ફિર દેખો યારોં : ભારતીયોના જનીનમાંથી જ્ઞાતિપ્રથા નાબૂદ થાય એવી શોધ ક્યારે?

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

કેલેન્‍ડરની રીતે જોઈએ તો આપણો દેશ એકવીસમી સદીના બીજા દાયકાના અંત તરફ આગળ વધી રહ્યો છે. કાબેલ વિજ્ઞાની અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ‘ઈન્‍ડિયા વીઝન 2020’ નામે એક સપનું જોયું હતું. વિજ્ઞાની હતા એટલે એ સપનું કેવળ કપોળકલ્પનાને બદલે વાસ્તવની ભૂમિ પર ઊભેલું હતું. બે લીટીમાં તેનું વર્ણન કંઈક આમ આપી શકાય: ‘રાષ્ટ્રનું રૂપાંતર એક વિકસીત દેશમાં કરવું. જી.ડી.પી.ના વિકાસદરને બેવડાવવા માટે અને વિકસીત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતની પ્રમુખ ક્ષમતા, પ્રાકૃતિક સ્રોતો અને પ્રતિભાવંત માનવબળ પર આધારિત પાંચ ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યાં છે.” આ ક્ષેત્રોમાં કૃષિ, વીજળી, શિક્ષણ અને સ્વાસ્થ્ય, માહિતી અને પ્રત્યાયન વગેરેનો સમાવેશ થતો હતો. એકવીસમી સદીના આરંભે આ દર્શન જોવામાં આવ્યું હતું અને બે દાયકામાં તે સંપન્ન કરી શકાશે એવો ખ્યાલ હતો. એ રીતે 2020 કેવળ એક વર્ષ કે સાલ નહીં, પણ એક પ્રકારે સીમાસ્તંભરૂપી વર્ષ બની રહે એ વિચાર હતો.

ડૉ. કલામ બિચારા એક વિજ્ઞાની હતા. આથી તેમણે પોતાના આ કાર્યક્રમોમાં ક્યાંય જ્ઞાતિવાદને નાબૂદ કરવાનો વિચાર કર્યો નહીં. ભારતમાં જ્ઞાતિવાદનાં મૂળિયાં એ હદે ઊંડાં પ્રસરેલાં છે કે તેને અવગણીને કોઈ પણ ક્ષેત્રના વિકાસ કરવી અશક્યવત્‍ બની રહે. ભલાભોળા, નિર્દોષ, સહેજ ભણેલા અને વર્ષોથી શહેરમાં કોચલાયુક્ત જીવન વ્યતિત કરતા નાગરિકોનો મોટો વર્ગ માને છે કે હવે જ્ઞાતિવાદ જેવું કશું રહ્યું જ નથી અને તેનું પૂંછડું પકડી રાખવાનો અર્થ નથી. બહુ બહુ તો તેઓ એટલો સ્વીકાર કરે કે ગામડામાં એવું હોય તો હોય, બાકી શહેરમાં એવું કશું છે નહીં. આવા વર્ગની વિચારમુગ્ધતા તરફ એક બાજુ હસવાને બદલે દયા આવે, સાથે એમ પણ થાય કે તેઓ વિચારે છે એમ હોત તો કેટલું સારું થાત!

તાજેતરનો એક કિસ્સો જોઈએ. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના બસઈ બાબા નામના ગામના સંજયકુમારનાં લગ્ન નજીકના હાથરસ જિલ્લાના નિઝામાબાદ ગામની શીતલ સાથે વીસમી એપ્રિલે નક્કી થયાં છે. ભારતીય પરંપરા મુજબ સંજયકુમાર જાન જોડીને નિઝામાબાદ આવશે. એક ચોક્કસ ઠેકાણે જાનને ઊતારો અપાશે. અહીંથી જાનૈયાઓ નાચતાકૂદતા વરરાજા સહિત લગ્નસ્થળ સુધી પહોંચશે. આ બાબત કોઈ પણ લગ્ન માટે અતિ સામાન્ય છે. પણ આ કિસ્સામાં આ મુદ્દે મામલો તંગ બની ચૂક્યો છે. કારણ એટલું જ કે સંજયકુમાર જાતવ જાતિનો છે, જે દલિતમાં આવે છે. જેને તે પરણવા જવાનો છે એ શીતલ પણ તેની જ જ્ઞાતિની છે, અને શીતલ રહે છે એ નિઝામાબાદ ગામમાં ઠાકુરોની બહુમતિ છે. દલિતોની જાન અત્યાર સુધી જે માર્ગે પસાર થતી આવી છે એ માર્ગ પર ઠાકુરનું એક પણ ઘર નથી, પણ સંજયકુમાર આ પરંપરાગત માર્ગને બદલે ગામના મુખ્ય માર્ગ પરથી જાન લઈને જવા ઈચ્છે છે. આ બાબતે ઠાકુરો નારાજ થયા છે. સંજયકુમારે આ મામલે પ્રશાસનિક અધિકારીઓથી લઈને છેક મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી સુધીનાને જાણ કરી છે અને પૂછ્યું છે, ‘શું હું હિન્‍દુ નથી? શું મને બંધારણીય અધિકાર પ્રાપ્ત નથી? એક જ બંધારણને અનુસરનાર દેશમાં અલગ અલગ જાતિના લોકો માટે અલાયદા નિયમો શાથી?’

સંજયકુમારની રજૂઆતની અસર પ્રશાસન પર થઈ રહી છે. કેવી થઈ એ જાણવા જેવું છે. ગયા સપ્તાહે જિલ્લા મેજિસ્ટ્રેટ આર. પી. સિંહ તેમજ પોલિસવડા પીયૂષ શ્રીવાસ્તવે નિઝામાબાદની મુલાકાત લીધી. સામાન્યપણે કોઈ મહાનુભાવના આગમન અગાઉ તેમના પ્રવાસનો માર્ગ અધિકારીઓ તપાસતા હોય છે. આ કિસ્સામાં અધિકારીઓએ સંજયકુમાર જે માર્ગે જાન લઈ જવા માંગે છે એ માર્ગની મુલાકાત લીધી. જિલ્લા મેજિસ્ટ્રેટસાહેબે પરવાનગીને નકારી કાઢતાં જણાવ્યું કે આ માર્ગ પર કચરો ઘણો પડેલો છે અને તેની પહોળાઈ પૂરતી નથી. અલબત્ત, તેમણે ઠાકુરોને એ રસ્તાની સ્વચ્છતા જાળવવાની સલાહ આપી ખરી. તેમણે એ પણ તપાસ કરી કે આ માર્ગે અગાઉ જાતવ જાતિના લોકો જાન લઈને આવ્યા છે કે કેમ. એવો કોઈ બનાવ તેમના ધ્યાનમાં આવ્યો નહીં, તેથી તેમણે સલાહ આપતાં જણાવ્યું કે સંજયકુમારની જાન પણ ‘પરંપરાગત’ માર્ગે લાવવામાં આવે.

સંજયકુમારનો કિસ્સો હવે તો સમાચાર ચેનલ, સામાજિક માધ્યમો સહિત અનેક ઠેકાણે જાણીતો બની ચૂક્યો છે. તેણે અલ્હાબાદ હાઈકોર્ટનાં દ્વાર પણ ખટખટાવ્યાં છે. પોલિસે જાતવ અને ઠાકુરોના અગિયારેક લોકો પાસે એક બૉન્‍ડ પર હસ્તાક્ષર લેવડાવીને તેમનામાંથી કોઈ કાયદો પોતાના હાથમાં નહીં લે એવી બાંહેધરી લખાવી લીધી છે. ઠાકુરોએ યથાસંભવ મદદરૂપ થવાની ખાત્રી આપી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સંજય સિંહ ઠાકુર છે. તેમણે કહ્યું, ‘ઠાકુરો અને જિલ્લા પ્રશાસને તેમને સમજાવ્યા કે તેઓ વાતના મૂળને સમજે અને હવે કોઈ નવી વાત શરૂ ન કરે. તેમની સીમા નિર્ધારીત કરાયેલી છે અને તેઓ તેની અંદર જ રહે.’ તેમણે એમ પણ કહ્યું કે બન્ને સમુદાયો કંઈ હિન્‍દુ કે મુસ્લિમ નથી કે અંદરોઅંદર ઝઘડે. બન્ને હિન્‍દુઓ છે. મુસ્લિમોની જેમ હિન્‍દુઓનું લગ્ન કોઈ કરાર નથી, પણ એક ભાવના છે, જેમાં જૂલુસનો કોઈ અર્થ નથી. સીધી વાત છે કે જાતવ લોકો ઝઘડવા ઈચ્છે છે. અમે પરંપરા બદલી શકીએ નહીં.

ભા.જ.પ.ના વિધાયક દેવેન્‍દર સીંઘે પણ જણાવ્યું છે, ‘સંજયકુમારે મારી પાસે સલાહ લેવા માટે આવવું જોઈએ, પણ એ છોકરો નેતાગીરી કરી રહ્યો છે. હું સરકારી પૈસે સમૂહલગ્નમાં તેનું લગ્ન કરાવી આપીશ. કોઈકની વચ્ચે આવો તો ઝઘડો થવાનો જ.’

શીતલનો પરિવાર બહુજન સમાજ પાર્ટી સાથે સંકળાયેલો છે. તેમણે નક્કી કરી લીધું છે કે હવે બહુ થયું. આખરે આ બાબત પોતાના સન્માન સાથે જોડાયેલી છે.

આ ઘટના ઉત્તર પ્રદેશની છે અને આ વર્ષની જ છે. ત્યાં તો બધું આમ જ ચાલે છે અને આપણે ત્યાં ગુજરાતમાં આવું કશું નથી રહ્યું એમ કહેવું શાહમૃગવૃત્તિ છે. સવાલ એ છે કે કયું વિજ્ઞાન જાતિવાદને ભારતીયોના જનીનમાંથી નાબૂદ કરી શકશે? એક સરેરાશ ભારતીય હાડોહાડ જાતિવાદી હોય એ બાબતની નવાઈ છે જ નહીં. હવે જરૂર છે ભારતીયોના જનીનમાંથી આ બાબતને કાઢી આપે એવા કોઈ ‘વીઝન 2030’ જેવા વૈજ્ઞાનિક કાર્યક્રમની અને એવા કોઈ વિજ્ઞાનીની કે જે તેને કાઢવાનું સ્વપ્ન જુએ.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૫-૪-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

6 comments for “ફિર દેખો યારોં : ભારતીયોના જનીનમાંથી જ્ઞાતિપ્રથા નાબૂદ થાય એવી શોધ ક્યારે?

 1. April 19, 2018 at 5:18 am

  જ્ઞાતી પ્રથા ને આ દેશની ચુંટણી અને રાજકરણ સાથે સીધો સબંધ છે.

  છેલ્લા બે ત્રણ હજાર વરસથી દલીતો ઉપર સવર્ણોએ જે અત્યાચાર કરેલ છે એનો આબેહુબ દાખલો ઉપરની પોસ્ટમાં બીરેન ભાઈએ આપેલ છે.

  રામ મંદીર, અજમેર શરીફ, શીરડીના સાઈબાબા, ઉતરાખંડ કે સોમનાથ મંદીર મુલાકાત રાષ્ટ્રપતી, વડા પ્રધાન કે લોકસભાના સ્પીકર લે એટલે સમજી લેવું કે જરુર નજીકના દીવસોમાં દલીત અત્યાચાર સમાચાર આવશે.

  કમાલ તો જુઓ કે આવા કોઈ મંદીરની મુલાકાત પછી પુજારીઓ આખા મંદીરનો અભીષેક કરી રાષ્ટ્રપતી, વડા પ્રધાન કે લોકસભાના સ્પીકરને જાત બતાવે છે. છતાં આ રાજકરણીઓ વાર તહેવારે મંદીરોની મુલાકાત લે છે.

  હીંદુઓએ દલીતો ઉપર અત્યાચાર કરી જે કર્મબંધન કરેલ છે એ હજાર વરસ સુધી છુટે એમ નથી.

  મુહમદ્દ ગજનવીએ સોમનાથના જે હાલ કરેલ કે મુહમદ્દ ગોરે પૃથ્વીરાજ ચૌહાણની કતલ કરેલ એ ઈતીહાસ દરેક હીન્દુએ બરોબર જાણવો જોઈએ. જ્ઞાતીપ્રથા ને કારણે બાબર અને મીર કાસીમ રોજે રોજ આ દેશમાં જનમતા રહેશે અને કર્મબંધનને કારણે એ જરુરી પણ છે. http://www.vkvora.in

 2. April 19, 2018 at 8:39 pm

  આમાં સંદેશ નકારાત્મક છે. પણ આજે જ ઈમેલમાં એક સમાચાર મળ્યા …
  હૈદરાબાદમાં બાલાજી મંદિરના પુજારી રંગરાજને, આદિત્ય પરાશરી નામના દલિત યુવકને પોતાના ખભા પર બેસાડીને મંદિરમાં લઈ જઈને બાલાજીની પુજા કરાવી અને પ્રેમપુર્વક બાથ પણ ભીડી !

  https://www.facebook.com/groups/moticharo428/permalink/2067097876637841/

  • April 21, 2018 at 11:17 am

   સુરેશભાઈ, કહેવાતી હકારાત્મકતાની આડમાં નજરે દેખાતી વાસ્તવિકતાને ‘નકારાત્મક’ ન કહેવાય.

 3. Dipak Dholakia
  April 27, 2018 at 9:32 pm

  જ્ઞાતિપ્રથા નાબૂદ થવાનું લગભગ અશક્ય છે, કારણ કે જ્ઞાતિઓ કામના આધારે નહીં, જન્મના આધારે બની છે. મને લાગે છે કે સિંધુ નદીને કિનારે અનેક જૂથો રહેતાં હતાં. આ બધાં જૂથોને બહારના લોકોએ એક કૉમન નામ આપ્યું છે. આ નામ આપણે સ્વીકારી લીધું. વેદનો સ્વીકાર કરતા હતા એમને એક ગ્રુપમાં મૂકવામાં આવ્યા. એટલે બધા એક ફેડરેશનમાં જોડાયા પણ અંદર ડોકિયું કરો તો બધાં જૂથો એકબીજાથી અલગ જ રહ્યાં. એમની સામાજિક સીમાઓ નક્કી થયેલી હતી. હવે અમુક જ્ઞાતિઓએ સમજૂતી કરી લીધી છે કે એમના વચ્ચે રોટી-બેટી વ્યવહાર થઈ શકે. પણ હજી અમુક જ્ઞાતિઓ સાથે આવી સમજૂતી નથી થઈ. ધર્મ બહાર જવાની વાત તો બહુ પછી આવશે.

  • April 30, 2018 at 6:18 pm

   દીપકભાઈ, સ્વીકારવું ન ગમે, છતાં આમ જ રહેશે એમ લાગે છે.

 4. vijay Joshi
  April 28, 2018 at 11:51 pm

  Cast psyche is deeply embed in social fabric of the Indian culture. For urban wealthier younger generation, I have noticed – during my visits to India – that cast is becoming less of a taboo. Also south Indians tend to be more
  traditional. But by and large smaller villages still follow the very rigid cast system. I am obviously an outsider looking in
  so my observations are limited. In USA, cast has become insignificant .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *