વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૩) : શાળાઓમાં આડેધડ ગોળીબાર: કરુણતામાં ભળેલી વક્રતા

Facebooktwitterredditpinterestlinkedinmail

-નીતિન વ્યાસ

સ્થળ: આશરે 24000 નાગરિકોની વસ્તી ધરાવતા ફ્લોરિડામાં આવેલા પાર્કલેન્ડ નામના નગરમાં આવેલી સ્ટોનમેન ડગલાસ હાઈસ્કુલ, તારીખ 14 મી ફેબ્રુઆરી, 2018, વેલેન્ટાઈન ડે,

લગભગ બપોરના 2 વાગીને 20 મિનિટે શાળાનો ફાયર અલાર્મ એકાએક જોરથી ધણધણી ઉઠે છે અને વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે ક્લાસમાંથી બહાર દોડી જાય છે. એ જ સમયે બહાર નીકળતાં એ બાળકો સામેથી પર ફાયરિંગ શરૂ થાય છે. હોહI, ચીસાચીસ, લોહીના ફુવારા, એક બીજા સાથે અથડાતી નિર્દોષ બાળકોની લાશો, 3 કે 4 મિનિટમાં મોતનું તાંડવઃ અને 17 બાળકોના મૃત્યુ। છેલ્લા ત્રણ વરસમાં આવા સામુહિક હત્યાકાંડના 13 બનાવોમાં લગભગ 200 વ્યક્તિઓનાં ખૂન થઈ ગયાં.

અમેરિકામાં નેશનલ રાઇફલ એસોસિએશન (NRA) નામના સંગઠનની એક જોરદાર લોબી છે, જેના પ્રમુખ દરેક નાગરિકને સ્વબચાવ માટે બંદૂક રાખવાની સલાહ આપે છે।

ફ્લોરિડાની શાળામાં થયેલા બાળકોના હત્યાકાંડ જેવા કરુણ વિષય પર કાર્ટૂન હોઈ શકે? આ વિષય સામાજિક નિસ્બતનો છે. કાર્ટૂનિસ્ટો તેને શી રીતે અવગણી શકે?

કાર્ટૂનિસ્ટો આ વિષયને શી રીતે મૂલવે છે એ અહીં જોઈએ.

*****

વેલેન્ટાઈન ડેનું દૃશ્ય! એક બાજુ વિદ્યાર્થીની બેકપેક, પુસ્તક અને વિંધાયેલું હૃદય, બંદૂકમાંથી ફૂટેલી કાર્ટીઝના વેરાયેલા ખાલી ખોખાં। શબ્દાર્થમાં ‘હૃદયભંગ’/ Brokenhearted થઈ ગયેલા વિદ્યાર્થીનું આ કાર્ટૂન ટીમ સ્ટીગલીક/ Tom Stiglich દ્વારા બનાવાયેલું છે.

તેમની Disconnected તેમજ Uncle Joe શિર્ષકની કાર્ટૂન પટ્ટીઓ જાણીતી છે. ટૉમનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ http://www.tomstiglich.com/home.html પર માણી શકાશે.

*****

આવા બનાવો બન્યા પછી સરકાર ગન કંટ્રોલ બિલ પાર્લામેન્ટમાં વોટિંગ માટે મુકે છે, જે કદી પાસ થતું નથી. અખબારમાં એ મતલબના સમાચાર છે કે બંદૂક પર નિયંત્રણ મૂકવાના પ્રયત્નોને ‘ધ ગ્રાન્‍ડ ઓલ્ડ પાર્ટી’ અવરોધે છે. તેના સંદર્ભે આ વિદ્યાર્થીની વિદ્યાર્થીને પુછે છે કે મોટો થઈને તું શું બનીશ? છોકરો જવાબ આપે છે, “I will be a voter.” એટલે કે હું મતદાતા બનીને આવી સરકારની વિરુદ્ધ મત આપીશ.

આ કાર્ટૂન માઈક લુકોવીચ/Mike Lukovich દ્વારા બનાવાયેલું છે.

*****

આ કાર્ટૂન પણ લુકોવીચનું છે. શાળાએ જતા છોકરાને મા જાણે કે મોરચે જતો હોય એમ આર્શીવાદ આપતાં કહે છે, “તું મારો શ્રેષ્ઠ ને ખુબ વ્હાલો દીકરો છો, અને હંમેશાં યાદ રાખજે કે હું તને ખુબજ પ્રેમ કરું છું”. દીકરો કહે છે કે મા, હું માત્ર નિશાળે જ જાઈ રહ્યો છું.

****

કેન કેટાલિનો/Ken Catalino નું આ કાર્ટૂન બહુ માર્મિક છે. સવાલ છે કે શાળામાં વિદ્યાર્થીઓ ઉપર થતા આવા અમાનુષી, જીવલેણ હુમલાઓ માટે જવાબદાર કોણ? એક વર્તુળમાં માબાપ, પ્રસાર માધ્યમો, માનસિક સ્વાસ્થ્યસંભાળની સંસ્થાઓ, સરકાર, એન.આર.એ. તેમજ શાળાઓને ઉભેલાં બતાવવામાં આવ્યાં છે અને આ સૌ પોતાના સિવાયનાં અન્યોને દોષી ઠેરવતાં તેમની તરફ આંગળી ચીંધી રહ્યાં છે. જવાબ છે: આ તમામ લોકો.

****

એક વાયકા એવી છે કે ક્યારેક ભયજનક અને ગંભીર પરિસ્થિતિ સર્જાતાં શાહમૃગ પોતાનું માથું જમીનમાં ખોસી દે છે, એટલે કે પરિસ્થિતિને તે જોઈ ન જોઈ કરે છે. શાહમૃગ ખરેખર આમ કરે છે કે કેમ એ તો એ જાણે, પણ માણસોની આવી વૃત્તિ શાહમૃગવૃત્તિ તરીકે જાણીતી બની ગઈ છે. અહીં આ કબરો વચ્ચે અંકલ સામ જમીનમાં માથું દાટી ઉભા છે. લુકોવિચે આ કાર્ટૂનમાં બંદૂકના આડેધડ ગોળીબારના મૃતકોનું કબ્રસ્તાન બતાવ્યું છે. આ વાસ્તવિકતાને અવગણીને અ‍‍ન્કલ સામ પોતાનું માથું જમીનમાં છુપાવી રહ્યા છે.

****

ખૂંખાર આતંકવાદી સંગઠનો, જેવાં કે અલ કાયદા અને ISIS ના નેતાઓ પણ અમેરિકાના નેશનલ રાયફલ એસોસિએશનના પ્રમુખને અમેરિકામાં ગનકંટ્રોલનો કાયદો પાસ ન થવા દેવા માટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને કહે છે, ‘તમે તો અમારાય ગુરુ છો.’ એન.આર.એ.ના વડાના હાથ લોહીથી લથબથ બતાવાયા છે. ત્રાસવાદી કૃત્યોમાં મરે એથી અનેક ગણા વિદ્યાર્થીઓ આ રીતે મૃત્યુ પામે છે.

આ કાર્ટૂન પણ લુકોવિચનું છે.

****

સામૂહિક હત્યાકાંડના આવા બનાવ બન્યા પછી જેમનાં સંતાનો આ ખૂનામરકીના ભોગી બન્યા છે એ માબાપ ગન કન્ટ્રોલની હિમાયત કરતા પત્રો સરકારને લખે અને દેખાવો શરુ કરે. દરમિયાન NRA તરફથી સત્તાધારી પાર્ટીને ડૉનેશનનો ચેક મોકલી આપવામાં આવે એટલે પ્રેસિડેન્ટ ગન કંટ્રોલની વાત છોડીને માબાપને આશ્વાસનના સંદેશ મોકલવા લાગે। આ હકીકતને અહીં લુકોવિચે દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે માર્ચના છેલ્લા સપ્તાહમાં વૉશિંગ્ટનમાં આવી જંગી રેલી નીકળી હતી, જેમાં ગનકન્‍ટ્રોલની તરફેણની માગણી હતી.

*****

GOP- Grand Old Party એ સત્તાધારી રિપબ્લિકન પાર્ટીનું બીજું નામ છે, જેનું નિશાન હાથી છે. આ કાર્ટૂનમાં પ્રમુખ ટ્રમ્પ કહે રહ્યા છે, ‘તમારી દરકાર કરે, તમને ચાહે અને તમારા રક્ષણ માટે કંઈ પણ કરી શકે એવા લોકો તમારી પાસે છે.’ પહેલી નજરે આ વાત પ્રજાજનોને કે પક્ષજનોને ઉદ્દેશીને કહેવાયેલી લાગે. બીજા ચિત્રમાં તેનું રહસ્ય ખૂલે છે કે તેઓ એન.આર.એ.ને કહી રહ્યા છે. આ કાર્ટૂન કેવિન સિઅર્સ/Kevin Siers નું બનાવેલું છે. તેમાં હાથી અને એન.આર.એ. બન્ને એકબીજાની નિશ્રામાં જે નિર્ભયતા અનુભવી રહ્યા છે એ જોવા જેવી છે.

++++++

આટલું બધું થાય છે તો ગનકન્‍ટ્રોલ સામે પગલાં કેમ લેવામાં આવતા નથી? આના જવાબમાં કાર્ટૂનિસ્ટ ડેવ ગ્રેનલ્યુન્ડ ‘ઓફિડીયોફોબિયા’/Ophidiophobia નું કારણ દર્શાવે છે, જેને ગુજરાતીમાં ‘સર્પભીતિ’ કહી શકાય. સાપની ભીતિ હોવી તે. અહીં વ્હાઈટ હાઉસને ભરડો લઈને બેઠેલી એન.આર.એ. લૉબી બતાવાઈ છે, જેના ફૂંફાડામાં ડૉલર નીકળે છે. આ કાર્ટૂન બહુ સૂચક છે.

*****

આ કાર્ટૂનમાં કાર્ટૂનિસ્ટ નીક એન્‍ડરસને/Nick Anderson અમેરિકન કાયદાની વક્રતા દર્શાવી છે. બિઅર પીવા માટે આ છોકરાની ઉમર નાની પડે છે, પણ તે ઓટોમેટિક રાઇફલ લઈ શકે છે.

*****

માઈકલ દ એડર/Michel de Adder નું આ કાર્ટૂન બહુ ઘાતક છે. અમેરિકન રાષ્ટ્રધ્વજમાંના પચાસ તારલાઓને સ્થાને તેમણે જાતજાતની બંદૂકો મૂકીને અમેરિકન સંસ્કૃતિની વિકરાળ અસલિયત એક પણ શબ્દ બોલ્યા વિના દર્શાવી દીધી છે.

*****

આવા ગંભીર અને કરુણ વિષય પર કાર્ટૂન હોઈ શકે? એવો સવાલ આટલાં કાર્ટૂન જોયા પછી થવો ન જોઈએ. છતાં થાય તો એના જવાબને બદલે નીચેનું ચિત્ર જુઓ, જેમાં શાળાના વિદ્યાર્થીઓ માટે બુલેટપ્રૂફ બેકપેકની જાહેરખબર જોવા મળે છે. ટૂંકમાં, આ વાસ્તવિકતાની રોકડી કરી શકાતી હોય તો તેની સરખામણીએ કાર્ટૂનિસ્ટો બિચારા નિર્દોષ ગણી શકાય.

આવી જ વરવી વાસ્તવિકતા દર્શાવતું આ ચિત્ર જુઓ. અમેરિકાના ટેક્સાસની ગણના બંદૂકપ્રેમી રાજ્ય (Gun Friendly State) તરીકે થાય છે. અહીં વયસ્ક વ્યક્તિને અમુક દિવસે જાહેરમાં બંદૂક લઈને ફરવાની છૂટ છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સંતાડીને રિવોલ્વર પોતાની પાસે રાખી શકે છે. આના નમૂનારૂપે આ કારની પાછળ લગાડેલું સ્ટીકર વાંચો.

આ લેખના આરંભે દર્શાવાયેલી દુર્ઘટનાની વિડીયો ક્લીપ યૂ ટ્યૂબ પર ઉપલબ્ધ છે. જોવા ઈચ્છનારાને તે આસાનીથી મળી જશે.


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.

– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : bakothari@gmail.com


Disclaimer: The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *