સાયન્સ ફેર : ભવિષ્યનો માનવ હોંશિયાર હશે કે સાવ ડોબો?!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

ધારો કે તમે તમારા દાદાજી સાથે માર્કેટમાં ઘઉંની ખરીદી માટે જાવ છો. ઘઉંનો ભાવ જો ૩૫ રૂપિયે કિલો હોય અને તમારે ૭ કિલો ઘઉં જોઈતા હોય તો તમારે વેપારીને કેટલા રૂપિયા આપવાના થાય? આ પ્રશ્નનો જવાબ મેળવવા તમે સ્માર્ટફોનમાં રહેલું કેલ્ક્યુલેટર ચાલુ કરશો, પરંતુ તમે હજી તો આંકડાઓ ટાઈપ કરી રહ્યા હોવ ત્યાં જ તમારા દાદા હુકમ છોડશે કે “વેપારીને ૨૪૫ રૂપિયા આપી દે!” તમે ચોંકી જશો, કેમકે તમારુ કેલક્યુલેટર પણ આ જ આંકડો બતાવી રહ્યું છે. પણ દાદાજીએ વગર કેલ્ક્યુલેટરે સચોટ ગણતરી, તમારા કરતાં વધુ ઝડપે કઈ રીતે કરી નાખી?! જવાબ સિમ્પલ છે, તમારા દાદાજીને “ઉઠાં ભણાવતા” આવડે છે! અહીં રાજકારણીઓ પ્રજાને ભણાવે છે એવા ‘ઉઠાં’ની વાત નથી, પરંતુ ઉઠાં એટલે ૩.૫નો ઘડિયો.

આપણે માત્ર પૂર્ણાંક સંખ્યાના ઘડિયા જ શીખ્યા છીએ, એટલે અઢી કે સાડા ત્રણ જેવી અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર કરવાના આવે તો આપણે કેલ્ક્યુલેટરની મદદ લેવી પડે છે. પરંતુ ૭૦ વર્ષથી ઉપરની આયુ ધરાવનાર આપણા દાદાજીની ‘ઓછું ભણેલી’ પણ ‘કોઠાસૂઝ’ ધરાવતી પેઢી આવી અપૂર્ણાંક સંખ્યાઓના ઘડિયા પણ શીખી છે. ઓન ધી અધર હેન્ડ, કેલ્ક્યુલેટર પછી કોમ્પ્યુટર અને પછી સ્માર્ટ ફોન આવી જવાને કારણે આપણે પેલું જુનું ગણિત ભણવાથી વંચિત રહી ગયા! તો શું વિજ્ઞાન-ટેકનોલોજીનો વિકાસ થયો એમ મગજની આવડત ઓછી થતી ગઈ??! જવાબ મેળવવા માટે હવે આગળ વાંચો.

શરૂઆતમાં તો માનવનો પૂર્વજ વાનર હતો, જે આજના માનવ જેવી કોઈ ખાસિયત ધરાવતો નહોતો. પરંતુ ઉત્ક્રાંતિની સાથે માનવ વિકસતો ગયો, બુદ્ધિમતા વિકસતી ગઈ. આ બધું હજારો વર્ષોના સમયગાળા દરમિયાન બન્યું છે. આ બદલાવને સમજવા માટે નૃવંશશાસ્ત્રીઓ (એન્થ્રોપોલોજીસ્ટ) અને અનુવંશશાસ્ત્ર(જીનેટીક્સ)ના નિષ્ણાંતો સતત પ્રયત્નશીલ રહે છે. થોડા સમય પહેલા જ અમેરિકાની વિખ્યાત યુનિવર્સીટી ઓફ શિકાગો દ્વારા થયેલા અભ્યાસને અંતે માનવ મગજના ઈવોલ્યુશન-ઉત્ક્રાંતિ વિષે મહત્વની બાબત જાણવા મળી.

જે રીતે વાનરમાંથી માણસ બનતી વખતે આપણી આંખો, ચામડી, પૂંછડી વગેરેનું સ્વરૂપ બદલાયું, એ જ પ્રમાણે મગજનું સ્વરૂપ પણ બદલાયું. એટલું જ નહિ, પણ માનવોની પ્રજાતિમાં હજી આજે પણ મગજ-મસ્તિષ્કની ઉત્ક્રાંતિ ચાલુ જ છે. માણસનું મગજ આજે જેવું છે, એવું થોડા હજાર વર્ષો પછી નહી હોય. યુનિવર્સીટી ઓફ શિકાગોના અભ્યાસ દ્વારા માલમ પડ્યું કે છેલ્લા ૬૦,૦૦૦ વર્ષો દરમિયાન માણસના મગજમાં બે પરિવર્તનો – જીનેટિક વેરીએશન્સ આવ્યા છે. એક તો મસ્તિષ્કના કદમાં વધારો થયો છે, અને બીજું, કે માનવ મગજની બૌદ્ધિક ક્ષમતામાં વધારો થયો છે!

હવે જરા વિચારો કે મનુષ્ય સૃષ્ટિના બીજા સજીવો કરતાં કઈ રીતે અલગ-આગળ છે? આમ તો ઘણા મુદ્દાઓ ગણાવી શકાય પરંતુ ત્રણ મુદ્દા મુખ્ય છે. કશુંક નવું શીખવાની, મુશ્કેલીઓમાંથી રસ્તો શોધવાની અને સંદેશ વ્યવહારની બાબતે પૃથ્વી ગ્રહ ઉપર મનુષ્યનો જોટો જડે એમ નથી! પરંતુ મૂળ પ્રશ્ન એ કે માનવીમાં આટલી બધી હોંશિયારી આવી એ માટે જવાબદાર કોણ? ઉત્તર છે માણસનું મગજ! ઉત્ક્રાંતિકાળ દરમિયાન માણસનું મગજ સતત વિકસતું ગયું, પરિણામે નવું શીખવાની, મુશ્કેલીઓમાંથી રસ્તો શોધવાની અને સંદેશ વ્યવહારની એની ક્ષમતાઓ પણ વિકસતી ગઈ! સૃષ્ટિના બીજા કોઈ સજીવના મસ્તિષ્કમાં ઉત્ક્રાંતિ દરમિયાન આટલી હદે ફેરફારો (મુખ્યત્વે બૌદ્ધિક ક્ષમતાઓ અંગેના) નોંધાયા નથી! અને શિકાગો યુનિવર્સીટીના સંશોધનો ઉપરથી સાબિત થાય છે કે છેલ્લા ૬૦,૦૦૦ વર્ષો દરમિયાન પણ આપણા મસ્તિષ્કની ઉત્ક્રાંતિ ચાલુ જ રહી છે, આપણે વધુને વધુ બૌદ્ધિક થતાં જઈએ છીએ અને આપણા મગજનું કદ પણ વધતું જાય છે!

આમ તો આ આનંદના સમાચાર ગણાય. આપણે વધુ વિચારશીલ બનીએ, વધુ બૌદ્ધિક બનીએ એનાથી વધુ સારું શું હોઈ શકે? હકીકતમાં આવી ચાંપલી ચાંપલી વાતો ખોખલા આદર્શથી વિશેષ કશું નથી! કેમકે પોતાને મળેલા બૌદ્ધિક વરદાનનો દુરુપયોગ કરવા બદલ આખી સજીવ સૃષ્ટિમાં માણસ સૌથી કુખ્યાત છે. અને એટલે જ કેટલાક વિચારશીલ વૈજ્ઞાનિકો માણસના બૌદ્ધિક વિકાસથી ડરી રહ્યા છે. સાયન્સ જેને ‘જીનેટિક એનહેન્સમેન્ટ’ તરીકે ઓળખે છે એ આનુવાંશિક ફેફારોને કારણે ભવિષ્યનો માનવી એટલો બધો હોંશિયાર બની જશે કે એ ‘ઈચ્છિત’ બાળકો પેદા કરવા માંડશે! જેમકે, કોઇક પોતાના બાળકને એક એવો ડોક્ટર બનાવવા માંગશે કે જે દેખાવે હેન્ડસમ હોય, ખૂબ સારું ગાઈ-નાચી શકતો હોય અને વળી પાછો ફૂટબોલનો ખેલાડી ય હોય… તો આવું કરવુ શક્ય બનશે! જો સાયન્સની મદદથી માતા-પિતા પોતાને ગમતા ગુણધર્મોવાળું બાળક પેદા કરતાં થઇ જાય તો એ બાળક સર્વગુણસંપન્ન જ હોવાનું! અને જો આવું થાય તો પછી ડાર્વિનના પેલા “યોગ્યતમની ચિરંજિવીતા – સર્વાઈવલ ઓફ ધી ફીટેસ્ટ” વાળા નિયમનું શું?

જીનેટિક એનહેન્સમેન્ટ, ‘ડિઝાઈનર ચાઈલ્ડ’ અને એવી બધી વાતો આવતા અંકમાં વિગતે ચર્ચીશું. અત્યારે જે મુદ્દો મગજમાં આવે છે, તે છે ‘કોઠાસૂઝ’ અંગેનો! શરૂઆતમાં દાદાજીનો જે કિસ્સો વર્ણવ્યો, એ પરથી એવું નથી લાગતું જેમજેમ વિજ્ઞાન પ્રગતિ કરે છે અને આપણે વધુને વધુ સિવિલાઈઝડ-મોડર્ન-ઇન્ટેલેક્ચ્યુઅલ થતા જઈએ છીએ… તેમ તેમ આપણી કોઠાસૂઝ ઓછી થઇ રહી છે?


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

3 comments for “સાયન્સ ફેર : ભવિષ્યનો માનવ હોંશિયાર હશે કે સાવ ડોબો?!

 1. April 20, 2018 at 7:45 am

  ભવીષ્યનો માનવ ડોબો તો નહીં જ હોય. લેખકે શરુઆત કરી છે ૩૫ ગુણ્યા ૭ એટલે ૨૪૫ એ બરોબર છે અને એ જ ગણત્રી કે હીસાબે આપણે ચંદ્ર કે મંગલ ઉપર પહોંચી ગયા છીએ.

  કલ્પના કરો ૭0-૮૦ વરસ પહેલાં બળદગાડાના જમાનામાં ગામડાંથી તાલુકા મથક જવું અઘરું હતું અને હવે બુલેટ ટ્રેનનો જમાનો આવ્યો. લોકલ ટ્રેનમાં ૯૦ કે ૧૨૦ કીલોમીટરની ઝડપ તો સામાન્ય થતી જાય છે.

  વાહ વાહ !!! અત્યારે જે મુદ્દો મગજમાં આવે છે, તે છે ‘કોઠાસૂઝ’ અંગેનો! શરૂઆતમાં દાદાજીનો જે કિસ્સો વર્ણવ્યો, એ પરથી એવું નથી લાગતું જેમજેમ વિજ્ઞાન પ્રગતિ કરે છે અને આપણે વધુને વધુ સિવિલાઈઝડ-મોડર્ન-ઇન્ટેલેક્ચ્યુઅલ થતા જઈએ છીએ…

 2. samir dholakia
  April 20, 2018 at 2:10 pm

  ભવિષ્ય ની પેઢી “ડોબી” તો નહિજ હોય કારણ કે તેઓ ને દ્રશ્ય- શ્રાવ્ય સગવડ નો અભૂતપૂર્વ લાભ મળે છે. ગણતરી ને તેઓ મજુરી મને છે. જે કામ મશીન થી પલભર માં થઇ શકતું હોય તેના પાછળ સમય અને શક્તિ શું કામ વેડફવી એવું આજ ની પેઢી માને છે .
  ખુબ સુંદર લેખ . આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *