બે નિબંધો

Facebooktwitterredditpinterestlinkedinmail

-જીતેન્દ્ર પાઢ

(૧) વાત, વાણી અને શબ્દો માનવીના સાચા સાથી

માણસ જન્મ્યો ત્યારથી આજ દિન સુધી વાણીનો ઉપયોગ કરતો રહ્યો છે. બોલવું માણસનો સ્વભાવ છે. સ્વભાવને ઘણાં સ્વરૂપો હોઈ શકે. વાણી-’અવાજ’ એ સંપર્ક માટેનું સાધન છે. વાણીથી વિચારો શબ્દોમાં અભિવ્યક્ત થાય છે અને તેથી હૃદયની ઊછળતી લાગણી થકી શબ્દોનો મહાસાગર ઊછળે છે, ત્યારે આનંદ જન્મે છે. વાણી-ભાષા વિશે ઘણું ગહનતાથી લખાયું છે, છતાં એક વાત નિશ્ચિત છે કે માનવી માનવી પાસે હૃદય ખોલવા ઇચ્છે છે. પારકાને પોતાના બનાવવાની કલા એટલે વાણી. તેનો યોગ્ય ઉચિત ઉપયોગ ન થાય તો તે ઘાતક શસ્ત્ર છે. મહાભારતમાં લખ્યું છે કે ’વ્યર્થ બોલવા કરતાં મૌન રહેવું તે વાણીની પ્રથમ વિશેષતા છે, સત્ય બોલવું તે વાણીની બીજી વિશેષતા છે, પ્રિય બોલવું તે વાણીની ત્રીજી વિશેષતા અને ધર્મગત બોલવું એ વાણીની ચોથી વિશેષતા છે. આ ચારેય ક્રમશ: એક બીજાથી ચડિયાતી છે. એવી વિશેષતાપૂર્ણ વાણી માણસ અને પશુ વચ્ચેની મોટી ભેદરેખા છે. પશુતામાંથી માનવ બનવા સુધીના ઇતિહાસમાં વાણીએ મોટો ભાગ ભજવ્યો છે. અવાજ, શબ્દો, વિચાર, વર્તન, ક્રિયા અને વહેવારોમાંથી માણસે બુદ્ધિના સહારે સમાજ ઊભો કર્યો, સંગઠનની સહજતા ઊભી કરી. આમ પથ્થર યુગથી કમ્પ્યુટર યુગ સુધી વાણીનો પ્રભાવ રહ્યો છે.

હૃદયની ઊછળતી લાગણી ભાષા રૂપે વહે છે ત્યારે તે પ્રચંડ પ્રલાપ કે લવારો હોતી નથી. વધુ બોલવું અભિશાપ ગણાતો હોય તો પણ સમરસિયા જીવોના આકસ્મિક મિલન વેળાએ હૈયાની હાટડી ખોલીને વાતોના વનમાં વિહરવાની મજા કૈંક ઓર હોય છે. વાતો કેવળ ગપ્પાં હોય તો પણ આનંદ આપે છે. વાણી અવાજમાં ઢળે ત્યારે સંગીત સાથ આપે છે. તેથી સ્વર, નાદ, વાદ્યવૃંદથી સૂરો વહેતા થાય છે અને તે પણ આનંદ આપે છે. વાતો કરતાં કરતાં આનંદ જન્મે છે. તેથી વાતો કરવી માણસને ગમે છે. માણસને માણસ સાથે એક નાતો હોય છે, એકબીજાનું વળગણ હોય છે અને તેથી જ તો સંપર્ક વધારવા, મિત્રતા બાંધવા તેનો જીવ હરખપદુડો બની જાય છે. વાતો સાથે અનુભવ સરળતાથી ભળી જતાં વાતોમાંથી જ્ઞાન મળે છે. માનવી જ્ઞાનની સાથે સાથે સંબંધગાંઠ બાંધવા ઝંખે છે. વાતો માટે વિષયોની મર્યાદા નથી કે બંધન નથી. વાણી જ્યારે વાણીમાં ઢળીને ’મહેફિલ’ ’સભા’ ’ગોષ્ઠિ’ કે મિટિંગના સ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે ’મિત્રમંડળીનું ઝૂમખું બને છે. દરેક વખતે આનંદ મળે તે જરૂરી નથી. માહિતી જ્ઞાન અને નક્કર વાસ્તવિકતાની સચ્ચાઈ વાતોમાંથી મળે છે. પરંતુ તે માટે તમારી સજ્જતા હોવી જોઈએં.

બોલવું-અર્થહીન બોલવું કે ગમે તેમ ભરડી નાખવું તે અનર્થ સર્જે છે. માણસે વિવેક વાપરીને હિત થાય તેવી ભાષા વાપરવી જોઈએ. ક્યારેક કોઈના ભલા માટે ઉગ્ર થવું પડે તો ચાલે. વાતો ભાષામાં ઢળે છે, ત્યારે સાહિત્ય સર્જાય છે. શબ્દો વાચાળ બની જાય છે ત્યારે ઉગ્ર વાણી હિંસા જન્માવે છે. બીજી બાજુ અંતરનો શુદ્ધ ભાવ અને નિ:સ્વાર્થ ભાવથી બોલાતા શબ્દો અને વાતો આનંદનું સાચું સુખ આપે છે. અનુભવની એરણ ઉપર ઘડાએલા જીવનપાઠો સમાજ આપે છે. તેથી જ તો જનસંપર્ક સૌને ગમે છે. ડો.જોનસન કહે છે કે ’ભાષા એટલે વિચારોનો પહેરવેશ.’ પહેરવેશ બદલાય, માળખું એનું એ જ રહે. સારો વિચાર કે દિલ ખોલીને વાત કરવાની ભાવના જાગે, ત્યારે તેનું અવતરણ ગમે તે માધ્યમથી ગમે તે ભાષાથી કે ગમેતે વાદ્ય કે ગમે તે સાધનથી વ્યક્ત થાય ત્યારે આનંદ સાથે સર્જન બને છે. વહેતો આનંદ જીવનમાં નવું ચૈતન્ય જાગૃત કરવાનું નિમિત્ત બને છે. માર્ક્સ ઓરેલિયસે કહ્યું છે કે ’આપણું જીવન આપણા વિચારોનું ફળ છે.’ તેથી સારી વાતો સત્યતા સાથે કરવા થનગનતા જીવો સમાજની મોટી સેવા કરે છે.

આજના યુગમાં ઈલેક્ટ્રોનિક સાધનો જેવાં કે ફોન, મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર, ટીવી, ફૅક્સ વગેરે કોમ્યુનિકેશન માટે જરૂરી બન્યાં છે. વિશાળ દુનિયા ટૂંકા પરદામાં ’સેટ’ થઈ ગઈ છે. માણસને માણસથી વધુ નજદીક આવવા માટે આ સાધનો મુખ્ય સંપર્કનાં સાધનો બન્યાં છે. આજે ’પેપર લેસ’ ક્રાંતિ અમેરિકામાં સર્જાઈ છે. છતાં છપાએલા શબ્દો અને કાગળના વપરાશ વિના માનવી જીવી શકશે નહીં. એ લખાણ કે છપાએલા કાગળો કે પુસ્તકો જ વપરાશનાં સાધનો અને ઐતિહાસિક પુરાવા બની રહેશે. સંસ્મરણને સાચવવાની કળા અખબાર અને પુસ્તકોમાં છે. દરેક સ્થળે દરેક પાસે આવાં સાધનો ઉપલબ્ધ નથી અને વપરાશની પળોમાં કોઈ આવાં સાધનો સાથે લઈને ચાલે નહીં. તેથી વાતો કરવાનો મનુષ્યસહજ સ્વભાવ ક્યારેય બદલાશે નહીં. સંસ્મરણો જાગે અને વાત કરવા ન લલચાય તે માણસ નથી. સમરસિયા જીવો જ્યાં અને જ્યારે ભટકાઈ જાય અથવા શોધ કરીને સંપર્ક કરે ત્યારે વિદેશમાં પણ સ્વદેશનો સાદ સંભળાય.

સતત એક કલાકથી વધુ ફોન ઉપર એક ગુજરાતી સર્જક ભારત-મુંબઈથી આવેલા પત્રકાર કે અખબારી તંત્રી સાથે ન્યુજર્સીથી પોર્ટલેન્ડ (ઓરેગન) વાત કરી હૃદય ખોલીને વાત કરે ત્યારે જ્ઞાન-આનંદ-માહિતી સાથે સ્વજન ભેટ્યાનો આનંદ મળે.

વાત ,વાણી અને શબ્દોની સંગત વિના આખું જગત સાવ ખાલીખમ લાગે એ વાત આપણે સ્વીકારવી જ પડે.

 

* * *

(૨) જિંદગીનો આખરી મુકામ ઘડપણ…

દર્દ હલકા હૈ ,સાંસ ભારી હૈ
જીયે જાનેકા રસ્મ જારી હૈ
કલકા હર વાકયા તુમ્હારા થા
આજ કા દાસ્તાં હમારા હૈ (ગુલઝાર)

માનવની જિંદગી એટલે ખાટીમીઠી યાદોનો સથવારો અને તેમાંય વળી ઈશ્વરીય ગોઠવણ પણ ગજબની છે. એકનું વિલાવું અને બીજાનું ખીલવું, એકનું મરણ બીજાનો જન્મ – આવન જાવનના આ કર્મ થકી આખી સૃષ્ટિ ચાલે છે. જીવનયાત્રાના ચાર તબક્કાઓ છે. એક સાખી છે : ‘પહેલું બાળપણ ખરું, બીજી યુવાની જાણ /ત્રીજું છે ઘડપણ અને ચોથું અંત પ્રમાણ.’ બાળપણ ઉંમરના હાથમાંથી ક્યારે છટકી ગયું તે સમજાતું નથી. યુવાનીનો થનગનાટ ખ્વાબોના મહેલમાંથી વાસ્વિકતાના તાપ સાથે જવાબદારીની પૂર્તિમાં ગુંગળાઈને વખતના વહેણમાં સરી જાય છે. પ્રૌઢાવસ્થા પરિપક્વ બની ધાર્યું કરી લેવાની જીદ સાથે પૂરી થઈ જાય અને ઘડપણ વીતે મોતની આવનારી છાયામાં. પૂર્વતૈયારી સાથે વૃદ્ધાવસ્થા તો ધીરજ અને આવેલા પડકારને ઝીલીને, આવકારીને, સ્વીકારીને, ઈશ્વરની મરજીને પ્રાધાન્યતા આપીને પસાર કરવાની હોય છે. મોત અસહ્ય હોવા છતા અગમચેતી રાખેલી હોય તો મોતને નાથી શકાય છે, આવકારી શકાય છે. એ આવે ત્યારે સમજણનું વાતારણ સર્જાવીને તેને હસીને જીતી શકાય. આત્મજ્યોતિનું પ્રાગટય આનંદ સાથે થતું હોય છે. માનવી તેમાં પોતાના અહમ્, સ્વાર્થ જેવા દુર્ગુણો ઠાંસીઠાંસીને પ્રકાશિત વાતાવરણને અંધકારમય બનાવી મૂકે છે. ઘડપણમાં જુવાનીની આડાઈ દુઃખ બનીને સતાવે છે. મળ્યાનો આનંદ નથી, નથી મળ્યું તેનો તલપ છે એ જ દુઃખનું કારણ છે. શરીરને સાચવવું, નિયમિત રહેવું, જરૂરી વ્યાયામ કરવો, પ્રભુભક્તિ કરવી. આ તો માનવસહજ લક્ષણો છે, ભારતીય સંસ્કૃતિનો વારસો છે.

માનવીની જન્મથી માંડીને મૃત્યુ સુધીની યાત્રા વિવિધ તબક્કામાંથી પસાર થતી હોય છે. બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થા (આધેડ અવસ્થા) અને ઘડપણ તેમાં મુખ્ય ગણાય છે. ઉમંગ, ઉત્સાહ, સ્વપ્ન, આનંદ, વિષાદ, ઝંખના, આકાંક્ષા, જવાબદારીઓ; ફરજ, સુખદુઃખ અને કર્તવ્યની પત્ની સાથેની સહિયારી ભાગીદારી, શ્રમ છતાંયે ધારેલી ઉચ્ચ સફળતાની આંખમિચોલી, વગર વાંકે કનડગત, હુંપદનો અહંકાર, તિરસ્કારની કે વેરની ભાવના; મળ્યું તેનો આનંદ નહિ, પણ ન મળ્યાનો વલોપાત, પ્રતિષ્ઠા માટેની ઝુઝ, સમાજ-જ્ઞાતિમાં મોભાની લાલચ, બાળકો ઉચ્ચ શિક્ષણ સાથે નામના અપાવે તેવી લાલસા, દાંપત્યજીવન સરળતાથી મોજીલુ વીતે તેવી અભિલાષા, એકબીજાંને સમજવામાં ગાફેલિયત, સંસારમાં સર્જાતા નાનામોટા સંઘર્ષ, સમાધાની વલણ માટેની હુંસાતુંસી, ગુસ્સા સાથેની ગરમાહટ, કરજને ભરપાઈ કરવાની ચિંતા. જિંદગીના કેટલા બધા નિત નિરાળા રંગો છે! વહેતા સમય સાથે પ્રૌઢાવસ્થા બાદ ઘડપણની અવસ્થાનું આગમન ન ગમે તેવી અવસ્થા અને તેને ઝીલવા માટે ક્યારેક શરીરની કમજોરી કે પછી તેનો મુકાબલો કરવા માટે શું કરશું તેની ચિંતા!

ઘડપણ જિંદગીનો મૃત્યુ પહેલાંનો આખરી પડાવ છે અને તેનો હસીને કે સહીને સ્વીકાર કરવો પડે છે, જે નિયમ અને ઈશ્વરે સર્જેલો ઘટનાક્રમ છે. આવા સમયે પત્નીનો સાથ કે પતિનો પ્રેમ એકબીજા માટે ટેકો બને છે.

જીવનમાં આપણું ધારેલું કશું જ બનતું નથી અને જે બને છે તેની અગાઉથી જાણ નથી હોતી. આ તે કેવું રહસ્ય છે? કયારેય કોઈનાથી તે ઉકેલાયું નથી! ઘડપણ, બુઢાપો, વૃદ્ધત્વ – નામો ગમે તે આપો, પણ ઉંમર પ્રમાણેની આ એક વ્યવસ્થા છે; જેમાં શરીર શિથિલ બની જાય, રોગો આવીને ટપકે કે પછી એકલતા-એકાંત સહેવાં પડે, વીતેલો સમય ખૂબ યાદ આવે. સંતાનોની હૂંફ, સંતાનોનાં સંતાનોને ખોળે રમાડવાની ઇચ્છાઓ જાગેલી હોય, પણ વિભક્ત કુટુંબની પ્રથા અથવા પુત્રની નોકરીને લીધે સ્થાનિક શહેરથી દૂર કે પરદેશ જઈને વસવાની મજબૂરી અથવા ભવિષ્ય ઉજળું બનાવવાની ધગશથી આવી પડેલું વિભક્ત વસવાટ માટેનું વલણ – માબાપને નથી ગમતું આ એકલાપણું! બે સાથે છે ત્યાં એક બીજાનો સહારો બની જીવી લેવાય, પણ એક પાત્રની અચાનક વિદાય વસમી પડે છે.

આ દરેક યુગની કથની છે. જો પ્રથમથી જ શરીર સાચવવા વ્યાયામ કરેલો હોય, મન સ્વસ્થ રાખેલું હોય, ઈશ્વર ઉપર આસ્થા રાખીને તેની મરજીને વધાવી લેવાની ટેવ પાડી હોય, દરેકને આપી છૂટવાની ભાવના રાખી હોય કે પેન્શનમાંથી આવક થતી હોય, જિંદગીનો વીમો હોય તો થોડી રાહત રહે; પણ મનની એકલતા, અજંપો મટે નહિ! આમાંય વળી આર્થિક સદ્ધરતા વિના સંતાનોને આશરે જીવવાનું હોય તો હાલત કફોડી બને છે. આ પરિસ્થિતિનો પડકાર બધા ઝીલી શકતા નથી અને ઘણા રિબાય છે, તો વળી ઘણા અકાળે મરણ પામે અથવા ઠેબાં ખાતા પરાણે જીવતા હોય છે! ઉપદેશાત્મક સૂત્રોનો બોધ દેવો સરળ છે, પણ પરિસ્થિતિનો સામનો કરવો બીજી વાત છે. તમારી કુશળતા, તમારી ગણતરીઓ અને તમારી મરજી મુજબ શરીર ચાલતું હોય તે વખતે પણ મોંઘવારીમાં એક સાંધતા તેર તૂટે ત્યારે તમે શું કરવાના? માત્ર લાચારીનો અહેસાસ કરવાના કે લૌકિક તેમ જ વ્યાવહારિક ખરચાઓમાં લોક લાજ રાખવા ઘસાવું પડતું હોય છે. દીકરો મોટો થઈને મારો ટેકો બનશે તેવો અતૂટ વિશ્વાસ હોય, પણ ખરા સમયે વાતાવરણ બદલાઈ ગયું હોય! બીજી બાજુ આંખે ઓછું દેખાય, શરીરમાં રોગ ઘર કરી ગયો હોય, પગ મંડાતા ના હોય, ધ્રુજારી-કંપન હોય, ખોરાક લેવાતો ન હોય, પચતો ન હોય! આમ છતાંયે જીવવાનો પડકાર હોય! મોત પાછું ઠેલાય, શરીર સુધરે અને સારા દિવસો આવે તેવી આશ પીછો છોડતી ન હોય! બસ, આનું જ નામ માયા કે મોહ! ઘડપણ આવશે જ એવી અગાઉ ખબર તો હતી! તો પછી મન અને શરીરને એવી રીતે તૈયાર કરવાનાં હોય. જેઓ આમ કરી જાણે છે, તેઓ ડર વગર બિંદાસપણે જીવી જાણે છે.

માણસે અંતિમ તબક્કામાં સ્વસ્થતા કેળવી, સંતોષી બની, હકારાત્મક વલણ અપનાવી, ઈશ્વર ઉપર આસ્થા રાખીને તેની મરજી સ્વીકારી, સંબંધીજનો માટે ભલાઈ કરી હોય તેની હવે ખુશી રાખી, વળતર વિનાની આનંદદાયી પળો અને સમયને હાસ્યથી હળવા બની વિતાવવો, રોગ હોય તો તેને દવા લઈને અંકુશમાં રાખવાનો પ્રયત્ન થઈ શકે. ગભરાવાની જરૂર નથી. સરકારી દવાખાનાં અને ચેરિટી મદદ રૂપ બને છે અને મદદ કરનારા સ્વયસેવકો પણ મળી રહે છે. તમારે મન મક્કમ બનાવવું પડશે. બધા જ જાણે છે ઘડપણ કોઈનો આશરો માગે છે અને તે માટે અનેક દાતાઓ આર્થિક સહાય પણ કરે છે. ઘણીવાર પોતાનું લોહી અને સ્વજનો ભલે મોં ફેરવી બેઠાં હોય, પણ બીજાઓ સાચી મદદ કરે છે. તેમની મદદને ઈશ્વરીય મદદ ગણી લેવી જોઈએ. હું જીવનના અંતિમ શ્વાસ સુધી જીવીશ એવી ખુમારી રાખવી એ જ માણસની સાચી ખેલદિલી ગણાય. તમને ખબર હશે કે ઘણા મોતને સુધારે છે, તો ઘણા કમોતે મરે છે. તમારા જ્ઞાન અને અનુભવોને તમારી આજુબાજુમાં નિ:સ્વાર્થભાવે વહેતા કરો. ખુશ રહો, જે હાજર હોય તેને વ્હાલાં ગણો, બાકી નાની યાદ કે અપેક્ષા રાખી દુઃખી ન બનો. મને ભગવાને જે અને જેટલું આપ્યું તેમાં પરમ સંતોષ માનો. આવું હકારાત્મક વિચારવાથી જરૂર ઘડપણ સ્વસ્થ બનશે. માનવીના વિચારો, સમજ અને અનુભૂતિ પ્રસંગ, પરિસ્થિતિ અને સંજોગોને આધીન હોય છે. તમને સંતાનો મદદ ન કરે તો પણ આકળા થવાની જરૂર નથી. તમારે તો મોટા મને આશીર્વાદ આપીને વિદાય લેવાની છે, એ ભુલાય નહિ; કારણ કે લોહી આપણું છે, ભલે હાલત વિપરીત હોય! ભારતની સંસ્કૃતિ તો સર્વનું ભલું ઇચ્છે છે. સર્વે ભવન્તુ સુખિનઃ જે વૃદ્ધત્વને પડકારીને જીવી જાણે છે તેનું જીવ્યું બીજા માટે પ્રેરણા બને છે. “કુછ ઐસે કારનામે છોડ જાઓ અપની યાદે હસ્તી મેં /લોગ સુનકાર ઝૂમ ઊઠે તુમ્હારી દાસ્તાનોંકો!”

 

* * *

સંપર્કસૂત્રો :-

ઈ-મેઈલ : jitendrapadh @ gmail .com

મોબાઈલ : + 91 98204 96574

* * *

(અમદાવાદના વતની શ્રી જીતેન્દ્ર પાઢ,એમ.એ. હાલમાં પોર્ટલેન્ડ,ઓરેગોન,અમેરિકા ખાતે રહે છે. ભારતમાં તેમણે મુંબઈ ખાતે ઝેરોક્ષ ઓપરેટીંગ સિસ્ટમના વ્યવસાય સાથે ફ્રીલાન્સ રિપોર્ટર તરીકેની કામગીરી પણ બજાવી છે. માતૃભાષા ઉપરાંત મરાઠી, હિંદી, અંગ્રેજી, ઉર્દૂ ભાષાઓ પણ તેઓશ્રી જાણે છે અને લેખનકાર્ય પણ કરે છે. સ્થાનિક મરાઠી અને ગુજરાતી ઉપરાંત અંગ્રેજી વિકલીમાં પણ તેમના લેખો પ્રસિદ્ધ થાય છે. તેમણે પોતાના જ ‘નૂતનનગરી’ ગુજરાતી સાપ્તાહિકને અખંડ નવ વર્ષ ચલાવ્યુ હતું. ‘સર્જનહાર’, ‘પ્રજારાજ’, ‘રાષ્ટ્ર દર્પણ’ ઉપરાંત કેટલાય બ્લોગ્ઝમાં તેમના લેખો અને કાવ્યો પ્રસિદ્ધ થાય છે. નૂતન અભિગમોને આવકારતા એવા તેઓશ્રી નવોદિતોને પ્રોત્સાહન આપવાનું અને માતૃભાષાના સંવર્ધનનું કામ પણ કરી રહ્યા છે. ‘વેબગુર્જરી’ને તેમની કૃતિઓ આપવા બદલ ‘વેગુ’ પરિવાર તેમનો આભાર માને છે. – ‘વેગુ’ સાહિત્ય સમિતિ)

1 comment for “બે નિબંધો

  1. April 8, 2018 at 9:17 pm

    જીતેન્દ્ર ભાઈ અહીં આવવા માંડ્યા – એ બહુ જ મજાની શરૂઆત છે. એમના વિચારો અને મારા વિચારોમાં ઘણું સામ્ય છે.
    આવતા રે’ જો.

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published. Required fields are marked *