





યે ન થી હમારી ક઼િસ્મત (શેર ૧ થી ૩)
(આંશિક ભાગ – ૧)
– મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
યે ન થી હમારી ક઼િસ્મત કિ વિસાલ-એ-યાર હોતા
અગર ઔર જીતે રહતે યહી ઇંતિજ઼ાર હોતા (૧)
(વિસાલ-એ-યાર= પિયામિલન)
અર્થઘટન અને રસદર્શન:
ગ઼ાલિબની ખૂબ જ જાણીતી અને તેમના ચાહકોની ખૂબ જ સરાહના પામેલી આ ગ઼ઝલ છે. આના અગિયારે અગિયાર શેર ખાસ કક્ષા ધરાવે છે. જો કે કેટલાક શેર તો સારગ્રહણ કરવા માટે દુષ્કર છતાં અશક્ય નહિ તેવા છે. બધા શેર સરળ ભૌતિકતાથી લઈને સર્વથા રહસ્યમય છે. ગ઼ઝલનો આ પહેલો જ શેર ગ઼ાલિબની પ્રેમપાત્રને પામવા અંગેની નિરાશાજનક મન:સ્થિતિને દર્શાવે છે. તેઓ પોતાના ભાગ્યની વક્રતા જણાવતાં કહે છે કે તેમનું ભાગ્ય સાનુકૂળ ન હોઈ તેઓ માશૂકાને પામી નહિ જ શકે. પોતે હાલ જીવ્યા ત્યાં સુધી તો એ શક્ય બન્યું નથી અને કદાચ હજુપણ વધુ જીવે તોય તેનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવા માટે હજુ વધુ રાહ જોવી પડત! અહીં આ ગઝલમાં વિપ્રલંભ (વિયોગ) શૃંગાર રસ છે. શેરના શબ્દો જ એવા છે કે તે ભાવકના દિલમાં માશૂક પરત્વે અનુકંપા જગાડે છે અને તે માશૂકની હારોહાર સહસંવેદનશીલતા અનુભવે છે. રચનાકારની રચનાની ઉત્કૃષ્ટતા ત્યારે જ સાબિત થાય કે જ્યારે કે ભાવક નાયકના સંવેગો સાથે ઓતપ્રોત થઈ જાય.
* * *
તિરે વા‘દે પર જિએ હમ તો યે જાન ઝૂટ જાના
કિ ખ઼ુશી સે મર ન જાતે અગર એ‘તિબાર હોતા (૨)
(વા’દે= વચન, વાયદો)
અર્થઘટન અને રસદર્શન:
આ શેરનો પાઠક ‘આફરીન…આફરીન’ પોકારી ઊઠે તેવો આ બહુ જ નાજુક શેર છે. અહીં માશૂક માશૂકાને પોતાના દિલની નિખાલસ વાત જણાવતાં કહે છે કે કે જો હું એમ કહું કે તું મારી તરફ પાછી ફરશે જ તેવા તારા વાયદાના સહારે જ હું જીવી રહ્યો છું; તો તે ખોટી વાત સાબિત થાય છે, કેમ કે જો તેમ હોત તો એ વાતની ખુશીનો માર્યો હું ક્યારનોય મરી ગયો હોત! અહીં મનોવૈજ્ઞાનિક એ વિભાવના વ્યક્ત થાય છે કે કોઈ અતિ સંવેદનશીલ માણસ જેમ કોઈ આઘાતથી મૃત્યુ પામે તેમ આત્યંતિક ખુશીથી પણ મૃત્યુ પામી શકે છે. નાજુક દિલના માણસને ખુશીના કે આઘાતના કોઈ સમાચાર આપવાના હોય તો આપ્તજનોએ આહિસ્તા આહિસ્તા તે આપવા જોઈએ. હવે ફરી પાછા શેર ઉપર આવીએ તો કેટલાક મીમાંસકોએ શેરના બીજા મિસરાના ઉત્તર ભાગને વિવેચતાં એમ જણાવ્યું છે કે માશૂકનો પ્રણય એકપક્ષી હતો. માશૂકાએ કદીય મિલનનો વાયદો કર્યો ન હતો અને જો કદાચ કર્યો પણ હોય તો માશૂકને એ વાત ઉપર ભરોંસો ન હતો. આમ માશૂક પક્ષે છેવટે લાભ તો એ જ પહોંચ્યો છે કે તેઓ જીવિત રહ્યા છે, અન્યથા એ અવસાન પામ્યા હોતા! તેમના અવસાન પામવાથી ખેલ ખતમ જાય તેના કરતાં પ્રિયામિલનના ઇંતજારમાં જ શેષ જીવન પૂરું થાય તો તેઓ જીવનનો લુત્ફ લઈ શકે, કેમ કે એ રીતે એમને જીવવાનું બહાનું મળી રહેત! એમ કહેવાય પણ છે ને કે ‘જો મજા ઇંતજારમેં હૈ, વો પાનેમેં નહિ હૈ!’
* * *
તિરી નાજ઼ુકી સે જાના કિ બઁધા થા અહદ બોદા
કભી તૂ ન તોડ઼ સકતા અગર ઉસ્તુવાર હોતા(૩)
(અહદ= પ્રતિજ્ઞા, એકરાર, વચન; બોદા= કાચું, કમજોર; ઉસ્તુવાર= મજબૂત, દૃઢ)
અર્થઘટન અને રસદર્શન
આ શેરમાં અગાઉના શેરમાં ઉલ્લેખાયેલા માશૂકાના કહેવાતા કે સાચા વાયદાની વાતને આગળ લઈ જતાં શાયર કહે છે કે તારી નજાકતથી મને જાણવા મળે છે કે તારો મને મળવાનો અહદ (વાયદો) પણ એવો જ સાવ બોદો અને તકલાદી સાબિત થયો છે. જો તે મજબૂત હોત તો તારાથી એ કદીય તોડી શકાયો નહોત! અહીં મુજ તુચ્છ રસદર્શનકાર મહાન ગ઼ઝલકારની આ ગ઼ઝલના ‘તૂ ન તોડ સકતા’ શબ્દોમાં નુકતાચીની કરીને ગુસ્તાખી કરે છે. ગુજરાતી ભાષાના વ્યાકરણ અનુસાર વાયદો તોડવા-ન તોડવાની ક્રિયા માશૂકા દ્વારા થતી હોઈ એ ક્રિયાપદને કર્તૃવાચક સમજતાં ‘તૂ ન તોડ સકતી’ આવી શકે, પણ ગ઼ાલિબ ‘વાયદો’ કર્મને આધારિત ‘ન તોડ સકતા’ પ્રયોજ્યું હોય તેમ લાગે છે, પણ ત્યાંય ભાષાકીય દુરસ્તતા લાવી શકાઈ હોત!. જો કે મેં નેટ-સર્ફીંગ દ્વારા ઘણા પાઠ જોયા તો તે બધાયમાં ગ઼ાલિબના શબ્દપ્રયોગને યથાવત્ જ રાખવામાં આવ્યો છે. હવે ‘દીવાન-એ- ગ઼ાલિબ’માંથી જ બધાએ પાઠ લીધા હોઈ શકે અને તેથી તે એકસરખા માલૂમ પડી પણ શકે છે. આમાં છતાંય ઉર્દૂના ‘માશૂક’, ‘યાર’ વગેરે જેવા શબ્દો બંને નર કે નારી જાતિ માટે વપરાય છે, તેવું અહીં પણ હોઈ શકે! જે હોય તે, પરંતું આ તો એક અવગણી શકાય એવી મારી માનસિક કવાયત માત્ર સમજી લેવા વાચકોને મારી નમ્ર વિનંતી છે. હવે થોડોક આ શેરને ફરીવાર સ્પષ્ટ કરીએ તો ગ઼ાલિબે માશૂકાની કાયા અને તેના મનોબળની નજાકત સાથે તેના અહદને સરખાવીને જાણે કે તેનો વાયદો નિભાવવાની અક્ષમતાને તે દરગુજર કરે છે. આમ શાયર માશૂકા પરત્વે હૃદયની વિશાળતા બતાવે છે.
–મિર્ઝા ગ઼ાલિબ
(ગ઼ઝલ ક્રમાંક – ૨૧ : (શેર ૧ થી ૩)
[ક્રમશ: આંશિક ભાગ – ૨]
* * *
ઋણસ્વીકાર :
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) http://techwelkin.com/tools/transliteration/ (દેવનગરી-ગુજરાતી સ્ક્રીપ્ટ કનવર્ટર)
(4) Courtesy – “Deewaan’
(5) સૌજન્ય : urdustuff.blogspot અને વિકીપીડિયા
* * *
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91-94261 84977
નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો
શ્રી વલીભાઈ,
રસદર્શન વાંચવાની બહુ મજા આવી. શ્રી ગાલિબ સાહેબ સાથે તમને પણ મારા સલામ
-નીતિન વ્યાસ
આપના ગાલિબની ગઝલોના અને અન્ય લેખો હું ક્યારેય ચૂકતો નથી. ખૂબ સરસ સહિત્ય આપ પીરસો છો. આભાર વલીભાઇ!
ઉર્દુ ભાષા લખી વાંચી શકતા નથી, તેથી આવી ઉત્કૃષ્ટ રચનાઓથી અજ્ઞાત રહી જવાત,ત્યારે ઉર્દુ ભાષાની મીઠાશ અને નજાકતનું સુંદર રસદર્શન માણવાની મોજ સાક્ષરશ્રી વલીભાઈ દ્વારા વાંચી આનંદ થયો.
ધન્યવાદ શ્રી વલીભાઈ, આવો લાભ આપવાનું ચાલુ રાખશો.
ઉમાકાન્ત વિ.મહેતા. (ન્યુ જર્સી)
As I am in Australia, I am unable to write in Gujarati. My thanks to both Vyas’ for their compliments. It’s my great pleasure that my work for hours to write expositions of Ghalib’s Shers has been appreciated. Ghalib’s Gazals are always profound and it is a great task to comprehend them clearly. To justify Ghalib’s work, I have to refer various sources and that I do with great zeal and interest.
આહિસ્તા… આહિસ્તા….
તમારી આ કસરત વિના આવા કઠણ શેર સમજાયા જ ન હોત.
શુકરન…
شكر