ફિર દેખો યારોં :: શિક્ષણનું સ્તર: એક વેંત ઊતરો ને તળિયું આવે

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

‘પદ્માવત’ નામની એક ફિલ્મ રજૂઆત પામી અને થિયેટરમાંથી ચાલી પણ ગઈ. આ જ ફિલ્મ વિષેના સમાચારોથી બે એક મહિના અગાઉ અખબારો છવાયેલાં રહેતાં. હજી ઘણાને યાદ રહ્યું હશે કે આવી કોઈ ફિલ્મ આવી હતી. સંબંધિત જ્ઞાતિસમૂહોએ પોતાની બાજી માંડી દીધી, સરકારોએ પોતાનો દાવ ખેલી લીધો, અને ફિલ્મનિર્માતાનું પોતાનું ગણિત ગોઠવાઈ ગયું એટલે બસ. નાગરિકોને તેને કારણે જે હાલાકી વેઠવાની આવી એ તેમણે ભૂલી જવાની અને એટલું યાદ રાખવાનું કે પોતાનાં વાહનોના વીમામાં તેમણે હુલ્લડ અને રમખાણોથી થનારા નુકસાનની કલમ ઊમેરાવી દેવી.

દેશાભિમાનને બદલે આત્મગૌરવ અને જ્ઞાતિગૌરવનો ધંધો હવે જોરમાં છે. તેનાથી લાભાન્‍વિત થનારો એક મોટો વર્ગ ઊભરી રહ્યો છે, અને જાણ્યેઅજાણ્યે જેને કશી લેવાદેવા નથી એવા લોકો કાં તેના હાથા બની રહ્યા છે, કાં તેનો ભોગ બની રહ્યા છે. આ વ્યવસાયનાં મૂળિયાં અનેક ક્ષેત્રોમાં પ્રસરવા માંડ્યા છે, જેમાં સૌથી ચિંતાજનક સ્થિતિ શિક્ષણના ક્ષેત્રની છે. તવારીખને એક ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં મૂકાવીને તૈયાર કરાતાં પાઠ્યપુસ્તકો થકી રાષ્ટ્રગૌરવ વધારવાનો આશય હોય એમ માનવા માટે કાતિલ ભોળપણની આવશ્યકતા છે, જે હવે વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યું છે.

તાજેતરમાં નેશનલ કાઉન્‍સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્‍ડ ટ્રેનિંગ (એન.સી.ઈ.આર.ટી.)ના બારમા ધોરણના પોલિટિકલ સાયન્‍સના પાઠ્યપુસ્તકના છેલ્લા પ્રકરણમાં એક નાનકડો ફેરફાર કરવામાં આવ્યો. ‘રીસન્‍ટ ડેવલપમેન્‍ટ્સ ઈન ઈન્‍ડિયન પોલિટિક્સ’ શિર્ષકવાળા આ પ્રકરણમાં કેટલાક મહત્વના ઘટનાક્રમોનો ઊલ્લેખ છે, જેમાંનો એક છે 2002નાં ગુજરાતનાં રમખાણોનો. એક નાનકડા ફકરામાં આ ‘મુસ્લિમવિરોધી રમખાણ’ની વિગત આપવામાં આવી હતી. હવે આમાં એક મામૂલી ફેરફાર કરવામાં આવ્યો છે. આ રમખાણો હવે કેવળ ‘ગુજરાતનાં રમખાણો’ તરીકે ઊલ્લેખાશે. જો કે, એ જ ફકરામાં ઉલ્લેખાયેલાં 1984નાં રમખાણો ‘શીખવિરોધી રમખાણ’ તરીકે જ ઓળખાશે. તેમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.

2002 નાં મુસ્લિમવિરોધી રમખાણોનો મુદ્દો કેવળ ગુજરાતની તત્કાલીન અને વર્તમાન સરકાર માટે જ નહીં, અનેક નાગરિકો માટે પણ દુ:ખતી રગ છે. ‘અયોધ્યાથી પાછા ફરી રહેલી ટ્રેનના એક ડબ્બામાં લગાડવામાં આવેલી આગમાં બળીને રાખ થઈ ગયેલા 57 કારસેવકોના અપમૃત્યુથી પ્રસરેલા મુસ્લિમવિરોધી રોષ તરીકે ફાટી નીકળેલાં રમખાણો’ તરીકે આ રમખાણોનો ઊલ્લેખ કરવામાં આવે છે. ગોધરાની ઘટનાનો ઊલ્લેખ સાચો અને અનિવાર્ય છે, પણ તેને લઈને આ રમખાણોને વાજબી ઠેરવવાની રાજકીય કવાયત માફ કરી શકાય નહીં એવી છે. નાગરિકો પણ જ્યારે રાજ્યકર્તાઓની ભાષા બોલવા લાગે અને એમ માનવા લાગે એ સૌથી કમનસીબ સ્થિતિ છે. જે થઈ ગયું એ મિટાવી શકાય એમ નથી. આવી ગંભીર સ્થિતિમાં શાસનની સંદેહાત્મક ભૂમિકા અને વહીવટી નિષ્ફળતા બદલ શાસક દ્વારા દિલગીરીનો હરફ સુદ્ધાં ઉચ્ચારવામાં ન આવે,

બલ્કે તક મળે ત્યારે તેનું ગૌરવ કરવામાં આવે એ અધમતાની નિશાની છે. ‘એની એ વાત ક્યાં સુધી યાદ રાખશો? હવે બધું ભૂલીને આગળ વધો’ જેવું શાણપણ સારું છે, પણ એ પીડકના મુખે નહીં, પીડિતના મુખે શોભે. આટલા નજીકના ભૂતકાળની દુર્ઘટનાને તોડીમરોડીને પોતાની તરફેણમાં કરી લેવામાં આવે એનાથી પુરવાર શું કરવાનું છે?

આ ફેરફાર પહેલી વારનો નથી, એમ છેલ્લી વારનો પણ નહીં હોય. આ અગાઉ મહારાણા પ્રતાપ તેમજ છત્રપતિ શિવાજી વિષે પણ ઈતિહાસના પાઠ્યપુસ્તકમાં ઊમેરા કરવામાં આવ્યા છે. અગાઉનાં લખાણો બાબતે શિવ સેના અને મહારાષ્ટ્રસ્થિત હિન્‍દુ જનજાગૃતિ સમિતિ દ્વારા વાંધો લેવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે મોગલ શાસકોને મોટા ચીતરીને હિન્‍દુ રાજાઓને અવગણવામાં આવ્યા છે. અન્ય વિષયોમાં વિવિધ રીતે સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાઓ અભિયાન, ડીજીટલ ભારત ઝુંબેશ તેમજ વિમુદ્રીકરણ જેવા વર્તમાન કેન્‍દ્ર સરકારના વિવિધ કાર્યક્રમોને સમાવવામાં આવ્યા છે. અગિયારમા ધોરણના અર્થશાસ્ત્રના પુસ્તકમાં જી.એસ.ટી.નો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

પોતાની કામગીરીનો પ્રચાર એક બાબત છે. પણ એ પ્રચાર અપપ્રચારની હદે વકરે અને પેલા બ્રાહ્મણ તેમજ ઠગોની વાર્તામાં થાય છે એમ બકરાને કૂતરું ઠેરવી દેવામાં આવે એ સ્થિતિ ગંભીર છે. હવે સાયબર યુગમાં આ કાલ્પનિક વાર્તા તેમાંની કલ્પનાથી અનેકગણી વાસ્તવિક બની રહે એવી સુવિધા છે. દરેક પક્ષ પાસે એવા સાયબર સૈનિકો છે, જેઓ હુકમની રાહ સુદ્ધાં જોયા વિના બકરાને કૂતરા તરીકે ઠસાવવાના ઉદ્યમમાં પૂર્ણપણે જોતરાયેલા છે.

એન.સી.ઈ.આર.ટી.ની વાત કર્યા પછી ગુજરાતનાં પાઠ્યપુસ્તકોની વાત કરીએ તો એ આખો ઉપક્રમ સરકારને હસ્તક ગયા પછી તેનું સ્તર એટલે તળિયે પહોંચાડવામાં આવ્યું છે કે ભલભલા ખાડાઓ નાના જણાય. ખોટી માહિતી અને આડકતરો પ્રચાર તો સમજ્યા, પણ સમગ્રપણે એટલી બધી ભૂલો જોવા મળે છે કે સાચા શબ્દો શોધવા સહેલા પડે. પાઠ્યપુસ્તક એટલે એક પ્રમાણિત પુસ્તક, જેમાં વ્યાકરણ-જોડણી ઊપરાંત માહિતી પણ પ્રમાણભૂત હોય. પણ ગુજરાત રાજ્યનાં પાઠ્યપુસ્તકો વાંચતાં લાગે કે તેના નિયમન માટે ‘ધોરણ’ જેવો કોઈ શબ્દ જ અસ્તિત્વમાં નથી. બીજી તરફ અંગ્રેજી માધ્યમથી વિના કારણ અંજાઈને મોંઘીદાટ શાળાઓમાં વિદ્યાર્થીને ભણવા મૂકતા વાલીઓનો પાર નથી. તેમને શિક્ષણના સ્તર સાથે લેવાદેવા નથી, પણ આટલી મોંઘીદાટ ફી પોતાને પરવડી શકે એમ છે એ પુરવાર કરવું છે. તેમના માટે મોંઘી ફીવાળી શાળા શિક્ષણની ગુણવત્તાનું નહીં, પોતાના આર્થિક મોભાનું પ્રતિક છે. વાલીઓની આ માનસિકતાનો પૂરેપૂરો લાભ આવી શાળાઓ ઉઠાવે છે, અને તેમને સરકારનો પણ પૂરેપૂરો સહયોગ મળે છે.

એ રીતે જોઈએ તો વિચારવું પડે કે ચિંતા કરવી તો શેની કરવી ? પાઠ્યપુસ્તકો સાથે કરાતાં ચેડાંની? શિક્ષણની ગુણવત્તાને પાતાળે પહોંચાડવાનો નિષ્ઠાવાન પ્રયત્ન કરનાર સરકારના અભિગમની? વિદ્યાર્થીઓને ગ્રાહક ગણીને કશી જવાબદેહી વિના તેમને લૂંટતી શાળાઓની? આવી શાળાઓ દ્વારા લૂંટાવા માટે સામે ચાલીને જતા વાલીઓની? આવી શાળાઓમાં ભણીને બહાર નીકળતા વિદ્યાર્થીઓના ભવિષ્યની? કે પછી આવી ‘નકામી’ બાબતોની પણ ચિંતા કરતા રહેતા આપણા મગજની?

સમસ્યાઓ એક નહીં, અનેક છે. ઊકેલ પણ છે, કેમ કે, આ સમસ્યાઓ આખરે માનવસર્જિત છે. તેના ઊકેલનો આરંભ ઊપરથી અને નીચેથી એમ બન્ને રીતે કરવો પડે. દૃઢ ઈચ્છાશક્તિ હોય તો કશું અશક્ય નથી. કોઈ પણ જાતના ઊકેલ વિશે ત્યારે જ વિચાર થઈ શકે જ્યારે એમ લાગે કે આ સમસ્યા છે. એટલે સૌથી પહેલી ચિંતા જેને આ સમસ્યા ન લાગે એવાઓની કરવા જેવી છે.

(શિર્ષકપંક્તિ: ડૉ. અશરફ ડબાવાલા)


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯ -૩-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

4 comments for “ફિર દેખો યારોં :: શિક્ષણનું સ્તર: એક વેંત ઊતરો ને તળિયું આવે

 1. April 12, 2018 at 3:07 pm

  पोस्टमां पाठ्यपुस्तक अने हकीकत बाबत जणांवेल छे. पृथ्वी राज चौहाण, के महाराणा प्रताप अने महाराष्ट्रना शीवाजीनो उल्लीख छे.

  शीवाजीना जन्म, राज्याभीषेक मोगल राजा औरंगझेब ना दरबारमां हाजरी ( मुजरो वधारे साचो) आ बाबत खोटी चीतरामण थयेल छे ए वांची ओक्षफर्डना कोईक ईतीहासना प्राध्यापकने सांचु शुं छे ए जांणवुं जोईए.

  शीवाजीए सुरत लुंट चलावेल जे दुनीयानी मोटामां मोटी लुंट छे. बधो लुंटेल माल शीवाजी जाते दील्ली दरबारमां आपी आव्यो. आ रीतभात पछी आखा देशमां शरु थयी.

  खोटो ईतीहास अने भृष्टाचारनी रीत भात आज दीवस सुधी लोकोने खबर ज नथी.

 2. vimla hirpara
  April 12, 2018 at 5:57 pm

  નમસ્તે બિરેનભાઇ, શિક્ષણ તો આપણું પ્રથમથી જ પોપટરટણ રહ્યું છે. વિચારવાની વાતજ નહિ,પણ સવાલ પણ ન કરાય. આપણે જેમ ગુરુને માની લઇએ એમ ઘરમાં વડીલોનેય માની લઇએ. આ ગુરુદેવોભવ ને પિત્રુ કે માત્રુ દેવો ભવ, આ સુત્રો આપણને બહુ નડયા છે.આજે પણ મહાજન ગતા વોહી પંથ એમ સભાસરઘસ કે આંદોલનમાં કોઇ સમજણ કે જાણ વિના જોડાઇ જઇએ છીએ. તોડફોડમાં સામેલ થઇ જઇએ છીએ.’કોના બાપની દિવાળી” અરે આ તારા ને મારા બાપની દિવાળી છે એટલુ ય ભાન નથી? એક બીજી વાત, આ ઉપવાસ ને આત્મવિલોપન. આ ત્રાગા પણ પુરાણી દેન. ભગવાનને રાજી કરવા હોય તો ભુખહડતાલ પર ઉતરી જાવ. દેહદમન કરો. એટલે એ પ્રગટ થઇને વરદાન આપે. આપણા ગાંધીજીએ આની પુષ્ટિ કરી. બસ, સહેલો રસ્તો આ આળસુ પ્રજાને માફક આવી ગયો. હાલતા ચાલતા ત્રાગા. કામ કરવાની દાનત જ નહિ. એકાદને મરવા દો.એટલે આ શસ્ત્ર બુઠુ થઇ જવાનૂં આમપણ ત્રીજાભાગની વસ્તી એમ જ ભુખે મરેજ છે ને.

 3. April 12, 2018 at 11:25 pm

  એ રીતે જોઈએ તો વિચારવું પડે કે ચિંતા કરવી તો શેની કરવી ?
  બીરેન ભૈ …..કશાયની ચંત્યા ના કરો. બધીયોયનો ઉકેલ આ ર્યો….

  https://gadyasoor.files.wordpress.com/2018/03/worry_1.png?w=768&h=768

 4. April 13, 2018 at 12:46 pm

  પ્રતિભાવ આપનાર સૌનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *