





–સમીર ધોળકિયા
આપણે બધા જયારે બહાર ફરવા જઈએ ત્યારે ઘણી બધી વસ્તુઓ અધૂરી, અપૂર્ણ હાલતમાં જોઈએ છીએ. કોઈ વાર આપણને કોઈને પણ એવો વિચાર આવે કે આટલી બધી વસ્તુઓ અપૂર્ણ અથવા તૂટેલી કે બિસ્માર હાલતમાં કેમ છે?
કોઈ પણ દિવસે આપણે બહાર નીકળીએ ત્યારે શું શું જોવા મળે છે ?
- અધૂરાં, તૂટેલી હાલતમાં મકાનો. જો મકાનમાં સમારકામ થતું હોય તો લાંબા સમય સુધી તેનો મલબો બહાર જ પડ્યો હોય.
- જો મકાન પૂરું થયેલ હોય તો તેના બાહ્ય ભાગમાં અધૂરાશ હોય, જેમ કે બહાર નું પ્લાસ્ટર અધૂરું અથવા ખરબચડું હોય. સપાટી લીસી ન હોય.
- પગથિયાં વ્યવસ્થિત ન હોય. જો હોય તો થોડા જ સમયમાં જરૂરથી ખરબચડાં અને જૂનાં લાગવા માંડે!
- બહાર રસ્તો નવો બન્યો હોય તો થોડો ખરબચડો હોવાનો અને ગટરનાં ઢાંકણાં પણ બહાર ડોકું કાઢતા હોય અને પસાર થનાર દરેક વાહનને પોતાની હાજરીનો એહસાસ એક ઝટકા સાથે અવશ્ય કરાવતા હોય!
- નવા બનેલ રસ્તામાં પણ આ નાના ખાડા રૂપે સ્પીડબ્રેકર હોવાનાં જ. એક જ વરસાદની ઋતુ પછી રસ્તા ની કાંકરી દેખાવા માંડે.
- દરેક બ્રિજ -પુલ પર નિયત અંતરે ગાંઠા હોવાના.
- દરેક ફૂટપાથ વચમાંથી કે ધારેથી તૂટેલી હોવાની પૂરી શક્યતા ખરી .
- જાહેર મકાનોમાં દરવાજા-બારી સહેલાઈથી બંધ થાય તો સારું કહેવાય, નહીંતર થોડું તો બળ લગાવવું જ પડે!
- નવું ફર્નીચર લઈએ તો થોડા વખતમાં બારણા બંધ કરવામાં તકલીફ શરૂ થઈ જાય.
- નવા મકાનમાં ખીલી લગાવવામાં જરૂરથી પ્લાસ્ટર ઊખડી જાય અને બાંધકામની ગુણવત્તા ડોકાં કાઢવા માંડે.
- રસ્તા ઉપર કચરો વાળેલો હોય તો પણ કચરાના ઘણા બધા અવશેષ દેખાવાના જ.(હા, આ જ સાફસૂફીની પ્રક્રિયા પોતાના ઘરમાં સારા માં સારી રીતે થવાની )
આવી યાદી તો બનતી જ રહે. પણ શા માટે આવું થાય છે અને થતું રહે છે આપણા દેશમાં?
આપણે બધાં કોઈ કામ સારી રીતે- સંપૂર્ણપણે કેમ નથી કરવા માગતા કે કરી નથી શકતા ? આ પ્રશ્ન વધારે એટલા માટે પેચીદો બને છે કારણ કે આપણે સરસ અને સારી ગુણવત્તાવાળું કામ કરવા
સક્ષમ છીએ પણ કરતા નથી અથવા કરવા માગતા નથી. આવું શા માટે છે તેનાં ઘણાં કારણો હોઈ શકે પણ કદાચ સૌથી મોખરાનું કારણ આપણો કામ પ્રત્યેનો અભિગમ હોઈ શકે.
મારું એવું ધારવું છે કે આપણને સૌને કામ કરવું ગમે છે પણ કામ સારી અને સંપૂર્ણ રીતે કરવું ગમતું નથી. જો સારું અને સંપૂર્ણ કામ કરવું હોય તો ખાસ ખાસ કારણ જોઈએ! સામાન્ય સંજોગોમાં કામ ભલે તેના માટે સામાન્ય પૈસા મળતા હોય તો શા માટે તે કામ સારી રીતે કરવાની શું જરૂર છે? જો ઊંચી ગુણવત્તા જોઈતી હોય તો તેની બહુ ઊંચી કિંમત આપો, ખાસ સબંધ રાખો અથવા સામાન્ય ગુણવત્તાથી ચલાવી લેતાં શીખો … અથવા કબીરના વણાટકામની જેમ એમાં અંગત રસ અથવા કારણ હોવું જોઈએ.
જો કોઈ સંપૂર્ણતાનો આગ્રહ રાખે તો એ વ્યક્તિને માટે એવું કહેવાય કે “બહુ ચિકાસ કરે છે”. સંપૂર્ણતાનો આગ્રહ રાખવો તે એક અણગમતું લક્ષણ ગણવામાં આવે છે અને આવા લોકો બિલકુલ લોકપ્રિય નથી હોતા! જે વ્યક્તિઓ ચલાવી લેવા તૈયાર હોય અથવા “પ્રેક્ટિકલ” હોય તે લોકપ્રિય હોય છે અને સર્વ સ્વીકાર્ય હોય છે.
આપણી આ વૃત્તિ પાછળ શું કારણો હશે ? કેવાં પરિબળો હશે ? જયારે આનાં કારણોનું વિશ્લેષણ કરીએ ત્યારે ઘણાં ન ગમે તેવાં તારણો પણ સામે આવી શકે છે જેની બધાએ તૈયારી રાખવી પડે.
પહેલું તો એ કે આપણને બધાને સારું, ઉત્તમ ગુણવત્તાવાળું કામ ગમે છે પણ તે જો બીજાએ કરવાનું હોય તો. જો તે જ કાર્ય પોતે કરવાનું હોય તો સામી વ્યક્તિએ કે સમૂહે તે કાર્યની ગુણવત્તામાં સમાધાન કરવાની પૂરી તૈયારી રાખવી પડે…..! આપણે સ્વીકારવું પડશે કે જે ગુણવત્તાની આશા આપણે બીજા પાસેથી રાખતા હોઈએ તે જ ગુણવત્તા સામાને આપવાની તૈયારી પણ રાખવી પડે.
આઝાદી પછીના સમાજમાં અને અત્યારના સમાજમાં એક મોટો ફેર મને દેખાય છે. પહેલાં જ્ઞાન અને ધન બંનેનું ખૂબ માન હતું પણ જ્ઞાનનું પલ્લું થોડું ભારે હતું. હવે આજના યુગમાં ખાસ કરીને ધનનું પલ્લું વધારે ભારે થતું હોય એમ લાગે છે. આ કારણે ગુણવત્તા કરતાં જલદી કામ પતાવીને જલદી ધન કમાવાની વૃત્તિએ જોર પકડ્યું છે. જો કે, ગુણવત્તા પ્રત્યે આપણે કાયમ ઉદાસીન અને બેદરકાર રહ્યા છીએ. આ કારણે વિશ્વબજારમાં ગુણવત્તા બાબતે ટકી રહેવું આપણા માટે મુશ્કેલ બને છે. વિશ્વભરમાં ગુણવત્તાની બોલબાલા છે. એપલના આઈ -ફોન આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.વધારે ભાવ હોવા છતાં તેની ગુણવત્તાને આધારે તેના ફોન બીજી કંપનીના ફોન કરતાં વધુ વેચાય છે .
ફરીથી ‘અધૂરાં કામ’ પર આવીએ તો જયારે આપણો અભિગમ ગુણવત્તાનું મહત્વ અને જરૂરિયાત સ્વીકારશે ત્યારે આપણા રસ્તાઓ સાફસુથરા થશે, સારા થશે અને દર વર્ષે સમારકામ નહિ કરાવવું પડે!
આ કઈ રીતે હાંસલ કરવું તે એક અલગ લેખનો વિષય છે પણ હાલ આપણે જે કામ કરીએ તે શ્રેષ્ઠ રીતે અને પૂરી લગનથી કરીએ તો હાલની પરિસ્થિતિમાં ચોક્કસ ફેર પડી શકશે.
થોડા સમય પહેલાં એક નાના ગામમાં જવાનું થયું જેની એક મીઠાઈ બહુ જ વિખ્યાત અને સરસ હોય છે. ત્યાં મેં જોયું તો એ મીઠાઈની મુખ્ય અને જૂની-જાણીતી દુકાન કરતાં આજુબાજુની દુકાનોમાં એ જ મીઠાઈ અડધે ભાવે વેચાતી હતી તે છતાંય મૂળ દુકાનમાં ઊંચા ભાવે એજ મીઠાઈ ખરીદી કરવાની પડાપડી હતી અને આજુ બાજુની દુકાનોમાં કોઈ ગ્રાહકો ન હતા. આ બતાવે છે કે નાના ગામથી મોટા શહેરમાં બધી જગ્યાએ ગુણવત્તાનું મૂલ્ય લોકો સમજે છે અને સારી ગુણવત્તા માટે વધારે મૂલ્ય આપવા તૈયાર પણ હોય છે. ફક્ત આપણી તૈયારી જોઈએ ઉચ્ચ ગુણવત્તાનો આગ્રહ રાખવાની અને ગુણવત્તાવાળી વસ્તુઓ બનાવવાની.
એ પણ કારણ હોઈ શકે કે આપણે જયારે કોઈ ખરીદી કરીએ કે કોઈ સેવા લઈએ ત્યારે આપણી નજર ગુણવત્તા કરતાં કિંમત ઉપર વધુ કેન્દ્રિત થયેલ હોય છે જેને કારણે જો સમાધાન કરવાનું આવે તો એ ગુણવત્તા સાથે હોય કિંમત સાથે નહિ ! આ જ કારણે કદાચ કોઈને પણ કામ આદર્શ રીતે કે ખામીરહિત રીતે કરવાનું મન થતું નથી. વધારામાં આપણે કોઈ પણ ઘર કે રહેવાનો સંકુલ કે ઓફીસ કે રસ્તો- આ બધાંની સફાઈ કે વ્યવસ્થા જાળવવા માટે બિલકુલ ઉદાસીન અથવા બેદરકાર છીએ તેથી ગુણવત્તા જલદીથી નીચે જતી રહે છે.
બીજું એક કારણ મને લાગે છે કે આપણે વ્યક્તિગત રીતે કોઈ પણ કાર્ય સંપૂર્ણ રીતે કરવા તૈયાર હોઈએ છીએ અને તે માટે સક્ષમ પણ છીએ પણ જયારે સમૂહમાં એક એકમ તરીકે કામ કરવાનું થાય ત્યારે ફાવતું નથી જેથી મોટાં કામોમાં કે જ્યાં એક મોટા એકમ વગર કામ થાય જ નહિ ત્યાં વ્યક્તિગત અભિપ્રાય કે અહમ કાર્યની ગુણવત્તા કરતા વધુ બળવાન પુરવાર થતો હોય છે. અને તેથી છેલ્લે તો ગુણવત્તાને ભોગે જ કાર્ય પૂરું થાય છે. એમ પણ થવું જોઈએ કે શ્રેષ્ઠ વસ્તુ ખરીદવાના આગ્રહ સાથે શા માટે તે શ્રેષ્ઠ વસ્તુ ઘરઆગણે બનાવવાનો પ્રયત્ન અને શરૂઆત કેમ ન થાય?
આ ઉપરાંત આપણી સમાધાનકારી વૃતિ પણ ગુણવત્તાના સતત આગ્રહ માં આડી આવે છે. અને “ચાલશે” વાળો અભિગમ પણ સંપૂર્ણતા માટે અડચણ રૂપ બને છે. આ સમાધાનકારી વલણ ઘણી જગ્યાએ મદદ કરે છે પણ સંપૂર્ણતાના આગ્રહને ઢીલો પાડી દે છે.
તો શું કરવું? આ જ રીતે ચાલતા અને કરતા રહીશું તો નવા સંશોધન અને વિશ્વસ્તરની ગુણવત્તાની હરીફાઈ માં કઈ રીતે ઊભા રહી શકીશું? કોઈ પણ સમાજ કે સમૂહ માટે અભિગમ માં ૧૮૦ અંશનો ફેરફાર કરવો તો ખૂબ અઘરો છે. પણ તે અભીગમ બદલ્યા વગર ચાલવાનું પણ નથી. અભ્યાસમાં પહેલેથી જાળવણી અને સફાઈનું મહત્વ રાખવામાં આવે તો ભવિષ્યમાં ચોક્કસ સારાં પરિણામ આવી શકે. એમ સાંભળ્યું છે કે જાપાનમાં શાળાની ચોખ્ખાઈ વિદ્યાર્થીઓ પોતે રાખે છે જેથી તેઓ સફાઈ અને જાળવણીનું મહત્વ નાનપણથી સમજે છે. આવા મોટા શકવર્તી ફેરફાર ન આવે ત્યાં સુધી વ્યક્તિગત કૌશલ્ય અને સામર્થ્ય પર મદાર રાખવો પડશે. આપણે બધા ઇચ્છીએ કે આ પાયાનો ફેરફાર જલ્દી આવે અને આપણી આજુબાજુના રસ્તાઓ વગેરે ઊંચી ગુણવત્તાવાળા થાય અને અધૂરી તથા ભાંગેલ ચીજો જોવામાં ન આવે.
પણ લાખ રૂપિયાનો સવાલ. આ દિવસો ક્યારે આવશે?
૦-૦-૦
શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે
નોંધઃ
અહીં મૂકેલ ઈમેજ નેટ પરથી સાભાર લીધેલ છે. તેના પ્રાકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
અધુરા કામ અને ગુણવતા…
બસ કે ટ્રેનમાં લોકો બારીમાંથી ખુલ્લેઆમ થુંકતા હોય છે. એ થુક બારી ઉપર પડે છે અને ઉડીને હવામાં ફેલાય છે કે બીજાના શરીર ઉપર લાગે છે. આ એક ભયંકર બેદરકારી કહેવાય અને ગુણવત્તા સુધરે એમ લાગતું નથી.
સ મીરભાઈની વાત સાથે બિલકુલ સંમત છું. ઘણાખરા કામ આપણે હાફ હાર્ટેડ કરતા હોઈએ છીએ. એક ઉદાહરણ આપુંં તો જ્યાં કામ કરવા માટે આપણને વેતન મળતુંં હોય છે ત્યાં પણ આપણને નહિ પરંતુ આપણા ઉપરી અધિકારીને સંતોષ થાય તે માટે (અને તેથી તે રીતે) કામ કરતા હોઈએ છીએ. ઘણા લોકો એવા જોવા મળ્યા છે કે જ્યાં વેતન મળે છે ત્યાં દિલ દઈને કામ નથી કરતા પરંતુ એ જ લોકો જ્યારે કોઈ ધાર્મિક સંગઠ્ઠનમાં જોડાય છે ત્યારે અવેતન પરંતુ દિલ દઇને કામ કરતા જોવા મળ્યા છે. કાંઇક અંશે આ ગુલામની માનસિકતા છે. ગુલામ હંમેશા માલિક માટે કામ કરે છે.ઔદ્યોગિક ક્રાંતિની મોટી વિડંબના એ છે કે આપણે આપણા કામથી વિખૂટા પડી ગયા છીએ. જે લગનથી વણકર પોતાની હાથશાળ પર કામ કરતો એ લગનથી કાપડની મિલનો કામદાર કામ કરી શકતો નથી
.
આભાર ,કિશોરભાઈ !
એક પ્રજા તરીકે આપણે બેશુમાર ઉણપો ધરાવીએ છીએ. આને કારણે આપણને શાસકો, ઉપરીઓ, અધિકારીઓ પણ આપણી જ કક્ષાના મળે છે !