હરકિસન મહેતા, હું અને હરકિસન મહેતા…..( ૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

-રજનીકુમાર પંડ્યા

(ના, એક્લા હરકિસન મહેતા વિષેનો આ લેખ નથી. શિર્ષકમાં લખ્યું છે તેમ થોડો તેમના વિષે અને વધુ મારા અને તેમના સંબંધો વિષે છે.

લોકપ્રિય નવલકથાકારો તો અનેક, પણ એમનામાં પણ સાહિત્યિક ગુણવત્તાવાળા લેખકોને માટે એક અલાયદો અને માનભર્યો દરજ્જો ઉભો કરી આપનારા લેખક તે હરકિસન મહેતા. 25 મી મે, 1928 ના રોજ સૌરાષ્ટ્રના મહુવાની કપોળ વણિક જ્ઞાતિમાં જન્મેલા હરકિસન મહેતા ગાંધીવાદી ડૉક્ટર બનવાની મંશા સાથે 1950 ની આસપાસ મુંબઇ આવેલા અને ત્યાં એક પ્રિન્ટિંગ પ્રેસમાં સામાન્ય કામ કરતા હતા. એ જ અરસામાં ત્યાં શરુ થયેલા ‘ચિત્રલેખા’ના તંત્રી વજુ કોટકની નજરે અચાનક જ ચડી ગયા. એ અજોડ યુતિએ જોતજોતામાં તેમને ઉત્તમ તંત્રી અને બેસ્ટ સેલર લેખક બનાવી દીધા. એવા નોંધપાત્ર લેખક કે અમુક પ્રશંસનીય સંદર્ભમાં દુરારાધ્ય એવા ‘ટાઇમ’ મેગેઝીન (અમેરિકા)માં પણ 1993માં એ સ્થાન પામ્યા હતા. આવું સ્થાન પામનારા એ એક માત્ર ગુજરાતી લેખક.

તેમની સાથે 1982-83 માં મારી મુલાકાત થયા પછી ‘ચિત્રલેખા’ સાથે મારો કાયમી નાતો બંધાયો, જે તેમના 1998માં અવસાન પછી આજ ત્રીસ વર્ષે પણ અતૂટ રહ્યો છે. મારી સાતમાંથી ત્રણ નવલકથાઓ ‘ચિત્રલેખા’માં જ પ્રગટ થઇ અને મને યશ અપાવ્યો.સામાન્ય રીતે ઉન્નતભ્રૂ વર્ગ અને પંડિતોમાં બહુ માનીતી નજરે ના જોવાતા ‘ચિત્રલેખા’ને નિયમિતપણે વાંચનારાઓમાં આપણા ઋષિવત દાર્શનિક સાહિત્યકાર મનુભાઇ પંચોળી ‘દર્શક’ પણ સામેલ હતા. એની તો મને નવલક્થા ‘કુંતી’ના પ્રકરણો વાંચીને તેમનો મારા ઉપર અચાનક રાજીપાનો તા 19-8-90 નો પત્ર આવ્યો ત્યારે જ ખબર પડી.

હરકિસન મહેતાની આ બહુ મોટી સિધ્ધિ હતી. સાહિત્ય કે પત્રકારત્વને જરા પણ કક્ષાચ્યુત થવા દીધા વગર એમણે બેદાગ લોકભોગ્યતા પણ બક્ષી.

મુંબઇના વિલેપાર્લે કેળવણી મંડળ દ્વારા આજે પણ તેમના અનુદાનથી સ્થાપાયેલા ‘હરકિસન મહેતા ફાઉન્ડેશન’ અંતર્ગત પત્રકારત્વનું શિક્ષણ અપાઇ રહ્યું છે.

અને એ વાતનો પણ એટલો જ આનંદ છે કે તેમના તા 3 એપ્રિલ, 1998 ના રોજ થયેલા નિધન પછી કોઇ જણ તેમની કક્ષા સંભાળી શકનાર નિવડશે કે કેમ તે વિષે અનેક લોકો સાશંક હતા. પણ તેમના તંતોતંત શિષ્ય એવા ભરત ઘેલાણી એ કસોટીમાંથી એકદમ ખરા ઉતર્યા અને આજ વીસ વીસ વર્ષોથી ‘ચિત્રલેખા’ની ઉજ્જવળ છબીને ઉત્તરોત્તર વધુ ને વધુ ઉજ્જવળતા બક્ષી રહ્યા છે.

-રજનીકુમાર પંડ્યા)

“ભા…ઈ”

બહુ દૂરના ગ્રહો પરથી આવતો હોય એવો અવાજ લાગે. લિખિત શબ્દની લાચારી છે. નહીંતર કાગળ પર જ મિમીક્રી કરી બતાવત. આજે એ અવાજનો થોડો અણસાર ભરત ઘેલાણીના સ્વરમાં વરતાય છે. ‘ભા’ અને ‘ઈ’ની વચ્ચે જે “આ”કાર લંબાય છે તેમાં જરા બોલનારની સ્વરપેટીને પડતું કષ્ટ વરતાય. પણ પછી તરત જ સમજ પડે કે એ કષ્ટ નથી, વિનંતીભાવને સિફતથી રજિસ્ટર્ડ કરાવવાનો તરીકો છે. સામે ગમે તેવી ફેણ ચડાવીને બેઠેલો માણસ હોય, પણ આ “ભા…ઈ” સાંભળીને પંદર-વીસ ટકા ગરમી ગુમાવી દે એમાં ના નહીં.

વિનોદ ભટ્ટ ઘણી વાર મારી પાસે એ સંબોધનની મિમીક્રી કરાવીને હસતાં હસતાં આર્દ્ર બની જાય છે. હા, યાદ જેને જેને આવે એ સૌને ઘડીભર તો ગમગીની ઘેરી વળે. ચાલુ વક્તવ્યે કદી હું ઢીલો પડતો નથી, પણ હરકિસન મહેતાની શોકસભા વખતે રાજકોટની રાષ્ટ્રીય શાળામાં બોલતાં બોલતાં જરા રૂંગુ આવી ગયેલું. વજુભાઈ વાળા મારી બાજુમાં હતા. કહે કે પૂરું રડી લેવું હતું ને ! મેં કહ્યું : “ના, હો! હરકિસનભાઈએ ના પાડી છે, સામા માણસની પાસે પૂરા વ્યક્ત ના થવું. ધારાવાહી નવલકથા લખનારાએ આ સદાય ધ્યાન રાખવું.”

**** **** ****

મારા અને એમના ટેમ્પરામેન્ટ વચ્ચે ઘણો ફેર હતો. આને કારણે ક્યારેક ટકરાવ થઈ જતો. ખાસ કરીને નવલકથાનાં પ્રકરણોના આલેખન વેળા. ‘ચિત્રલેખા’માં મેં પહેલી નવલકથા ‘કુંતી’ લખવાનું શરૂ કર્યું તે પહેલાં ઘણા મિત્રોએ મને ચેતવ્યો,‘માત્ર તારું નામ એના લેખક તરીકે છપાય એથી રાજી થવું હોય તો થજે. બાકી હરીન્દ્રભાઈ જેવા હરીન્દ્રભાઈને પણ એ ગાંઠતા નથી. પોતાની ધારી રીતે પ્રકરણો લખાવે છે.’

મારા મનમાં આવું સાંભળીને એમની સામે એક ફેણ ચડી ગઈ. હું સજાગ થઈ ગયો. ઘડીભર થઈ ગયું કે ‘ચિત્રલેખા’માં નવલકથા લખવાની જામેલી વાતને જ વિખેરી નાખું, જાઓ, લખવી મારે આ રીતે નવલકથા !

મને આવી સતપત થવી સ્વાભાવિક જ હતી, કારણ કે મારો એમની સાથેનો શરૂઆતનો અનુભવ થોડો એમના તો નહીં, પણ મારા ઈગોને નાના મોટા ઉઝરડા પાડનારો રહ્યો હતો.

**** **** ****

‘ચિત્રલેખા’માં એક-બે મિત્રો ક્યારેક લખતા હતા. એ જોઈને મને પણ એમાં લખવાની ઈચ્છા થઈ આવતી. પણ એક જાતની ટેક હતી કે સામેથી નિમંત્રણ ના મળે ત્યાં લગી એમાં ના લખવું. આ ટેકની પછવાડે, આજે પશ્ચાદ અસરથી વિચારતાં સમજાય છે કે મારી લઘુતાગ્રંથિ જ એમને એપ્રોચ કરતાં મને રોકતી હતી. હું વાર્તાઓ,અને પછી 1980 થી કટારમાં વ્યક્તિચિત્રો લખતો થયો હતો. એમાંથી ‘ચિત્રલેખા’ને કામનું શું હોય ? એમને તો ઈન્ફર્મેટિવ આર્ટિકલ્સ જોઈએ. આ વાત 1982ની છે. હું એ વખતે તો નવલકથા લખતો નહોતો. આમ, એમાં લખવાની ઈચ્છા છતાં શું લખવું એ પ્રશ્ન મને પહેરણની ચાળ પકડીને પાછા બેસાડી દેતો હતો. એટલે પછી હું ટેક-બેકના માનસિક પલાયન (એસ્કેપેડ) શોધતો હતો.

પણ ખરા અર્થમાં હું એમાં લખતા મિત્રોની ઈર્ષ્યા અનુભવતો હતો. એટલે જ જ્યારે એ અરસામાં એ લોકો ગીરના પ્રવાસે જતા હતા,ત્યારે ‘હોટલ વૈભવ’માં જમવા રોકાતી વેળા એક મિત્રે મને ફોન કરીને હરકિસનભાઈને મળવા બોલાવ્યો હતો. પણ હરકિસનભાઈએ મને અંદર બોલાવીને આરામથી મળવાજોગ પણ ના ગણ્યો.ફૂટપાથ પર ઊભાં ઊભાં જ મુલાકાત બે મિનિટમાં પૂરી કરી ને પાન ખાવા ભણી વળી ગયા. પણ મારી કોઈ ચોક્કસ છાપ એમના ચિત્ત પર ના પડી હોય એવું લાગવાથી હું વધારે લઘુતાભાવ અનુભવતો થયો.

એ પછી બે-ત્રણ વર્ષે ફરી મોડાસામાં ગુજરાત સાહિત્ય અકાદમીના એક સેમિનાર વખતે મોહમ્મદ માંકડે મારી ઓળખાણ એમની સાથે કરાવી, જે પણ જૂનાગઢથી જુદી નહોતી. હું મનોમન એ વાતે એમને ફટકારતો રહ્યો કે પાંચેક વર્ષોથી મારી ‘ઝબકાર’ કટારથી હું સારોએવો પ્રસિદ્ધ થયો હતો છતાં તેમને મન કોઈ લેખામાં નહોતો. શું એ પોતાના કોચલામાં એટલા બધા કેદ હશે કે મારું નામ સુદ્ધાં ના જાણતા હોય ! વળી મારા મનમાં એમની સામેચડેલી ફેણ વધુ ઉન્નત થઈ.

(સુરેશ દલાલ, હરકિસન મહેતા અને હરીન્‍દ્ર દવે)

પણ એ આખી હવાને તોડનારા નીકળ્યા તારક મહેતા. તારકભાઈ મારા કોઈ પુરાણા મિત્ર નહોતા, પણ મારી કોલમના એ જબરા ચાહક હતા. રાજકોટમાં એકાદ વાર અલપઝલપ મળ્યા પછી એ મને પત્રો લખતા થયા હતા.દોસ્તીની શરૂઆત થઈ (આગળ ઉપર અમારી એ દોસ્તી વિકસીને ભાર્તૃભાવની કક્ષાએ પહોંચી એમ તારક મહેતાએ આત્મકથા ‘એક્શન રિપ્લે’માં નોંધ્યું છે.)

નવસારીના એક શિખાઉ પ્રોડ્યુસર મારી એક વાર્તા પરથી ગુજરાતની પહેલી ટેલિફિલ્મ ‘દુવિધા’ બનાવવા માગતા હતા. ને એમની ઈચ્છા તારકભાઈના હાથે પહેલો ક્લેપ અપાવવાની હતી. તેમણે મને કહ્યું કે મેં તરત જ તારકભાઈનો જવાબ મેળવી લીધો ‘હું અને હરકિસનભાઈ વલસાડ એક કાર્યક્રમમાં આવીએ છીએ. ત્યાં તમે મને લેવા આવી જાવ. ને હા,એમ પણ કહ્યું કે ‘હરકિસનભાઈ તમને મળવા માગે છે.’

મારા માટે આ બીજી લાઈન વધુ અગત્યની હતી. હું મારતે ઘોડે (સ્કૂટરે) વલસાડ પહોંચ્યો. ને એમનો કાર્યક્રમ પત્યે અમે એક રસ્તા ઉપરના ઢાબામાં, ખુલ્લા આકાશ નીચે રાતે લગભગ બારેક વાગ્યે ખાણી-પીણી માટે બેઠા. હરકિસનભાઈએ મને કાંડું પકડીને પોતાની બાજુમાં બેસાડ્યો. મારી લઘુતાગ્રંથિ અને ટેક બન્ને એક સાથે શમન પામ્યાં. એમણે આગ્રહ કરી કરીને મારી પ્યાલીઓ ભરી ને પછી કહ્યું : ‘ચિત્રલેખા’માં પણ અવારનવાર આપતા રહો. આ વાક્ય અલબત્ત કોઈ વિશેષ આગ્રહ કે ઉષ્માથી બોલાયું નહોતું. પણ મારે મન રેપર મહત્ત્વનું નહોતું એમાં પેક થયેલો માલ (ઈજન) મહત્ત્વનો હતો.

એ પછી 1984માં મારી બદલી રાજકોટ થઈ અને ત્યાંથી મેં એક લેખ જામનગરના એક મુફલીસ માણસ વિષે લખ્યો કે જે અટપટા ગણીતના દાખલા ક્ષણાર્ધમાં કરી આપતો હતો. એ લેખ એમણે ‘ભાતભાત કે લોગ’ના શિર્ષક તળે છાપ્યો. ને પુરસ્કાર પણ સારો આપ્યો. ‘ચિત્રલેખા’ની કોમ્પ્લીમેન્ટરી કૉપી પણ શરૂ કરી. એ નાનકડી ચેષ્ટાથી હરકિસનભાઈ સૌનામાં એક પરિવારના હોવાની લાગણી ઊભી કરતા હતા. આ એમની ખાસિયત હતી.( આજ લગી એ સિલસિલો જારી રહ્યો છે,)

પણ હરકિસન મહેતા એમ લાગણીના સુંવાળા પ્રદેશમાં પણ કોઈને સાવ આરામની સુખનિદ્રા વીતાવવા દે એવા નહોતા. એ ઘણીય વાર કહેતા કે માણસની ચામડીને સાવ સુંવાળો લિસ્સો સ્પર્શ કદિ ગમતો નથી હોતો. થોડી બરછટતા જ જીવનનો અનુભવ કરાવી શકે છે.

એમ બધું સમુંસુતરું ચાલતું હતું ત્યાં 1987ના મે કે જૂનમાં એક વાચક નામે માયાબહેન યાજ્ઞિક મને મળવા આવ્યાં અને સ્વીડનમાં ત્રીસ વર્ષ અગાઉ (એમના કહેવા મુજબ) એમની મરજી વિરુદ્ધ દત્તક અપાઈ ગયેલા અનૌરસ પુત્રને એક વાર મળવાની ઈચ્છા મારી પાસે વ્યક્ત કરી. ત્રીસ વર્ષથી એ એને માટે ધમપછાડા કરતી હતી. નેહરૂ-મોરારજીથી માંડીને સેંકડો મહાનુભાવો અને સ્વિસ એમ્બેસી સુદ્ધાંના દ્વારેથી એ હતાશ પાછી ફરી હતી. હવે મારા જેવા એક લેખકની મદદ માગવા આવી હતી. સ્વભાવ મુજબ હું એમાં મદદરૂપ થવા પ્રયત્ન કરું પણ ખરો, પણ સૌથી મોટી મુશ્કેલી, હવે એ જુવાન થઈ ગયેલા છોકરા એલન (અટક પણ જાણમાં નહીં) નામના છોકરાનો પત્તો આવડા મોટા દેશ સ્વીડનમાં મેળવવાની હતી. સરનામું જ નહોતું. એટલે એનો ભેટો કરાવવાનું તો ઠીક પણ એનો પત્તો મેળવવાનું પણ મારું ગજું ના મળે. અશક્ય જ ગણાય. પણ માયા મક્કમ રહીને રોજ મારો જીવ ખાતી હતી. છેવટે કંટાળીને મેં હરકિસનભાઈની મદદ માગી. કારણ કે તેઓ થોડા વર્ષ પહેલાં સ્વીડન ગયા હતા અને ‘સ્વીડન, સોનાનું પિંજર’ નામે પુસ્તક પણ લખ્યું હતું. એમને મેં કાગળ લખ્યો કે તરત જ એમનું રિફ્લેક્સ એક્શન : આવામાં આપણે પડાય જ નહીં, આવા મામલામાં જાતજાતના છુપા બખડજંતર હોય. તમે ઘસીને ના પાડી દો. તમે કાંઈ થોડા સમાજસેવક છો ?મોરારજીએ ના પાડી એનો કોઈને અફસોસ નથી, તો તમારો તે કોઈ શું કરશે?

મારા અને એમના વલણ વચ્ચે આટલો મોટો ફેર હતો. પત્રકાર શિરોમણિ, વ્યવહારડાહ્યા. ઘાટ ઘાટનું પાણી પી ચૂકેલા મેચ્યોર્ડ પર્સન તરીકે તેમણે આપેલો બોધ સાચો હતો, જ્યારે’જોઈએ તો ખરા કેવોક અનુભવ થાય છે ?’ એવી વલૂર સાથે ભેંસનાં કમાનદાર શિંગડામાં માથું ભરાવીને પછી લોહીલુહાણ થનારા ભૂદેવ જેવો મારો અભરખો હતો, જે એક અનુભવપિપાસુ સર્જકનો પણ મનસૂબો હતો. અમે બન્ને આવા હતા એટલે હતા. એમાં ‘શા માટે?’ ક્યાંય વચ્ચે આવતું નથી.

પણ હરકિસનભાઈ પોતાના ઉપદેશને ઓર્ડરમાં તબદીલ કરનારા માણસ નહોતા. એમનું ના માનો તો ય એમનો અહમ છણકાતો નહોતો.મારા બીજી વારના આગ્રહે, તરત જ એમણે સ્વીડનના પોતાના યજમાનમિત્ર ધર્મેશ ગાંધીને પત્ર લખ્યો. પણ શરૂઆતમાં ‘સરનામા વગર સંભવ નથી, અહીં તો એક લાખ એલન હોય’ કહીને પાણીમાં બેસી જતા હતા. પણ એ સજ્જને મારા સતત આગ્રહથી એ જુવાનનો પત્તો મેળવી આપ્યો. મેં નાણાંનો જોગ અહીંથી તહીંથી કરીને એ માયાબહેનને સ્વીડન મોકલી, ને એની જીવનમન્શા પૂરી કરી. એના જ શબ્દોમાં ‘સાત પેઢી ચાલે એટલો ઉપકાર’ કર્યો.

હરકિસનભાઈએ આ જાણ્યું ત્યારે રાજી થયા. ‘એ બાઈને કહેજો કે એકાદ વાર અહીં આવે ત્યારે ઓફિસમાં મને મળે.’ એમ કહ્યું, પણ એ કાંઈ બન્યું નહીં. મને એ વખતે સમજાયું નહોતું કે એમની ઈચ્છા એ વખતે આ ઘટનાને આધારે ‘ચિત્રલેખા’ માટે પોતે કોઈ નવલકથા લખવાની હશે.પણ મને એમણે કાંઈએવું કહ્યું નહીં. પાછળથી એમની ષષ્ટિપૂર્તિ વખતના એક જલસામાં 1988માં મહુવા જતાં બસમાં એમણે મને કહ્યું.

મહુવા જતાં: બકુલ ત્રિપાઠી (ડાબેથી બીજા), હરકિસન મહેતા, તરુલતા દવે અને રજનીકુમાર પંડ્યા (છેક જમણે)

પણ તેમના મનમાં કદિ ના ઊગ્યું કે મને એના ઉપરથી નવલકથા લખવાનું કહી શકાય. એમના મનમાં મારી એ કક્ષા પેદા થઈ જ નહોતી. એટલે અમારી વચ્ચે કદિ એ વાત થઈ જ નહીં. પણ એક વાર આકસ્મિકપણે જ વાત પેદા થઈ ગઈ. જે મેં મારી નવલકથા ‘કુંતી’ની પ્રસ્તાવનામાં વિગતે વર્ણવી છે. અહીં માત્ર ટૂંકમાં કહું.

(મધુરીબેન, વેણીભાઈ પુરોહિત (છત્રી પકડેલા) સાથે હરકિસન મહેતા)

‘ચિત્રલેખા’ના 1989ના દિવાળી અંક માટે મેં એમને એક અનોખો લેખ મોકલેલો એમાં કાલોલ(પંચમહાલ)નો એક સાવ નિર્ધન બ્રાહ્મણનો છોકરો, પિતા રામલીલામાં રાજાપાઠ કરતા હોવાને કારણે પોતાને રાજકુમાર માનતો થઈ જાય છે અને આગળ ઉપર એની એ બાલિશ ભ્રાંતિ, ભ્રાંતિ મટીને ખતરનાક કપટખેલમાં પરિણમે છે તેની મેં સંશોધન કરીને મેળવેલી સત્યઘટના હતી. એ લેખ મેં વાર્તાત્મક શૈલીમાં, છતાં અનેક ફોટોગ્રાફ્સ સાથે, દસ્તાવેજીકરણના મૂલ્ય સાથે લખ્યો હતો. એ વાંચીને હરકિસનભાઈ બહુ પ્રસન્ન થયા. એમણે એ લેખ ‘ચિત્રલેખા’ના ગુજરાતી અને મરાઠી એમ બન્ને દિવાળી અંકોમાં છાપ્યો, અને એ પછી જ્યારે મારે એક મિત્ર સાથે મુંબઈ જવાનું થયું ત્યારે તેમને ઘેર મને બિયર-પાર્ટીમાં નોતર્યો. મિત્ર અને હું બન્ને ગયા. પછી રમેશ પુરોહિત અને હિંદી હાસ્યકવિ કલાકાર શૈલ ચતુર્વેદી પણ એમાં સામેલ થયા. પાર્ટી જરા રંગમાં આવી કે તરત જ હરકિસનભાઈએ મારા આ લેખના મોંફાટ વખાણ કર્યા. મને એનાથી પોરસ ચડતો હતો ત્યાં જ એમણે એમના સ્વભાવ પ્રમાણે ફુગ્ગામાં ટાંકણી ઘોંચી. બોલ્યા : ‘આવી સરસ કથા તમે એક લેખ માટે વેડફી નાખી. કોઈ બીજો હોય તો નવલકથા લખે. પણ નવલકથાલેખન તમારી જન્મકુંડળીમાં જ નથી!’

મારા માટે આ પ્રહાર મર્મઘાતી નિવડ્યો. ઘડીભર તો કળ ચડી ગઇ. પણ એનું પરિણામ શું આવ્યું ?

એની વાત આવતા હપ્તામાં


(ક્ર્મશ:)


લેખકસંપર્ક-

રજનીકુમાર પંડ્યા.

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

4 comments for “હરકિસન મહેતા, હું અને હરકિસન મહેતા…..( ૧)

 1. April 9, 2018 at 6:51 am

  કુંતીના એકે એક હપ્તા વાંચેલા છે. પણ એની પાછળની કથા તો આજે જ જાણવા મળી. આ કથા એનાથી પણ વધારે જીવંત લાગી.

 2. પ્રફુલ્લ ઘોરેચા
  April 10, 2018 at 10:29 am

  સંબંધો કેવી રીતે બંધાય છે અને કેવી રીતે આગળ વધે છે એનુ રસદાયક વર્ણન.

 3. April 11, 2018 at 1:14 pm

  અત્યંત રસપ્રદ. હવે બીજા હપ્તાની રાહ જોઈશ.
  લતા હીરાની

 4. Paresh m shah
  April 17, 2018 at 9:23 pm

  Harkishan Mehta was only & one, simply great.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *