકોને પણ હજુ કંઈ જ ખબર નથી. પડોશમાંથી કોઈએ ફાયરીંગનો અવાજ સાંભળ્યો એટલે પોલીસને ફોન કર્યો. એ લોકો આવ્યા ત્યારે એમને આ ત્રણ બોડી મળી. એ લોકો જીવે છે કે નહી તે પણ હોસ્પિટલમાં એક્ઝામીન ન કરે ત્યાં સુધી પોલીસ જણાવી શકે નહી.

મનુભાઈએ વાત સાંભળી રઘવાયા થઈને ફોન આવ્યો ત્યારે શું સાંભળ્યું તે કહેતા ગયાં, અને તે સાંભળતાં જ એના ઉપરીને બોલાવી વાત કરી. મનુભાઈ અને સરલાબહેન જ હમણા તો આ આખા બનાવના અપરોક્ષ સાક્ષી લાગતાં તેમને પોલીસ સ્ટેશને આવવા કહ્યું. કિશન અને સ્નેહા પણ પેલી સ્ટ્રેચરમાં લઈ જવાતી બોડીઓ જોઈને સાવ જ ભાંગી પડ્યા હતાં. તેમાં પાછી મનુભાઈની અને સરલાબહેનની માનસિક પરિસ્થિતિ જોઈને શું કરવું તે જ સમજાતું નહોતું.

સરલાબહેને માંડ માંડ થોડી સ્વસ્થતા મેળવી અને પોલીસને સહકાર આપવાની તૈયારી બતાવી.

મનુભાઈ તો એક જ વાતનું રટણ લઈને બેઠાં હતાં, ‘કોઈ તો મને કહો, એ લોકો જીવે છે કે નહીં?’

ઑફીસરે કિશનને સમજાવ્યું કે જ્યાં સુધી હોસ્પિટલના ડૉકટર એક્ઝામીન કરીને જાહેર ન કરે ત્યાં સુધી કાયદાની દ્રષ્ટિએ કોઈને પણ કોઈ પણ માહિતી ન અપાય. અને એ લોકો તરફથી થોડો સહકાર માંગ્યો. પછી ખૂબ નમ્રતાથી એ લોકોને પોલીસ સ્ટેશને આવવા વિનંતી કરી.

મનુભાઈ અને સરલાબહેનને પોલીસની કારમાં બેસાડ્યા અને કિશન અને સ્નેહાએ તેમની કાર પોલીસકારની પાછળ લીધી. કારમાં બેસતાં જ સ્નેહાએ નમન અને નંદાને કોન્ફરંસ કોલ જોડ્યો અને અત્યાર સુધીમાં જે બન્યું અને જે જોયું તે જણાવ્યું. કિશને એ બન્ને જણને જે પોલીસસ્ટેશને એ લોકો જતાં હતાં, ત્યાં બને એટલું જલ્દી આવી જવાનું કહ્યું.

અંગ્રેજી ન આવડતું હોવાને લીધે ધનુબા એકલા હોય તો ભાગ્યે જ ફોન ઊપાડે, એ ખબર હોવા છતાં, સ્નેહાને ધનુબા યાદ આવ્યા એટલે કિશનને પૂછ્યા વગર જ ઘરે ફોન જોડ્યો. અને જેમ મોટેભાગે થાય છે તેમ જ થયું – ધનુબાએ ફોન ન ઉપાડ્યો.

પોલીસ સ્ટેશનમાં સરલાબહેન અને મનુભાઈ રડવાનું ખાળતાં, ગૂમસૂમ બેઠાં હતાં. એક પોલીસે બન્ને જણને ચા આપી અને સ્વસ્થ થવા કહ્યું. ત્યાં તો સ્નેહા અને કિશન પણ આવી ગયાં. ઈન્ચાર્જ ઑફીસરે મનુભાઈ અને સરલાબહેનની વાતો ફરી સાંભળી અને ત્યાં બનેલા બનાવનો તાગ મેળવવા મથતા હતાં. કિશનને લાગ્યું કે ફોઈનાં ઘરના ટેન્શનની વાત કરી થોડી ક્લ્યુ આપવી જોઈએ. પરંતુ એ લોકો એ વાતને કદાચ મોટું સ્વરૂપ આપી અને વાત છાપે ચઢાવી બેસે તો – એ ડરે એ ચૂપ રહ્યો.

ત્યાં તો સરલાબહેનની કોઠાસૂઝે કિશનની મુંઝવણ દૂર કરી, ‘ઑફીસર, અમને ખબર છે ત્યાં સુધી એ લોકોનાં ઘરમાં છેલ્લા થાડા સમયથી ટેન્શન રહેતું હતું.’

‘શાનું ટેન્શન, ખબર છે તમને ?’

‘ના, અમને નથી ખબર ‘ એ વાત કરવી યોગ્ય ન લાગતાં સરલાબહેને કહ્યું.

કિશનને થયું કે વાત વધારે ગૂંચવાય તમાં ગેરલાભ આ બે કુટુંબોને જ વધારે થશે એટલે જવાબદારી પોતાને માથે લઈ બોલ્યો, ‘સર, મને થોડી ખબર છે.’

ઑફિસરે પૂછ્યું, ‘બોલો શું ખબર છે ?’

કિશને મનો-મન ભગવાનનું નામ લઈને કહેવાનું શરુ કર્યું ત્યારે અચાનક મનુભાઈ તરફ એનું ધ્યાન ગયું અને એમના મોં પર સખત અણગમો જોયો , છતાં એણે આખરી નિર્ણય લઈ લીધો, ‘સર, એ વાત ખૂબ જ સેન્સિટિવ છે. મહેરબાની કરી આ વાત મીડીયામાં ન પહોંચે એની તમે ખાત્રી આપી શકો ?’

ઓફીસરનાં કાન સરવા થઈ ગયા, ‘તમે આગળ વાત કરો. મીડીયાને અમે હમણા કંઈ નહી કહીએ, ઓ.કે?’

‘જે જુવાન છોકરો ઈન્જર્ડ થયો છે તે મારો કઝીન થાય.’ કહી ઊંડો શ્વાસ લઈ બોલ્યો, ‘અને એણે એક વખત મને, મારા નાના ભાઈ નમનને અને નાની બહેન નંદાને કહ્યું હતું કે એ ‘ગે’ છે.’

ઑફીસર એકદમ જ સજાગ બની ગયો, ‘ ઓહ, આઈ, સી. તો એમ વાત છે !’

‘જો કે એવું હું ધારું છું કે આ બનાવને આ વાત સાથે કદાચ સંબંધ હોય એમ બને – આઈ એમ નોટ શ્યોર.’

કિશને કરેલી આ વાત મનુભાઈને યોગ્ય નહોતી લાગતી એટલે એ વાતને વાળવા માટે મનુભાઈ ‘ મારા બેન, બનેવી અને ભાણજો ઓ.કે છે કે નહીનું’ રટણ શરૂ કર્યું.

આ લોકોને નિખાલસતાથી વાત કરતાં જોઈને ઑફિસરે પણ સહકાર આપવા માંડ્યો, અને ફોન કરીને રીસેપ્શનમાં, હોસ્પીટલમાંથી કોઈ સમાચાર આવ્યા કે નહીં તે પૂછ્યું. અને ન આવ્યા હોય તો તપાસ કરવાનું કહી કિશન સામે જોઈ વાતને સમજવા પ્રયત્ન કરવા માંડ્યો .

‘સર, સાચું કહું તો અમને બીજી કાંઈ ખબર નથી અને આ પણ જે કહ્યું તે અમારું ‘ગેસીંગ – પોસિબિલિટિ’ માત્ર છે.’

‘સમજું છું, છતાં ય બીજી પોસિબિલિટિસ્ પણ અમારે ચેક કરવી પડે, ધેટ મેઈક સેંસ, બટ એ સિવાય ફોર્સ્ડ મેરેજ કે ડોમેસ્ટિક વાયોલંસ એવું કાંઈ હતું ? તમને એ વિષે કાંઈ ખબર છે ?’

‘નો, આઈ ડોન્ટ થીંક સો.’

‘અમારે તો બધી પોસિબિલિટિ વિચારવી પડેને? એની વે એ યંગમેન કેટલા વર્ષનો છે?’

સરલાબહેને જવાબ આપ્યો,’ ૨૬ વર્ષનો’

કિશન કંઈ બોલવા ગયો જ ત્યાં તો ઑફીસરના ફોનની રીંગ વાગી, ‘હેલો સાયમન, વોટ્સ ધ ન્યુઝ?’

સાયમને કહ્યું, ‘અહીં આ ઘાયલ થયેલી સ્ત્રી ભાનમાં આવી છે અને એ એના ભાઈ, જેને ‘મનુ’ કે એવું કાંઈ નામ કહે છે, તેની સાથે વાત કરવી છે.’

‘બીજા બે જણનું શું થયું ? જીવે છે?’


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.