દાદાનો ઠપકો : “તમે ખેડ્યની ગરવાઇ ખોઇ નાખી ! ”

Facebooktwitterredditpinterestlinkedinmail

હીરજી ભીંગરાડિયા

“રામ રામ લખમણ કાકા ! કેમ એકલા એકલા અને આમ સૂનમૂન બેહી ગયા છો ?” ચોસલાના 85 વરસના દાદાને મેં પૂછ્યું.

“આવ્ય, ભાઇ હીરજી આવ્ય ! આ શિયાળાની કૂણી તડકી મીઠી લાગે છે, તે હું ને ધનોભાઇ બેય બેઠા હતા, પણ ધનોભાઇ હમણાં ઊભો થૈને ઘર દીમનો ગ્યો., ને હું બેઠો બેઠો વશાર કરું છું. પણ તેં આલખેરે બહુ ઝાઝા દા’ડે દરહણ દીધાં” કહીને તેમણે ઊભા થઈને ખાટલો ઢાળ્યો, અને “ બેહ્ય ભાઇ બેહ્ય ! આજ તો ખીહર્ય જેવું પરબ છે, પગવાળીને બેઘડી બેહ્ય તો કંઇક સખદખની કરઇ. જંઇ હોય તંઇ બસ ભાગંભાગ જ હોય છે તારે તો !” આગ્રહ કરી મને બેસાડ્યો.

“કેમ કંઇ દીકરા હિંમતની રાવ-ફરિયાદ તો નથીને ? હોય તો વઢુ એને હો !”

“ના રે ભૈલા ! હિંમતો ને વહુ પાણી માગીએ ત્યાં દૂધ હાજર કરે છે. ઇ બાબતે તો ભગવાનની દયા છે.”

“ ત્યારે શેનું દખ છે, શરીરે કંઇ કટેવ રહે છે ?” મેં થોડી પૂછગાછ શરૂ કરી.

“ નારે ના, તેં બીડી છોડાવ્યા પછી તો ઉધરહે ગૈ છે હવે. પણ આ વખત બધો બદલાઇ ગ્યો છે એનો વશાર આવે છે તંઇ મન ચકરાવે ચડે છે. અમે તો બેઠા બેઠા જોયા કરઇ છઇ, જૂની આંખે બધું નવું ભળાઇ રહ્યું છે.”

“ તે નવું બધું સારું નથી કાકા ?”

“કેટલુંક સારું ય છે, પણ કેટલુંક સારું હોય એવુંય પડતું કરી મેલ્યું છે. નથી હમજાતું આવું શુંકામ આ નવી પેઢી કરતી હશે ?”

“ મને સમજાવો, સારું હોય એવું શું પડતું કર્યું છે ?” મેં ખાટલે જરા નિરાંતવા બેસી પ્રશ્ન કર્યો.

“ આ જોને ગઈ કાલે હિંમતો એના ભડભડિયાને ઠાંઠિયે બાંધી શેરડીના થોડાક કતિકા લાવ્યો. તો મેં પૂછ્યું કે શું દીધું આટલા બાંગલાનું ? તો માળો કહે અધમણના રૂ. 100 દીધા ! મારો તો જીવ બળી ગયો. અલ્યા છોરા ! ખેડુ જેવા ખેડુ થૈ ને શેરડી કંઇ વેચાતી લાવ્યા જેવી જણસ છે ? આપડી પાંહે પાડાના કાંધ જેવી વાડી છે, કૂવે પાણીનો ધરવ છે, તારે ક્યાં કોહ જોડવો પડે એમ છે ? હવે તો મશીનને હેંડલ મારવાપણું ય નથી. ચાંપ દબાવ્યા ભેળી ખળ..ળ ળ..કરતી હડેડાટ પાણી કાઢે એવી વીજળીની મોટર રાંગમાં આવી ગઈ છે. વાઢના પાંચ કેરા ઉજેર્યા હોય તો એય ને ઘરનાં છોકરાં તો ખાય, આજ ખીહર્ય જેવા પરબે અમે તો ઠાકરદુવારે, આડોશી-પાડોશી અને વહવાયાંને ઘેર બે બે રાડાં પોગાડતાં, તે એના બચાડજીવના છોકરાંયે ખાતાં. શેરડી ને શકરિયાં તો વેચવાની નહીં, વહેંચવાની ચીજ ગણતાં.”

“બીજું શું શું ખીહર્યને દિ’ કરતા ?” મને તેમની વાતોમાં રસ પડ્યો.

“ આ ગાયુંના ગોંદર્યે થોડી થોડી નીણ તો નાખો છો તમેય બધા.અમેય નાખતા.ઘઉં-બાજરાની ઘૂઘરી કરી બૈરાઓ આડોશ-પાડોશની ગાયુંને ય ખવરાવતા. સાધુ-ભામણ-માંગણને પોગ્ય પરમાણે દાન-ધરમ કરતા.” “હં પછી ?” મેં હોંકારો ભણ્યો.

“ અરે, આડે દિ’યેય વાડીમાં પાકતી શીંગ, ચીભડાં, ડોડા જેવી ખાઉ જણસ પહેલા ભગવાનને ધરી પછે જ ઘેર વાપરવાનું શરુ કરતા. ઘેર ગાય કે ભેંશ વિયાણી હોય ને, તો દહ-બાર દિ’એ ઝારણું કર્યા કેડે દૂધનો કળશ્યો યે પહેલા ઠાકરમંદિરે, પછી સાધુ-ભામણ અને આડોશી-પાડોશીને ત્યાં દઈ મોકલતા”

“ હા કાકા, મને બરાબર યાદ છે, હું નાનો હતો ત્યારે મારા દાદીમા દૂધનો લોટો આપવા પાડોશમાં મોકલતા-અને એ પાડોશી દૂધ લઈ લીધા પછી લોટામાં પાવલી-અડધિયું-સોપારી જેવું કંઇક નાખતા, ને ઇ ખખડાવતો ખખડાવતો હું દોડતો દોડતો ઘેર આવતો. તમારી વાતે તો મને બાળપણ યાદ કરાવી દીધું કાકા !” મને તો મજો પડી ગયો.

“ અરે, શું વાત કરું તને , અત્યારે ખેડુ જેવા ખેડુને આંગણે ગવતરી તો શું બાંડી બકરીયે નથી હોતી. અમારા વખતમાં તો બહેન-દીકરીયુંને દૂઝાણાના ધામેણાં દેવાતાં.ઘરના દૂધના ગોરહડાં, ને સામસામે નેતરાં ખેંચી બબ્બે જણે ઘમ્મરવલોણે છાશું ફેરવાતી, હાથ ઘંટીએ દળણાં દળાતાં અને ઇ રાંધણાંની જે સોડમ આવતી એની વાત કર્યે થોડો ખ્યાલ આવશે તને ? અને બાયુના ડીલની એવી નરવાઇ રહેતી કે દવાખાનું જ નો જોવું પડતું. અને આગળ કહું ? ઘરની તો સૌ કરે, ઇ વખતે ગામના વહવાયાની ચંત્યાયે ખેડુ કરતા.ગામમાં જાન આવતી તો સાધુ, ભામણ, ગોવાળ, વાળંદ, ઢોલી,અને મંદિરના પૂજારી જેવા માટે ગામઝાંપો લેવાતો. વહવાયાનો તો સારા-માઠા પ્રસંગનો ભાર પણ ગામ ઉપાડી લેતું. અરે, પંખીડાની ચણ્ય પેઠેય ફાળો ભેળો કરાતો. બોલ, હવે કહેવું છે તારે કાંઇ ?” લખમણ દાદાને તો બરાબરના ખીલી ગયા જાણી મેં હળવેક દઈ મરહો મૂક્યો કે- “ અને ધૂમાડાબંધ ગામ જમણે ય કરાવતા ખરું ને ?” અને માળા ખીજાયા, કહે “ ઇ અમે પછેડી જેવડી સોડ્ય તાણતા. અમારી રહેવા દે, આજની તમારી પેઢીની કરને ! આજ જેને પોંચ્ય હોય ઇ તો ભલે ને હાથીડા ઝૂલાવે, ને ઝાંપે જાલકું ભલેને દ્યે ! પણ તાવડી ટેકો લઈ જતી હોય ઇ મારી જેવા ઘણા ધણ વાંહે ઢાંઢી ધોડવી ધોડવી સારાવાળાના વદાડે આવા વરા કરવામાં ખદ લેવા મંડી પડ્યા છે, તેને પછી જિંદગી આખી વળ લેવાનો વારો આવી જાય છે.ફટાકડા,બગી ને બેંડવાજા-કાળો દેકારો બાપલિયા ! ને પછી પાછા મહિનોય નો થ્યો હોય ત્યાં લેશે છૂટાછેડા ! ભોંઠુયે પડતું નથી લોક !”લખમણદાદાએ બરાબરનો વાળિયો લીધો.

“તમારા વખતમાં આવો ધૂમ ખરચો કરવાનો વેંત જ નહોતો એમ કહોને ટુંકમાં” મેં થોડી પૂંછડી દબાવી.

“ હાલ્યને ઇ વાત તારી હાચી. પણ મારે ઇ કેવું છે, ભગવાને આજ તમને નાણાંની રૂપારેલ દેખાડી છે, તે અમારી આંખ્યું ટાઢી. પણ પૈસા હોય તો આમ અલેખે ફદોડી થોડા નખાય ? ગરીબ-ગુરબા, નિહાળ્યું, દવાખાના જેવામાં ખરચો તો કૈંક લેખે ગણાય. તને ખબર્ય છે ? અમે વીવા-વાજમ વખતે “ચાંદલો” ને “હાથગરણું” લેતા ને દેતા, ઇ એકબીજાને ખરચમાં ટેકો કરવા માટે જ હતા. અને બેન-દીકરીના ‘કરિયાવર’ માટે પિયર-મોહાળ તરફથી ‘મામેરું’ ને જરૂરી ઠામ-વાસણની યથાશક્તિ ‘ભેટ’ દેવાતી. આજની જેમ હુતો ને હૂતી બે નહીં, કુટુંબો ભેળાં ભેળાં રહેતાં,અને હજુ આગળ કવ ? છોકરા-છોકરીએ લગન પહેલાં એકબીજાને ભાળ્યાય નો હોય,ગઢિયાં જ વેહવાળના નાળિયેર લેતાં,તોય સંસારનાં ગાડાં ઓહોના ગબડતાં.ને અત્યારે? કાતો કહે-છોકરો નાચે છે, કાંતો કહે-છોકરી ના પાડે છે.અલ્યા શમાવ શરમાવ,વડીલોની આમન્યા જેવું જરીક તો રાખો !”દાદાએ તો મનેઆડેહાથ લીધો.

“તે હેં કાકા, ઇ બધું હવે જવાદ્યો. તમારા વખતમાં ખેતીમાં કેવું રહેતું એ કહોને !” મેં દાદા પાસે ચર્ચાનો વિષય બદલાવ્યો.

“ જો હાંભળ્ય ! આજની જેમ નાણાંની વાંહે આટલીબધી દોટ નોતી. વધુ નાણાં કમાવા હોય તો એવા ધંધા તો શેરમાં તે દિય હતા જ, ને એવું મન હોય ઇ ન્યાં જાતા જ. પણ ‘ખેડ્ય’ એ ઉત્તમ ધંધો ગણાતો. ગામડામાં રહી ખેડ્ય કરવાની જે મજા હોય ઇ શેરમાં નાણું ખરચતાંય મળે ખરી ? અલ્યા, પૈસાનું એક માત્યમ છે એની ના નથી, પણ પૈસા સિવાય જીંદગીમાં ઘણુબધું-આ વાડી-ખેતરની બળુકી હવા, ઘરના દૂધ-ઘી, જીવતા છોડવાને જીવડાં-પહુ-પંખીડાંનો સંગ, એકબીજાના સંબંધ, રખાવટ, સચ્ચાઇ, અને પ્રામાણિકતાનુંય એક મૂલ છે હો ભાઇ ! અને ઇ અમને ખેડ્યમાં ભળાતું, ઇ તમને જુવાનિયાને ઓછું ભળાય છે.”

“વાહ, કાકા વાહ ! ખેતીનું ખરું હાર્દ સમજાવ્યું તમે !”

“શું કહુ તને ! જો અટાણે તો પૈસા શેમાં વધુ મળે છે બસ, એવા પાકની વાંહે જ પડી ગ્યા છે સૌ. આપણી જરૂરિયાતનું શું થાહે ? જમીનનું શું થાહે ? પકવેલા અન્ન, ફળ કે બકાલું ખાનાર કોકનું તો પછી, પણ પહેલાં આપણાં ખુદના શરીરનું શું થાહે એનોય વશાર કરે છે કોઇ ? નથી વિલાતી ખાતર નાખવાનું માપ કે નથી ઝેરનાં ફૂવારા કરવાનો ઘડો, અરે ! હજાર હજાર ને બારહેં બારહેં ફૂટેથી કાઢેલાં ઊનાં ફળફળતાં પાણી,પાયા ભેળા પગ હોત તો ભાગી જાત મોલ બધા વાડી બાર્ય, એવા નખેધ પાણી ઝીંક્યે જ રાખો છો ગાંડાતૂર થૈને ! તે દિ’ આવું બધું નો’તા કરતા તોય અમે કાંઇ ભૂખે નો’તા મરતા હો ! વણ , તલ ને ડાંડર ત્રણેનું સરખેભાગે વાવેતર કરતા. પાકની ફેરબદલીનો હેતુ હંચવાતો, જમીન બળભંગ નો થાતી, કુટુંબની જરૂરી જણસો વાડીમાં જ પાકતી, અને કુદરતી સવા-કવા અને બજારની વધ-ઘટ વેળાએ ટકી રહેવાતું. આ તમે ઓણ રાડ્યે પડી ગ્યા છો એનું કારણ બસ ઇ જ છે, કે જગત આખું બસ કપાહની વાંહે જ પડી ગયું છે. ચારે શેઢા, અરે શેઢામોસમ પણ કપાહની જ ! ઓણ ભાવ ભાંગ્યા, ને કે છે કે ઇળ્યુ યે હવે આવવા માંડી છે. માથે ફાળિયાં ઓઢીને રોહો તોય કોઇ છાનું રાખનાર નથી. બીજા ખેતીપાકોની ક્યાં તાણ્ય છે ? સાવ એક પડાળિયા મોલની વાંહે પડી ગ્યે બસ આવું જ થાય ! થોડું થોડું બીજું વાવ્યું હોત તો ? બોલ ! આ જૂની વાત સાચવી રાખ્યા જેવી ગણાય કે નૈ ?”

“હા, કાકા ! તમારી વત સાવ સાચી છે.” મેં અનુમોદન આપ્યું.

“ ને હાંભળ્ય, વાવણી વેળાએ પેલી મૂઠ્ય જુવાર-મગની વાવતા. નાણાંની ખેંચ હતી, પણ મન મોટાં હતાં.તું જોતો ખરો ! આજ ખેડુ જેવા ખેડુ હુતાસણી ન આવી હોય ત્યાં પોતાના 2-3 ઢોરાં હોય એને માટેય નીણ શોધવા નીકળી પડે.ભૂંડાયે નથી લાગતા ! અમારા વખતમાં ‘નીણ’ વેચવાની વસ્તુ જ નો ગણાતી. સારા વરહે વધુ થૈ હોય તો ગંજી ખડકી દેતા. મોળાં-નબળાં વરહે ખોલતા. વધે તો સગા-વાલા ને જાયુંભાયુંને ખપમાં આવતી.

એકબીજાના લેણ-દેણના વેવાર બધા ઉપજ-નીપજમાંથી નિપટાવી લેતા.દાડિયાં કર્યાં હોય તો દાડી પેટેય જે મોલમાં કામ કર્યું હોય તે બાજરો-જુવાર-ઘઉં-મગફળી કે મરચાં જ ચૂકવાતાં. અરે ! સુથાર, લુહાર, ચમાર, સઈ, વાળંદ, ગોવાળ, ઢોલી, ગોર બધાને વરહદાડે ઉધડથી ‘આથ’ બાંધેલા હતા. ઉપજ-નીપજમાં જાણે એ બધાનો ભાગ હોય એમ બધાનું ગાડું ગબડતું.” અમારી વાતોનો ખરો મેળ જામ્યો હતો ત્યાં ફરજામાં બાંધેલ એચેફ ગાય લાંબારાગે ભાંભરી, અને દાદાનો પિત્તો ગયો-“લે હાંભળ્ય ! હિંમતાને ના કીધી’તી તોય “દૂધ વધુ કરે” નું બાનું કાઢી આ કાળું ભૂંદર્યા જેવું-જેને ભાંભરતાંય નથી આવડતું, રેલગાડીના પાવા જેમ ચીતરી ચડે એવી તીણી સીસોટી મારે છે જોને ! નથી ડીલ ઉપર કોંટ્ય કે નથી ફર-કફર્યમાં સમજતું. આ જનાવર કંઇ ગાય થોડું ગણાય ? દૂધ તો ઊંટડી, ઘેટી, ગધાડી, ભૂંડડીયે કરે જ છેને ? પણ ઇ કાંઇ આપડા મલકની દેશી ગાય હાર્યે થોડું આવે ? ઇ જર્સી-બર્સી દૂધ વધુ દે, પણ ઇ દૂધમાં હોય શું ? ચા કરે તોય રકાબીનું તળિયું હોંહરું દેખાય એવી પાણી જેવી ! એનુંય વિલાતી ખાતરની જેમ એક દિ સમજાવાનું તો છે જ, પણ વાર લાગશે પાંચ-પંદર દિની એટલું જ. તળનું હોય ઇ ટકે. ઇ જનાવર થોડું આપણા તળનું છે ?” લખમણદાદાનો દેશી ગાય પરનો ભાવ એની વાતમાં ભળાઇ રહ્યો.

“ ત્યારે તમે આ જર્સી-એચેફ ગાયો રાખવાના મતના નથી એમજ ને ?” મારાથી પૂછાઇ ગયું.

“ હા, એકવાર નહીં, સાડી સત્તરવાર નહીં-પછી છે કાંઇ ? જા જોઇ આવ્ય માલધારીઓની જોકમાં, આવું લખણવંતું એકે જનાવર છે એની માલીકોર ? માલધારીઓ ક્યારેય એની ગાયોનો વેલો નો બગાડે. ખેડૂતોને તો આપણાં તળનું અસ્સલ જનાવર ‘ગીર ગાય’ જ પળાય. અને એના ગોધલા બેડિયે લોઢાનું હળ ખેંચે.ઇ ગાય-બળદ આંગણે ઊભા હોય તો આંગણું ય રૂડું લાગે ભૈલા !”

“ દેશી ગાય-બળદ જ આપણે વધુ કામના એવું તમારું માનવું છેને ?”

“ હાહા, ગાય એ તો ખેતી ધંધાની “મા” ગણાય. ઇ તો તમે બધા આજના જુવાનિયા આ નાનાં-મોટાં ટેક્ટરોની વાંહે પડી ગયા છો એટલે શું ? બાકી તમારું નાનું કે મોટું એકે ટેક્ટર ઘાસ-નીણ ખાઇને બળ કરે છે ? એકેય ટેક્ટર પોદળો કરતું હોય તો કો ! ઉલટાનો ડીઝલનો –અરે ફદિયાંનો નર્યો ધૂમાડો કરે છે. કૂદકો મારી સીટ માથે ચડી બેહો છો એમાં પંડ્યને કાંઇ આલ નથી આવતું ને, એટલે ફાવી ગયું છે, પણ એની હજુ વાંહેથી ખબર પડવાની છે દીકરા ! તે દિ’ આ દાદો નો સાંભરે તો હંવ કેજોને !

ગાય,બળદિયા, ઘોડી અને કુતરો- મળી ખેડૂતનો આખો સેટ ગણાતો. ગાયો દ્વારા દૂધ અને એના દીકરા-ગોધલાથી ખેતીકામ સિવાય જાનને ગાડે ઇ જ જુતતા. ફૂલેકા-વરઘોડામાં ઘરની ઘોડીથી જ પ્રસંગ ઊજળો બનતો. અને કૂતરો ? કૂતરો તો ઘર-વાડીનો રોટલિયો રખેવાળ ગણાતો. કોના બાપની દેન છે કે રેઢાં ઘર-વાડીમાં કોઇ કાવરુ જણ તો શું, અજાણ્યું ઢોરું યે ગરી હકે !” દાદા તો પૂરાણી ખેતી પદ્ધતિની જાણે એક પછી એક ખેતીની ચાવીઓ દેખાડી રહ્યા

“આજ તો કાકા ! ગામડે ગામડે દસબાર ખૂંટડા રેઢિયાર થઈને રખડતા ભળાય છે………” હું વાત પૂરી કરું તે પહેલાં જ અકળાઇ ઊઠી બોલ્યા; “તે ભળાય જ ને, તમને હવે ગાય-ગોધલાની કંઇ પડી જ નથી. બાકી ગાય વિયાંય અને જો વાછડો જનમે તો નાનો હોય ત્યાં ‘ઉતરાવી’ લેતા, સામો ધવરાવતા, અરે ! તલના ‘રેડ’ કઢાવી ગોળ-દૂધનો કઢો અને કપાસિયા જેવા ખાણ-દાણ ખવરાવી પંડ્યના છોરુંની જેમ હાંચવતા ને બળે વળગાડતા. સોળ-સોળ ને અઢાર-અઢાર ધર હાલી જે ધણીને ત્યાં ખેડ્યનો ભાર ખેંચ્યો હોય એને નાથ-મોરડો કાઢી આજની જેમ રેઢિયાર નો કરી મેલતા. એનાં ગઢપણ પાળતા.આંગણે મરવા દેતા. હાલ્ય મારા ફરજામાં હજી મારા માકડો-મુંઝડો મરી ગયા પછી, એના ‘શિંગડાં-મોકલી’ ની બેય જોડ્ય એની યાદમાં ટીંગાડી રાખી છે ઇ બતાવું તને ! કામ બધા બળદિયા પાંહેથી જ લેતા, પણ અમાસ-અગિયારશે અગતો પાળતા.તેને ધમારવા,પગે ગરમ પાણી સિંચવું,ડીલેથી અસો વીણવો, મોઢે મીઠું, શિંગડે તેલ અને ઘીની બબ્બે નાળ પાઇ, પોરો દઈ તાઝામાઝાકરતા.” “હં હં કાકા !” તો કહે “ જો ભૈલા ! અમારા વખતમાં આજના જેટલું ખેડ્યનું વિજ્ઞાન પહટ્યું નોતું. તેથી ઉપજ થોડી ઓછી આવતી, પણ તેદુની અમારી ખેડ્યમાં ખરચો કરવાની વાત જ નોતી આવતી. મોલમાં સાંતી ફેરવવા, ગાડાથી માલનો વેયારો કરવો, કૂવામાંથી કોહ-રેંટથી પાણી ખેંહવા,બધાં જ કામ વાડીનું ખડ ખાઇને બળદો કરતા અને ગાય-ભેંશ જેવા પહુડાંય ખડ ખાઇને દૂધ-ખાતર આપતાં, મોલાતને દવાયુંની જરૂર જ નો પડતી, ઘર આખું જાત-મહેનત કરતું. શરીર નરવ્યાં રેતાં,વર-વાપર્યમાં બહુ ફંદાફંદી નહોતી. એમાં ક્યાંય નાણાની જરૂર જ નો પડતી ને ગાડું ઓહોનું ગબડ્યે જતું. લે, ભૈલા આ છોડી ચા લાવી છે, પણ ભારેકરી, તું ચા તો પીતો નથી.દીપલી ! એક રકાબી ગળ્યું દૂધ લેતી આવ્ય.” “ના કાકા ! આજ હવે કંઇ નહીં. મને કોઇ ચોપડીમાંય વાંચવા ન મળત તેવું તમારા વખતની ખેતીનું વિજ્ઞાન ભણવા મળ્યું. ખોટી થયો ઇ વસૂલ થઈ ગયું. હું હવે ઊઠું.લ્યો રામેરામ !”


સંપર્ક: હીરજી ભીંગરાડિયા, પંચવટી બાગ, માલપરા ǁ  મો:+91 93275 72297  ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *