અવલોકન :: ચામાં આદુ, ત્રણ અવલોકન

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

) ફાટેલું દુધ

અહીં દરરોજ ચા બનાવવાનું મારું કામ. અને મને તે ગમે પણ ખરું હોં!  આ અઢાર વર્ષમાં મારો હાથ પણ સારો એવો બેસી ગયો છે. કચરેલું આદુ અને ઈલાયચી વાળી ‘ સુરેશબ્રાન્ડ ચા હું રોજ બનાવું છું. તમારે એની મજા માણવી હોય તો, અહીં ફોર્ટવર્થ – ટેક્સાસ માં આવી જાઓ! આ એક જ ચીજ માનનીય પ્રધાન મંત્રી શ્રી. નરેન્દ્ર મોદીની કિશોરાવસ્થા અને મારા ઘડપણ વચ્ચે સામાન્ય છે!

મારી પત્ની ચા નથી પીતી. તેના માટે રોજ ઉકાળો બનાવવાનો. (હૈયા ઉકાળો નહીં હોં! ) બાકી બીજા બધાની મસાલા ચા. છેલ્લા છ વર્ષથી આ જ નિયમ. પણ એક અઠવાડિયે એવું બન્યું કે રોજ ઉકાળો ફાટી જાય. એક દિવસ તો ચા પણ ફાટી ગઈ. મારી પત્ની કહે કે ‘આદુ ધોઈને નાંખો.’ આપણે તો તેનો તરત અમલ કર્યો. તોય કંઈ જ સુધારો ન થયો. છેલ્લે ઈલાયચી નાંખ્યા બાદ ઉકાળો અને ચા બન્નેને હું ગળણીથી હલાવું. તેની જગ્યાએ ‘ચમચીથી હલાવો…. ‘ તેવું સૂચન મળ્યું. તે અખતરોય કર્યો. પણ કાંઈ ફરક જ નહીં. ઉકાળાએ જાણે કે ફાટવાની હઠ જ લઈ લીધી હતી!

જોકે , અમદાવાદી સ્વભાવ ખરોને….. મોંઘા ભાવનું દુધ અને આદુ અને ઈલાયચી કાંઈ કચરામાં નાંખી દેવાય? ! ફાટેલા ઉકાળાને ગાળી તેના માવામાં થોડી વધારે ખાંડ ઉમેરી આપણે તો બાપુ આદુ – ગુલ્લા બનાવી આરોગી લીધા. મારી પોતાની રેસીપી. પ્રયોગ કરી જો જો. બહુ સ્વાદિષ્ટ લાગશે! 

છેવટે એક ઉપાય કર્યો –જે પ્લાસ્ટિકની પ્લેટ પર આદુ કાપતો હતો, તેને ધોવાનું શરુ કર્યું. અને બાપુ! ઉકાળો ન ફાટ્યો! એ પ્લેટ પર લીંબુંના એકાદ ટીપાંનો અવશેષ રહી જતો હશે ! વાહ, આપણે તો ઈડરિયો ગઢ જીતી ગયા.

————————————————

સરસ મજાની ચા કે ઉકાળો આટલી મહેનત કરીને બનાવ્યો હોય અને એક નાની કચાશને કારણે ફાટી જાય; તેમ જીવનમાં ય નથી બનતું? કેટકેટલા અરમાન અને પ્રયત્નોથી સાધ્યની સાવ નજીક પહોચી ગયા હોઈએ, અને પાછા હતા ત્યાંના ત્યાં – ટોચ પરથી ખીણમાં.  કર્યું કારવેલું બધું રદબાતલ થઈ જાય.

એમ પણ બને.

અને છતાં એને ય વધાવી લેતાં, એમાંથી ય કોઈ મનગમતી રેસીપી બનાવી લેતાં, જીવનનો આનંદ લેશ પણ ન ગુમાવતાં આપણને કોણ રોકી શકે છે? એને તમાચો મારીને ગાલ લાલ રાખવાની ચેષ્ટા ન ગણીએ પણ આજની ઘડી તે રળિયામણી ગણીએ તો? 

અને… એમ સ્વસ્થ ચિત્ત રાખીએ, તો આપણને દૂધ ફાટી જવાનું મૂળ કારણ, કે આપણા કાર્યમાં નિષ્ફળ થવા માટેનું કારણ પણ કદાચ મળી જાય- ઓલી પ્લેટ ગુનેગાર બનેલી પકડાઈ તેમ.

એમ પણ બને.    

) આદુ કચરતાં

ચા માટે ઈલાયચીનો પાવડર તો તૈયાર રાખેલો હોય છે;  પણ આદુ કચરવાની મારી આગવી શૈલી છે! હું આદુને ચપ્પુથી સમારી પાતળી ચીરીઓ કરું; અને પછી સાંડસીથી કચરી, ગરમ થતા પાણીમાં નાંખું. દિવસમાં બે કે ત્રણ વાર ચા બને. દરેક વખતે આદુ કચરવાની આ જ રીત.

———————————————–

પણ તે દિવસે આદુ કચરતાં વિચારવાયુ ઊભરાયો! મને થયું : ‘આ આદુને કચરું છું તેના કરતાં બેકયાર્ડમાં પોચી માટીની સરસ ક્યારી બનાવી, તેમાં ખાતર નાંખી, રોપું તો કેવો સરસ મઝાનો છોડ થાય ? અને બે ત્રણ મહિનામાં તો ખાસ્સા નવા આદુ પણ મળે. મહામૂલા ડોલરની કેવી બચત થાય?

વાપરવું સહેલ છે, સંવર્ધન કરવું કઠણ છે. પણ સંવર્ધનથી નવરચના થાય છે ને ?

અને આ નિર્જીવ લાગતા આદુમાં ય કોઈ જીવ તો છે જ ને? આ સૂક્ષ્મ હિંસા જ કરી ને ? રસોડામાં બધી સામગ્રી પર નજર નાંખી તો એક માત્ર મીઠું જ નિર્જીવ ચીજ જણાયું. તે પણ જ્યારે અગરમાં પાકી રહ્યું હશે, ત્યારે ભરતી સાથે આવી ગયેલા કેટલા ય દરિયાઈ જીવ પણ ફસાયા જ હશે ને? એ બધાની આહૂતિ આપ્યા વગર આ મીઠું બની શક્યું હોત ખરું?

આ દૂધ વાપરીએ છીએ, તે ય શું સાચે સાચ અહિંસક છે? કોને માટે કેવા અગમ્ય પ્રેમથી પ્રકૃતિએ તે બનાવ્યું, અને કોણ તે વાપરે છે?

શું જીવનના પાયામાં હિંસા છે?

શુદ્ધ અહિંસા શક્ય છે ખરી?

) લીલું આદુ

લીલું આદુ હોય? હા, હોય !

સ્ટોરમાંથી મારા જમાઈ આદુ લાવ્યા હતા; તે સાવ પાતળું હતું. મેં તે શમાર્યું તો અંદર ખાસી લીલી ઝાંય દેખાઈ. પહેલાં તો મને થયું કે, ‘માળું આ ઝેરી તો નહીં હોય?’  પછી હિમ્મત કરીને ગરમ થતા પાણીમાં સાંડસીથી કચરીને પધરાવી દીધું. ચાના રોજના સ્વાદમાં તો કાંઈ ફરક ન પડ્યો, પણ એક અવલોકન પ્રગટી ગયું . આ રહ્યું ….

આદુ કંદમુળનો એક પ્રકાર છે. બરાબર પાકટ આદુ હોય તો તો તે પુષ્ટ બનેલું હોય, અને તેનું આદુત્વ બરાબર પાંગરેલું હોય! પણ આ જનાબ તેના મૂળ છોડના મુખ્ય થડની બહુ નજીક હશે એટલે, તેનામાં ડાળીના ગુણોનો પ્રભાવ રહી ગયો હશે. પાંદડાઓએ બનાવેલા રસમાં તેમનું લીલાપણું બાકી રહી ગયું હશે, જે આ આદુભાઈ પુરું પચાવી ગયા નહીં હોય ! આમ લીલી ઝાંય કપાતા પહેલાં રહી ગઈ હશે.

આપણે બાળપણ વિતાવીને પુખ્ત બનીએ ત્યારે આવી મધુરી લીલી ઝાંય ગુમાવી દેતાં હોઈએ છીએ. નાના હોઈએ ત્યારે આ લીલાશ થોડી થોડી બાકી રહી ગઈ હોય છે. અને એટલે તો એ મધુરું બચપણ સૌને હમ્મેશ સતાવતું હોય છે.

પણ એમ ન બને કે પુખ્ત બનીએ અને એ લીલી ઝાંય વિદાય લઈ લે તો પણ, પુખ્ત આદુની જેમ આપણે રસકસથી ભરપુર જ રહીએ? સૂંઠના ગાંગડા જેવા ચિમળાયેલા વૃદ્ધ ન બની જઈએ? લીલું આદુ પણ હોય તેમ આનંદ કરતા, લીલા સોટા જેવા ડોસાજી પણ બનતા રહીએ?

આ ડોસાજીએ ૨૦૦૩ની સાલમાં અમદાવાદ મુલાકાત વખતે લખેલી કવિતા માણો –

                            ચાર વર્ષના ડોસાજી

બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.
સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે.

અમેરિકાના શીશમહલની ચમક ધમક ના ચાહું છું
દાદાજીની આ મઢુલીને, દિલધડકનથી જાણું છું.

ઓવરકોટ ને બુટમોજાંની દુનિયાથી રિસાયો છું,
પહેરણ, પાયજામાની પહેલી પ્રીત પિછાણી આવ્યો છું.

ઝડપી, ઝટપટ, કારોની વણઝારથી હું ગભરાયો છું,
રીક્ષા ને સ્કૂટરમાં ફરવા, અમદાવાદમાં આવ્યો છું.

ફેરફુદરડી ફરતાં ફરતાં, રાજમાર્ગ પર થાક્યો છું,
નભમાં લાંબેથી ઊડીને, કેડી ખૂંદવા આવ્યો છું.

સપન જગતમાં રહુ છું, પણ સપના માડીના ભાળું છું.
બાળ સંગ ખેલું છું, ને રમતોની સંગત માણું છું.

હાય! થેંક્યુ! ના કોરાકટ ઉચ્ચારોથી, ઉબકાયો છું.
‘કેમ છો?’ ની ભીની ચોકલેટ, હું મસ્તીથી આરોગું છું.

લીલાં આંગણાં, સ્વચ્છ પાર્ક ને ચમક દમક અકળાવે છે.
માડીની ધરતીની ધૂળમાં, રગદોળાવા આવ્યો છું.

શબદ પ્રીત થઇ અમેરિકામાં, કાલું ઘેલું બોલું છું.
કક્કો ઘૂંટવા આ ચોરામાં, ગુરુજી! આજે આવ્યો છું.

ગુજરાતી ગીતોના હું તો, ચાર જ ટહૂકા જાણું છું.
સોલી, પુરુષોત્તમ, આશિત ને મનહરનો હું આશક છું.

સાક્ષર છો ને ગઝલ ભરેલી ગીરાના સૌ સ્વામી છો.
વઢશો ના મુજને દાદાજી! પ્યાર તમારો યાચું છું.

તમ સંગે ગીતોની સરતી, નાવ નિહાળી હરખું છું.
ચાર વરસનું બાળક છું ને ગીત તમારા ગાઉં છું.


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

2 comments for “અવલોકન :: ચામાં આદુ, ત્રણ અવલોકન

 1. April 17, 2018 at 8:21 am

  ઉપરની પોસ્ટના બીજા ભાગમાં છેવટે લખેલ છે કે

  શું જીવનના પાયામાં જ હિંસા છે?

  શુદ્ધ અહિંસા શક્ય છે ખરી?

  આ પ્રશ્ર્ન દુધ પીતા ધાવણા બાળની માતાને પુછવું જોઈએ.

  ભારતમાં હીંન્દુઓ ગાયને મહત્વ આપે છે અને દુધ પીએ છે.

  કોઈ પણ માદા પ્રાણી પોતાના ધાવણા બચ્ચા માટે પોતાના શરીરમાં દુધ બનાવે છે. લુચ્ચુ માનવ ગાયને બુચકારી, એના પગ બાંધી વાછરડાનું દુધ છીનવી લે છે. જૈનો અને સાધુઓ ગાયના બચ્ચાનું દુધ છીનવી લઈ અહીંસાનો પ્રચાર કે પ્રસાર કરે એ બુઠ્ઠો બની જાય છે. જીવનના પાયામાં એને હીંસા કહેવાય અને બધા ગૌ ભક્ત કે હીંદુઓ સમજે એ જરુરી છે.

 2. Anila Patel
  April 17, 2018 at 12:22 pm

  ચામાં આદુના આપના જેવા અનુભવોતો અમનેય થયા છે પણ ફાટેલી ચા કે ઉકાલાના કૂચાનો ટેસ્ટ નથી કર્યો.
  ચાર વર્ષના ડોસાજીની કવિતા બહુ મજાની છે.઼

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *