કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૩૫

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

તરત જ નંદાને ‘ બા…ય’ કહી સ્નેહાએ ફોન મૂકી દીધો અને ધનુબા સામે અપરાધીની જેમ જોયું. સાચે જ એ ગભરાઈ ગઈ હતી. ધનુબાએ તો બોયફ્રેંડ વાળુ વાક્ય જ સાંભળ્યુ, પછી શું વાત થઈ તેની તેમને ત્યારે જ ખબર પડે જ્યારે સામે છેડે નંદાએ શું કહ્યું, એટલે આમ અડસટ્ટે જ સ્નેહાને ધમકાવવાનો મોકો લઈ લીધો ! સ્નેહાના મોં પરનો રંગ ઊડી ગયેલો જોઈને, જેમ ઉંદર જોઈને બિલાડીને થાય તેવું ધનુબાને થઈ આવ્યું, બોલ્યા, ‘ખબરદાર જો મારી નંદુડીને બગાડી છે તો !‘

‘બા, અમે તો મજાક કરતાં હતાં.’

આમ તો હવે ધનુબાને પણ સ્નેહા સાથે લાગણી બંધાતી જાય છે અને એટલે જ આજે એમને મસ્તી સૂઝી. નાટક કરવામાં કૂશળ હોય તેમ એમણે એમનો અભિનય ચાલુ રાખ્યો, ‘વાત શાની કરતાં હતાં, એ કહેને હું ય સાંભળું.’

સ્નેહા બરાબર ફસાઈ ગઈ ! કેમકે એને એ ખબર નથી કે ધનુબાએ કેટલી વાતો સાંભળી કે નથી સાંભળી અને સાંભળ્યા વગર હવે બા જંપશે નહીં તેની એને ખાત્રી છે, હવે શું કરે ?

આમ તત-પપ કરતી સ્નેહાને સરલાબહેને બચાવી લીધી. તેઓ અધ્યયન કેંદ્રમાંથી આવી ગયાં એટલે આગળનું બારણું ખોલવાનો અવાજ આવ્યો. અને એ સાંભળતાં જ ધનુબાને તેમની અવગણના કરીને ચાલી ગયેલી વહુ યાદ આવતાં જ ફરી મોં ચઢાવી બેસી ગયા.

સ્નેહા મનમાં ને મનમાં બોલી, ‘હાશ, બાલ બાલ બચ ગઈ આજ તો !’

કોટ ઉતારતાં સરલાબહેનને સ્નેહાએ પૂછ્યું, ‘કેવું લાગ્યું પ્રવચન, ફોઈ ?’

‘ખૂબ સરસ સ્નેહા, સાચે જ આ એક જ પ્રવચનમાંથી જ એટલું બધું જાણવા મળ્યુંને . પ્રવચનકારની સમજાવવાની રીત સાચે જ સરસ છે. તેં તો સાંભળ્યા હશેને એમના પ્રવચનો ?’

‘હા ફોઈ, યુ આર રાઈટ, એઓ ખૂબ સરસ સમજાવે છે, પણ જો તમે ઘણી વખત એમનાં પ્રવચન સાંભળોને તો પછી રીપીટેશન ઘણું લાગે. બટ હી ઈઝ બેટર ધેન અધર્સ , ફોઈ.’

થોડીવાર પહેલાં જ સ્નેહા પાસેથી વાત કઢાવવા માટે અધીર બનેલાં ધનુબાનું સ્વરૂપ બદલાયું, તેના તરફ એનું ધ્યાન નહોતું, નહીં તો તેમની ચતુરાઈનો ખ્યાલ જરૂર આવી જાત.

સ્નેહા રસોડામાં બપોરનાં ભોજનની વ્યવસ્થામાં પડી અને સરલાબહેન પણ સવારનાં કાંઈ બન્યુ જ ન હોય તેમ ધનુબાને અવગણીને રસોડામાં ગયાં.

સ્નેહાનો ધ્રાસકો હજુ એને સતાવતો હતો એટલે ચૂપચાપ કામ કર્યા કર્યું. શાક વઘારતાં વઘારતાં ફરી અધ્યયન કેંદ્રની વાત કાઢી, ‘એકચ્યુલી મારી મોટીબહેન કલાબેન અને જીજાજી પણ ઘણાં વર્ષોથી આ સંસ્થામાં જાય છે તેમ કહેતાં હતાં, અને હમણાં જે ઈંસિડંટ બન્યો તે આ સંસ્થા સાથે સંકળાયેલો છે એવું કંઈક કહેતા હતાં. વૉટ ઈઝ ગોઈંગ ઓન સ્નેહા, તને કંઈ ખબર છે ?’

‘ફોઈ, તમે થોડો વખત જાઓ, આંખ–કાન ખુલ્લા રાખો, કોઈ પણ જવાબદારી સ્વીકારો તે પહેલા થોડો વિચાર કરજો. કારણ વ્યક્તિ પાસે કામ કઢાવવું હોય ત્યારે, કોઈ પણ સંસ્થા હોય, ઈમોશનલ મનિપ્યુલેશન ઈઝ વેરી કોમન , તમે સમજો છોને ફોઈ, હું કહેવા માંગું છું તે ?

‘તું તારી મમ્મી-પપ્પાનાં અનુભવો કહેવાની હતી તે,,,,’

‘તમે ગયા પછી મને થયું હમણાં તમને એ વાતોથી ઈન્ફ્લ્યુઅંસ નથી કરવા. ફોઈ, ચાર-છ મહિના પછી યોગ્ય સમયે હું તમને એ વિષે જરૂર કહીશ.’

‘ચાલો, એટલે એટલું તો નક્કી થઈ ગયું કે તું એટલા મહિના તો અહીં રોકાવાની છે !’

સ્નેહાને શું બોલવું તે સૂઝ્યું નહીં.

સ્નેહા પોતે જ સરલાબહેનને વાત કરે તો કેવું લાગે ? અને કહેવી હોય તોય આ વાત એ કેવી રીતે સરલાફોઈને કહે ? કિશનને જ કહીશ કે એની મમને વાત કરે. બાપરે, વિચાર કરતાં કરતાં ય સ્નેહાને ગાલે જાણે શરમનાં શેરડાં પડ્યા હોય તેમ ગરમ ગરમ થતાં એણે અનુભવ્યાં!

કામ આટોપતાં સરલાબહેનની નજર સારું છે સ્નેહા પર પડી નહોતી પરંતુ તેઓ તેના જવાબની રાહ જોઈને બોલ્યા, ‘કેમ સ્નેહુ, તેં કાંઈ જવાબ ન આપ્યો ?’

‘ફોઈ, કેથી સાથે છેલ્લે વાત થઈ એ મુજબ મને…એટલે કે હું અહીં…’

ત્યાં તો ધનુબા રસોડામાં પાણી પીવા આવ્યાં અને સરલાબહેનને કાંઈ કહેવું હોય, પેલા અબોલા તોડવા માટે જાણે બહાનું મળ્યું હોય તેમ સીંક પાસે ઉભા રહ્યાં, અચકાઈને બોલ્યા, ‘આ બાજુનું ઘર વેચાઈ ગયું લાગે છે.’

અનાયાસે જ સરલાબહેન કરતાં પહેલાં તો સ્નેહાથી હાશકારો દર્શાવાઈ ગયો, ‘સાચ્ચે ?’

‘હા, હમાણા હું અંદર આવી ત્યારે જ મેં કોઈ ઈન્ડિયન ભાઈને ‘સેલનું’ બોર્ડ ઉતારતાં જોયાં.’

સ્નેહાને થયું, ઘરની સાથે યાતનાથી ભરેલી યાદો થોડી જ ‘વેચાઈ જવાની છે?’

પહેલા શરુ થયેલી વાત ભૂલી જઈને સરલાબહેને પૂછ્યું, ‘અરે હા, સ્નેહા, પેલી ધોઈળી, શું નામ એનું, હું તો ભૂલી ગઈ, ભાવિનની ગર્લફ્રેંડ કોણ?’

‘ઓ હં, સૂઝન , એનું શું ?’

‘એના કાંઈ સમાચાર ?’

‘ના, કોઈ સમાચાર નથી પરંતુ તે દિવસે એ કહેતી હતી કે એની ઉપર પણ ભાવિન ક્યારેક હાથ ઉપાડે છે અને ફોઈ, તમને સાંભળીને હસું આવશે કદાચ, એ કહે કે – હું પણ સામે મારી આપું છું !’

‘પણ એણે પોલીસમા રેપોર્ટ કરવો જોઈએ ને ?’

‘મેં પણ એ જ કહ્યું, તો કહે – પોલીસ આવે ક્યારે અને કંઈ કરે ત્યાં સુધીમાં તો મારો ગુસ્સો શાંત પણ થઈ ગયો હોઈને ! મારે તો તે જ ઘડી એને સજા કરવી હોય એટલે હું જ એનો જવાબ ન આપું તે પોલીસની રાહ જોઉં ?’

‘તો એવાની સાથે રહે છે કેમ એ ?’

‘ખબર નહીં કદાચ નાનું બાળક છે એટલે સહી લેતી હશે !’

‘એ કાંઈ સ્ટુપીડ ઈંડિયન છોકરી થોડી છે કાંઈ, તે એવો જુલમ બાળકને માટે સહી લે ?’

સ્નેહા સરલાબહેનના કટાક્ષ પર હસી અને ખભા ઊંચા કરી, જે કામ કરતી હતી તે ચાલુ રાખ્યું.

થોડીવાર વિચાર્યા પછી સરલાબહેને તેમનો વિચાર જણાવતાં કહ્યું, ‘કદાચ સાચે સાચ એને ચાહતી હશે.’

‘બને કદાચ, એમ જ હશે. એ કહેતી હતી કે એ લોકો સ્કુલમાં સાથે હતાં ત્યારથી ફરતાં હતાં.’

એક મોટો નિઃસાસો નાંખી સરલાબહેને વેદનાસભર સ્વરે કહ્યું, ‘મા-બાપની ખોટી જીદ્ અને સાવ ખોટી સામાજિક પ્રતિષ્ઠાના નામ નીચે ક્યાં સુધી યુવાનોની જીંદગી બરબાદ થતી રહેશે , કોણ જાણે ?’ સરલાબહેનની આંખ સમક્ષ એક સેકંડ માટે પ્રીત આવી ગયો !

‘ફોઈ, જ્યારે પ્રશ્નનો જવાબ ન મળે ત્યારે ‘નસીબ’ કહીને પાછા વળી જવું પડે છે.’ જાણે પોતાને જ જવાબ આપતી હોય તેમ પીડા છૂપાવતાં એ બોલી.

સ્નેહા રોટલી વણતી ગઈ અને સરલાબહેન સેકતાં ગયાં, અને થોડીવારમાં તો બન્ને જણ નવરાં થઈ ગયાં.

સ્નેહા ધનુબાને જમવાનું આપવાની તૈયારી કરતી હતી ત્યાં જ એના મોબાઈલની રીંગ વાગી.

રોટલી કરતી વખતે જ્યાં એણે એનો મોબાઈલ રાખ્યો હતો ત્યાં જ ઊભા રહીને સરલાબહેન અથાણું કાઢતાં હતાં. એમણે ફોન સ્નેહાને આપવા માટે ઊંચક્યો તે જ વખતે સહજ રીતે એમની નજર ફોન કરનારનાં નામ ઉપર પડી, એ જોઈને, મલકીને એમણે સ્નેહાને ફોન આપ્યો.

સ્ક્રીન ઉપર કિશનનું નામ જોઈ સ્નેહા શરમથી પાણી પાણી થઈ ગઈ. ફોન લઈને રીતસર એ ત્યાંથી ભાગી અને એના રૂમમાં જતી રહી.

‘બીજી કોઈ પાર્શ્વભૂમિકા બાંધ્યા વગર જ એનાથી બોલાઈ ગયું, ‘ યુ નો, મમે જ ફોન ઉઠાવ્યો અને એમણે તમારું નામ પણ વાંચ્યુ!’

‘સો વોટ, સારું ને હવે તારે વાત નહી કહેવી પડે !’

અજાણ્યા બની સ્નેહાએ પૂછ્યું , ‘કઈ વાત?’

‘તને જે કહેતાં શરમ લાગતી હોય તે વાત.’

‘સારું, મારે એવી કોઈ વાત કરવી પણ નથી અને સાંભળવી પણ નથી.’

જે વાત કહેવા માટે મન થનગનતું હોય, અને એ જ વાતનો પડઘો સાંભળવા માટે કાન વલવલતા હોય, તે જ વાત સાંભળવી પણ નથી કહેતી, અને પ્રથમ પ્રેમના એકરાર કરવા માટે મુંઝાતી છોકરીને જોવો એ પણ એક લહાવો છે !

કિશન પણ કંઈ ઓછો નથી, ‘ભલે, તો ચાલ એ વાત નહીં કરીએ, બસ?’

‘પ્લીઝ કિશન ….પણ મારે એ વાત કર….વી છે!’

કિશન સાચે જ આ ક્ષણને માણવા માટે તૈયાર હતો, ‘અં.. કઈ વાત સ્નેહા?’

‘જો હવે એકવાર પણ બોલ્યો….બોલ્યા છો ને..’

‘ઓ.કે સ્નેહુ, મને મેસેજ મળી ગયો….’

‘મને ખબર જ હતી કે નંદુડીના…’

‘એય મારી બહેનને વચ્ચે નહી લાવ, મારી પાસે બુદ્ધિ છે અને હમણા જે વાતો કરી તેમાંથી જ મને મેસેજ મળી ગયો – જો પહેલા તો તેં ‘ફોઈ’ની જગ્યાએ ‘મમ’ શબ્દ વાપર્યો, અને સેકંડ- ‘કિશન તમે’ કહેતી છોકરી અચાનક ‘તું’ પર ઉતરી આવે એ સમજાવા માટે મને કોઈએ કહેવાની જરૂર ન પડે, એટલો તો હું સ્માર્ટ છું…છું ને ?’

‘વધારે પડતો સ્માર્ટ છે બસ , ચલ હવે તને ખબર પડી જ ગઈ છે તો મારે મોઢે બોલવવાની…’

‘ના……આ…. મને કાંઈ જ ખબર નથી પડી, પ્લીઝ, આ વાક્ય તારે મોઢે સાંભળવા માટે મેં કેટલું તપ કર્યું છે તને તેની શી ખબર ? પ્લીઝ સ્નેહુ, પ્લીઝ…..’

‘ઊં….હં’


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

3 comments for “કેડી ઝંખે ચરણ : પ્રકરણ – ૩૫

 1. Dipti T.
  April 17, 2018 at 8:37 pm

  we did not get new chapter for 15th April?

  • April 18, 2018 at 4:33 pm

   નયનાબહેનનું લેપટોપ છેલ્લી ઘડીએ ક્રેશ થયેલું તેથી એ હપ્તો સમયસર મળી નથી શક્યો.

  • Nayna
   April 19, 2018 at 9:55 pm

   Very sorry Diptiben for that

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *