મંજૂષા : ૧૦: ટીવી કેટલું બધું ઝૂંટવી લે છે

Facebooktwitterredditpinterestlinkedinmail

-વીનેશ અંતાણી

એલિઝાબેથ ડેવિસ નામનાં બહેને ટીવીએ આપણા ઘરમાં કેવું સ્થાન જમાવી દીધું છે અને આપણી રોજબરોજની જિંદગીમાંથી કેટલી બધી સારી બાબતો ઝૂંટવી લીધી છે તેના વિશે રસપ્રદ લેખ લખ્યો છે. બન્યું એવું કે એમના ઘરનું ટીવી મેકેનિકલ ખામીને કારણે કામ કરતું બંધ થઈ ગયું. તે વખતે ઘરની બીજી વ્યક્તિઓની સાથે એમની આઠ વરસની દીકરી પણ ટીવી જોવા બેઠી હતી. એટલું સારું થયું કે દીકરીએ પોતાની નજરે ટીવીનું સ્ક્રીન બંધ થઈ જતું જોયું હતું, નહીંતર એ માની બેસત કે એને ટીવી જોતી અટકાવવા માટે એનાં માબાપે જ ટીવી બંધ કરાવી દીધું છે!

ટીવી ખરાબ થઈ જવાથી એને રિપેર કરવા માટે મેકેનિકને બોલાવવાની જરૂર પડી, પણ એ બીજાં કામોમાં વ્યસ્ત હોવાથી થોડા દિવસો આવી શક્યો નહીં. ઘરમાં જાણે ભયાનક શૂન્યાવકાશ છવાઈ ગયો. દીકરીનો મૂડ ખરાબ થઈ ગયો કારણે કે એ એને પ્રિય એવી પોગો, કાર્ટૂન નેટવર્ક જેવી ચેનલો અને ફિલ્મો જોઈ શકતી નહોતી. માતા લખે છે તેમ એમના ઘરમાં પણ ટીવી એક વાર ચાલુ થાય પછી દીકરી પરાણે સૂવા માટે ન જાય ત્યાં સુધી એ બંધ કરી શકાતું નથી અને ઘરની બીજી વ્યક્તિઓ પણ ટીવી સામેથી ખસતી નથી.

ટીવી બગડી જવાથી ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. જો કે એ કારણે ઘરનાં લોકોને સાથે બેસીને નિરાંતે વાતો કરવાનો સમય પણ મળવા લાગ્યો. માતાના આશ્ચર્ય વચ્ચે દીકરીએ પિઆનો પર પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. રાતે જમવાનો સમય તો અદ્દભૂત અનુભવ બની ગયો. બધાં ખાવાની ચીજો પર ધ્યાન આપી, નિરાંતે ટોળટપ્પા કરતાં આનંદભેર જમતાં હોય એવું ઘરમાંથી અદ્રશ્ય થઈ ગયેલું વાતાવરણ પાછું આવી ગયું.

દીકરીને માની વાતોમાં રસ પડવા લાગ્યો. મા એને પોતાના બાળપણની વાતો કરવા લાગી. દીકરીને પહેલી વાર ધ્યાનથી સાંભળતી જોઈને માને પણ જૂના સમયની વાતો વાગોળવાની ઇચ્છા જાગી. એ પોતાના બાળપણની જાતભાતની રમતો વિશે વાત કરવા લાગી. ઝાડની બખોલમાં છુપાઈ જવું, કાલ્પનિક રીતે ઘર-ઘર રમવું, આખો દિવસ ઘરમાં જ દીવાનખંડમાં બેસી રહેવું નહીં, પણ શેરીમાં બહેનપણીઓની સાથે હરતાફરતા રહેવું. એક સમયે બાળકોને અતિ પ્રિય એવી શેરીરમતો વિશે પણ માતાએ પુત્રીને વિગતવાર માહિતી આપી. માએ કહ્યું: “અમે તો ધૂળમાં ચકેડાં બનાવીને એક પગે તેને કૂદવાની રમત રમતાં.” મિત્રોની સાથે કરેલી દોડની હરીફાઈ અને તે વખતે દોડતાં દોડતાં સામે વિંઝાતા પવનની મજા… અમે એટલું બધું રમતાં કે ઘેર પાછાં આવીએ ત્યારે થાકીને લોથ થઈ જતાં, પણ અમારું મન પ્રફુલ્લિત બની ગયું હોય. તે સમયે તો ટીવી હતું જ નહીં ને મોબાઈલ ફોન પણ નહોતા. અમે રજાના દિવસોમાં નવી નવી રમતો જાતે જ બનાવતાં અને મજા કરતાં… એટલું જ નહીં, દીકરી, તને તો કલ્પના જ નહીં આવે એટલાં બધાં બાળકો શેરીમાં રમવા માટે ભેગાં થતાં!” માતા કહેતી રહે છે અને આઠ વર્ષની દીકરીના મોઢા પર વિસ્મયના ભાવ અંકાતા રહે છે.

પિતા પણ એમની વાતોમાં જોડાયા અને એ કેવી રીતે પથ્થરા ફેંકીને ઝાડ પરથી કેરી પાડતા અને ઘરનાં પશુઓને પાણી પિવરાવવા તળાવે લઈ જતા અને પોતે પણ તળાવમાં તરવા પડતા એ વિશે યાદ કરીકરીને વાતો કરવા લાગ્યા. માબાપનાં બાળપણની વાતો સાંભળતી દીકરીના મોઢાના ભાવ જોતાં લાગતું હતું કે જાણે એ પોતે પણ એ બધી મજા માણવાના વિચારો કરી રહી છે. એટલું જ નહીં, એ માબાપ પાસેથી સાંભળેલી વાતો પોતાના મિત્રોને પણ કહેવા લાગે છે. મિત્રોને પણ નવાઈ લાગે છે કારણ કે એમને પણ આવી કોઈ દુનિયા હોઈ શકે તેના વિશે ખબર જ નહોતી.

ઘરની બીજી વ્યક્તિઓ પણ એકબીજાની સાથે જાતજાતની વાતો કરવા લાગી હતી. બધાંના મનમાં સાથે હોવાનો, લગભગ વિસરાઈ ગયેલો, ભાવ જાગવા લાગ્યો હતો. એક જ છત નીચે રહેતી ઘરની બધી વ્યક્તિઓ જાણે એકમેકની સાથે જોડાવા લાગી હતી. સાંજનો સમય વાતો, પ્રસન્ન હાસ્ય, વાર્તાઓ અને ગીતોથી છલકાઈ ઊઠ્યો હતો.

અને પછી એક દિવસ ટીવી રિપેર કરનાર મેકેનિક આવી ચઢ્યો. ઘરનાં લોકો તો એમના ઘરમાં ટીવી છે કે મેકેનિકને બોલાવ્યો છે તે વાત જ જાણે ભૂલી ગયાં હતાં. ટીવી રિપેર થઈ ગયું. એના સ્ક્રીન પર ફરીથી એ જ ચિત્રો દેખાવા લાગ્યાં. દીકરીએ ફરીથી રિમોટનો કબજો જમાવી દીધો. મોટેરાંઓની આંખો પણ ટીવી સામે જ સ્થિર થઈ ગઈ. ટીવીને ગેરહાજરીવાળા દિવસોના વિશિષ્ટ અનુભવનાં લેખિકા એલિઝાબેથ ડેવિસે લખ્યું છે: “અને પછી ટીવી ફરીથી અમારી સાંજોનું માલિક થઈ બેઠું. પરંતુ હવે હું થોડા સમય પછી ટીવી બંધ કરાવી દઉં છું, જેથી અમે અમારા કુટુંબના સાચુકલા ‘શો’ની મજા માણી શકીએ!”

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

1 comment for “મંજૂષા : ૧૦: ટીવી કેટલું બધું ઝૂંટવી લે છે

  1. vimla hirpara
    April 15, 2018 at 6:36 pm

    વિનેશભાઇ, નમસ્તે, તમારા આજના ટેકનોલોજી વિષેના વિચારો જાણ્યાં. આ બેધારી તલવાર જેવી વાત છે. એ પોતે તો સારી કે ખરાબ નથી. પણ એના ઉપયોગમાં વિવેક ચુકી જવાય કે અતિરેક થાય તો એના માઠા પરિણામ ભોગવવા પડે, ગન પોલિસના હાથમાં હોય ને ગુનેગારના હાથમાં તો બન્નેના ઉપયોગનું પરિણામ વિપરીત આવી શકે. દવા તરીકે વપરાતું મોર્ફિન જીવ પણ લઇ શકે. અણુંઉર્જા માણસને અનેક સગવડ બક્ષી શકે ને એનો અવિવેક વિનાશ પણ નોતરી શકે. ફોન, ટી.વી કે કોમપ્યુટર આજના સમયમાં ઉપયોગી છે. જેમ કે અમે હજારો માઇલ દુર ઘરની સલામતીમાં આરામથી તમારા વિચારો જાણી ને માણી શકીએ છીએ. તો અંતરીયાળ ફસાયેલા મુસાફર માટે ફોન જીવાદોરી બની રહે. સાથે એના અતિરાકથી માણસ માણસ વચ્ચેનું અંતર ઘટવાને બદલે વધી ગયુ છે.એક જ છત નીચે રહેતા લોકો કયારેક અજનબી બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *