





–દીપક ધોળકિયા
હરનિશભાઈ જાનીનું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’ રામનવમીના બીજા દિવસે કૂરીઅર દ્વારા મળ્યું. એમાં રામનવમીનું શું? વિચાર તો મનેય નહોતો આવ્યો. પુસ્તક ખોલીને સાથે લઈ ગયો અને આવતાંજતાં મેટ્રોમાં છ-સાત લેખ વાંચી લીધા. સૌથી પહેલાં મેં કુલ ૩૩ લેખોમાંથી ૩૨મો લેખ વાંચ્યો. અમસ્તા જ. બે-ત્રણ લેખ વાંચ્યા પછી પહેલા લેખ ‘પંચોતેરમા વર્ષે સમય-તંત્ર’ પર આવ્યો. લેખની નીચે તારીખ છે, ૧૩મી ઍપ્રિલ, ૨૦૧૬, પહેલું વાક્ય છે, “આ રામનવમીએ હું જીવનનાં પંચોતેર વરસ પૂરાં કરીશ.” મને થયું, તે પછી ૨૩ મહિને આવેલી રામનવમી, તો હજી ગઈકાલે જ ગઈ. ઓહો, આ તો સુખદ સંયોગ! સાતના અંકને આપણે શુભ માનીએ છીએ અને હવે હરનિશભાઈએ બે ૭ના અંક ભેગા કરી લીધા! અભિનંદન, હરનિશભાઈ!
આ પુસ્તક તમે હસવાનું ધારીને હાથમાં લો તો માનનીય શ્રી રતિલાલભાઈ બોરીસાગરની ચેતવણી છેલ્લા કવર પર સૌ પહેલાં વાંચી લેવી. “…હાસ્યરસનું પુસ્તક નથી, પણ હાસ્યકારનું પુસ્તક તો છે જ.” આ પહેલાં પણ હરનિશભાઈના એક પુસ્તક વિશે લખવાનો મોકો મળ્યો છે ત્યારે પણ મેં લખ્યું છે કે હાસ્યકાર હસાવવા માટે લખતો નથી. એ આ દુનિયામાં ‘આઉટસાઇડર’ હોય છે. એ માત્ર જીવનને જીવતો નથી, જે રીતે જીવે છે તે રીતને જોતો પણ રહે છે. કોઈ અન્ય સમાજ કે કોમના કોઈ સારામાઠા પ્રસંગે જઈએ ત્યારે આપણે પણ દરેક ક્રિયાને કૌતુક અને વિસ્મયથી જોયા કરીએ છીએ, અભિપ્રાય નથી બાંધતા; એ તો ઘરે આવીને વાતો કરીએ ત્યારે તુલનાઓ અભિપ્રાયો બનાવે છે. હાસ્યકાર પોતાના જીવનને પણ આમ જ કૌતુક અને વિસ્મયથી જોયા કરે છે એટલે જ અપરાધભાવ વિના આ લેખક અમેરિકાને પોતાનો દેશ માને છે, અને તેમ છતાં રાજપીપળા, સૂરત, ભારત કપાતાં નથી. બે દેશો પર નજર હોવાથી એ ક્યારેક ‘તીરછી’ પણ થઈ જાય, પણ મને લાગ્યું કે પુસ્તકનું નામ ‘તીરછી નજરે’ને બદલે ‘ઊંડી નજરે’ અથવા ‘વેધક નજરે’ પણ રાખી શકાયું હોત. કારણ એ કે જેમ લેખોમાંથી અપરાધભાવ નથી દેખાતો તેમ વ્યામોહ પણ નથી દેખાતો.
પરંતુ કોઈ સમાજ એકરંગી નથી હોતો. અમેરિકન સમાજ પણ અનેકરંગી છે. વ્હાઇટ, બ્લૅક, હિસ્પૅનિક, એશિયન, ઇંડિયન, મૅક્સિકન – બધા અહીં વસે છે. લેખકે એ સમાજનો કયો રંગ પસંદ કર્યો છે? લેખક માટે મારી નજર પણ તીરછી થઈ અને સડસડાટ એક પછી એક પાના પર નજર નાખતો ‘કાળા પણ કામણગારા’ પર અટક્યો. આ જ લેખના સમર્થનમાં હું સાતમો લેખ ‘વસુધૈવ કુટુંબકમ’ વાંચવાની પણ ભલામણ કરીશ. તે ઉપરાંત, ૨૯મો લેખ ‘દુનિયા રંગરંગીલી –અમેરિકા’ પણ આ જ સ્તરનો લેખ છે.
આ વાંચ્યા પહેલાં હું લેખો વાંચતો હતો, હવે લેખકને વાંચવા લાગ્યો. જ્યાં સુધી સમજ્યો છું ત્યાં સુધી તો ખોટો નહીં પડું, પણ સાંભળ્યું છે કે અમેરિકાસ્થિત ગુજરાતીઓના બહુ પ્રિય શબ્દો છે, ‘કાળિયો’ અને ‘ધોળિયો.’ હું કહેવાની હિંમત કરું છું કે હરનિશભાઈની ભાષામાં આ શબ્દો નહીં હોય! આપણા લેખક ‘ડેમોક્રેટ’ હોવાનો પૂરો સંભવ છે, જાતિગત મિથ્યાભિમાનથી મુક્ત તો છે જ. કેટલાયે લેખોમાંથી એમનો માનવતાવાદી દૃષ્ટિકોણ પણ પ્રગટ થાય છે. ચૂંટણી વિશેના લેખો આજે તો જૂના થયા, પણ ઉપરાષ્ટ્રપતિઓ વિશેનો લેખ મારા માટે નવી માહિતી જેવો નીવડ્યો. આમ તો અમેરિકન વાઇસપ્રેસીડેન્ટો પર સૌ પહેલી વાર લિંડન જ્હૉનસન અને જેરલ્ડ ફૉર્ડ વખતે જ ધ્યાન ગયું. સ્પિરો ટી. ઍગ્ન્યૂ વિશે નવું જાણવા મળ્યું. માત્ર ‘ઍગ્ન્યૂ’ને બદલે ‘ઍગ ન્યૂ” છપાયેલું છે તે આંખને ખૂંચતું રહ્યું.
અમેરિકામાં લાંચરુશ્વતનો અભાવ, કામમાં પ્રામાણિકતા વગેરે વિશે એમના અંગત અનુભવો વાંચવા જેવા છે. બીજી બાજુ, અમેરિકામાં થતા દુર્વ્યય વિશેનો લેખ ચોંકાવનારો છે. અમેરિકા ઉપભોક્તાવાદી દેશ તો છે જ, પરંતુ ખાતાં જે કંઈ વધે તે આખું ને આખું ફેંકી જ દેવાય એ આઘાતજનક છે. પરંતુ આટલો બગાડ અમેરિકન ઇકોનોમીને ફાવે છે! બચત – વસ્તુની કે પૈસાની – એ અમેરિકન આર્થિક સિદ્ધાંતથી વિરુદ્ધ છે. લેખક મંદિરોમાં જાય છે, પણ સારા ભોજન માટે! એમને અફસોસ છે કે ‘અમે’ લોકો ત્યાં મંદિરો બનાવીએ છીએ પણ કોઈ હૉસ્પિટલ કે યુનિવર્સિટી કેમ ન બનાવી? આનો જવાબ કોણ આપી શકે?
૦-૦-૦
શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી
વાહ! અહીંથી જ આની ખબર પડી. પુસ્તક મેળવીને વાંચવું જ પડશે.
દીપકભાઈ, આભાર. આવો જ પ્રરેમભાવ રાખશો.