સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૧૩). બેક્ટેરીયા/જીવાણુઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

પીયૂષ . પંડ્યા

છેલ્લી બે કડીઓમાં બેક્ટેરિયાનો પ્રારંભિક પરિચય મેળવ્યા પછી આજની કડીમાં આપણે આ સુક્ષ્માધિસુક્ષ્મ સજીવ હસ્તીઓનો આપણા એટલે કે માનવજીવન ઉપર શો પ્રભાવ છે એ બાબતે વાત કરીએ. આટલું વાંચતાં જ હસવું આવી જાય એ સ્વાભાવિક છે. છેલ્લાં દોઢસો વર્ષોમાં થયેલા તાંત્રીકી વિકાસ અને એને પરિણામે ઉપલબ્ધ સગવડોથી ટેવાઈં ને આપણે માનવજાતના પ્રતિનિધિઓ ખુબ જ સ્વકેન્દ્રી અને ગુમાની થઈ ગયા છીએ. હવે મોટા ભાગના લોકો બહુ પ્રામાણિકપણે એવું માનતા થઈ ગયા છે કે સમગ્ર પૃથ્વી માનવજાતની માલિકીની છે અને અન્ય બધા જ પ્રકારની જીવસૃષ્ટિ તો એટલે અસ્તિત્વ ધરાવે છે કે આપણે માનવો એટલા ઉદાર છીએ! વળી એવી માન્યતા પણ બહુ વ્યાપક છે કે પૃથ્વીને વસવાલાયક આપણે જ બનાવી છે. અને એથી આપણે માલિકી જમાવીએ એમાં ખોટું શું છે! આવી માનસિકતા ધરાવતા આપણે કોઈ પણ પ્રકારનાં એકકોષીય સુક્ષ્મ સજીવો આપણા જીવન ઉપર પ્રભાવ પાડતાં હોય એવું શી રીતે સ્વીકારી શકીએ?

પણ હકિકત એ છે કે આ સુક્ષ્મ મિત્રો વિના આપણું જીવન સંભવ નથી! આ બાબત લાંબું વૈજ્ઞાનિક વિવરણ માંગી લે છે. શક્ય એટલી સંકિર્ણતા નિવારી અહીં એ સમજવાની કોશિશ કરીએ. ગયા હપ્તામાં આપણે જાણ્યું કે પૃથ્વી ઉપર જેમના થકી જીવનની શરૂઆત થઈ એ અત્યંત પ્રાથમિક કક્ષાના જીવો બેક્ટેરિયાના પણ આદિકોષો હતા. એકકોષીય દેહરચના ધરાવતા એ સુક્ષ્મ જીવો ખુબ જ વિષમ પરિસ્થિતીમાં લાખો વર્ષ ટકી રહ્યા એટલું જ નહીં પણ એ સમયગાળામાં આવા સજીવો એકધારી ગતિથી પૃથ્વીના વાતાવરણમાં ક્રમિક ફેરફારો કરતા રહ્યા. ધીમે ધીમે વાતાવરણમાં પરિવર્તન આવતું ગયું અને છેવટે સુવિકસિત સજીવો માટે એ સાનુકૂળ બન્યું એ દરમિયાન આદિસજીવોની દેહરચનામાં અને દેહધાર્મિક ગુણધર્મોમાં પણ સુધારા થતા રહ્યા. એક તબક્કો એવો આવ્યો કે ઉત્ક્રાંતિની ઘટમાળ ચાલુ થઈ અને પછી વિવિધ પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવતા ગયા. આમ જોઈએ તો સમગ્ર જીવસૃષ્ટિના આદિપિતા બેક્ટેરિયાને ગણાવી શકાય. અત્યારે પૃથ્વીનું વાતાવરણ આપણે માટે ખુબ જ સાનુકૂળ બન્યું છે એની પાછળ બેક્ટેરિયાના અગણિત કોષોએ યુગો સુધી અત્યંત આત્યંતિક કહેવાય એવા વાતાવરણમાં જેમ તેમ અસ્તિત્વ ટકાવી રાખી, કરેલી જહેમત છે. આપણે સ્પષ્ટપણે જાણી લેવુ જરૂરી છે કે જે તે સમયના વિષમ સંજોગોમાં જો એ આદિસૃષ્ટિમાંનાં બેક્ટેરિયા ટકી ન ગયાં હોત તો બાકીની જીવસૃષ્ટિ ક્યારેય વિકસી ન હોત. આમ, આપણું હોવું એમને આભારી છે.

હવે વાત આગળ વધારીએ. કોઈ પણ સજીવના બંધારણમાં હજારો પ્રકારનાં રાસાયણિક સંયોજનો હોય છે. પણ એ બધાંના મૂળભૂત ઘટકો તરીકે કાર્બન, હાયડ્રોજન, ઓક્સીજન, નાઈટ્રોજન, ફોસ્ફોરસ અને સલ્ફર હોય છે. આ બધા ઘટકોમાંથી વિવિધ કાર્યશીલ સંયોજનો બની અને જે તે સજીવની દેહધાર્મિક ક્રિયાઓનું સુપેરે સંચાલન કરે તે માટે એમને સમરસ માધ્યમ પાણી થકી મળી રહે છે. હવે એ સમજી શકાય એવી બાબત છે કે આમાંનો દરેક ઘટક અને પાણી જો વાતાવરણમાં યોગ્ય માત્રામાં સતત ઉપલબ્ધ હોય તો જ સજીવોની કાર્યશીલતા અને પરિણામે એમનું અસ્તિત્વ ટકી રહે. કુદરતનું આયોજન એવું છે કે એકે એક પ્રકારના સજીવને એની જરૂરીયાત પ્રમાણેનાં તત્વો અને સંયોજનો એની આસપાસના વાતાવરણમાંથી મળી રહે. ઓક્સીજન/પ્રાણવાયુ તેમ જ કાર્બન ડાયોકસાઈડ/અંગારવાયુનું ઉદાહરણ લઈએ તો હવામાંનો કાર્બન ડાયોકસાઈડ વનસ્પતિ દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી સાથે સંયોજાઈ, ગ્લુકોઝ બનાવે છે. આ રીતે બનતા ગ્લુકોઝની મદદથી વનસ્પતિ પોતાની વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ ચલાવી, એના અંતે બનતા ઓક્સીજનને હવામાં મુક્ત કરે છે. પ્રાણીઓ ઓક્સીજનને શ્વાસમાં લઈ, તેના દ્વારા મળતી શક્તિનો ઉપયોગ કરી, પોતાની દેહધાર્મિક ક્રિયાઓ ચલાવે છે અને એમાંથી નિષ્પન્ન કાર્બન ડાયોકસાઈડને હવામાં મુક્ત કરે છે. આમ, ચક્રીય સમતુલન દ્વારા આ બન્ને વાયુઓનું વાતાવરણમાં ચોક્કસ પ્રમાણ જળવાઈ રહે છે. અત્યંત સહજ લાગતી આ ચક્રીય પ્રક્રિયામાં સજીવ સૃષ્ટિનો દરેકે દરેક ઘટક યથાશક્તિ ફાળો આપતો રહે છે, જેમાં પ્રાણીઓ, વનસ્પતિ અને જંતુઓ ઉપરાંત બેક્ટેરિયા સહિતના સુક્ષ્મ સજીવોનો સમાવેશ થાય છે.

નાઈટ્રોજનના સ્થાપનના ઉદાહરણ વડે આપણે આપણા મુદ્દાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરીએ. આ તત્વ હવામાંના વાયુ તરીકે મળી આવે છે. એને હવામાંથી ઝીલી, એની મદદથી કેટલાંક જૈવિક રસાયણો બનાવવાની પ્રક્રિયા આ વાયુના સ્થાપન તરીકે ઓળખાય છે. આ વાયુ હવામાં પ્રચૂર માત્રામાં હોવા છતાં વનસ્પતિઓ પાસે એને સીધો ઝીલી, એમાંથી સંયોજનો બનાવવાની ક્ષમતા નથી હોતી. આ જવાબદારી કુદરતે કેટલાંક બેક્ટેરિયાના શીરે નાખી છે. એ પૈકીનાં અમુક બેક્ટેરિયા હવામાંના નાઈટ્રોજનને સીધેસીધો જ ગ્રહણ કરી, એને ચોક્કસ પ્રકારનાં જૈવિક સંયોજનમાં ભેળવી દે છે. પરિણામે આસપાસની વનસ્પતિ સૃષ્ટિને સહેલાઈથી નાઈટ્રોજનયુક્ત પદાર્થો મળી શકે છે. આ ઉપરાંત કેટલાંક બેક્ટેરિયા એકલા હાથે નાઈટ્રોજન સ્થાપન કરવા સક્ષમ નથી હોતાં. એવાં બેક્ટેરિયા શીંબી કુળ(કઠોળ વર્ગ)ની વનસ્પતિનાં મૂળમાં રહી, એના સહકારથી નાઈટ્રોજનનું સ્થાપન કરે છે. આપણે બહુ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કે જો આવાં બેક્ટેરિયા ન હોય, તો નાઈટ્રોજન અને એનાં સંયોજનોના અભાવે વનસ્પતિ સૃષ્ટિ ખતમ જ થઈ જાય! આમ બનતાં આગળ ઉપર શું થાય અને માનવજીવનની શું હાલત થાય, એ સમજવા માટે વૈજ્ઞાનિક હોવું જરૂરી નથી.

આજની કડીમાં આપણે પૃથ્વીના વાતાવરણ ઉપર અને પરિણામે સમગ્ર જૈવસૃષ્ટિ ઉપર વિવિધ પ્રકારનાં બેક્ટેરિયા શું અસર પાડે છે એનો પ્રાથમિક પરિચય મેળવ્યો. આવનારી કડીમાં હવે બેક્ટેરિયાના માનવ શરીર સાથેના સંબંધ વિશે ચર્ચા કરશું. આજે માત્ર એટલી વાત જાણીને વિરમીએ કે એક એક માનવ શરીર જેટલા કોષોનું બનેલું છે એના કરતાં દસગણા વધુ બેક્ટેરિયાના કોષો જે તે શરીર સાથે સીધા જ સંકળાયેલા/જોડાયેલા છે!


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

3 comments for “સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૧૩). બેક્ટેરીયા/જીવાણુઓ

 1. April 20, 2018 at 7:35 am

  બેકટરીયાની પોસ્ટમાં લેખક પીયુષભાઈએ સાદી ભાષામાં દોઢસો વર્ષમાં તાંત્રીક વીકાસની વાત કહી છે.

  સીંતેર વર્ષ અગાઉ દેશ આઝાદ થયો ત્યારે શીતળા અને પોલીયાની વાહ વાહ હતી. સ્વતંત્ર ભારતમાં મહાત્મા ગાંધી અને વલ્લભ ભાઈએ પટેલે સોમનાથ મંદીર માટે હઠ લીધી અને વાઈરસ કે બેકટરીયાના અભ્યાસને બદલે શીતળાના મંદીરની આસપાસ મહીલાઓ પ્રદક્ષીણા કરવા લાગી. રાષ્ટ્રપતી તો ગુરુના ચરણ ધોઈ અમૃતપાન કરવા લાગ્યા અને રાષ્ટ્રપતીની ચુંટણીમાં ફોર્મ ભરતા પહેલાં અજમેર શરીફ, શીરડી સાઈ બાબા કે સોમનાથ મંદીરે જઈ પુજા અર્ચના કરવા લાગ્યા.

  આવું બધું તો અમારા શાસ્ત્રમાં હજારો વરસ પહેલાં લખેલ છે એમ જૈન અને હીંન્દુ કે એના નેતાઓ યુનીવર્સટીના પ્રોફોસરો સામે બકવાસ કરવા લાગ્યા.

 2. April 20, 2018 at 7:35 am

  પોસ્ટમાં લેખકે આપણને સમજાવેલ છે કે આ બેકટરીયા આદીકોષ આપણાં જીવન અને સુખ સમૃદ્ધીમાં ઘણાં સમયથી સાથે છે અને છેલ્લા દોઢસો વરસથી રોજે રોજ નવું નવું ખબર પડે છે. આ બેકટરીયા કે વાઈરસની ખબર ન હતી ત્યારે ઈંગ્લેન્ડના એડવર્ડ જેનરે અનુભવથી શીતળાની રસી સહેલી અને સરળ રીતે શોધી કાઢી અને શીતળા નાબુદીમાં સૌથી છેલ્લે એટલે કે પાકીસ્તાન અફઘાનીસ્તાન પછી આપનો નંબર આવે.

  દર બે ચાર દીવસે રાષ્ટ્રના વડા પ્રધાન કે રાષ્ટ્રપતી હાથમાં આરતી કે દીવો લઈ મંદીરે જતા જોઈએ છે ત્યારે લાલ ચણોઠીને ફુંક મારતા વાંદરાની યાદ આવે છે. બીચારી ચકલીને માન્યતા અને ધર્મ વીશે શી ખબર?

  અંતમાં લેખકે જણાંવેલ છે કે બેકટરીયાની પૃથ્વી અને વાતાવરણ ઉપરની અસરની આ ઝલક છે. માનવ શરીર અને બેકટરીયા વીશે તો હજી ઘણું બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *