





– વલીભાઈ મુસા
(અછાંદસ)
ભારત જેવા દુનિયાના એક મોટા લોકશાહી દેશમાં,
જાગૃત એવા એક લોકસભા મતવિસ્તારના મતદારોએ,
નિમંત્ર્યા સર્વે કેન્દ્રીય પ્રધાનોને, એક સાથે પૂર્ણ દિવસના ભવ્ય કાર્યક્રમે,
દેશની સમસ્યાઓ અંગે ચર્ચાવિચારણા અને તેમની કામગીરીનાં લેખાંજોખાં લેવા! (૧)
શરત હતી કે તેમણે સચિવો કે સલાહકારો વગર,
પોતપોતાનાં ખાતાં વિષેની સંપૂર્ણ માહિતીઓ સાથે આવવું,
મતદારોના શીઘ્ર પ્રશ્નોના શીઘ્ર ઉત્તરો માટે સજ્જ થઈને આવવું,
દેશવિદેશના પત્રકારો પ્રશ્નો ના પૂછી શકે;પણ હા, આ કાર્યક્રમનું રિપોર્ટીંગ જરૂર કરી શકે! (૨)
પ્રથમ પ્રશ્ન પુછાયો પ્રજા દ્વારા કૃષિ-પશુપાલન મંત્રીને,
’ઉનના ઉત્પાદનની વૃદ્ધિ માટે આપની મિનિસ્ટ્રીનું આયોજન શું છે?’
મંત્રીએ પ્રત્યુત્તર વાળતાં કહ્યું, ‘સુધારેલું બિયારણ આયાત કરીશું, સિંચાઈ માટે સબસીડી
અને ટેકાના ભાવે ઉનની ખરીદી થકી વધુ ને વધુ વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરીશું!’ (૩)
નાગરિક આવાસ મંત્રીનો ઉધડો લેતાં એક મતદારે પૂછ્યું,
‘BPL નાગરિકોને ઘર બાંધવા માટેની બાંધકામ સામગ્રીમાં ખિલાસરી કેમ ઓછી અપાઈ?’
’ખિલાસરી તો એન્જિનીયરોએ સૂચવ્યા પ્રમાણે જ અપાઈ છે, પણ એક શક્યતા છે કે
ખિલાસરી લીલી વાઢવામાં આવી હશે, તો સુકાવાના કારણે કદાચ ઘટ પડી હોવી જોઈએ!’ (૪)
‘માન્યવર મહોદય, કેમ પિટાય આપણું નાણું ડોલર સામે?’ નાણા પ્રધાનને પુછાયું.
‘સતત ડોલરની ખરીદી થકી અમેરિકા પછી આપણી પાસે વધુમાં વધુ ડોલર હશે!’
‘ફાયદો શો? આપણે દેશની તિજોરી ખાલી કરીને ડોલર એકત્ર કરીએ! અને,
અમેરિકા ડોલર છાપ્યે જ રાખે! શું આપણે કાગળ જ ખરીદવાના?’,
‘તમને ખબર નોં પડે!’ (૫)
‘મિ. પ્રાઈમ મિનિસ્ટર, અમારી ગ્રામ્ય લોકબોલીની લોકોક્તિ આપે સાંભળી હશે!’
’કઈ?’,
‘બળદિયાં રળે ને ઘોડાં ખાય!’;
‘તમારો કહેવાનો મતલબ?’
‘એ જ કે નાગરિકોના દસથી ત્રીસ ટકા સુધીના આયકર દરે તમે સ્લીપીંગ પાર્ટનર,
ઓછા નફે સ્ક્રુટીની પણ કાઢો! અંગત ઊડાઊ ખર્ચા અને ખાયકીએ, ઘોડા નહિ તો બીજું શું?’ (૬)
‘મિ. હોમ મિનિસ્ટર, નાગરિકોના જાનમાલની રક્ષા કાજે વિશેષ કોઈ પ્રબંધ વિચારાયો છે?’
‘હા, લોકોંની આત્મરક્ષા માટે આયાત કરીને પણ વિના મુલ્યે કડિયાળી ડાંગો પૂરી પાડવી,
વળી આયાતના સંજોગે હૂંડિયામણ સરભર રાખવા ‘Top Soil’ ની નિકાસ પણ કરવી!’
’અચ્છા Top Soil? લાખો વર્ષોની પ્રક્રિયા થકી બનેલી ફળદ્રુપ જમીન ડાંગો સાટે? વાહ!’ (૭)
‘મિસ રેલ મિનિસ્ટર સીસ્ટર, તમારી જાણમાં રેલની કોઈ નોંધપાત્ર પ્રગતિ ખરી?’
‘હાસ્તો, ડબ્બાઓ ઉપર રોમન લિપિમાં લખાએલ થર્ડ (III) ક્લાસમાંથી એક ‘I’ ભૂંસાયો!’
‘સાવ ઓછા ખર્ચે, નહિ! રંગનો કૂચડો ફેરવવા માત્રથી! પણ, આ અદભૂત વિચાર કોનો?’
કોઈનોય નહિ! શક્ય છે કે કોઈ ડબ્બા ઉપરથી એક ‘I’ ભૂંસાઈ જવાથી પ્રેરણા મળી હોય!’ (૮)
આખો દિવસ સંમેલન ચાલ્યું! સભાની શિસ્ત બેનમૂન રહી!
ન હોબાળા, ન હુરિયા, ન સુત્રોચ્ચાર, ન હસાહસ, ન પગરખાં પ્રક્ષેપાસ્ત્ર (મિસાઈલ) કે હિંસા!
શાંતિથી કહેવાયું પી.એમ.ને તાત્કાલ રાષ્ટ્રપ્રમુખને સંસદ અને સરકાર વિસર્જનની જાણ કરે!
મધ્યસત્ર ચૂંટણી યોજાય અને દેશને હજુય સારા વિદુષકો, રંગલાઓ કે જોકરો મળી રહે! (૯)
* * *
સંપર્કસૂત્રો:
ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com> || મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુ : William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ || માનવધર્મ – જીવો અને જીવવા દો
સારા વીદુષકની શોધ તો બરોબર છે. પ્રથમ પ્રશ્ન બરોબર છે પણ બીજા વખતે નાણાં પ્રધાને કહી દીધું સમજણ ન પડે. આવા પ્રધાનને જલ્દી હટાવવા જોઈએ નહીંતો સારા વીદુષકની શોધમાં પાછા એ જ મળશે. જો કે હોમ હવન યજ્ઞ કરી આવા પ્રધાનનું નીકંદન થઈ શકે છે.
છેલ્લે આખો દિવસ સંમેલન ચાલ્યું! સભાની શિસ્ત બેનમૂન રહી! હોમ હવન વખતે એ શક્ય નથી.
વાહ રંગલાઓ વાહ! ભવાઇ ભજવવા એક રંગલો શોધવો અઘરો જયારે અહીં તો ઢગલાબંધ રંગલા ભેગા મલ્યા.
સુંદર કલ્પના, યોગ્ય શબ્દો સાથેની રજૂઆત.