





ભગવાન થાવરાણી
મણકા ૧૩ની કવિતા ‘ સભ્યતા અને સંસ્કૃતિ ‘ નો આજની કવિતા જાણે ઉત્તરાર્ધ છે. ખરેખર તો આ કવિતા, મણકા – ૨ ની કવિતા ‘ન જાને કબ સે‘ , મણકા – ૩ ની ‘પ્યાજ કી એક ગાંઠ‘, મણકા- ૫ ની ‘મનુષ્ય‘ , મણકા- ૮ ની ‘ કિતને દિનોંસે કોઈ ઘર નહીં આયા‘ અને મણકા – ૧૦ ની ‘ બચ્ચોંકે લિએ એક કથા ‘ ની પણ સહોદર છે. કારણ એ કે આ બધી કવિતાઓ માણસમાંથી ખોવાઈ રહેલા માણસ અને ઘણું બધું મેળવી લેવાની હાયવોયમાં ગુમાવાઈ રહેલા ‘ કશાક અમૂલ્ય ‘ ની વાત કરે છે, જૂદા – જૂદા પરિવેશમાં ! આજની કવિતા શબ્દશ: જોઈએ એ પહેલાં બે દ્રષ્યો જોઈએ.
દ્રષ્ય એક :
બચપણના એક મિત્રના ખબર- અંતર જાણવા એક દિવસ અચાનક એના ઘરે ‘ ફોન કર્યા વિના ‘ જઈ ચડ્યો. એણે મને જોઈને અસલ સાનંદાશ્ચર્ય વ્યક્ત કર્યું. એ પછી અમારી વચ્ચે જે સંવાદ થયો એની પ્રામાણિક પ્રસ્તુતિ :
હું : કેમ છો બધા ?
એ : બિલકુલ ફસ્ટ ક્લાસ. નવું મકાન લીધું હમણાં ૭૦ મા. ફર્નીચરનું કામ ચાલે છે. બધું મળીને ૮૫ થશે.
હું : બીજું બધું ઠીક ? છોકરાઓ ?
એ : હોવે ! મોટા મનીષને હમણાં જોબ મળ્યો. ૩૦ નું પેકેજ છે. એક વર્ષમાં ૪૦ કરી આપશે. એક્સ્ટ્રા કામ કરે એના જૂદા.
હું : ભાભી ?
એ : એને શું વાંધો ? બહેનપણીઓ સાથે શોપીંગ કરવા ગઈ છે. એમ માન ને કે ૨૦ – ૨૫ નું ઉઠમણું ! આ દિવાળીએ ૧૨ ના ખાડામાં ઉતાર્યો એ તો પાછું અલગ. આઠ બંગડી, નેકલેસ, પાટલા, બૂટીઓ ને એવું બધું.
હું : સરસ ! ચાલ ત્યારે.
એ : આમ ક્યારેક આવતો રહેતો હો તો ….
આ પરિસ્થિતિ એ કંઈ અપવાદ નથી. મોટા ભાગના લોકો પાસે પ્રગતિ, વિકાસ, સુખ- શાંતિ- સમૃદ્ધિનો એક જ માપદંડ છે. આ સિવાયની કોઈ પ્રગતિ પણ હોઈ શકે એ વાત જ ધૂળ ને ઢેફાં !
દ્રષ્ય ૨ :
તમે સાંજે પાર્કમાં લટાર મારવા નીકળો છો. મોટા ભાગના લોકો ક્યાં તો એકલા એકલા માથે હેડફોન લગાડીને પોતાની ધુનમાં જતા દેખાય અથવા એકલા એકલા વાતો કરતા જતા દેખાય (પછી ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે કે બ્લ્યુ ટૂથથી કોઈકની સાથે વાત કરે છે, હેન્ડસ ફ્રી મોબાઈલ દ્વારા !) અથવા છૂટીછવાઈ બેંચો પર બાળક- જુવાન – પ્રૌઢ – વૃદ્ધ મોબાઈલ પકડીને એકલા – અટૂલા બેઠા હોય! ટોળે વળી, એકબીજાને અડેલીને બેઠેલા, ટોળટપ્પા મારતા પ્રસન્ન મનુષ્યોનો જમાનો તો મારા ભાઈ, ગયો અથવા જવામાં છે !
કવિતા જોઈએ :
इ त नी ब डी मृत्यु
आजकल हर कोई, कहीं न कहीं जाने लगा है
हर एक को पकड़ना है चुपके से कोई ट्रेन
किसी को न हो कानोकान ख़बर
इस तरह पहुँचना है वहीं उड़कर
अकेले ही अकेले होना है अख़बार का ख़बर में
कि सूचि में पहुँचना है नीचे से सब से ऊपर
किसी मैदान में घुडदौड का होना है
पहला और आख़िरी सवार
इतनी अजीब घड़ी है
हरेक को कहीं न कहीं जाने की हड़बड़ी है
कोई कहीं से आ नहीं रहा
रोते हुए बच्चे तक के लिए रुक कर
कहीं कोई कुछ गा नहीं रहा
यह केवल एक द्रष्य भर नहीं है
बुझ कर फेंका गया ऐसा जाल है
जिस में हर एक दूसरे पर सवार
एक दूसरे का शिकार है
काट दिए गए हैं सब के पाँव
स्मृति भर में बचे हैं जैसे अपने घर
अपने गाँव
ऐसी भागमभाग
कि इतनी तेज़ी से भागती दिखाई दी नहीं कभी उम्र
उम्र के आगे आगे सब कुछ पीछे छूटते जाने का
भय भाग रहा है
जिनके साथ – साथ जीना – मरना था
हंस – बोल कर जिनके साथ सार्थक होना था
उनसे मिलना मुहाल
संसार का ऐसा हाल तो पहले कभी नहीं हुआ
कि कोई किसी को
हाल चाल तक बतलाता नहीं
जिसे देखो वही मन ही मन कुछ बड़बड़ा रहा है
जिसे देखो वही
बेशर्मी से अपना झंडा फहराए जा रहा है
चेहरों पर जीवन की हँसी कहीं दिख नहीं रही
इतनी बड़ी मृत्यु
कोई रोता दिख नहीं रहा
कोई किसीके साथ होता नहीं दिख रहा
कोई किसी को बतला नहीं पा रहा
आखिर
वह कहाँ जा रहा है ….
– भगवत रावत
ગુજરાતી ભાવાનુવાદ :
=== આ વ ડું મો ટું મૃ ત્યુ ===
આજકાલ દરેક માણસ
ક્યાંક ને ક્યાંક જવા માંડ્યો છે
દરેકને પકડવી છે છાનામાના કોઈક ટ્રેન
કોઈને અણસાર પણ ન આવે તેમ
પહોંચવું છે ઊડીને
છાપાના મથાળે એકલા એકલા ચમકવું છે
સૂચિમાં પહોંચવું છે નીચેથી છેક ઊપર
કોઈક મેદાનની ઘોડદોડમાં બનવું છે
પ્રથમ અને અંતિમ ઘોડેસવાર
વિચિત્ર સમય છે
દરેક ક્યાંક ને ક્યાંક પહોંચી જવા ઘાંઘો થયો છે
કોઈ જ આવતો નથી – બસ જઈ રહ્યો છે
રોતા બાળક માટે ઘડીક રોકાઈને
કોઈને કશુંક ગાવાની પણ ફુરસત નથી
આ કેવળ એક દ્રષ્ય- માત્ર નથી
સમજી – વિચારીને ફેંકાયેલ એવી એક જાળ છે
જેમાં પ્રત્યેક અન્ય પર સવાર
અન્યોન્યનો શિકાર છે
દરેકના પગ કાપી નંખાયા છે
પોતાના ઘર, પોતાના ગામ તો બસ
સ્મૃતિ- માત્રમાં બચ્યાં છે
એવી ભાગમભાગ
આટલી ત્વરાથી તો ક્યારેય જોઈ નથી
જિંદગીને ભાગતાં
અને જિંદગીની આગળ આગળ
બધું પાછળ રહી ગયાનો
ભય ભાગી રહ્યો છે
જેમની સાથોસાથ જીવવું – મરવું હતું
જેમની સાથે જીવીને સાર્થક થવું હતું
એમને મળવું પણ દુષ્કર
સંસારની આવી દશા તો પહેલાં ક્યારેય નહોતી
કે કોઈ કોઈને
અહેવાલ પણ ન આપે
જેને જુઓ એ મનોમન કશુંક બબડી રહ્યો છે
જેને જુઓ તે
નફ્ફટાઈથી પોતાનો ઝંડો ફરકાવતો જઈ રહ્યો છે
જીવનની પ્રફુલ્લતા કોઈ ચહેરા પર નહીં
આવડું મોટું મૃત્યુ
અને કોઈ રડતું પણ દેખાતું નથી
કોઈ કોઈની સાથે હોય એવું પણ દેખાતું નથી
કોઈ કોઇને કહી પણ શકતું નથી
કે પોતે ક્યાં જઈ રહ્યો છે ……
– ભગવત રાવત
કવિ અરેરાટી અને વિસ્મય વ્યક્ત કરે છે. બધા ભાગી રહ્યા છે, બધાએ આંધળી દોટ મુકી છે. જાણે કોઈ ટ્રેન કે બસ કે ફ્લાઈટ ચૂકી જવાના હોય !
ये लोग बदहवासी में यूँ भाग रहे हैं
जैसे कि कोई ट्रेन छूटी जा रही सब की
બીજું તો ઠીક, બાળકોને પણ બચપણથી આ ટ્રેન કોઈ પણ સંજોગોમાં પકડવાની, ગમે તે થાય એ ન ચૂકવાની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે ! કુમળી વયથી જ સ્કૂલ ઉપરાંત ટ્યુશન, કોચીંગ ક્લાસ, અલગ- અલગ વિધાઓમાં જીનિયસ થવાના ક્લાસ અને શરૂઆતથી બાળકના પોતાના વજનથી પણ ભારે દફતર ! એવા બાળકોને ઘરેથી સ્કૂલ, સ્કૂલેથી ટ્યુશન, ટ્યુશનથી આર્ટ ક્લાસ હડિયાપાટી કરતાં જોઈને અનાયાસ કાર્બાઈડથી ઉતાવળે અને અકાળે પકવાતી કેરી યાદ આવી જાય ! ( આંબા પર કુદરતી રીતે અને યથોચિત સમયે પાકતી કેરીને ‘ સાંખ ‘ કહે છે જેના રંગ, રૂપ, સ્વાદ અને સોડમ જ સાવ નોખા ! )
કવિતા દરમિયાન ભગવત એક બારીક પંક્તિ મૂકે છે, ઉતાવળે ચૂકાઈ જાય તેવી. કોઈ ક્યાંયથી આવતું નથી. બધા જ જાય છે. અર્થ એ કે કોઈને પોતાના મૂળિયાંની ફિકર, તમા કે જાણકારી નથી. ઘેઘૂર અને છાયાદાર વૃક્ષો એ હોય છે જેના મૂળિયા વિસ્તૃત અને ઊંડા હોય. બધાંને જવું છે, પહોંચવું છે. પહોંચ્યા પછી શું ? કદાચ નવી દોટ ! એ બિચારાઓને ખબર નથી કે :
बहुत सारा बहुत कम वक्त में जीने की लालच में
बहुत सारा जो है जीने के क़ाबिल – छूट जाता है …
સવારના કે સાંજના સમયે મુંબઈ ( કે કોઈ પણ મહાનગર ) ના ગીચ કામકાજના વિસ્તારોમાં ફરતા હોઈએ, ચહલકદમી કરતા હોઈએ ત્યારે અનુભવ્યું હશે કે દોડીને ઓફિસે પહોંચવા માંગતા અથવા ટ્રેન પકડવા માંગતા લોકો તમારી સામે અચરજ અને ઠપકાભરી નજરથી જોઈ રહેશે ! દોડો અથવા દોડવા દો ! આમ માત્ર ચાલો છો તો કયા ગ્રહ પરથી ટપકી પડ્યા છો અહીં ? કોઈ એમના બચાવમાં કહેશે, વાંક એમનો નથી સંજોગોનો છે.
કવિ તરત જ એક બીજી વિચારણીય વાત મૂકે છે. કવિતામાં વર્ણવ્યું એ કેવળ એક ચિત્ર નથી, એક જાળ, એક ચાલ, એક ષડયંત્ર છે લોકોને સુખનું ગાજર દેખાડીને, આગળ સુખ જ સુખ છે- નું પ્રલોભન ચીંધીને એમની પાસે ધાર્યું કરાવવું. આની વિગતે ચર્ચા કરવા કરતાં એક પ્રતિપ્રશ્ન. આર્થિક પ્રગતિ, ભૌતિક વિકાસ જ શું સુખનો પર્યાય છે? હમેશાં ?
આ જ સંદર્ભે બીજી અગત્યની વાત. કવિ કહે છે, બધાના પગ કાપી નાંખવામાં આવ્યા છે. જો પગ કપાઈ ગયા તો દોડે છે શેનાથી ? કોણે કાપ્યા પગ ? પગ કાપી નાંખ્યા બાદ કોઇક દોડવાનું કહી રહ્યું છે ? તો શું આ પગ વિનાના પંગુઓની દોડ છે ?
ઉપરની વાતના તંતુઓ વણઉકેલાયેલા રાખી તુર્ત જ કવિ બીજી ઝીણેરી વાત મૂકે છે. દુનિયા તો કેટલાય વરસથી જોતા આવ્યા છીએ પણ આવી આંધળી દોડ ! લોકો દોડી રહ્યા છે અને એમની આગળ – આગળ તો વળી, બધું પાછળ છૂટી રહ્યાનો ભય દોડી રહ્યો છે. દૂસરે શબ્દોં મેં, દોડનારા લોકોને પણ ઊંડે- ઊંડે ને આડકતરો એવો અહેસાસ છે કે કશુંક એવું છે જે જોયા – માણ્યા વગરનું છૂટતું જાય છે.
આ હોડની વિડંબના એ પણ કે કોઈને પોતાના હાલચાલ, ક્ષેમકુશળ આપ્તજનોને તો ઠીક, સાથી સ્પર્ધકોને પણ જણાવવાની ફુરસદ નથી. એ જણાવવા રોકાઈશું અને એ દરમ્યાન બીજા આગળ વધી જશે તો ! અહીં દરેક ક્યાં તો અન્ય પર સવાર છે અથવા અન્યનો શિકાર છે.
આ દોટનું એક બીજું પાસું પણ છે. દોટમાં જેમ વ્યક્તિગત એકમો છે તેમ સમૂહ, જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય, ફિરકા અને ધર્મ આધારિત ચોકાઓ પણ છે. એ વિષે વધુ ચર્ચા અને સમજૂતી સુજ્ઞજનો પર છોડી, આપણે મૂર્ધન્ય હિંદી કવિ રાજેશ જોશીની કવિતા ‘ मारे जाएँगे ‘ નો ગુજરાતી અનુવાદ માત્ર જોઈને વિરમીએ :
=== માર્યા જશે ===
જે લોકો આ ગાંડપણમાં જોડાશે નહીં, માર્યા જશે
અદાલતી પિંજરામાં ઢસડી જવાશે એમને
જેઓ વિરોધ કરશે
જેઓ સત્ય બોલશે, માર્યા જશે
કોઈનું પહેરણ એમના કરતાં ઉજળું હશે
બરદાશ્ત નહીં કરવામાં આવે
જેમના પહેરણ પર ડાઘ નહીં હોય, માર્યા જશે
હડસેલી દેવાશે એમને કળાક્ષેત્રની બહાર
જેઓ ચારણ- ભાટ નહીં હોય
જે ગુણગાન નહીં કરે, માર્યા જશે
ધર્મ- ધજા ફરકાવવા જે લોકો નહીં જાય સરઘસમાં
ગોળીઓ ભૂંજી નાંખશે એમને
નાત બહાર ગણાશે એ લોકો
સૌથી મોટો ગુનો છે આ સમયમાં
શસ્ત્રહીન અને નિર્દોષ હોવું
જે ગુનેગાર નહીં હોય, માર્યા જશે …..
– રાજેશ જોશી
અને ભગવત સમાપનમાં કહે છે એનું થોડુંક પુનરાવર્તન. કવિતામાં વર્ણવ્યું એ થવું – થઈ જવું એ પણ એક પ્રકારનું મૃત્યુ છે. સામાન્ય મૃત્યુ કરતાં અત્યંત ગંભીર મૃત્યુ . લોકો જીવવાનું ભૂલી જાય, જીવન શું છે – શું હોવું જોઈએ એ વિચારવાનું ભાન પણ ગુમાવી બેસે એ મૃત્યુ નહીં તો બીજું શું ? આવડું મોટું મૃત્યુ અને કોઈ રડતું કેમ નથી ? શું રડવાની પણ ફુરસદ નથી કોઈને ?
મનીષ શુકલાને આ દોટની નિરર્થકતા સમજાઈ એટલે એમણે લખ્યું :
एक अंधी दौड़ थी, उकता गया था
मैं ख़ुद ही सफ़ के बाहर आ गया था
न दिल बाज़ार में उसका लगा फिर
जिसे घर का पता याद आ गया था
( सफ़ = क़तार , હરોળ )
અને સલીમ કૌસર સાહેબે આ દોટમાંથી પાછા ફરેલા લોકો ( જો થોડા – ઘણા હોય તો ) માટે મોઘમમાં લખ્યું :
कभी लौट आएँ तो पूछना नहीं, देखना उन्हे ग़ौर से
जिन्हें रास्ते में ख़बर हुई कि ये रास्ता कोई और है .
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
સવારના કે સાંજના સમયે મુંબઈ ( કે કોઈ પણ મહાનગર ) ના ગીચ કામકાજના વિસ્તારોમાં ફરતા હોઈએ…… વાપી અને સુરત વડોદરા વચ્ચે કામકાજ માટે લોકો ટ્રેન પકડતા હોય એ પણ મહાનગર ની જેમ ટ્રેનમાં ભીંસાતા હોય છે. ગામડાંમાં તલાટી થી લઈ ઠેઠ સચીવાલય સુધી કોઈને કામ કરવું નથી અને ભૃષ્ટાચાર પણ તલાટી થી સચીવાલય અને દીલ્લી સુધી…
कोई किसी को बतला नहीं पा रहा
आखिर
वह कहाँ जा रहा है ….
થોડા સમય પહેલા ઘેર એક ગામડેથી મહેમાન સગા આવ્યા હતા, કંપાઉન્ડ માં હીંચકા પર બેઠા બેઠા, બહાર રોડ પાર સતત માણસો ની દોડ જોઈ ને મને પ્રશ્ન પૂછ્યો હતો કે આટલા બધા લોકો ક્યાં જઈ રહ્યા છે ? સતત દોડતા દોડતા જઈ રહ્યા સાથે ચહેરાઓ પર શાંતિ નથી દેખાતી , અમારે ગામડે તો ઘણી નિરાંત લાગે…!!!! મેં મારી રીતે તેમને પ્રશ્ન ની જવાબ આપેલો.. પણ મને મારા ઉત્તરથી સંતોષ થયો ન હતો…આજે ભગવતજી જી ની કવિતા અને અને ભગવાન જી ની સમજાવટ માં તેનો ઉત્તર સુપેરે છે…. રાજેશ જોશી ની કવિતા તો આજની સચોટ વાત કહે છે. !!! આભાર અને અભિનંદન…
Very True. There are many for whom a period of life from childhood to retirement was just like a flash as there was a Rush and Run. However we see many persons forming a group, sit , chitchat together and also engage in some social actvities in city areas. Mostly they are elder/retired person and may be ,they do so out of compulsion only.
Bhagvat says , leave apart others / unknown persons ,But people who are near and dear and with whom thought of live & die together are also hard to meet/talk.
જેમની સાથોસાથ જીવવું – મરવું હતું
જેમની સાથે જીવીને સાર્થક થવું હતું
એમને મળવું પણ દુષ્કર
સંસારની આવી દશા તો પહેલાં ક્યારેય નહોતી.
Also Enjoyed related presentations of other poets.
Compliments and Thanks for nice presentation.
Thavranij,
I do appreciate your detailed well researched impeccable narrative. I hope your readers can enjoy a different take of my poem which was published here in USA a few years ago.
The elusive serial killer By Vijay Joshi
The killer
strikes randomly
unexpectedly and
arbitrarily.
The killer has no police record
killer profile or previous arrests. The killer has no motive
pattern or modus operandi. The killer leaves no clues
warnings or fingerprints. The killer’s gender
race and age are not known. The killer is unpredictable
clandestine and indifferent.
Continued in the next response . . .
With the stealth and skill
of a shogun samurai
the killer folded my flesh inside my soul and
sent it hurling into the unknown.
While the mystery remains unsolved
life’s deadly twin continues to kill. Vijay Joshi