કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૩૬

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

કિશન પાસે એકરાર કર્યા પછી પહેલો વિચાર એને ભારતમાં ચાતકનજરે રાહ જોતાં તેનાં મમ્મી-પપ્પાને ફોન કરવાનો આવ્યો. પછી થયું ના, પહેલા ફોઈને…’ફોઈ’….કેમ કરીને જીભ ઉપડશે ‘મમ’ કહેતાં? આ ઘરમાં કોઈને વાંધો ન હોય પછી જ મારા મમ્મી-પપ્પાને કહીશ. મનના છાને ખૂણે ‘નકાર’નો ડર ફૂંફાડા મારતો હતો !

વળી ફોન આપતી વખતે ફોઈનો ચહેરો યાદ આવ્યો અને સ્નેહા, રૂમમાં એકલી હોવા છતાં સંકોચ અને શરમથી કોકડું વળી ગઈ !

ત્યાં તો રૂમનું બારણું નૉક કરીને સરલાબહેન ખૂબ જ વહાલા મલકાટ સાથે પ્રવેશ્યા. આવીને સીધું જ એક હગ આપી, કપાળે ચુંબન કરી, વણબોલ્યે આ ઘરમાં, આ કુટુંબમાં અને હૈયામાં અદકેરું સ્વાગત કર્યું. કહેવાની જરુર નથી કે કિશને સ્નેહાનો ફોન મૂકીને તરત જ સરલાબહેનને ફોન કરી, સ્નેહાએ કરેલા એકરારથી, કેટલાય મહિનાઓની અચોક્કસતા પર ચોક્કસતાની મહોર મારી દીધી હતી.

‘સાભળ બેટા, આજે જ, હમણાં જ કિશન અહીં આવવા નીકળે છે.’

‘પણ ફોઈ,….’

સરલાબહેનથી ‘ફોઈ’ સાંભળીને અને ખુદ સ્નેહાથી ‘ફોઈ’ બોલાઈ ગયાથી, હસી પડાયું.

‘હવે ‘મમ’ કહેવાની ટેવ પાડવી પડશે, બેટા’

પરંતુ સ્નેહા તરત જ ગંભીર થઈ ગઈ.

‘પણ ફુઆ અને બાને….’

‘ આ પાંચ ફૂટની હું અડીખમ ઊભી છું પછી તારે શાની ચિંતા છોકરી ?’

‘તોય ફોઈ, સૉ..રી જીભને વળતાં વાર તો લગશેને? એની વે – એ બધાં સાથે વાત કર્યા પછી જ હું… એવું કરું કે હું આજે હમણાં જ મારી ફ્રેંડ વર્ષાને ત્યાં જતી રહું કે જેથી તમે સૌ ખુલ્લા મનથી વત કરી શકો.’

‘પણ પેલો મારો લાલો (કિશનનું બાળપણનું હુલામણું નામ) ઘરમાં આવશે અને જે કામ માટે- એટલે કે તને મળવા આવે છે – અને તને જોશે નહીં તો …’

સ્નેહાને નજર ક્યાં માંડવી તે સમજાયું નહીં એટલે માથું સરલબહેનના ખભે ઢાળી દીધું અને બોલી, ‘ તો તમે જ કહો હું શું કરું?’

‘જો, કિશુ આવે છે એટલે તમે કશેક ફરવા તો જશો જ ને ? એટલે અમને વાતો કરવાનો સમય મળી જશે. રવીવાર છે એટલે તારા ‘ફુઆ’(ભાર દઈ,મલકીને બોલ્યા) પણ વહેલા આવી જશેને ! ત્યાં સુધીમાં તો કિશુ પણ આવી જશે.’

‘પણ ફુઆ પૂછશે કે કેમ આવ્યો તો, અને અમને બન્નેને સાથે બહાર જતાં જોઈને…..?’

‘હં, તારી વાત સાચી છે… એવું કરીએ કે કિશુ સ્ટ્રીટમાં આવી જાય એટલે તને બહારથી જ રીંગ કરીને બોલાવી લે અને તમે બન્ને સીધા જ બહાર જતા રહેજો. એટલે ઘરમાં કોઈને ખબર પડશે નહીં. અને તમે લોકો પાછા આવો ત્યાં સુધીમાં હું ને તારા ફુઆ વાત કરી લઈશું. ઓ.કે, બેટા, ચિંતા ન કર, બધું ભગવાન પાર ઊતારશે.’

પછી યાદ આવતાં બોલ્યાં, ‘અરે હું જો નીચે મારા ફોનથી ઈંગ્લીશમાં કિશન સાથે વાત કરીશ તો ધનુબા હજાર સવાલ પૂછશે. લાવ તારા ફોન પરથી જ એને સૂચના આપી દઉં…કે તું એને કહીશ ?’’

માથું નીચે રાખી સ્નેહાએ ‘ના’ કહી સરલાબહેનને જ કિશનને સૂચના આપવા કહ્યું.

ફોનની હજુ તો પહેલી રીંગ વાગી એટલે તરત જ કિશને ફોન ઉપાડી સામે છેડે સ્નેહા જ હશે માની કહ્યું, ‘યસ ડાર્લિંગ, વિચાર બદલ્યો હોય, તો ય હવે તો ટફ લક !’

‘યસ, ડાર્લિંગ, એણે વિચાર નથી બદલ્યો, દીકરા.’

સામે છેડે કિશન સાવ ઝંખવાણો પડી ગયો, ‘સોરી મમ, મને…’

‘લે ડાર્લિંગ કાંઈ ગાળ થોડી જ છે કે તું સૉરી કહે છે ?’ કહી સ્નેહા સાથે નક્કી કર્યા મુજબ કિશનને સૂચના આપી દીધી.

અને સ્નેહાના હાથમાં ફોન આપી નીચે જતાં રહ્યાં.

‘આટલી અધીરાઈ ?અહીં બધાને કેવું લાગે ?’

‘તેલ લેવા જાય, દુનિયા સ્નેહુ, હું આવું છું અને તે પણ મારી ‘હોનેવાલી કો મિલને’ તેમાં બીજાને શું વાંધો હોય? અને..’

‘પણ ફુઆ અને બા…’

‘જો, સ્નેહા, બહુ વિચારવાનું નહીં. હવે આપણને મમ, નમુ અને નંદુનો સાથ છે પછી દુનિયા જખ મારે, સમજી ?’

‘કિશુ, મારા પગ પાણી પાણી થાય છે, આઈ નીડ યુ નાવ, એટ ધીસ મોમેન્ટ!’

‘મારે પાસે પાંખ તો નથી એટલે બે કલાકની તો રાહ જોવીજ પડશે મેડમ . સી યુ સૂન, બાય..’

‘બાય’ કહી સ્નેહાએ ફોન મુક્યો અને નીચે જવા માટે બારણું ખોલ્યું. નીચે મનુભાઈનો અવાજ સાંભળી સંકોચથી કોકડું વળી જતાં મનને માંડ માંડ સંભાળી નીચે આવી. સાવ નોર્મલ વર્તતાં એને નવનેજાં ઉતરતાં હતાં…પણ કરે તો પણ શું કરે? બધાંએ જમી લીધું ધનુબા એમની મીઠી ‘નેપ’ લેવાં એમનાં રૂમમાં ગયાં અને મનુભાઈએ નીચે સોફા પર જ લંબાવ્યુ.

સરલાબહેન અને સ્નેહાના કાન તો સ્નેહાની ફોનની રીંગ પર જ હતાં.

પરવારીને સરલાબહેન પણ બીજા સોફા પર ન્યુઝ પેપર લઈને આડા પડ્યા.

સ્નેહા એના રૂમમાં ગઈ અને ફોન પર ત્રાટક કરતી હોય તેમ પલકારો ય માર્યા વગર જોતી રહી.

આ તરફ કિશન ગંભીર પ્રકૃતિનો છે એટલે ૮૦ માઈલ ઝડપે કાર હંકારતો હતો બાકી નમન એની જગ્યાએ હોતે તો ૧૦૦ માઈલની સ્પીડે કાર ભગાવી હોત.

સ્ટ્રીટમાં પ્રવેશતાં જ કિશને સ્નેહાને ફોન જોડ્યો.

ત્રાટક કરતી સ્નેહાનાં કાન હજુ તૈયાર નહોતાં એટલે રીંગ વાગી અને સ્નેહા એટલી તો ચમકી ગઈ કે એના હૃદયનાં ધબકારા કાંઈ કેટલીય ગતિથી વધી ગયાં.

ફોન ઉપાડી, ‘ હું આવું છું’ કહી કોટ પહેરતાં પહેરતાં જ નીચે આવી માત્ર હાથ હલાવી ‘ સરલાબહેનને ‘બાય’ કહી ઘર બહાર નીકળી ગઈ.

દૂરથી દોડતી અવતી સ્નેહાને જોઈને એક ક્ષણ તો કિશનને બહાર નીકળી સ્નેહાને ઊંચકીને ગોળ ગોળ ફેરવવાનું મન થઈ આવ્યું. પણ આ એમની સ્ટ્રીટ છે અને એવું ન શોભે વિચારી મોં પર વહાલું સ્મીત લાવી બેસી રહ્યો.

કારમાં બેસતાં જ કિશને સ્નેહાનો હાથ પકડી લીધો.

બન્ને માટે એ સ્પર્શ….

કિશને જાતને સંભાળી, કારને મારી જ મૂકી એક સૂમસામ પાર્ક પાસે.

હવે રહી રહીને બન્નેને શું વાત કરવી અને કોણ શરુઆત કરે તે સૂઝતું નહોતું !

આખરે કિશને શરુઆત કરી, ‘કાંઈ તો બોલ સ્નેહુ!’

‘તમે..તું બોલને..’

એક મીઠ્ઠી મુંઝવણ સાથે બન્નેનું સંવનન ચાલુ હતું.

આ તરફ સરલાબહેનને નછૂટકે મનુભાઈને ઊઠાડવા પડ્યા. મનુભાઈને એક રવીવાર જ બપોરના નિરાંતે આડે પડખે થવા માટે મળતો હતો એટલે આસ્તેથી મનુભાઈને થોડાં હલાવી સરલાબહેન બોલ્યા, ‘એય, જરા ઊઠોને !’

‘શું છે તને, જરા આરામથી સૂવા તો દે, યાર.’

‘આમ તો હું ક્યાં તમને ડિસ્ટર્બ કરું છું, પણ આજે એક ખાસ વાત કરવાની છે એટલે…’

મનુભાઈએ આંખ ઉઘાડી, સરલાબહેન સામે સાવ ભાવહીન આંખે જોયા કર્યું . વાત કેમ શરુ કરવી તેની મુંઝવણ અનુભવતાં સરલાબહેને જે પ્રશ્ન મોઢે આવ્યો તે પૂછ્યો, ‘આ, સ્નેહા તમને કેવી લાગે છે?’

સાવ ન કલ્પેલી વાત, સંદર્ભ વિના સરલાબહેને કરી એટલે થોડા ગુસ્સામાં મનુભાઈએ કહ્યું, ‘આ તારી ખાસ વાત છે ? અને એટલા માટે થઈને મારી ઊંઘ બગાડે છે?’

‘જરા ધીરજ ધરો, હવે આવે છે ખાસ વાત. પહેલા મારા સવાલનો જવાબ તો આપો.’

‘ હા, તો તારી સ્નેહા ખૂબ ડાહી છોકરી છે , તેનું શું ?’

‘અને આપણો કિશન એને માટે…’

‘ મનુભાઈ સફાળા સોફામાં બેઠાં થઈ ગયાં, ‘ એટલે કે કિશન માટે..’

સરલાબહેનને મનુભાઈના સામા પૂછાયેલા સવાલથી પેટમાં ફાળ પડી,’ હમણાં તમે જ તો કહ્યું કે એ ડાહી છોકરી છે એટલે મેં પૂછ્યું કે એ આપણા કિશન માટે યોગ્ય….’ વાક્યને અડધું છોડી મનુભાઈનો પ્રતિભાવ જોવા સરલાબહેન થોભ્યા.

મનુભાઈ માટે આ એટલું તો અણધાર્યું હતું કે કેમ પ્રતિભાવ આપવો તે જ એમને સમજાતું નહોતું, તકિયાને ખોળામાં લેતાં મનને સ્વસ્થ કરતાં બોલ્યા, ‘તું જરા સરખી રીતે કહે, હું સમજ્યો નહીં.’

સરલાબહેને પણ ત્યાં સુધીમાં સ્વસ્થતા મેળવી લીધી હતી એટલે વાતને વ્યવસ્થિત કહેવા માંડી, ‘ તમને યાદ છે, પરિમલભાઈ આવ્યા હતાં ત્યારે એક રાત્રે આપણે સહુ સ્નેહાની વાત ચર્ચતાં હતાં ત્યારે નંદુએ, કિશન-નમનને પૂછ્યું હતું કે ‘તમે લોકો , આ રીતે તરછોડાયેલી છોકરી સાથે લગ્ન કરો ?-તે વખતનો કિશનનો જવાબ યાદ છે તમને ?’

મનુભાઈ માથૂં ખંજવાળતાં, યાદ કરતાં કરતાં બોલ્યા, ‘ અં… હા મને યાદ આવે છે કિશુએ તરત જ હા કહી હતી.’

‘હા જ ફક્ત નહીં, એનાથી આવેગમાં આવી બોલાઈ ગયું હતું કે – યસ સીસ આઈ વુડ મેરી સ્નેહા- યાદ છે ?’

એ જ વખતે ફોનની રીંગ વાગી. એક ક્ષણ માટે સરલાબહેનને એને અવગણવાનું મન થઈ ગયું પરંતુ ફોન મનુભાઈ બેઠાં હતાં તે સોફા પાસે હોય, મનુભાઈએ ફોન ઊપાડ્યો.

સામે છેડેથી કોઈની કારમી ચીસ સંભળાઈ અને ‘જલદી કર ભાઈ’ એવું અસ્પષ્ટ સંભળાયું.


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *