કાચની કીકીમાંથી – ૨૩ – ખીણોના ભંડારની મુલાકાતે

Facebooktwitterredditpinterestlinkedinmail

– ઈશાન કોઠારી

અમે ઉત્તરાયણ વખતે નાશિક(મહારાષ્ટ્ર)ની આગળ આવેલા ભંડારદરા નામના હિલસ્ટેશન ફરવા ગયા હતા. ભંડારદરા નાશિકથી આશરે 78 કિ.મી. જેટલું હતું. ભંડારદરા ગામમાં ઉતરવાની કોઈ સુવિધા નથી, પણ ‘ભંડારદરા ડેમ’ જ્યાં આવેલો છે એ ગામનું નામ શેન્‍ડી હતું. પ્રવાસસ્થળ તરીકે તે જ વિકસેલું છે. અમને આ નામ વિશે બીજા દિવસે ખબર પડી.

******

પશ્ચિમ ઘાટમાં આવેલા ભંડારદરામાં આર્થર લેક એક સુંદર જગ્યા છે નિરાંતે બેસવા માટેની. વિલ્સન ડેમની પાછળ બનેલું આ જળાશય છે. અહી બોટીંગ પણ થાય છે.

****** દર શનિ-રવિ અહી પ્રવાસીઓની ઘણી ભીડ જોવા મળે છે. આર્થર-લેકમાં સામાન્ય દિવસે ત્રણ-ચાર બોટ જ જોવા મળે. પણ શનિવારના આગલા દિવસે વધુ પ્રવાસીઓને પહોંચી વળવા માટે બીજી બોટ પાણીમાં ઉતારવામાં આવતી હતી. તે વખતે હું તેમના ફોટા પડતો હતો અને તેમને બોટ ખસેડવામાં મદદ પણ કરી હતી. બોટના તળિયાને નુકસાન ન થાય તે માટે તેની નીચે ટાયર મૂકવામાં આવતાં હતાં. બોટ પ્રમાણમાં ઘણી ભારે હતી તેથી જોશ વધારવા સૌ ‘જોર લગા કે….. હઇશા’ બોલીને બધા જુસ્સો વધારતા હતા. નીચે પણ એવો બોટ ઊચકતો ફોટો મૂક્યો છે.*****

અમે ગામમાં રોજ સવારે ચાલવા નિકળી પડતા હતા. સવારમાં લોકો એકદમ નિરાંતના મૂડમાં રહેતા. બસ સ્ટેન્‍ડ અહીંનું મુખ્ય કેન્‍દ્ર હતું.

અહીં સૌ સવારની નિરાંત માણી રહ્યા છે.

*****

અમે સવારે ચાલવા નીકળ્યા ત્યાં એક ગલીમાં એક મકાનની પાળી પર ત્રણ સ્ત્રીઓ બેઠેલી હતી. આ ત્રણેને બેઠેલા જોયા એટલે મને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પાડવાનું સુઝ્યું. બ્લેક એન્ડ વ્હાઇટમાં સુંદર દેખાય છે એટલું સુંદર રંગીન ફોટામાં નથી જામતું. આ ત્રણે પોતાના ઘરકામની ચિંતા કર્યા વગર નિરાંતે વાતો કરતાં હતાં.

*****

અહીં વહેલી સવારે બધા કાકાઓ સાથે ચા-નાસ્તો કરતા જોવા મળે. મોટા ભાગના કાકાઓ સફેદ ટોપી પહેરે છે. તેથી તેમના પોર્ટ્રેટ પાડવાની ખૂબ મજા આવતી હતી. તેમનો ફોટો પાડું એટલે તેઓ હસી પડતા. એવો જ એક ફોટો નીચે મૂક્યો છે.

*****

અહીંથી ઘણા શિખરો પર ટ્રેકિંગ દ્વારા જઈ શકાય છે. અમે રતનગઢ જવાનું નક્કી કર્યું, કેમ કે, તેની ટોચે કિલ્લો હતો. અમે ટ્રેક ચાલુ કર્યો ત્યાં નાનકડું તળાવ હતું, જેની વચ્ચોવચ ઝાડ ઉગેલા હતા. જાણે કોઈ ભૂતિયા જગ્યા પર આવી ગયા હોઈએ એવું લાગતું હતું.

******

રતનગઢ પર એક કિલ્લો છે. બધા જ ટ્રેકર્સ અહીં તો જાય જ. અમે પણ અહીં ગયા હતા. પહેલા ચઢાણ ઘણું સહેલું લાગતું હતું. પણ પછી ધીમે-ધીમે સતત ચાલવાના લીધે ખૂબ થાક લાગ્યો હતો. તેથી અમે રસ્તામાં ટ્રેક કરીને પાછા આવતા લોકોને પૂછતા કે હજી કેટલું દૂર છે? લોકો એવું જ કહેતા હતા કે બસ 50% જ બાકી છે, 40%જ બાકી છે. પણ અમને ખબર હતી કે તેઓ અમારો ઉત્સાહ વધારવા કહે છે. પછી માંડ 4- 5 કલાકે અમે પહોંચી રહ્યા. નીચે મૂકેલો ફોટો રતનગઢ કિલ્લાનો છે.


*****

કિલ્લાની બે દીવાલ વચ્ચેથી દેખાતો પર્વત. આ જગ્યા પર અમે ભરબપોરે પહોંચ્યા હતા. જેથી ફોટો ખૂબ ઝાંખો આવતો હતો. પછી જ્યારે મેન્યુઅલ મોડ પર પાડ્યો ત્યારે કંઈક સારો ફોટો આવ્યો.

*****

રતનઘડ પહોંચી ગયા પછી ત્યાં આવેલી એક ગુફામાંથી આખો નજારો દેખાય તેવો ફોટો લીધો છે. અમને એટલો અચંબો લાગતો હતો કે અમે આટલું બધું ચઢ્યા હતા. છેક નીચે દેખાતી નદીથી ચડીને અમે છેક ઉપર આવ્યા હતા અને એ પણ પાંચેક કલાકમાં.

*****

ભંડારદરાથી વીસેક કિ.મી દૂર એક સ્થળ છે જે સંધાન વેલી તરીકે ઓળખાય છે. બે દિવાલ વચ્ચેથી પથ્થરવાળા રસ્તે આગળ વધતાં ફક્ત એકજ માણસ પસાર થઈ શકે એટલું સાંકડું છે. જો કે, અમે છેક અંદર નહોતા જઈ શક્યા. જાણે આપણે ગ્રાન્ડ કેન્યોનમાં આવી ગયા હોઈએ એવું લાગે.

*****

અહીં આખી એક પર્વતમાળા દેખાતી હતી. એમાં એક પર્વતનો આકાર જાણે કે માણસના ચહેરા જેવો દેખાતો હતો. અમારું ધ્યાન પડ્યું કે આ પર્વતનો આકાર બિલકુલ આલ્ફ્રેડ હીચકોકના ચહેરા જેવો દેખાય છે.

*****

આ ત્રણે કાકાઓ પોતાની દુકાનનો માલસામાન આવે તેની રાહ જોતા હતા. ત્રણે એકબીજાથી અલગ દિશામાં જોઈ રહ્યા હતા. તેઓ માછલી વેચતા હતા .

*****

આ માસી ઘણા ફોટોજેનિક હતા. તેમનો ફોટો પાડ્યો તો તેઓ ઘણા ખુશ થઈ ગયા. બ્લેક એન્ડ વ્હાઇટમાં તે વધારે સુંદર દેખાય છે .

*****

માસીનો ફોટો પાડ્યો પછી અમે એમના છોકરાઓને પણ સાથે ફોટો પાડવા માટે બોલાવી લીધા. તેમનો ફોટો પાડીને તેમને બતાવ્યો તો તેઓ ખુશખુશાલ થઈ ગયા.

ભંડારદરાના બસસ્ટેશન આગળ ચાર કાકાઓ નિરાંતથી બેઠેલા જોવા મળે છે. તેઓ બસની રાહ જોઈને બેઠા ન હતા. આ એમની બેઠક હતી.

*****

પહેલાં મેં એકલા બારણાંનો ફોટો લેવાનું વિચાર્યું, પણ તે એટલો સારો ન લાગતો હતો. ત્યાં જ મને એક પીપડું દેખાયું અને બંને એક જ ફ્રેમમાં આવે એવો ફોટો લીધો. એ રીતે ફોટો વધારે સારો બન્યો, જે નીચે મૂકેલો છે.

આ ફોટામાં મકાન પર બનાયેલી ડિઝાઇન સારી લાગે છે અને મકાનનો રંગ પણ સારો લાગે છે.

*****

અમે રોજ સવારે ચાલીને ચા પીવા આ ‘હોટલ’ પર આવતા. અમને આ જગ્યા એટલી ફાવી ગઈ હતી કે અમે ત્યાં જ નાસ્તો કરવા જતા. જે કાકા ફોટામાં દેખાય છે તેઓ આ હોટલના માલિક હોવા ઊપરાંત એક સ્થાનિક અખબારના ખબરપત્રી પણ હતા. એટલે તેમના માટે ચાની લારી સંભાળવાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ છાપુ વચવાનું પણ છે.

*****

ભંડારદરામાં અમે ત્રણેક દિવસ ગાળ્યા. અહીં મેં ત્યાંના જનજીવનની તસવીરો વધુ મૂકી છે. તેના નૈસર્ગિક સૌંદર્યની, એ સ્થળોની તસવીરો શચિ કોઠારીએ લીધી છે, જે બીરેન કોઠારીના બ્લૉગ પર અહીં http://birenkothari.blogspot.in/2018/02/2018.html જોઈ શકાશે.

ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વીજાણુ સરનામે થઇ શકશે.

6 comments for “કાચની કીકીમાંથી – ૨૩ – ખીણોના ભંડારની મુલાકાતે

 1. Piyush Pandya
  April 28, 2018 at 10:49 am

  ઉગીને હજી ઉભો થતો નવયુવાન ‘રંગીન કરતાં B/W ફોટોગ્રાફી જામે’ એવું લખે એ વાંચવાનો આનંદ અનેરો છે. વર્ણન અને તસ્વીરો હંમેશની માફક, ખુબ જ રસપ્રદ.

 2. MAHESHCHANDRA NAIK
  April 28, 2018 at 11:24 am

  Congratulations to Shri Ishanbhai…..Best Wishes….

 3. Anila Patel
  April 28, 2018 at 2:33 pm

  કુદરતની સહેલમાં
  ને
  મનના મહેલમાં.

 4. Kalpana Desai
  April 28, 2018 at 4:18 pm

  બારીક નજરની તસવીરકલા. સરસ ફળદાયી પ્રવાસ. ?

 5. Neetin D Vyas
  April 29, 2018 at 7:48 pm

  આપણા દેશમાં જો સ્વચ્છતા, થોડી સુવિધાઓ અને ચોખ્ખું પીવા અને રસોઈમાટે નું પાણી મળીરહે તો પર્યટન નો વિકાસ થશે અને તે માટેના સ્થળો ઘણા સરસ છે. રસ્તાઓનો વિકાસ ઝડપભેર થઇ રહ્યો છે તે સારીવાત છે. આપણા સચિત્ર લેખ બદલ અભનંદન।

 6. PH Bharadia
  May 8, 2018 at 12:27 am

  ઈશાન ભાઈ સરસ ફોટોઝ લીધા છે, રળિયામણા દ્રશ્યો ના ફોટો જો ફીલ્ટર લગાડીને લીધા હોત વધુ ક્લિઅર આવત,
  જો આવા દ્રશ્યોના ફોટો જો મોબાઈલ નાં કેમેરાખી લેવાયા હોયતો હવે પછી તેનો આવા સરસ કુદરતી સૌંદર્યના ફોટો
  ડીજીટલ SLR (જેના લેન્સ ખુબજ સારી કક્ષાના હોય છ)કેમેરાનો ઉપયોગ ફોટોનું રીઝલ્ટ એકદમ સરસ આંખેવળગે તેવું આવે.
  આ લખેલી વાત એક સુચન છે,બીજું માની ના લેશો.તમે ઈશાન ભાઈ તમ તમારે આગે બઢતે જાવ રુકના નહિ.
  આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *