ફિર દેખો યારોં : ટેકનોલોજીરૂપી મોહિનીને જરૂર વધાવીએ, પણ આપણે ભસ્માસુર શું કામ બનીએ?

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

ભસ્માસુર કોણ? તેનો પરિચય આપણા દેશના લોકોને આપવાનો ન હોય. હકીકતમાં ભસ્માસુર કોઈ રાક્ષસ નહીં, પણ દરેક વ્યક્તિમાં છુપાયેલી માનસિકતા છે. વિવેકનું પ્રમાણભાન બદલાય તો કોઈ પણ વ્યક્તિમાં ભસ્માસુર બનવાની ક્ષમતા રહેલી છે. કેવી હોય તેની માનસિકતા? કોઈ પણ ચીજની પ્રાપ્તિ પાછળ ખાઈખપૂચીને લાગી જવું અને આકરું તપ કરવું એ પ્રેરક લક્ષણ છે. તપ એટલું આકરું કે દેવને પ્રસન્ન થયા વિના છૂટકો નહીં. પણ પ્રસન્ન થયેલા દેવ કોઈ વરદાન માંગવાનું કહે ત્યારે એવું વરદાન માંગવું કે પોતે જેને માથે હાથ મૂકે તે બળીને ભસ્મ થઈ જાય. વરદાનસ્વરૂપે પણ કોઈનો વિનાશ માંગવો એ થઈ ભસ્માસુરવૃત્તિ. આ રીતે મળેલા વરદાન પછી તે એ હદે વકરે કે ખુદ દેવે અવતાર લેવો પડે, મોહિનીસ્વરૂપ દ્વારા તેને લલચાવીને એ હદે ભાન ભૂલાવવું પડે કે પોતે જ પોતાના વિનાશનો કારક બની રહે.

વિજ્ઞાનની અનેક શોધો માનવજીવન માટે આશીર્વાદરૂપ બની રહી છે, પણ તેનો છેવટનો આધાર તેના ઊપયોગકર્તા પર રહેલો છે. છેલ્લા બે-અઢી દાયકામાં મોબાઈલ ફોનની શોધ થઈ, જે હવે તો આપણા જીવનનું અભિન્ન અંગ બની ગઈ છે. આ ફોનનો ઊપયોગ આરંભે કેવળ વાતચીત કે સંપર્કમાં રહેવા પૂરતો જ હતો. તેમાં એક પછી એક વિશેષતાઓ ઊમેરાતી ગઈ. ઈન્‍ટરનેટની સુવિધા ફોનમાં ઊમેરાતાં જ જાણે કે ચમત્કાર થઈ ગયો. તેને કારણે સમાજજીવનમાં પણ ફેરફારો થવા લાગ્યા. ઈન્‍ટરનેટ આધારિત ફોનને કારણે કેવી કેવી સેવાઓનાં કયાં કયાં ક્ષેત્રો ખૂલતાં જશે એ હજી અંદાજ માંડી શકાતો નથી. એ હકીકત છે કે તેના અગણિત લાભની સરખામણીએ તેની મર્યાદાઓ વધુ પ્રકાશમાં આવવા લાગી. હવે કોઈ ઈચ્છે કે ન ઈચ્છે, સામાન્યમાં સામાન્ય મોડેલના ફોનમાં કેટલીય એવી સુવિધાઓ ફરજિયાતપણે આવે છે, તેની જરૂર હોય કે ન હોય. આમાંની બે મુખ્ય સુવિધાઓ એટલે કેમેરા અને રેડિયો કે ગીતો સાંભળી શકવાની સગવડ. ફોનના કેમેરા વડે ‘સેલ્ફી’ લેવી આરંભે નવાઈ હતી, જે ધીમે ધીમે ગાંડપણ અને ઘણા લોકોમાં ઉન્માદની હદે વ્યાપી. વિશ્વભરના વિવિધ દેશોમાં કેટલાય લોકો ચિત્રવિચિત્ર સ્થળોએ ‘સેલ્ફી’ લેતાં ભાન ભૂલ્યા અને જાન ખોવાનો વારો આવ્યો. સેલફોનમાં રાખેલાં ગીતો કાનમાં ઈયરપ્લગ ખોસીને સાંભળતા સાંભળતા વાહન ચલાવતા, કે રસ્તે ચાલતા લોકો કાં પોતે અકસ્માત કરી બેસે છે, કે પછી અકસ્માતનો ભોગ બને છે. આ થઈ દેખીતાં જોખમોની વાત.

પ્રચ્છન્ન જોખમો અનેક છે, જેમાં વિવિધ સામાજિક બાબતોનો સમાવેશ કરી શકાય. વૉટ્સેપ જેવા માધ્યમથી હાલતાંચાલતાં સંદેશાઓ, શુભેચ્છાઓ કે પોતાને મળેલું કંઈ પણ ‘ફોરવર્ડ’ કરી દેનારા ‘સમાજસેવકો’ અને ‘વીર હકારાત્મકતાવાળા’ઓનો ત્રાસ કોઈ ખંડણીખોરોથી ઊતરતો નથી. સહેજ અશાંત પરિસ્થિતિની સંભાવના જણાય તો સૌથી પ્રથમ અને સરળ પગલારૂપે સરકાર ઈન્‍ટરનેટ પ્રતિબંધિત કરી દેવાનું શીખી ગઈ છે. બીજી તરફ સરકાર નાણાંકીય વ્યવહારોથી લઈને બીજી અનેક બાબતો ‘ઓનલાઈન’ કરવાના પેંતરા કરી રહી છે. આ વિરોધાભાસ શું દર્શાવે છે? શું સરકાર પણ એમ ધારે છે કે ઈન્‍ટરનેટ વિના કોઈનું કશું અટકવાનું નથી?

ગુજરાતની કે ભારતની સરકાર જે ધારતી હોય એ, અને તેનો અમલ કરે ત્યારે ખરી, ઈન્‍ડોનેશિયાના બાલી ટાપુએ આ દિશામાં એક નોંધપાત્ર પહેલ કરી. બાલીમાં શક સંવત અમલમાં છે. તેના નવા વર્ષના આરંભના દિવસને ‘નાયપી’ તરીકે ઓળખવામાં આવે છે, અને તેની ઊજવણી ‘શાંતિ દિન’ તરીકે કરવામાં આવે છે. આ દિવસે આત્મદર્શનનો મહિમા છે, તેથી આ પ્રક્રિયાને સહાયરૂપ થવા માટે એવી તમામ બાબતો પ્રતિબંધિત હોય છે, જે એમાં નડતરરૂપ બની શકે. એટલે કે મનોરંજન, કામકાજ, પ્રવાસ વગેરે સંપૂર્ણપણે બંધ! એક માત્ર એરપોર્ટનો પણ એમાં સમાવેશ થઈ જાય. વાહનોની કાયમી અવરજવર ધરાવતી, ભીડથી ઊભરાતી શેરીઓ આ દિવસે સૂમસામ ભાસે એ સ્વાભાવિક છે. આ વર્ષે નવું વર્ષ 17 માર્ચના દિવસથી આરંભાતું હતું. સત્તાવાળાઓએ ઊજવણીના ભાગરૂપે 17 માર્ચને શનિવારની સવારના છથી રવિવારની સવારના છ વાગ્યા સુધી ઈન્‍ટરનેટ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લીધો. હજી પંદરેક વરસ અગાઉ અહીંની સ્થિતિ એવી હતી કે લોકો એકબીજા સાથે જોડાયેલા હોવાનું મહેસૂસ કરતા હતા, જેને કારણે પરસ્પર વ્યવહારમાં એક પ્રકારની ઉષ્મા અનુભવાતી. પણ ઈન્‍ટરનેટના આગમન પછી લોકો વધુ ને વધુ સ્વકેન્‍દ્રી બની રહ્યા હોવાનું લાગે છે. કોઈ પણ વ્યક્તિ કશા વિવેકભાન વિના, પોતાને ફાવે એ બાબત સીધેસીધી સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર મૂકે કે લખી દે એ કેમ ચાલે? અલબત્ત, ઈન્‍ટરનેટનો વ્યાપ એ હદે પ્રસરી ચૂકેલો છે કે તેની સામે બીજું કંઈ થઈ શકે એમ નથી. આથી આખા વર્ષમાં એક દિવસ પણ તેનાથી મુક્ત રહી શકાય એવો પ્રયત્ન કરવો. અને આમ કરવા માટે ‘નાયપી’થી ઉત્તમ દિવસ કયો હોઈ શકે? બસ, આમ નક્કી કરીને સત્તાવાળાઓએ આદેશ બહાર પાડી દીધો અને તેનો અમલ પણ સફળતાપૂર્વક થઈ ગયો. અલબત્ત, તેની સામે કચવાટ વ્યક્ત થયો, અને ઘણાને એમ લાગ્યું કે સરકારે પોતાની અંગતતા પર તરાપ મારવાનો પ્રયત્ન કર્યો છે.

બીજી રીતે વિચારતાં એમ લાગે છે કે આ રીતના ‘ડીજીટલ મૌન’નો અમલ આપણા દેશમાં પણ થવો જોઈએ. તેમાં વ્યાવહારિક મુશ્કેલીઓ ઘણી છે, પણ તેનો મૂળભૂત હેતુ સમજવા જેવો છે. સરકાર તેની ઘોષણા અને પછી અમલ કરે તો એ ફારસ સમું જ બની રહે, અને આપણા છીંડાબહાદુર નાગરિકો એનો પણ ‘તોડ’ કરી લે. તેને બદલે દરેક પરિવાર મહિનામાં એક દિવસ સ્વૈચ્છિક રીતે ઈન્‍ટરનેટ બંધ રાખે તો કેવું? ઈન્‍ટરનેટનો ઓક્સિજનની જેમ ઊપયોગ કરનારા ઘણા લોકો માનતા હોય છે કે પોતે ઈન્‍ટરનેટના જરા પણ મોહતાજ નથી. પણ પોતાના ફોન કે કમ્પ્યુટરમાં ચકરડું ફર ફર કરતું દેખાય ત્યારે તેઓ ઘાંઘા થઈ જતા હોય છે. સામે બેઠેલી વ્યક્તિ સાથે સંવાદ સધાય, વોટ્સેપમાં મળેલા સંદેશા સિવાયના વિષયની કોઈ વાતચીત થાય તો ઘણી માનવીય કે સામાજિક સમસ્યાઓ ઊકલી શકે. બાલીએ ચીંધેલા આ માર્ગને સ્વૈચ્છિક અપનાવવા જેવો લાગે છે. પોતાને અનુકૂળ હોય એ રીતે, મહિને નહીં, તો બે યા ત્રણ મહિને એક દિવસ, પણ ઈન્‍ટરનેટમુક્ત દિવસની ઊજવણીનો અખતરો કરવા જેવો છે. જ્ઞાનના આકરા તપ થકી પ્રાપ્ત થતી ટેકનોલોજીની સુવિધા આપણા માટે ભસ્માસુર ન બની રહે એ જોવાનું કામ આપણું જ છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨ -૩-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *