





સંકલનકાર – : સુરેશ જાની
આઠ ફૂટ લાંબી આ દૂધીનું નામ છે ‘નરેન્દ્ર શિવાની દૂધી’. અત્યારના માહોલ પ્રમાણે ઘણી બધી બાબતોને ભારતના વડાપ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીના નામ સાથે સાંકળી લેવામાં આવે છે – પછી ભલે ને એમાં તે મહાનુભાવનો ફાળો એક પૈસાનો પણ ન હોય! પણ આ દૂધીની બાબતમાં એમ નથી. આ જાતની દૂધી પહેલ વહેલી ઉત્તર પ્રદેશમાં અને તે પણ ૨૦૦૭ ની સાલમાં ઊગાડવામાં આવી હતી – જ્યારે શ્રી. નરેન્દ્ર મોદી ભારતના નહીં પણ ગુજરાતના વડા હતા !
કોણ છે આવડી લાંબી લસ દૂધી બનાવનાર ખાંટુ? દાઢી વાળા અને કોટ અને ટાઈમાં શોભતા એ જનાબ છે – પ્રોફેસર શિવપૂજન સિંઘ. તેઓ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના કુમારગંજ ખાતે આવેલી નરેન્દ્ર દેવ ખેતીવાડી યુનિવર્સિટીમાં સેવા આપતા એક પ્રોફેસર હતા. એ વખતે કદાચ એ બહુ ખ્યાતિ પામ્યા ન હતા. પણ થોડાક જ વખત પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનેલા યોગી આદિત્યનાથે આ કામ માટે તેમનું અભિવાદન કર્યુ, ત્યારે આ ખાંટુની ખાંટાઈ જગજાહેર બની ગઈ હતી. તેમના ચાહકો તેમને લાડમાં ‘ लौंकी पुरुष’ કહે છે !
શિવપૂજન સિંઘનો જન્મ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં આવેલા નાનકડા ગામ ગૌરાબૈની માં ૫, જૂન – ૧૯૫૩ ના રોજ થયો હતો. તેમના પિતા આમ તો ગામની પ્રાથમિક શાળાના શિક્ષક હતા, પણ તેમના કુટુમ્બના મોટા ભાગના સભ્યો ખેતીવાડીના કામમાં જોટાયેલા હતા. જ્યારે તેઓ ઉચ્ચ શિક્ષણ માટે આઝમગઢ આવ્યા, ત્યારે એક પ્રદર્શનમાં તેમને ખેતીવાડીમાં થઈ રહેલા અવનવા પ્રયોગો જોવા મળ્યા. એજ ક્ષણથી આ જન્મ જાત કિસાને એવા સંશોધન કાર્યને પોતાના જીવનનું ધ્યેય બનાવવાનો નિર્ધાર કરી દીધો.
જોત જોતામાં તો શિવ પૂજને ઉત્તરાખંડમાં આવેલી ગોવિંદ વલ્લભ પંત ખેતીવાડી યુનિવર્સિટીમાંથી ‘જેનેટિક્સ’ ના અતિ આધુનિક વિષયમાં માસ્ટરની પદવી અને પછી છોડના વિકાસના શાસ્ત્રમાં પી.એચ.ડી.ની પદવી હાંસલ કરી લીધી.
૧૯૮૨માં તો નાનકડા ગામમાંથી આવેલો આ યુવાન નરેન્દ્ર દેવ ખેતીવાડી યુનિવર્સિટીમાં પ્રોફેસર બની ગયો. ત્રણ વર્ષ ત્યાં કામ કર્યા બાદ તેમને કેન્યાના નૈરોબીમાં વ્યાખ્યાતા અને નિષ્ણાત તરીકે જવાની તક મળી. આમ નિષ્ણાત તરીકે પંકાયેલા તેમના બીજા સાથીઓ તો વિશ્વમાં મળતી ઊજળી કારકિર્દી અને મસ મોટા પગાર વાળી તક ઝડપી લઈ પરદેશમાં સ્થાયી થઈ જતા હતા. પણ શિવ પૂજન સિંઘે તો પોતાના ખોળિયામાં માદરે વતનની સેવાની ધૂણી ધખાવેલી હતી.
નરેન્દ્રદેવ યુનિ.માં ૧૯૮૭ માં તેઓ પાછા આવ્યા ત્યારે તેમને દૂધી, કોળા, તડબૂચ, સકરટેટી, કાકડી વિ. પ્રકારનાં cucurbit 8species ના શાક/ ફળ ની જાતોમાં સંશોધન કરવાનું કામ સોંપવામાં આવ્યું. આનું કારણ એ છે કે, ભારતમાં પાકતાં આ પ્રકારનાં શાક અને ફળ ૩૦ ટકાથી વધારે વપરાય છે.
નૈરોબીમાં તો તેમણે ઘઉં જેવા ધાન્યોની જાત સુધારવા બાબત ઘણું કામ કર્યું હતું. તે વખતે સંશોધન કામમાં આ બહુ પ્રિય અને આગળ પડતો વિષય પણ ન હતો. પણ આ કર્મનિષ્ઠ યુવાનને તો કામ જ કરવું હતું ને? તેઓ તો કાકડી,કોળું, દૂધી, તડબૂચ વિ.માં ડૂબી અને ખુંપી જ ગયા !
૧૯૯૮ માં તો તેમણે વિકસાવેલી ‘Andromon-6’ જાતની, બી વગરની દૂધી માટે તેમને પેટન્ટ પણ મળી ગઈ. તેમણે ‘નરેન્દ્ર શિશિર’ નામની બીજી એક જાતની દૂધી પણ વિકસાવી – જે શિયાળામાં પણ પકવી શકાય છે. ( મોટે ભાગે ઉત્તરના રાજ્યોની ઠંડીને કારણે, દૂધીની વાવણી અને ઉત્પાદન દિવાળી પછી શક્ય નથી હોતાં.) આવી જ રીતે ‘નરેન્દ્ર મધુરી’ નામની દૂધી પણ તેમણે વિકસાવી જેમાંથી બનાવેલું શાક સ્વાદમાં બહુ મીઠું હોય છે.
૨૦૦૧માં એક ખેડૂત પાસે લાંબી દૂધીનાં બી હતાં પણ તેનો પાકમાં ઝાઝી બરકત આવતી ન હતી – તેવી જાણ થતાં , તેની પાસેથી તેનાં બી મેળવી, તેમની ઉપર જેનેટિક પ્રયોગો કરી તેમણે ‘નરેન્દ્ર શિવાની’ દૂધી બનાવી દીધી. આ જાતની દૂધી ૮ ફૂટ જેટલી લાંબી થઈ શકે છે, પણ ત્રણ ફૂટની હોય ત્યાંસુધી તે શાક બનાવવા વાપરી શકાય છે. એક હેક્ટરમાં ૭૦૦-૮૦૦ ક્વિન્ટલ ઉત્પાદન થઈ શકે છે. જો કે, પિયત અને ખાતર બાબતમાં સંભાળ રાખવામાં આવે તો ૧,૦૦૦ ક્વિન્ટલ જેટલી પેદાશ પણ મેળવી શકાય છે. બહુ લાંબી દૂધી મકાનોના દિવાન ખંડમાં સુશોભન માટે વાપરી શકાય છે; અને તેના મોં માંગ્યા ભાવ પણ મળી જતા હોય છે ! આવી લાંબી દૂધી પોલી કરીને એની ભૂંગળો પણ બનાવાય છે, જેમાંથી ફૂંકીને શંખ જેવો અવાજ નીકળી શકે છે !
આવા જ બીજા પ્રકારના શાકના બીજા ઉપયોગો પણ થાય છે. દા.ત. એક જાતના કોળામાંથી ( bottle gourd) ગામડાંઓમાં વપરાતા વાસણો, ઢોલ, તરવાના તુંબડાં, સુશોભન માટેની સામગ્રી વિ. પણ બનાવી શકાય છે.
પ્રો. સિંઘ તો ૨૦૧૫માં નિવૃત્ત થઈ ગયા છે. પણ તે અગાઉ તેમણે દસ જાતની દૂધી, ચાર જાતનાં કોળાં, ત્રણ જાતનાં તૂરિયાં, અને એક જાતનાં કારેલાં વિકસાવ્યાં છે.
બોલો! આમને ખાંટૂ જ કહેવા પડે ને? ચાલો… આ દૂધી – શંખનાદથી વિરમીએ !
https://www.youtube.com/watch?v=MVqNX4utZUc
સાભાર – માનવી કટોચ, The Better India
સંદર્ભ –
શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com
આઝાદી સમયે છત્રીસ કરોડને જેવી અને જેટલી ખાદ્ય ચીજો ના મળતી તેનાથી સારી અને વધારે ખાદ્ય ચીજો આજે સવાસો કરોડને મળે છે તે આવા ખેતીના ખાટુંઓને આભારી છે.
દુધી, રીંગણા, ભીંડા, વગેરે શાકભાજી આવી રીતે મોટી સાઈઝ અને વજનમાં થાય તો જ્યાં મોટા રસોડા હોય અથવા હોટેલ કે નીયમીત વધારે ખપત હોય એમને જરુર કામ આવે.