ફિર દેખો યારોં : આ પણ વિકાસનો એક પ્રકાર છે! ભલે, રાજી ન થઈએ.

-બીરેન કોઠારી

વર્તમાન ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાની છેલ્લી ચૂંટણી દરમિયાન ‘હું છું ગુજરાત, હું છું વિકાસ’નું સૂત્ર વહેતું મૂકાયું. તેને પગલે ‘વિકાસ ગાંડો થયો છે’ની મજાક પણ પ્રચલિત બની. વિકાસની ખરેખરી વ્યાખ્યા શી એ બાબતે ભાગ્યે જ એકમત જોવા મળે. સરકારો પોતાના કાર્યકાળમાં બનેલા પાકા માર્ગો, ઈમારતો કે પુલોને વિકાસમાં ખપાવે છે, જેને મોટા ભાગના નાગરિકો માની લે છે. એ વિકાસ છે એનો ઈન્‍કાર નથી, પણ કેવળ એટલાને જ વિકાસ ગણાવાય ત્યારે આપણી સમજણને નવેસરથી ચકાસવી પડે.

ક્યારેક એવા એવા માપદંડ સાથે વિકાસની એવી વ્યાખ્યા અનાયાસે સંકળાય છે કે આશ્ચર્ય થયા વિના રહે નહીં. તાજેતરમાં દેશનાં વિવિધ રાજ્યો દ્વારા પહેલવહેલી વાર હાથ ધરાયેલા એક વિશિષ્ટ પ્રયાસના આંકડા જાહેર કરવામાં આવ્યા. છેલ્લા સોળ વર્ષમાં, એટલે કે 2016 સુધીના ગાળામાં ભારતમાં બિમારીઓનું ભારણ કેવું છે એ અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસનું તારણ જણાવે છે કે વધુ વિકસીત રાજ્યો ચેપી રોગોને નિયંત્રણમાં રાખવામાં સફળ રહ્યા છે, પણ બિમારીનું ભારણ જરાય ઓછું કહી શકાય એમ નથી. ડાયરિયાથી થતાં મૃત્યુનું સ્થાન હવે મધુપ્રમેહ (ડાયાબિટીસ) સાથે જીવતા દરદીઓએ લીધું છે.

બીજા શબ્દોમાં કહીએ તો છેક 1990 ના દાયકાથી ભારત વિશ્વનું મધુપ્રમેહ પાટનગર બનવા તરફ ગતિ કરી રહ્યું છે. ભારતના નેશનલ હેલ્થ પોર્ટલના જણાવ્યા મુજબ દેશમાં 6.92 કરોડ મધુપ્રમેહના દરદીઓની સંખ્યા સાથે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે દસ કરોડ દરદીઓ સાથે ચીન છે. આ સમગ્રપણે દેશની વાત છે, પણ અન્ય એક અભ્યાસ મુજબ આપણા દેશમાં મધુપ્રમેહ બાબતે જે તરાહ જોવા મળે છે એ વિશિષ્ટ છે. ભારતનાં 15 રાજ્યોમાં તેની વસતિના 7.3 ટકા લોકોને મધુપ્રમેહ છે. બિહારમાં 4.3 ટકા જેટલા ઓછા પ્રમાણથી લઈને પંજાબમાં 10 ટકા જેટલું વધુ પ્રમાણ જોવા મળે છે. શહેરી વિસ્તારોમાં તેનું પ્રમાણ 11.2 ટકા જેટલું ઊંચું અને ગ્રામ્ય વિસ્તારોમાં તે 5.2 ટકા જેટલું નીચું છે. ઈશાન ભારતનાં રાજ્યોમાં તે 5.9 ટકા છે, જ્યારે મુખ્ય રાજ્યોમાં તે 8.3 ટકા છે.

આશ્ચર્ય પમાડે એવું તારણ એ છે કે જે રાજ્યોમાં માથાદીઠ જી.ડી.પી. (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ઊંચી છે તેમાં મધુપ્રમેહનો વ્યાપ વધુ જોવા મળ્યો. એટલે કે સામાજિક-આર્થિક મોભો જેમ ઊંચો એમ મધુપ્રમેહનું પ્રમાણ વધુ. ગ્રામ્ય વિસ્તારોમાં સુદ્ધાં આ રોગ એવા લોકોમાં વધુ જણાયો જેમનો સામાજિક-આર્થિક મોભો ઊંચો હતો. ચંદીગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા સમૃદ્ધ પ્રદેશોમાં સામાજિક-આર્થિક મોભો નીચો હોવા છતાં મધુપ્રમેહનું પ્રમાણ ખાસ્સું ઊંચું જોવા મળ્યું. પ્રિડાયાબિટીસ એટલે શર્કરાનું એવું પ્રમાણ જે સામાન્ય કરતાં વધુ હોય, પણ મધુપ્રમેહના રોગ માટે ઓછું હોય. બોલચાલની ભાષામાં તેને ‘બોર્ડરલાઈન ડાયાબિટીસ’ કહેવાય છે. તમામ પંદર રાજ્યોમાં આવા લોકોનું પ્રમાણ 10.3 ટકા છે. મિઝોરમમાં તે 6 ટકાથી લઈને ત્રિપુરામાં 14.7 ટકા જેટલું ઊંચું હતું.

આ સ્થિતિ માટેનાં કારણભૂત પરિબળોમાં વય, લિંગ, સ્થૂળતા, લોહીનું ઊંચું દબાણ અને વારસાગત મધુપ્રમેહ જેવાં પરિબળો શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર બન્નેમાં અગત્યનાં બની રહે છે. પબ્લિક હેલ્થ ફાઉન્‍ડેશન ઑફ ઈન્‍ડિયાના ડૉ. લલિત દંડોનાની રાહબરી નીચે આ રાજ્યસ્તરીય અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ મધુપ્રમેહ બાબતે આપણી પરિસ્થિતિ એકદમ સ્ફોટક કહી શકાય એવી છે. નવી દિલ્હીની એ.આઈ.એમ.એમ.એસ.ના ડૉ. નિખીલ ટંડને આ બાબત સમજાવતાં કહ્યું છે: ‘જીવનશૈલીમાં થયેલા નાનકડા પરિવર્તનનો ફરક અહીં મોટો પડે છે. જેમ કે, કાર્યસ્થળે સાયકલ પર જનારાઓની સંખ્યા હવે સાવ મર્યાદિત રહી છે. અલબત્ત, સમગ્ર વિશ્વમાં આમ થઈ રહ્યું છે, છતાં ભારતમાં તેની અસરો અનેકગણી દેખાઈ રહી છે.’ જાણકારો કહે છે એમ હવે આ રોગનું નિદાન વહેલું થાય એ મુજબની પદ્ધતિ ઘડવી રહી. ફોર્ટિસ-સી-ડોક સેન્‍‍‍ટર ફોર એક્સેલન્‍સ ફોર ડાયાબિટીસ, મેટાબોલિક ડિસીઝ એન્‍ડ એન્‍ડોક્રાયનોલોજીના ચેરમેન ડૉ. અનુપ મિશ્રાના જણાવ્યા મુજબ: ‘આહાર પસંદગી, નિષ્ક્રીયતા તેમજ તાણ આ માટેનાં પ્રાથમિક પરિબળો છે. શહેરીકરણ તેમજ યાંત્રિકીકરણ થકી તેમાં એ હદે વધારો થવા લાગ્યો કે બાળકો અને યુવાનો પણ સ્થૂળતાનો ભોગ બનવા લાગ્યા છે. તકલીફ એ છે કે આપણી આસપાસનું વિશ્વ બદલાઈ ગયું છે, અને આપણાં જનીનો એમનાં એમ રહ્યાં છે. વધુ કેલરી ધરાવતા આહાર માટે આપણાં શરીર સુસંગત નથી. અગાઉ પડતા સતત દુષ્કાળને કારણે આપણાં શરીર ભૂખમરા દરમિયાન ચરબીનો સંગ્રહ કરી રાખવા ટેવાયેલાં છે. તદુપરાંત આપણે આહારમાં એટલું પ્રોટિન લેતા નથી. આપણે શાકાહારીઓ છીએ, તેથી પ્રોટિનની ચયાપચયતા એટલી કાર્યક્ષમ નથી.’

ભારતીયોમાં શાકાહારીપણું કે પ્રોટિનવિહોણા આહારની સમાનતા નથી, એમ મધુપ્રમેહના રોગમાં પણ અનેક વૈવિધ્ય જોવા મળે છે. ડૉ. ટંડનના જણાવ્યા મુજબ કેવળ જનીનોને એક હદથી વધુ કારણભૂત ગણી શકાય નહીં, કેમ કે, આ પરિવર્તન છેલ્લા બે-અઢી દાયકાઓમાં જ જોવા મળ્યું છે.

આ અભ્યાસ, તેનું તારણ અને પછી તેના નિવારણ માટે રાજ્યસ્તરે કે રાષ્ટ્રસ્તરે જે પગલાં લેવાય એ ખરાં, પણ એ હકીકત છે કે આપણી જીવનશૈલી વધુ ને વધુ બેઠાડુ બનવા તરફ જઈ રહી છે. લોકોની માનસિકતામાં એ પરિવર્તન પણ જોઈ શકાય છે કે એક સમયે શ્રમનો મહિમા હતો, તેને બદલે હવે સામાન્યત: શ્રમની સૂગ વધી રહી છે. જીમમાં જઈને પરસેવો પાડવો જીવનશૈલીનો ભાગ બની રહ્યો છે, પણ સામાન્ય વહેવારમાં શ્રમનો વિનિયોગ ઘટી રહ્યો છે.

વિચિત્ર બાબત એ છે કે સામાજિક મોભાના આપણા વિચારો હજી નાણાંકેન્‍દ્રી જ રહ્યા છે. પોતાનાં સંતાનોને મોંઘીદાટ ફી લેતી શાળામાં વાલી ગૌરવપૂર્વક મૂકે છે, ભલે ને ત્યાં શિક્ષણનું સ્તર સાવ તળિયે ગયેલું હોય! એ જ રીતે આપણે ત્યાં અમુક રોગો મોભાનું પ્રતીક મનાય છે. પોતે અમુકતમુક કિંમતની મોંઘી દવા રોજેરોજ લે છે એ હકીકત દરદીઓ ગૌરવપૂર્વક પોતાના સગાં કે મિત્રો સમક્ષ જાહેર કરે છે. દવા બાબતે આ સ્થિતિ હોય તો વાહન બાબતે શું હશે એ કલ્પના જ કરવી રહી! સાયકલ હવે કેવળ જીમમાં ફેરવવા લાયક ચીજ બની ગઈ છે. આપણા માર્ગો કેવળ દેખાદેખીમાં એટલા બધા પહોળા બનવા લાગ્યા કે તે ફૂટપાથને પણ ગળી ગયા. આ સંજોગોમાં માર્ગ પર સાયકલ ચલાવવાનો વિચાર શી રીતે થઈ શકે?

આમ છતાં, એક તરાહ એ પણ જોવા મળી રહી છે કે સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા ધીમે ધીમે વધી રહી છે. આવા અભ્યાસ અને તેનાં પરિણામોથી એટલો હેતુ સિદ્ધ થાય તો પણ ઘણું!


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨-૪-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

1 comment for “ફિર દેખો યારોં : આ પણ વિકાસનો એક પ્રકાર છે! ભલે, રાજી ન થઈએ.

  1. April 26, 2018 at 8:46 am

    લેખકે પોસ્ટમાં વીશ્વ મધુપ્રમેહ પાટનગર, પોતાનાં સંતાનોને મોંઘીદાટ ફી લેતી શાળાનું ગૌરવ, પહોળા માર્ગ ઉપર સાઈકલ ચલાવવાનો વીચાર અને વીકાસ બાબત લખી સત્ય કેવી રીતે જાણવું એ બતાવેલ છે.

    બીપીએલ એટલે ગરીબી રેખાની નીચેના લોકોને સરકાર સસ્તામાં ઘંઉ અને ચોખા આપે છે. ગામડાંમાં તલાટી અને સરપંચ તથા તાલુકા લેવેલે વીકાસ અધીકારી કે મામલતદાર એ કાર્યવાહી કરે છે. ગરીબ લોકોને વીધી પુરી કરવામાં જે સમય લાગે છે એના પરથી લાગે છે કે ગોદાઉનમાં અનાજ સડી જશે પણ આ ગરીબોને મળે એવી કોઈ જ શક્યતા નથી. 

    ગામનો સરપંચ, મામલતદાર અને વીસ્તારનો ધારાસભ્ય પણ એ માટે એટલો જ જવાબદાર ખરો. લેખકે છેવટે સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતાનો ઉલ્લેખ કરેલ છે. કુપોષણ બાળ મૃત્યુ અને બીપીએલની કાર્યવાહી જલ્દી થવી જોઈએ.

    સોમનાથ થી અયોધ્યા રથાયાત્રાઓ કરી સત્તા હાંસલ જરુર થયી પણ ગરીબોની વીકાસ યાત્રા થાય તો સત્તા હાંસલ કરવામા ઓર જોમ જુસ્સો આવશે.

Leave a Reply

You have to agree to the comment policy.