ફિલ્મીગીતોમાં પક્ષીઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

જુદા જુદા વિષયોને સાંકળીને રચાયેલા ફિલ્મીગીતોમાં પક્ષીઓને પણ મહત્વ અપાયું છે. ક્યારેક પક્ષીને સંબોધીને આ ગીતો રચાયા છે તો ક્યારેક અન્ય રીતે તેનો ઉલ્લેખ કરાયો છે. તેમાંના થોડાકનો આ લેખમાં સમાવેશ થયો છે.

આપણે માની છીએ કે જ્યારે કાગડો બોલે ત્યારે કોઈ મહેમાન આવશે. આ જ વિચારને સાંકળતું ૧૯૫૦ની ફિલ્મ ‘આંખે’નું આ ગીત છે જેમાં નલિની જયવંત પોતાના પિયુને યાદ કરીને ગાય છે:

मोरी अटरिया पे कागा बोले
मोरा जिया डोले कोई आ रहा है

ભરત વ્યાસની આ કલ્પનાને સજાવી છે મદન મોહને અને સ્વર આપ્યો છે મીના કપૂરે.

૧૯૫૦ની જ અન્ય ફિલ્મ ‘અફસર’માં મનને મોર સાથે સરખાવીને તે કોઈને કારણે મતવાલું થયું છે તેવા ભાવાર્થવાળું ગીત છે:

मन मोर, मन मोर हुआ मतवाला
किसने जादू डाला रे किसने जादू डाला

વિડીઓમાં કલાકાર નથી દર્શાવાઈ પણ ફિલ્મમાં નાયિકા સુરૈયા છે એટલે તેના ઉપર આ ગીત રચાયું હશે એમ લાગે છે. ગાનાર સુરૈયા. ગીતકાર નરેન્દ્ર શર્મા અને સંગીતકાર સચિન દેવ બર્મન.

આ જ ગીતમાં આગળની પંક્તિમાં પપીહાનો પણ ઉલ્લેખ છે.

બાળકોને મનોરંજન થાય એ માટે કે રીસાયેલ બાળકને મનાવવા માટે પશુ પક્ષીને સાંકળી લઈને ગીતો ગવાયા છે જેમાં ૧૯૫૭ની ફિલ્મ ‘અબ દિલ્હી દૂર નહીં’ના આ ગીતમાં એક કરતાં વધુ પક્ષીઓ અને પશુઓનો ઉલ્લેખ છે.

चुन चुन करती आयी चिड़िया
दाल का दाना लाइ चिड़िया
मोर भी आया कौआ भी आया
चूहा भी आया बन्दर भी आया

બાળક રોમીને મનાવવા યાકુબ આ ગીત અદાકારી સાથે ગાય છે. ગીતના રચયિતા શૈલેન્દ્ર, સંગીત આપ્યું છે દત્તારામ વાડકરે અને સ્વર છે રફીસાહેબનો.

કોયલને ઉલ્લેખીને ઘણા ગીતો છે જેમાં પ્રથમ યાદ આવે ૧૯૫૭ની ફિલ્મ ‘સુવર્ણ સુંદરી’નું.

कुहू कुहू बोले कोयलिया
कुञ्ज कुञ्ज में भंवरे डोले गुण गुण बोले

અંજલીદેવી અને નાગેશ્વર રાવ પર ફિલ્માવાયેલ આ નૃત્યગીતના ગીતકાર છે ભારત વ્યાસ અને સંગીત આપ્યું છે આદિ નારાયણ રાવે. સ્વર છે લતાજી અને રફીસાહેબના.

સદીઓથી આપણા ભારતદેશની સમૃદ્ધિને લઈને તેનો ઉલ્લેખ સોનાની ચિડીયા તરીકે કરાય છે અને એ જ સંદર્ભમાં ૧૯૬૫ની ફિલ્મ ‘સિકંદર-એ-આઝમ’ના ગીતમાં તેને આવરી લઇ જે ગીત રચાયું છે તે છે:

जहाँ डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा
वो भारत देश है मेरा वो भारत देश है मेरा

સિકંદર સામે યુદ્ધમાં જતી સેના ઉપર રચાયેલ આ ગીત પાર્શ્વભૂમિમાં છે જેના ગાયક કલાકાર છે રફીસાહેબ. રાજીન્દર ક્રિશ્નના શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે હંસરાજ બહલે.

મિલનની ઘડીઓમાં પ્રકૃતિનો સાથ લઇ નાયિકા આશા પારેખ જે ગીત ગાય છે તેમાં (ચાતક) પપીહાને યાદ કરીને કહે છે

सुनो सजना पपीहे ने
कहा सब से पुकार के
संभल जाओ चमन वालो
के आये दिन बहार के

૧૯૬૬ની ફિલ્મ ‘આયે દિન બહાર કે’ના આ ગીતના રચનાકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે લતાજીનો.

નાયક નાયિકા પોતાનો પ્રેમ વ્યક્ત કરવા પક્ષીઓને પણ પ્રતિકાત્મક રૂપે સામેલ કરી ગીતો ગાય છે આવું એક ગીત છે ૧૯૬૬ની અન્ય ફિલ્મ ‘પ્યાર કિયે જા’નું.

ओ मेरी मैना तू मान ले मेरा कहेना
अरे मुश्किल हो गया रहना तेरे बीना

મહેમુદ અને મુમતાઝ પરના આ ગીતમાં મહેમુદ મુમતાઝને મેના તરીકે અને આગળ જતા મહેમુદ પોતાને કબૂતર રૂપે વર્ણવે છે. કમનસીબે મસ્તીભર્યા આ ગીતનો વીડિઓ ઉપલબ્ધ નથી. ગીતના રચયિતા રાજીન્દર ક્રિશ્ન. અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે ઉષા મંગેશકર અને મન્નાડેના

.૧૯૬૮ની ફિલ્મ ‘ગૌરી’માં નૂતન પોતાનાં મનના ભાવો આ પ્રમાણે વ્યક્ત કરે છે:

मोर बोले चकोर बोले
आज राधाके नैनो में श्याम डोले

રાજીન્દર ક્રિશ્નનાં શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે રવિએ. કંઠ છે લતાજીનો.

રાજેન્દ્ર કુમારને રીઝવવા શર્મિલા ટાગોર તેને હંસ સાથે સરખાવે છે. ૧૯૬૯ની ફિલ્મ ‘તલાશ’નું આ ગીત છે

खायी है रे हमने कसम संग रहेने की
आयेगा रे उड के मेरा हंस परदेशी.

લતાજીના સ્વરમાં ગવાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત છે સચિન દેવ બર્મનનું.

બાળકોને શિક્ષણ ગીત દ્વારા અપાય તેમાં પક્ષીનો ઉલ્લેખ થાય તેવું ગીત છે ૧૯૭૦ની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં.

तीतर के दो आगे तीतर
तीतर के दो पीछे तीतर
बोलो कितने तीतर

સીમી ગરેવાલ અને રિશીકપૂર પર આ ગીત રચાયું છે જેના ગાનાર કલાકાર છે આશા ભોસલે અને મુકેશ. હસરત જયપુરીના શબ્દો છે અને સંગીત છે શંકર જયકિસનનું.

પપીહાને લઈને અન્ય એક ગીત છે ૧૯૭૧ની ફિલ્મ ‘ગુડ્ડી’નું.

बोले रे पपीहरा, पपीहरा
नीत घन बरसे नीत मन प्यासा

જયા ભાદુરી પર આ ગીત રચાયું છે જેના ગાનાર કલાકાર છે વાણી જયરામ. ગુલઝારના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે વસંત દેસાઈએ.

સવાલ જવાબના રૂપે ૧૯૭૧ની ફિલ્મ ‘આપ આયે બહાર આઈ’નું ગીત પણ શરૂઆતમા કોયલને યાદ કરે છે.

कोयल क्यों गाये,

જવાબ મળે છે

बाग़ से जब पतज़ड जाए

સવાલ રાજેન્દ્ર કુમારનો અને જવાબ સાધનાનો. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે લતાજી અને રફીસાહેબના.

जुठ बोले कौवा काटे काले कौवे से डरीयो

આ પ્રચલિત ગીત છે ૧૯૭૫ની ફિલ્મ ‘બોબી’નું. રીસામણાં મનામણાનાં સંદર્ભમાં આ સમૂહગીત રચાયું છે જેના મુખ્ય કલાકાર છે રિશીકપૂર અને ડિમ્પલ કાપડીયા. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના. શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે લતાજી અને રફીસાહેબના.

પ્રેમભાવને વ્યક્ત કરવા પક્ષીઓને પણ પ્રતિકાત્મક બનાવાય છે જે ૧૯૭૪ની ફિલ્મ ‘ચોર મચાયે શોર’માં જોવા મળે છે. આ ગીતમાં પોપટ અને મેનાનો ઉલ્લેખ છે

एक डाल पर तोता बोले एक डाल पर मैना
दूर दूर बैठे है फिर भी प्यार तो हिना

ઇન્દ્રજીત તુલસીના શબ્દોને રવીન્દ્ર જૈને સ્વરબદ્ધ કર્યા છે જેને ગાયું છે લતાજી અને રફીસાહેબે. કલાકારો શશીકપૂર અને મુમતાઝ.

https://youtu.be/S9ticLRysrk\

મનના ભાવોને વ્યક્ત કરતુ ૧૯૭૫ની ફિલ્મ ‘પ્રતિજ્ઞા’નું અલંકારિક ગીત છે

मोरनी रे मोरनी मै जंगल की मोरनी

હેમા માલિની આ ગીતના કલાકાર છે. આનંદ બક્ષીના. શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે લતાજીનો.

અગાઉ જણાવ્યું તેમ પ્રેમભાવને વ્યક્ત કરવા પક્ષીઓને પ્રતિકાત્મક બનાવાય છે પણ ૧૯૭૬ની ફિલ્મ ‘ફકીરા’માં તો એમ કહે છે કે મેના પોપટની વાર્તા તો હવે જુની થઇ ગઈ

तोता मैना की कहानी तो पुरानी हो गई
अब सब के लबो पर ये ताज़ा खबर
एक लड़की दीवानी हो गयी

શશીકપૂર અને શબાના આઝમી પર રચાયેલ આ ગીતના કવિ અને સંગીતકાર છે રવીન્દ્ર જૈન. સ્વર છે લતાજી અને કિશોર કુમારના.

ફરી એકવાર કોયલને યાદ કરીએ. ૧૯૭૯ની ફિલ્મ ‘સરગમ’માં આ ગીત છે.

कोयल बोली दुनिया डोली
समझो दिल की बोली

મૂંગી જયા પ્રદા પોતાના મનના ભાવો વગર વાચાએ રિશીકપૂરને જણાવે છે તે આ ગીતની ખૂબી છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે લતાજી અને રફીસાહેબનાં.

પહેલાના જમાનામાં સંદેશ વ્યહવાર માટે કબૂતરનો ઉપયોગ થતો. પ્રેમી પ્રેમિકા પણ પોતાના પ્રેમસંદેશને આ દ્વારા મોકલતા. એ ભાવવાળું પ્રચલિત ગીત છે ૧૯૮૯ની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’નું.

कबूतर जा जा जा,
कबूतर जा जा जा,
पहले प्यार की पहली चिट्ठी
चिट्ठी साजन को दे आ

સલમાનખાન અને ભાગ્યશ્રી આ ગીતના કલાકારો છે જેને સ્વર આપ્યો છે લતાજી અને પી. બાલાસુબ્રમનિયમે. અસદ ભોપાલીના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે રામ લક્ષ્મણે.

૧૯૯૧ની ફિલ્મ ‘લમ્હે’માં મોરણીને યાદ કરીને શ્રીદેવી આ નૃત્યગીત રજુ કરે છે

मोरनी बाघा माँ बोले आधी रात को
ઈલા અરૂણ અને લતાજીના સ્વરમાં ગવાયેલ આ ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે શિવ હરી.

સ્વ. ઝવેરચંદ મેઘાણીનું અતિ લોકપ્રિય ગીત જેમાં મનને મોર ગણાવ્યો છે અને તે થનગાટ કરે છે તે વાત ૨૦૧૩ની ફિલ્મ ‘રામલીલા’ના આ ગીતમાં સમાવાઈ છે

मोर बनी थनगाट करे

દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ જેના કલાકાર છે તે ગીતના રચયિતા છે સિદ્ધાર્થ અને ગરિમા અને તેને સંગીત આપ્યું છે સંજય લીલા ભણશાલીએ. ગાયક કલાકાર અદિતિ પોલ અને ઓસમાણ મીર. કોપીરાઇટને કારણે આની વિડીઓ પણ ઉપલબ્ધ નથી.

સંભવ છે કે કોઈક ગીતો જેમાં પક્ષીઓનો ઉલ્લેખ હોય તે આમાં સામેલ ન કરાયા હોય.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *