કિશોરકુમારે ગાયેલાં મદનમોહનનાં ગીતો – દિલ દિલ સે મિલા કર દેખોં [૧]

Facebooktwitterredditpinterestlinkedinmail

મૌલિકા દેરાસરી

જ્યારે એક મુહબ્બતભર્યું દિલ બીજા ભાવભર્યા દિલ સાથે મળે છે અથવા તો એક પ્રતિભાસંપન્ન સંગીતકાર બીજા અનન્ય ગાયક સાથે મળે છે, ત્યારે જિંદગીમાં અથવા તો ગીતોમાં કંઈક કમાલ જરૂર સર્જાય છે.

કઈ રીતે? મદનમોહન જેવા દિગ્ગજ સંગીતકાર સાથે કિશોરકુમાર જેવા હરફન મૌલા કલાકાર મળે ત્યારે આપણને શું મળે? બસ એની જ વાત અહીં માંડવી છે.

કિશોરકુમાર એટલે ૧૯૬૯માં ધૂમ મચાવી હતી એ આરાધનાનાં જ કિશોરદા એવું નથી, અહીં તો કિશોરદાની સફરનો એક જબરદસ્ત મોડ હતો, પણ સફરમાં આ પહેલાં પણ ઘણાં બધાં એવા મુકામ આવ્યાં, જે યાદગાર બની રહ્યાં.

લગભગ ૧૯૫૫થી ૧૯૬૦નો સમયગાળો એવો હતો કે જ્યારે કિશોરકુમાર અભિનેતા તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. પણ ૧૯૬૦ પછી એમની જિંદગીમાં કેટલાંક તોફાનો આવ્યાં, જેનાં કારણે એમની કારકિર્દીનો ગ્રાફ નીચો ઊતરતો ગયો. પણ કિશોરદા ખોવાઈ જવા માટે જન્મ્યા ન હતા !

એમણે ફરી સડસડાટ ઊપર ચઢવાનું હતું, અને એ પણ એમના અત્યાર સુધીના સર્વોચ્ચ મુકામથી પણ ઘણે ઊંચે…

આખરે આરાધના આવી, અને કિશોરકુમારે એ સ્થાન હાંસલ કર્યું જ, જેને માટે તેઓ લાયક હતા અને જે એમને બહુ પહેલાં મળી શક્યું હોત.

ખેર…. દૂરી સે દેરી ભલી. જો એ આ મુકામથી વંચિત રહ્યા હોત, તો એમની પ્રતિભાને આ ભયંકર અન્યાય હોત.

પણ કહેવાય છે ને ટેલેન્ટ છૂપી છૂપાઈ શકતી નથી, બસ એને સાચાં સમયે એક તક મળવી જોઈએ.

૧૯૪૮માં જ઼િદ્દીથી શરૂઆત થઈ ત્યારથી લઈને આરાધના સુધીમાં કિશોરકુમારે અઢળક કલાકારો અને સંગીતકારો સાથે કામ કર્યું, એમાંનાં એક એટલે મદનમોહન ધ ગ્રેટ –જેમનાં સંગીત નિર્દેશનમાં કિશોરદાએ ગાયેલાં ગીતોની આપણે અહીં વાત કરવાની છે.

(તસવીર સૌજન્ય: madanmohan.in)

સૌથી વધારે લગભગ ૫૬૩ જેટલાં ગીતો રાહુલદેવ બર્મનનાં સંગીત નિર્દેશનમાં કિશોરદાએ ગાયાં, એ પછી લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ(૪૦૧), બપ્પી લહરી (૩૦૧), કલ્યાણજી-આણંદજી(૨૭૦), રાજેશ રોશન(૧૫૨), સચિનદેવ બર્મન(૧૧૯) વગેરે આવે. આગળ ગણ્યા ગણાય નહીં એટલા સંગીતકારો છે પણ આપણે જે વાત કરવાની છે તે, મદનમોહનજી સાથે કિશોરકુમારે લગભગ ૩૬ જેટલાં ગીત આપ્યાં.

આમાંનાં ઘણાં એવાં ગીતો છે, જે કિશોરદા કે મદનમોહનના ચાહકોએ પણ ભાગ્યે સાંભળ્યા હોય ! કેટલાંક ક્યારેય ન સાંભળેલાં ગીતો પણ જાણીતા અવાજમાં કાને પડે ત્યારે રોમાંચિત કરી દે છે, એવું જ એક ગીત કિશોરદા અને મદનમોહનના ચાહકોને મજા કરાવી દે એવું છે.

તો, આજ મુઝે જલ જાને ભી દો – આ ફિલ્મના રિલીઝ ન થયેલાં ગીતથી કરીએ આગાઝ.

લડકિયોં કો ચાહીયે વો કોલેજ મેં શીખેં- તોફાની અને મસ્તીભર્યા અંદાજમાં ગવાયેલું આ પેરોડી ગીત, ઝરૂરત હૈ, ઝરૂરત હૈ…ગીતની યાદ અપાવી દે એવું છે. ફક્ત ગીત નહીં, ફિલ્મ પણ રિલીઝ ન થઈ શકી હતી. જો કે, ફિલ્મનું એક ગીત ‘તેરે બગૈર’ નામનાં આલ્બમમાં આવ્યું અને ચાહકો દ્વારા ખૂબ પ્રશંસા પામ્યું હતું.

૧૯૫૧માં આવી ફિલ્મ ‘અદા’. આ ફિલ્મના ગીતો પ્રેમ ધવને લખ્યાં હતાં.

દિલ તો બધાને ચાહે છે, તો આપવું કોને? આને આપું કે તેને? ભલા ! આવી વ્યથા મનમોહક રીતે કિશોરદા જ વ્યક્ત કરી શકે !

છોકરો કહે કે, જે તું કરે એ હું પણ કરી શકું છું, ત્યારે વળી છોકરી ગાંજી જાય? એ કહે કે હું તો તારાથી પણ બઢી-ચઢીને કરી શકું એમ છું. આવી શબ્દોની મીઠી છેડછાડ છે કિશોરદા અને શમશાદ બેગમનાં અવાજમાં – આ ગીતમાં, સંગીત મદનમોહનનું.

એ પછી ૧૯૫૪માં ‘મસ્તાના’ ફિલ્મ રીલીઝ થઈ. રાજીન્દર કૃષ્ણએ ગીત લખ્યાં હતાં.

અહીં પણ શમશાદ બેગમ સાથ આપે છે કિશોરકુમારને.

કંવારો કા ભી દુનિયા મેં ખુદા હોતા તો ક્યા હોતા !

હમારે ઘર મેં ભી ચુલ્હા જલા હોતા તો ક્યા હોતા !

ભાઈ, લગ્નની હસરત અને પત્નીની જરૂરત કોને નથી હોતી https://www.youtube.com/watch?v=PZb4Y5xsakc

આ ફિલ્મનું એક ગીત કિશોરકુમારે શમશાદ બેગમ અને મોહમ્મદ રફી સાથે જમાવ્યું છે,

બાપ મસ્તાનો હોય ને બેટો રંગીલો, ત્યારે મોટો થઈને બને જ ને છેલ છબીલો !!!

આ જ વર્ષ, એટલે કે ૧૯૫૪ની બીજી એક ફિલ્મ હતી ‘ઈલ્ઝામ

આ ફિલ્મમાં કિશોરકુમાર સામે મીના કુમારી અભિનેત્રી તરીકે હતાં. ગીતોનાં બોલ રાજીન્દર કૃષ્ણનાં હતાં.

જિંદગીનું સૌથી મોટું સુખ પ્રિયજન સાથે જીવવામાં છે અને સૌથી મોટું દુ:ખ હૃદયના તૂટવામાં હશે કદાચ… મનમાં વસેલાં રસિયા બાલમને આવું જ કંઈક કહે છે આ ગીત- કિશોરકુમાર સાથે છે આશા ભોંસલેનો અવાજ.

આ ગીતનો વીડિયો ઉપલબ્ધ નથી, પણ ઓડિયો અહીં સાંભળી શકાશે.

 

શમશાદ બેગમ સાથે પ્રિયજનના વિરહને વ્યક્ત કરતું ગીત –

દિન ઢલે હવા જબ ચલે, તેરી યાદ મેં ઓ પરદેશી; દિલ મેરા જલે.

તો, આશા ભોંસલે સાથે ગાય છે કિશોરકુમાર, પ્રેમની એબીસીડી –

હવે વાત કરીએ વર્ષ ૧૯૫૬ની, શમ્મી કપૂર અને મીના કુમારી સાથે કિશોરકુમારની અભિનેતા તરીકેની ફિલ્મ ‘મેમસાહિબ’ આવી આ વર્ષે. ફરી એક વાર ગીતોનાં શબ્દો રાજીન્દર કૃષ્ણએ લખેલાં હતાં.

એનું એક યાદગાર ગીત અને આપણી આ સિરીઝનું શીર્ષક; જે આજે પણ દિમાગમાં એટલું જ તાજું હશે, જેટલું પહેલી વાર સાંભળ્યું હતું ત્યારે હતું. વારંવાર સાંભળવું ગમે એવું કર્ણપ્રિય ગીત અને સંગીત છે એનું.

દિલ દિલ સે મિલા કર દેખો, નઝરોં મેં સમા કાર દેખોં,

અપના તો બના કાર દેખોં, હોતી હૈ મોહબ્બત ક્યા !


જો કે, મદન મોહન માટે અત્યંત દુર્લભ કહી શકાય એવી એક વાત આ ગીત માટે કહેવાય છે.

આ ગીત એક પ્રખ્યાત ઇંગ્લીશ ગીત –
Isle of Capri પર આધારિત હોવાનું જણાય છે.

(સૌજન્ય: madanmohan.in)

દુનિયામાં કેટલાંક લોકો એવાં પણ હોય છે કે જે તેમના સમયની પૂર્વે જન્મી ગયાં હોય છે, પણ તેઓ સદીઓ સુધી મરતા નથી. યાદોમાં, ગીતોમાં, સંગીતમાં તેઓ ધબકતાં રહે છે, વારંવાર સ્મરણપટ પર ઝલકતાં રહે છે, એમાંનાં જ આ બે – અર્થાત મદન મોહન અને કિશોરકુમાર. આજે પણ વિચાર આવે છે ને કે, કાશ….. તેઓ આજે સદેહે આપણી સમક્ષ હોત તો…!!!

જુઓને, એમનાં દૂર ગયાંના કેટલાં વર્ષો પછી પણ આપણે કેટલી શિદ્દતથી તેઓને યાદ કરીએ છીએ !

આવતી પેઢીને પણ આપણે આ ગીત, સંગીત, શબ્દો અને કલાકારો માટેની મુહબ્બત આપીને જઈશું ને?


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર :

· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી

1 comment for “કિશોરકુમારે ગાયેલાં મદનમોહનનાં ગીતો – દિલ દિલ સે મિલા કર દેખોં [૧]

  1. Bhagwan thavrani
    May 7, 2018 at 4:19 pm

    એક હરફનમૌલા કલાકાર, સ્વરની આન્ટીઘૂંટીના સરતાજ સંગીતકારને પણ કેવો ન્યાય આપી શકે છે એની ઝાંખી કરાવતું રસપ્રદ વિશ્લેષણ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *