લ્યો આ ચીંધી આંગળી : હરકિસન મહેતા, હું અને હરકિસન મહેતા (૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

-રજનીકુમાર પંડ્યા

ગતાંકથી આગળ

હરકિસન મહેતાએ મને વખાણ સાથે ચાબખો પણ માર્યો; બોલ્યા : ’આવી સરસ કથા તમે એક લેખ માટે વેડફી નાખી. કોઈ બીજો હોય તો નવલકથા લખે. પણ નવલકથાલેખન તમારી જન્મકુંડળીમાં જ નથી !’

મારા માટે આ પ્રહાર મર્માઘાતી નિવડ્યો. હું એકદમ જમીન પર પટકાયો. તેઓ મને માત્ર લેખક માનતા હતા, સર્જક નહીં- એવો સ્પષ્ટ ચાબૂક એ શબ્દોમાં હતો. હું સમસમી ગયો. ‘તમે મને સાચી રીતે ઓળખો છો ?’ જેવા મારા પ્રશ્નના જવાબમાં તેમણે નિખાલસપણે કહ્યું કે તેઓ મારી કોલમની નામનાથી વાકેફ હતા, પણ ‘ચિત્રલેખા’માં છપાયેલા મારા લેખો સિવાય કે એમાં છપાયેલી બે-ત્રણ નવલિકાઓ સિવાય મારું કશું વાંચ્યું નહોતું. ધાર્યું હોત તો તેઓ કટાક્ષમાં મને કહી શક્યા હોત કે હા, હા, ભાઈ, મને ખબર છે કે તમે કેવું લખો છો ! આમ કહ્યું હોત તો મારાથી કોઈ પ્રતિવાદ થાત નહીં, પણ એમની નિખાલસતાએ મને દુભાવ્યો. હું ઘવાયો. કંઈક બોલવા જતો હતો, પણ એ નાનકડી મહેફિલની ઠઠ્ઠા-મશ્કરીમાં એ વાત જ રોળાઈ-ટોળાઈ ગઈ. પણ મારી ગમગીની ગઈ નહીં. હું મનમાં ને મનમાં ઓસવાયા કર્યો. મને ચેન ત્યારે જ પડે તેમ હતું કે જ્યારે હું તેમને મારી સર્જક તરીકેની (જેવી હોય તેવી) ઓળખ આપું.

રજનીકુમાર પંડ્યા અને હરકિસન મહેતા

તા. 9-10-1989ના રોજ અમદાવાદ આવીને મેં એમને લાંબો પત્ર લખ્યો. એમાં મારા વિષે માહિતીદર્શક બીજું ઘણું લખવા ઉપરાંત એક વાક્ય લખ્યું હતું : ‘હું શું છું એની મને ખબર છે, પણ એ સાથે જ હું શું નથી એની પણ મને ગમ છે’ આ ઉપરાંત એમ પણ લખ્યું કે બનાવટી રાજકુમારવાળી વાત પરથી નવલકથા લખવામાં મને રસ-રુચિ નથી.પણ ધારું તો પેલી માયાબેનવાળી વાત પરથી નવલકથા લખી શકું ( એક આડવાત : બનાવટી રાજકુમારવાળી વાત પરથી પણ મેં આગળ જતા એક નવલકથા ‘ચિત્રલેખા’માં લખી, જેના પરથી મશહૂર નાટ્યકાર અરવિંદ જોશીએ નાટક ‘આયના તૂટે તો બને આભલા’નું સર્જન કર્યું અને હવે એક હિંદી નિર્માતા હિંદી ફિલ્મ બનાવવાનો પ્લાન કરી રહ્યા છે. એમાં પ્રખ્યાત દિગ્દર્શક ભાઇ સંજય છેલનો મોટો ફાળો છે.)

હરકિસનભાઈ એકવાર વ્યક્ત કરેલા અભિપ્રાયને જડતાપૂર્વક વળગી રહેવામાં ક્યારેય ના માનતા. બદલવા માટે તૈયાર રહેતા. એનો મને ફરી વાર પરિચય થયો. તેમણે તરત જ ફોન કર્યો. ‘પેલી વાત પરથી નવલકથાનાં ત્રણેક પ્રકરણો લખી મોકલો.’

એમ, હરકિસનભાઈની શીર્ષકોની પરિપાટીમાં કહું તો ‘માન-અપમાન’ની આવી પટ્ટાબાજી પરથી જે સારું પરિણામ નીપજી આવ્યું તે મારી ‘કુંતી’ નવલકથાનું સર્જન.

એ પછી અમારા સંબંધોમાં નવું પરિમાણ ઉમેરાયું.અત્યાર સુધી માત્ર એક કેઝ્યુઅલ લખતા લેખક તરીકેનો સંબંધ હતો, પાછળથી તે વિકસીને એક તંત્રી અને ગુજરાતનો બ્યૂરો સંભાળતા ‘ચિત્રલેખા’ પરિવારના સભ્ય તરીકેનો થયો. તો હવે નવું પરિમાણ તે ક્યું ?

થોડી અરુચિકર લાગે તેવી સરખામણી આપું; પણ તે જ એકદમ બંધ બેસે છે. એમાંથી જ હરકિસનભાઈના વ્યક્તિત્વની એક અણપ્રિછી બાજુની રેખાઓ સ્પષ્ટ થાય છે. કદાચ કોઈ નવલકથા લેખકે એમને આ રીતે જોયા નહીં હોય.

હા, એ સંબંધ હતો એક સગર્ભા પુત્રવધૂનો અને કડવી છતાં શીળી સાસુનો. એ દિવસોમાં ખાસ ‘આ સ્ત્રી આપણી વંશવૃદ્ધિ કરનાર છે’ એવા ખ્યાલથી સાસુ વિશેષ કન્સિડરેટ, વિશેષ માયાળુ, આત્મીયતા જતાવનારી, છતાં કડવાં ઓસડિયાં પાવામાં વધારે પર્ટિક્યુલર બની જાય છે. વહુને એ લાડ લડાવે, એની ખાવાપીવાની હરેક ઈચ્છાઓ પૂરી કરે, ને છતાં એની પ્રત્યેક હિલચાલ પર ચાંપતી નજર પણ રાખે. વહુનો નાનો—મોટો છણકો પણ સહન કરી લે. આ બધાની પાછળ એની ખેવના એક જ; વહુ નિર્વિઘ્ને દાણિયા જેવો દીકરો જણે.

મેં ત્રણેક પ્રકરણ મોકલ્યાં અને એમનો પત્ર આવ્યો : ‘વાર્તા અહીં ખાતામાં સૌને ગમી છે. જોર રાખજો.’ (આ ‘જોર શબ્દ’ પણ ‘જણનારીનું જોર’ કહેવતની યાદ આપે) તે ઘડીથી શરૂ કરીને વાર્તા પૂરી થઈ ત્યાં લગી હરકિસનભાઈ મારી સાથે એવી સાસુની ભૂમિકામાં રહ્યા. મિત્રોએ મને બીક પેસાડી હતી કે આ તંત્રી પોતાની ધારી રીતે પ્રકરણો લખાવે છે. આ બીકને કારણે હું વધારે સજાગ-સભાન થઈ ગયો હતો. શરૂઆતમાં મને ખાસ કશો એવો અનુભવ ના થયો. બલકે એમનું વાજબી સૂચન મને ઘણું કામમાં આવ્યું. તેમણે લખ્યું હતું : ’ખબરદાર, આ સત્યકથા છે એ ભૂલી જજો. તમારે ડોક્યુમેન્ટરી નહીં, નવલકથા લખવાની છે. તથ્યોનો ભાર વાર્તા પર લાદશો નહીં.’

પાછળથી એમણે ક્યારેક મને પ્રસંગોપાત ટપાર્યો ‘બહુ ઝીણું કાંતશો નહીં.’ અથવા ‘સાચા પાત્રોનાં નામ આમાં બદલાવીને લખો.’ અથવા ‘બહુ જામતું નથી, ફરી લખીને મોકલો.’ આવા આવા એમનાં અનેક ટીકા-ટિપ્પણો-સૂચનો આવતાં રહ્યાં. ક્યારેક માથે ચડાવતો રહ્યો. ક્યારેક ના માનવાની ગુસ્તાખી પણ કરી. મનોભાવોના બારીક આલેખનોને તેઓ ‘ઝીણુ કાંતવાનું’ ગણાતા હતા. હું એને કોમ્પ્લીમેન્ટ ગણતો હતો ને એમ કરવાનું બંધ નહોતો કરતો. ક્યારેક દલિલો કરી એમને મારી વાત ગળે ઉતરાવતો હતો, તો ક્યારેક માની પણ જતો હતો ને આખું પ્રકરણ ફરી લખી આપતો.

હું એમને ત્રણેક પ્રકરણો આગોતરાં મોકલતો હતો.પણ એને એટલી બધી હદ સુધી ખાનગી રાખતા હતા કે તેમનાં પત્ની કલાબહેન ‘કુંતી’ના ચાહક થઈ ગયાં હોવા છતાં એમને એ વાંચવા ના આપતા. એટલે હું જ્યારે કોઈ પણ કારણોવશાત હરકિસનભાઈ સાથે ફોન પર વાત કરતો હોઉં ત્યારે, વાત પૂરી થયે, કલાબહેન ફોન ઉપર આવે અને મારી સાથે પ્રશંસાત્મક ટોનમાં વાત કરે. એક વાર મહુવામાં એમની ષષ્ટિપૂર્તિની ઉજવણી વેળા અમે સૌ લકઝરી બસમાં સાથે જતા હતા અને કલાબહેન મારી સાથે આવી વખાણની વાતો કરતા હતા ત્યારે મેં હરકિસનભાઈને મજાકમાં કહ્યું : ‘નોટ કિયા જાય, મી લૉર્ડ ! હવે પુરસ્કાર વધારી આપજો.’ તો એ તડ દઈને બોલ્યા : ‘બૈરાંઓને તો ’કુંતી’ ગમે જ છે, એમાં શું ? મરદોને ગમાડો ત્યારે મરદ કહીશ.’

(ડાબેથી: હરકિસન મહેતા, રજનીકુમાર પંડ્યા, જોસેફ મેકવાન, તારક મહેતા)

હરકિસનભાઈનું સગર્ભા વહુનું સાસુ સ્વરૂપ એક વાર એ વાર્તા ચાલતી હતી ને હું મુંબઈ ગયો ત્યારે બહુ ઉભરી આવ્યું. એમણે મને સપરિવાર કાર્યાલય ઉપર બોલાવ્યો અને ટેબલે ટેબલે ફરીને ‘આ આપણી ‘કુંતી’ના લેખક’ એમ કહીને એક એક કર્મચારીની અંગત ઓળખાણ કરાવી અને બીજે દહાડે એમને ત્યાં સપરિવાર જમવા નોંતર્યો. અલ્ટમાઉન્ટ રોડ ઉપરથી હું નટુભાઈ અંબાણીની ગાડીમાં આવવાનો હતો. ડ્રાઈવર અજાણ્યો હતો એટલે પહોંચતા વાર થઈ એમાં તો એ આકળવિકળ થઈને ગલીની આજુબાજુ બે-ચાર આંટા મારી આવ્યા, અને અમારી ગાડી જોઈને સામેથી દોડી આવ્યા. હું સમજી શક્યો કે આવડો મોટો તંત્રી આ માન મને નહીં, પણ મારી ’સગર્ભાવસ્થા’ને આપી રહ્યો છે!

‘ચિત્રલેખા’મય હોવાના કારણે હરકિસન મહેતા જાણે કે એકકોષી જીવ બની ગયા હતા. કોઈ પણ સ્થળેથી એમને છેડો, તારમાં ‘ચિત્રલેખા’ જ સંભળાય.

**** **** ****

વખત વીતી ગયો છતાં હરકિસન મહેતા થ્રિલ,સસ્પેન્સ, ભેદ-ભરમ, ગેબી તત્ત્વવાળી વાતો તરફનો પોતાનો વ્યામોહ છોડી શક્યા નહીં. તેઓ માનતા હતા કે એવા કોઈ મસાલા વગરની વાર્તાને ‘ચિત્રલેખા’નો વાચક નહીં સ્વીકારે. પણ ‘કુંતી’ તેમાં અપવાદરૂપ નીકળી. એમાંય સાતમું પ્રકરણ ચાલતું હતું ત્યાં જ નિમેષ દેસાઈ, સોનાલી મહેતાએ મને એની ટી.વી સિરિયલ બનાવવાના હક્ક માટે કરારબદ્ધ કર્યો ત્યારે એમને નવાઈ લાગી.’મારી પાસેથી વધારે પુરસ્કાર પડાવવાનો તો આ પેંતરો નથી ને, ભા…ઈ…?’ એમ હળવી પણ સાચી-ખોટી પણ શંકા પોતાના સ્વભાવ મુજબ વ્યક્ત કરી દીધી. પણ પછી સચ્ચાઈ સમજાતાં એમણે મને ‘સરવાણી વેચતા નહીં, કૂવો વેચજો’ એવી સલાહ આપી. ઉતાવળ કરીને ઓછી પ્રાઈસ ના સ્વીકારવાની તેમની આ સલાહ અલબત્ત મેં ગણકારી નહોતી. છતાં એ નારાજ ના થયા. ફરી વાર પેલી બનાવટી રાજકુમારની કથા ઉપરથી નવલકથા લખી આપવાની ‘પાંચ રૂપૈયા, બારહ આના’વાળી ઉઘરાણી ચાલુ રાખી. મારા મિજાજને અનુરૂપ ન હોવા છતાં એમના અત્યાગ્રહને કારણે મેં લખી તો આપી, પણ મારા ઘરમાં ગાયક જગમોહનના કાયમી નિવાસ જેવા અવરોધો અને બીજાં કારણોસર મારા મનથી હું એમાં જામી શકતો નહોતો. હરકિસનભાઈને કેમ ગમતી હતી તે હજી હું સમજી શકતો નથી. પણ એક તબક્કે મેં એ સમેટી લેવાનો નિર્ણય એમને જણાવ્યો ત્યારે એ દુઃખી થઈ ગયા.એક તબક્કે તો કોઈને જરા કડવું લાગી શકે એવું પણ બોલી ગયા : ‘તમારા જેવાને તો ત્રીસ પ્રકરણ પૂરાં થાય ત્યાં લગી પુરસ્કાર ચૂકવવો જ ના જોઈએ. ઊલટાની સામેથી ડિપોઝીટ લેવી જોઈએ, વાર્તા પૂરતી લંબાઈ સુધી ના ખેંચી શકો તો ડિપોઝીટ જપ્ત થાય !’

પણ તેમની નારાજગી (ખફગી નહીં) વહોરીને એ વાર્તા મેં માત્ર સોળ પ્રકરણમાં આટોપી લીધી. મને એ વાર્તા આજેય બહુ ગમતી નથી, પણ હરકિસનભાઈનું નિદાન કે “વાર્તા જબરદસ્ત નાટ્યતત્વ વાળી બની આવી છે” થોડા વર્ષો પછી સાચું પડ્યું. મુંબઈના સુવિખ્યાત નાટ્યકાર અરવિંદ જોશીએ એના ઉપરથી નાટક ‘આયના તૂટે તો બને આભલા’ બનાવવાના હક મારી પાસેથી ખરીદ્યા,અને નાટક બનાવ્યું પણ ખરું.અને હવે મિત્ર સંજય છેલે એના પરથી હિંદી ફિલ્મ બનાવવાના રાઇટ્સ મારી પાસેથી ખરીદી લીધા છે.

હરકિસનભાઈની ‘સગર્ભા વહુ’ પ્રત્યેની ખેલદિલીનો વધુ એક અનુભવ મને ‘અવતાર’ના લેખન દરમિયાન જ થયો. ‘અવતાર’ની શરૂઆતમાં તેમ જ થોડા પાછળથી પણ તેમણે મારા ઉપર સૂચનોનો વરસાદ વરસાવ્યો હતો. એક તો હું આ વાર્તા લખવી કે ના લખવી તેની અવઢવમાં હતો અને તેમાં પાછું તેમનું આ સૂચન-સત્ર ! જરા અકળાઈને મેં 18 ડિસેમ્બર, 1991ના રોજ તેમને એક પત્ર લખ્યો. મેં એમાં તેમને લખેલું કે તમે મને ડાઈરેક્ટ જરૂર કરો, પણ ડિક્ટેટ કરશો તો હું ‘હું’ નહીં રહું. હરકિસન મહેતા બની જઈશ. તમારી ટકટક મને રૂંધી નાખશે.વાર્તાલેખન એ સંવનનની ક્રિયા જેવું છે; એમાં તો શુભેચ્છક વડીલનો બહારથી સંભળાતો સ્વાભાવિક ખોંખારો પણ મિજાજને ડહોળી નાખે –શરમ કે શિસ્તને અવગણીને તમને હું આ વાત લખી રહ્યો છું.”

આની પ્રતિક્રિયા તીવ્ર આવશે એવી મારી ધારણા હતી, પણ મારી અત્યંત નવાઈ વચ્ચે તેમનો ફોન આવ્યો : ‘તમારી લાગણી જાણી છે. સાચી જણાઈ છે. હવે તંત્રી તરીકેની મારી ફરજ પૂરી થઈ, પણ તમારી કપરી ફરજ શરૂ થાય છે એ ના ભૂલતા.’

ધારું છું. માનું છું કે ક્રિયા કરતાં પ્રતિક્રિયાઓ જ તેમના ઉમદા પોતને વધુ સારી રીતે વ્યક્ત કરતી હતી. પોતાની ઉંમર અને અનુભવમાં ઘણા જુનિયર એવા, બીજી જ નવલકથા પોતાને ત્યાં લખતા લેખકની આ ગુસ્તાખી, કર્યો નામાંકિત, સફળતમ, લેખક-તંત્રી સાંખી લે !

પણ હરકિસનભાઈ ‘ચિત્રલેખા’ના હિતની આગળ અને બીજા સર્જકના ગૌરવ અને સ્વમાનની સર્વોચ્ચતા આગળ, ઓતાના અંગત ઈગોની સર્વોપરિતા સ્વીકારતા નહોતા.

***** **** *****

અનેક વાર, અનેક પ્રસંગોએ તેમની ઉદાત્તતાનો અનુભવ મને થયો. વિગતે વર્ણવું તો પાનાનાં પાનાં ભરાય, પણ સંક્ષિપ્તમાં અને તે પણ એક જ પ્રસંગ જણાવું. એમણે ફરમાઇશથી વડોદરા પાસેના ગોરજના મુનિ આશ્રમ વિષે મારી પાસે મને સ્પેશ્યલ અમદાવાદથી મોકલીને લેખ લખાવ્યો. તેમને ગમ્યો પણ ખરો, પણ પાછળથી ’ચિત્રલેખા’ સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિએ જ તે સંસ્થા વિષે વિપરિત ટિપ્પણી તેમની પાસે કરી. અલબત્ત એ ટિપ્પણીમાં તથ્ય નહોતું. છતાં હરકિસનભાઈએ એ લેખને ના છાપવાનું મુનાસિબ માન્યું. છતાં પણ મને પુરસ્કાર તો ચુકવી જ આપ્યો. એટલું જ નહીં પણ ‘લેખને મારે શું કરવો છે ?” એમ કહીને લેખ પણ મને પાછો મોકલી આપ્યો. પૈસા મળ્યા, પણ મહેનત એળે ગયાનું દુઃખ મને થયું. મેં હરકિસનભાઈને એ કહ્યું પણ ખરું. પણ એમનો જવાબ હતો : ‘લેખ વિષે મારે તમને કંઈ કહેવાપણું નથી, પણ કોઈ શંકાસ્પદ-વિવાદાસ્પદ બાબતમાં હું ‘ચિત્રલેખા’ને પાડવા નથી માગતો.’

પછી એ વણવપરાયેલા લેખને મેં મારી ‘ગુજરાત મિત્ર’ની કટારમાં પ્રગટ કરાવ્યો, ને બીજે વર્ષે એ લેખને ‘સ્ટેટ્સમેન’, કલકત્તાનો શ્રેષ્ઠ લેખ તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો. હરકિસન મહેતાને આની જાણ પી.ટી.આઈ પરથી થઈ કે તરત જ મને ફોન કરીને વિગતો મંગાવી. મેં ક્ષોભ સાથે કહ્યું કે ‘એ તો તમે રિજેક્ટ કરેલો લેખ…!’ પણ એમણે કહ્યું :‘તેથી શું ? હું આ ન્યૂઝ છાપવા માગું છું.’ પોતે પાછા કાઢેલા લેખને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો એ સમાચાર એમણે એમને પી.ટી.આઈ. કે કોઇ ન્યુસ સંસ્થા પાસેથી મળ્યા ત્યારે ’ચિત્રલેખા’માં અર્ધા પાનામાં એ ન્યુસ ફોટો સહિત છાપ્યા. મને તો અગાઉથી કહ્યું પણ નહોતું.

પોતાના લેખકનું ગૌરવ જાળવવાની એમની લાક્ષણિકતા અનેક પ્રસંગોએ પ્રકટ થતી. દિવાળી અંક માટે વાર્તા મંગાવે ત્યારે, મેં મોકલેલી વાર્તાનું માત્ર શીર્ષક બદલવાની મંજૂરી મારી પાસેથી મેળવવા માટે તેમણે અર્ધો કલાક ફોન પર મને સમજાવટ કરી છે. ક્યારેક મંગાવેલી ‘વાર્તા ગમી છે, પણ દિવાળીના આનંદના દિવસોમાં મારે વાચકોને ખૂન-ખરાબા-મરણની વાતોમાં પડવા નથી, માટે પાછી મોકલું છું.’ કહીને પરત મોકલતા. મારો કોઈ કચવાટ એમના એ નિર્ણયને ફેરવી ના શકતો.

**** ***** ****

એમણે લેખકોને સતત આત્મીયતાનો અનુભવ કરાવીને પોતાના બનાવી લીધા. આવી આત્મીયતા વિવિધ પ્રસંગોએ અનુભવાયા કરતી. ક્યારેક કોઈ સલાહમાં, જેમ કે ‘કોઈને ક્યારેય ફોન કરો અને એ વ્યક્તિ ઘેર ના હોય તો એના ઘરવાળા કે ઓફિસવાળાને એટલું કહી દેવું કે તમે ક્યા કારણે ફોન કર્યો હતો,ને એ કેવું અગત્યનું હતું કે નહોતું. આને કારણે સામા માણસને તમારો સંદેશો બીજા દ્વારા મળે ત્યારે એને મામલો શો અને કેટલો અરજન્ટ છે તેની એ જ ક્ષણે ખબર પડે.’

આત્મીયતા તો તેઓ કદરના બે શબ્દો લખતા ત્યારે પણ ભરપૂર અનુભવાતી. ‘નવલકથાલેખન તમારી કુંડળીમાં જ નથી.’ એમ એક વાર બોલનારા એવા એમણે ‘કુંતી’ની સફળતાથી રાજી થઈને પોતાની ‘વંશ-વારસ’ નવલકથા મને ભેટ મોકલી અને ઉપર લખ્યું :’લોકપ્રિય નવલકથા લેખનનો વારસો જાળવી રાખો એવી શુભેચ્છા.’ એટલું જ નહીં, મને બથમાં લઈને એમણે એ વખતે ફોટો પણ પડાવ્યો.

રજનીકુમાર પંડ્યા અને હરકિસન મહેતા

હરકિસનભાઈ જલસાના માણસ હતા. પછી એ જલસો પોતાના પુત્ર-પુત્રીના પ્રસંગે હોય કે ષષ્ટિપૂર્તિ નિમિત્તે, એ ‘ચિત્રલેખા પરિવાર’ના એક-એક લેખકને યાદ કરી કરીને નિમંત્રણ આપતા અને યાદ રહી જાય તેવું આતિથ્ય કરતા. કોઈ પ્રસંગ ના હોય હોય તો પણ એ જલસાના નિમિત્તો ઊભા કરતા. કવિ ધૂની માંડલીયાનો શેર થોડા ફેરફાર સાથે આ રીતે મૂકી શકાય,જે મેં મારી નવલકથા ‘કુંતી’ મા એમને માટેના અર્પણ પેજ પર મુક્યો છે.

ક્યાંય તારા નામની તકતી નથી,
એ હવા, તારી રખાવટને સલામ ! Thinking smile


લેખક સંપર્ક:

રજનીકુમાર પંડ્યા.,

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

11 comments for “લ્યો આ ચીંધી આંગળી : હરકિસન મહેતા, હું અને હરકિસન મહેતા (૨)

 1. ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)
  April 16, 2018 at 7:06 am

  સ્નેહિ શ્રી રજનીકુમારભાઈ, ‘કુંતી ‘ તો અલપ ઝલપ વાંચી હતી. તેના લેખન પાછળનું રહસ્યોદ્ઘાટન તો તેનાથી વિશેષ નીવડ્યું. જમણમાં મિષ્ટાન્ન કરતા ફરસાણની લિજ્જત વધુ સ્વાદિષ્ટ અને માણવા લાયક હોય છે તેની યથાર્થતા સિધ્ધ કરી બતાવી.ધન્યવાદ
  સ્નેહાધિન
  ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)

 2. Piyush Pandya
  April 16, 2018 at 10:59 am

  હરકિસન મ્હેતા વિશે વિગતવાર જાણીને તો આનંદ થયો જ, સાથે આ લેખમાં તમારી માતબર શૈલી સતત પ્રગટ થતી રહી એનો વિશેષ આનંદ છે.

 3. Hetal vin
  April 16, 2018 at 12:39 pm

  અદભુત લેખ.

 4. samir dholakia
  April 16, 2018 at 1:58 pm

  Rajnibhai has a very lucid way of putting things across readers.His forays in to memory land is also interesting and without excess of any emotion. It is clinical,matter of fact and very interesting. From his account we know about not only Harkishan Mehta but a new facet of Rajnibhai himself .
  I always wait for his pen pictures.
  Thanks

 5. પ્રફુલ્લ ઘોરેચા
  April 16, 2018 at 4:56 pm

  સરસ લેખ રહ્યો. ઉપરાંત હરકિશનભાઇના સ્વભાવ, તંત્રી તરીકેની જવાબદારી, લેખક સાથેનો વ્યવહાર વિ . અને તમારી ચેલેંજ ઉપાડવાની શક્તિ. વાહ વાહ.

 6. Dr Arjun G Dave
  April 16, 2018 at 5:54 pm

  દાદા, લેખ વાંચ્યો. આપની મુલાકાત પછી થયો તો તેનાથી વધુ પ્રભાવિત થયો. કુંતી વાંચવાની અદમ્ય ઈચ્છા થઇ છે. વાંચીને પછી પત્ર લખીશ.
  પ્રણામ !

 7. girish m dave
  April 16, 2018 at 6:01 pm

  this is for Umakantbhai

  Are Bhavnagari. Were you staying in BBCI co-operative housing society in Mumbai in 1964-65Kind Regards

  girish dave

 8. Ishwarbhai Parekh
  April 17, 2018 at 3:13 am

  2010 ma kunti vanchi aapni hatoti vishe be mat nathi
  sw.mehta saheb no sasumano roll pan jaruri hato joseph macwan mara mitra hata haji angliyat bhulati nathi .

 9. Jagdish Pandya
  April 17, 2018 at 4:00 pm

  મુ હરકિશનભાઇ વિષે ઘણું વધારા નું જાણવા ,મળ્યું ,ખુબ સરસ

 10. Paresh m shah
  April 17, 2018 at 9:39 pm

  Believe me, Story of Harkishan Mehta is more powerful then Alister meccalin or any other writers.

 11. NAVIN TRIVEDI
  April 25, 2018 at 6:34 pm

  શ્રી રાજનીકુમારભાઈ –
  લખાણની શૈલી જ એવીછે કે વાંચવાની શરૂઆત થાય તો ઊભા થવાનું મન ના થાય – વર્ષોથી ચિત્રલેખા વાંચું છું શ્રી હરકિશનભાઇએ ઘણા લેખકોને પ્રોત્સાહન આપ્યું છે – તમે સૌથી નસીબદાર – માત્ર નસીબદાર નહીં – તમારી મહેનત સાથે નસીબ આવ્યું કહેવાય -નહીંકે નસીબથી આવ્યા – વાંચનનો શોખ બધી વસ્તુ બાજુમાં મુકાવી દેછે.
  આરીતે નવી ઊંચાઈઓ સરકર્તા રહો – હાર્દિક શુભેચ્છાઓ – નવીન ત્રિવેદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *