યૂં કિ સોચનેવાલી બાત : વિશ્વાસનું વાવેતર

Facebooktwitterredditpinterestlinkedinmail

“બેટા, તને શું લાગે છે?”

આરતી નાયર

રાતના ૯ વાગ્યા હતા. હું અને પાપા, અમારી કાર માટે લીધેલ હવા ભરીને વાપરી શકાય તેવું ગાદલું ચકાસવાની તૈયારીમાં હતાં. અમે ખુબ ઉત્સાહમાં હતાં, કારણ કે, જો આ બરાબર કામ કરે તો, અમારી અમદાવાદથી કેરાલાની લાંબી રોડટ્રીપમાં ઓછી તકલીફ પડે. એમણે ધીમે ધીમે એમાં હવા ભરી અને પછી મને પુછ્યું, “શું લાગે છે?”

“ચેક કરુ” મેં કહ્યું. અને જાણે ઘરના ગાદલા પર ઉછળતી હોઉં એમ હું એના પર કુદી. આ આખા સમય દરમ્યાન જાણે કોઇ જોઇ રહ્યું હોય એવું લાગ્યું. એ અમારા પડોશી આન્ટી હતા. ત્યારે ખાસ્સુ અંધારુ હતું. એ પણ વિચારમાં પડી ગયા હશે કે,‘આ બાપ-દિકરી કરે છે શું?’

“આ તો હવા ભરેલા મોટ્ટા ઓશિકા જેવું છે. સ્ટેબલ પણ નથી. આની પર સુઇ જશે તો તો મોમને કમરનો દુખવો થશે.”

“સાચી વાત છે. આ પાછુ જ આપી દઇએ” પાપાએ કહ્યું.

“હમ્મ. પણ, તો પછી કરીશું શું? અચ્છા, એક આઇડીયા આવ્યો છે. ચાલો ઘરે જઇએ. હું દોરી ને બતાવું આપણે શું કરી શકીએ.”

——————————

જો તમારા માબાપને તમારા અભિપ્રાયની કિંમત હોય તો બીજા કોઇની જરૂર નથી. એ સાચે જ સંતાનને આત્મસન્માન બક્ષે છે.

આ પેન્ટની ઉપર કયા રંગનું શર્ટ પહેરું?

આપણે કેટલા વાગે નીકળીશું?

આપણે કયા રસ્તે જઇશું?

આવા સામાન્ય સવાલો પણ એવો વિશ્વાસ અપાવે કે, પાપાને તમારી ઉપર ભરોસો છે. એટલું જ નહી, એ તમને સતત યાદ અપાવે છે કે તમે એ ભરોસાને લાયક છો.

ખબર નહી કેમ પણ, અમુક માબાપ પોતાની દીકરીઓને આવો વિશ્વાસ નથી આપી શકતા. શું એ દીકરીઓ જ એટલી મૂરખી છે? કે પછી,આ વિશ્વાસના અભાવે એ છોકરીઓ એવી બની ગઇ છે? ‘પહેલા મરઘી કે ઇંડું?’ એના જેવી પરિસ્થિતિ લાગે. પણ એવું નથી.આ પુરુષપ્રધાન સમાજ જયારે સ્ત્રી સાથે એને નાસમજ કે નાદાન સમજીને વર્તતો હોય, એવા સમયે જ્યારે પિતા પોતાની દીકરીને એક સમજદાર વયસ્ક ગણીને વર્તે, તેની પસંદગીને માન આપે, એટલું જ નહી, તેના સુચનોને ગંભીરતાથી લે, તો એનાથી દીકરીના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તે પોતાના કોચલામાંથી બહાર આવે છે.

વાત એમને સાવ છુટાં મુકી દેવાની નથી. પણ, એમને એ હુંફ આપવાની છે કે, ‘તમારા પર અમને ભરોસો છે. છતાંય જરૂર પડ્યે અમે તમારા પડખે ઉભા છીએ’. જેમ સાયકલ શીખવતી વખતે ઉભા હતા. યાદ છે, દીકરીને સાયકલ શિખવી તે દિવસ? સાયકલ પકડી અને સાથે થોડું દોડ્યા અને એક ક્ષણે, તમે એને જવા દીધી. તમને સાથે નહી જોઇને કદાચ એ પડી ગઇ હતી. પણ એ તો ખાલી પહેલી જ વાર. પછી નહી. પછી તો એને પણ ખબર હતી કે આ એણે જાતે જ કરવાનું છે. પાપા તો સાથે જ છે, પણ શું કરવું તે એણે જાતે વિચારવાનું છે. તમારા એના પરના ભરોસાથી સાયકલ ચલાવવાનો એ વિશ્વાસ જન્મે છે. જીવનમાં પણ આ વાત લાગુ પડે જ છે ને !

એવાં કેટલાંય ઘર છે જ્યાં સ્ત્રીઓને પોતાનો અભિપ્રાય આપવાની મંજુરી નથી હોતી. એના કારણે એ સાવ સામાન્ય નિર્ણયો પણ જાતે લેવાની શક્તિ ખોઇ બેસે છે. પછી એ કાયમ મુઝાયેલી, સતત આત્મસંશય કરતી અને અવિશ્વસનીય બની જાય છે.

જો તમે જંગલમાં એકલાં ભૂલાં પડો તો શું કરો? તમે ઝડપથી વિચાર કરવા લાગશો. કારણ કે, તમારી સંભાળ તમારે જાતે લેવાની છે. કોઇ તમને શોધતું આવે તેની રાહ જોશો? ના. પછી તો અંધારા ઉતરી આવશે અને જોખમ વધી જશે. એટલે તમારે એક દિશા પકડી અને ચાલવા માંડવું પડશે. પસંદગી તમારે જાતે કરવી પડશે. સ્ત્રી સાથે એને નાદાનગણીને વર્તવાથી એની વિચારશક્તિમાં એટલા બધા અવરોધો આવે છે કે પછી એ કુંઠીત થઇ જાય છે. કેટલાય માબાપ ખરેખર એવું માનતા હોય છે કે, તેમની દિકરી મુરખ છે અને પોતાની જાતે કશું વિચારી શકતી નથી. મોટાભાગના કિસ્સામાં, કોઇ પણ વ્યક્તિને ચબરાક કે વિચારશીલ બનવામાં સામાજીક ઢાંચો જ નડે છે.


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *