સાયન્સ ફેર : ‘ટાઈમ ટ્રાવેલર’ નોઆહ પર કેટલો ભરોસો કરી શકાય?!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

‘ટાઈમ મશીન’ની કલ્પના હવે અજાણી નથી, થેન્ક્સ ટુ હોલીવુડ ફિલ્મ્સ! ટાઈમ મશીનમાં બેસીને માણસ ભૂતકાળ અથવા ભવિષ્યકાળમાં જઈ શકશે, એવી એક માન્યતા (અથવા ગપગોળો) છે! પણ હજી સુધી આવું ટાઈમ મશીન બનાવવામાં કોઈને સફળતા મળી નથી. આવું મશીન જો બનશે તો ક્યારે બનશે એ વિષે પણ ચોક્કસપણે કશું કહી શકાય એમ નથી. કેમકે આ દિશામાં નક્કર કહી શકાય એવું કશું કામ થયું નથી! પણ હા, અત્યારે અચાનક ક્યાંકથી ફૂટી નીકળેલા ‘નોઆહ‘ નામના શખ્સે ‘પેરાનોર્મલ ઈલાઈટ’ નામની યુ-ટ્યુબ ચેનલ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે પોતે એક ‘ટાઈમ ટ્રાવેલર’ છે અને છેક ઇસ ૨૦૩૦ની સાલમાંથી પાછળ જઈને, ઇસ ૨૦૧૮ની સાલમાં આવ્યો છે! એટલું જ નહિ, પોતાની વાત સાચી સાબિત કરવા માટે નોઆહે આપણા વર્તમાનકાળ-ઇસ ૨૦૧૮ અને એના પોતાના વર્તમાનકાળ-ઇસ ૨૦૩૦ વચ્ચે બનનારી કેટલીક મહત્વની ઘટનાઓ વિષે પણ માહિતી આપી છે![i]

નોઆહના કહેવા મુજબ આવનારા ૧૨ વર્ષો દરમિયાન જીવલેણ ગણાતા કેન્સરને મટાડતી દવાઓ મળતી થઇ જશે. ઇસ ૨૦૨૦માં અમેરિકાના પ્રેસીડન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ જ ફરી ચૂંટાશે! (અમેરિકનો સાવધાન!) આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સને સરકારી અને સામાજિક માન્યતા મળી જશે. આપણે ત્યાં અત્યારે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટવાળા ભલે બીટકોઈનવાળાઓ પાછળ આદુ ખાઈને મંડ્યા, પરંતુ નોઆહના કહેવા મુજબ આવનારા વર્ષોમાં બીટકોઈનની લોકપ્રિયતા વધવાની જ છે. અહીં પ્રશ્ન એ છે કે નોઆહની વાતો પર કેટલો વિશ્વાસ કરાય? ભાગ્યે જ કોઈ વૈજ્ઞાનિક નોઆહની વાત પર ભરોસો મૂકવા તૈયાર થાય. કેમકે ભૌતિકશાસ્ત્ર વિષે અત્યારે જેટલું જ્ઞાન છે, એ મુજબ ‘ટાઈમ ટ્રાવેલિંગ’ અશક્ય બાબત ગણાય છે. હા, સ્ટીફન હોકિંગ સહિતના કેટલાક ટોચના વૈજ્ઞાનિકો માને છે કે ભવિષ્યમાં ટાઈમ ટ્રાવેલ શક્ય બને ય ખરું! પરંતુ હકીકત એ છે કે આજની તારીખે તો ટાઈમ ટ્રાવેલને સમજવા માટે આપણું જ્ઞાન ટૂંકું જ પડે છે.

કૂવામાંનો દેડકો બહારની દુનિયા વિષે જેટલું ‘જ્ઞાન’ ધરાવે છે, કદાચ એટલું જ જ્ઞાન મનુષ્ય બ્રહ્માંડ વિષે ધરાવે છે! આપણે ત્રણ પરિમાણો વિષે જાણીએ છીએ પણ આપણું જ્ઞાન સીમિત હોઈ શકે છે! આપણને ખબર ન હોય એનો અર્થ એવો નથી જ કે ત્રણ સિવાયનું કોઈ ચોથું પરિમાણ નહિ જ હોય! પરંતુ આ ‘ચોથું પરિમાણ’ એટલે કયું પરિમાણ? લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ સિવાયના કયા પરિબળને ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રની દ્રષ્ટિએ એક સ્વતંત્ર ‘પરિમાણ’ ગણી શકાય? મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન પોતાની સાપેક્ષવાદ અંગેની થિયરીમાં ‘સમય’ને ચોથું પરિમાણ ગણે છે. પણ સાથે જ આઈન્સ્ટાઈન કબૂલે છે કે સમય પણ સંપૂર્ણપણે સ્વતંત્ર પરિમાણ નથી. સમય અને અવકાશ એકબીજા સાથે ગૂંથાયેલા છે, અને આઈન્સ્ટાઈનના મત મુજબ, આ ગૂંથણી પૃથ્વીના ગુરૂત્વાકર્ષણબળને આભારી છે. ઘણા સંશોધકો માને છે કે આઈન્સ્ટાઈનની સાપેક્ષવાદની થિયરીને આધારે અને સમયને ચોથા પરિમાણ તરીકે ગણીને ‘ટાઈમ ટ્રાવેલ’ કરવાનું શક્ય બનશે. એટલે કે ભૂતકાળ કે ભવિષ્યકાળના કોઈ એક પૂર્વનિર્ધારિત કાલખંડની મુલાકાતે જઈ શકાશે. જો કે આવું કરવામાં સૌથી મોટી વિટંબણા એવી છે કે, આપણા હાલની સમજ પ્રમાણેના ત્રિપરિમાણીય વાતાવરણમાં આપણે કોઈ પર દિશામાં આગળ વધીએ, સમયના ચોથા પરિમાણમાં આપણે માત્ર આગળની દિશામાં, પોઝિટીવ ડાયરેક્શનમાં જ જઈ શકીશું! એનો અર્થ એવો થાય કે જો ટાઈમ મશીન બનાવવામાં સફળતા મળે તો પણ ટાઈમ ટ્રાવેલ દ્વારા માનવી માત્ર ભવિષ્યમાં જ જઈ શકશે, (ફિલ્મોમાં બતાવે છે એ રીતે, કે નોઆહ કહે છે એ રીતે) ભૂતકાળમાં નહિ! જે સમય વીતી ચૂક્યો છે, એમાં તસુભાર ફેરફાર થઇ શકે નહિ, ભૂતકાળ બદલી શકાય નહિ! ભૂતકાળમાં ન જવાય તો કશો વાંધો નહિ, પણ જો ટાઈમ મશીનમાં ‘રીવર્સ ગિયર’ કામ ન જ કરવાનું હોય તો ભવિષ્યની સફરે ગયેલો માનવી કાયમ માટે ત્યાંજ રહી જાય! કેમ કે ભવિષ્યમાંથી વર્તમાનમાં પાછા ફરવા માટે એણે સમયના પરિમાણમાં નેગેટીવ ડાયરેક્શનમાં મુસાફરી કરવી પડે, જે શક્ય નથી! તો પછી આ નોઆહ કયું ‘રીવર્સ ગીઅર’ વાપરીને ૧૨ વર્ષ પાછળ આવ્યો?

ભૌતિકશાસ્ત્ર, અધ્યાત્મ-ફિલોસોફી અને સંભાવનાઓને લગતું ગણિતશાસ્ત્ર એકબીજા સાથે બરાબર તાણાવાણાની જેમ ગૂંથાયેલા શાસ્ત્રો છે. ટાઈમ ટ્રાવેલ વિષે “ધી ગ્રાન્ડ ફાધર પેરાડોક્સ” તરીકે ઓળખાતો ફિલોસોફીકલ મત પણ જાણવા જેવો છે. ધારો કે ટાઈમ ટ્રાવેલ શક્ય બને છે તો પણ, ઉપરના પેરેગ્રાફમાં કહ્યું એમ, ભૂતકાળમાં માત્ર મુસાફરી થઇ શકશે, કોઈ બદલાવ નહિ લાવી શકાય. કેમકે કોઈ માણસ ટાઈમ ટ્રાવેલ કરીને થોડા દાયકાઓ પાછળ જાય અને પોતાના (એ સમયે) તરુણ વયન દાદાનું ખૂન કરી નાખે તો? તો દાદાના લગ્ન જ ન થાય. પરિણામે પેલી ટાઈમ ટ્રાવેલર વ્યક્તિના પિતાનો જન્મ જ શક્ય ન બને! અને જો એવું બને, તો ટાઈમ ટ્રાવેલર પોતે ક્યાંથી પેદા થાય? જરા વિચાર કરો, જો માણસ પોતાના ભૂતકાળમાં ફેરફાર કરી શકે તો કેવો ભયંકર ગૂંચવાડો ઉભો થાય! એટલે જ ભૌતિકશાસ્ત્રીઓ, ગણિતશાસ્ત્રીઓ અને અધ્યાત્મવાદીઓ એકી અવાજે કહે છે કે વિજ્ઞાન ટાઈમ ટ્રાવેલ બાબતે ગમે એટલી પ્રગતિ કરે તો ય કોઈ પણ સંજોગોમાં ભૂતકાળ બદલવો શક્ય નથી! એનો અર્થ એમ કે ભવિષ્યમાં વિજ્ઞાન પ્રગતિ કરે અને આપણે ટાઈમ ટ્રાવેલ કરીને ભૂતકાળમાં જઈશું તો ય કશું કરી નહિ શકીએ, માત્ર શાપિત આત્માની જેમ ભટકતા રહીશું!

તો શું અત્યારે આપણે જેણે ‘ભૂત’ ગણીએ છીએ એ બધા ભવિષ્યમાંથી આવેલા અને વર્તમાનમાં ભૂલા પડેલા ‘ટાઈમ ટ્રાવેલર્સ’ છે? બાય ધી વે, પેલો નોઆહ લાઈ ડિટેક્ટર ટેસ્ટમાં પાસ થઇ ગયો છે, બોલો!

11 Possible Cases of Time Travel

Time Traveler From 2030 LIE DETECTOR Test


[i] Nova: Time travel – Through Time – PBS Space Documentary


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

1 comment for “સાયન્સ ફેર : ‘ટાઈમ ટ્રાવેલર’ નોઆહ પર કેટલો ભરોસો કરી શકાય?!

  1. April 8, 2018 at 9:34 pm

    ભલે અશક્ય અને કલ્પનાના ગુબ્બારા હોય… H.G. Wells ની Time Machine જેવી કલ્પના ભાગ્યે જ કોઈએ કરી હશે. મારી બહુ જ માનિતી નવલકથા. એમાં માનવજાત ની ખાસિયતો અને તેના ભવિષ્ય વિશેની તેમની કલ્પનાનો કાબિલે દાદ છે. આપણને આપણી જાત માટે વિચારતા કરી દે તેવી છે.

    એવી જ એમની બીજી નવલકથા – ‘War of the worlds’ પણ ખરેખર અદભૂત કલ્પના છે.

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published. Required fields are marked *