જળમાં વમળ : ૪૨ : મા! મને તું આ જગતમાં આવવા દે

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શા કિકાણી

આંગળી પકડીને તારી ચાલવા દે, મા! મને તું આ જગતમાં આવવા દે,

વંશનું તું જ બીજ તો ફણગાવવા દે, ગોરમાની છાલ લીલી વાવવા દે,

તું પરીક્ષણ ભ્રુણનું શાને કરે છે ? તારી આકૃતિ ફરી સરજાવવા દે,

ઢીંગલી ઝાંઝર અને ચણીયાચોળી, મહેંદી, બાળપણના રંગ કંઈ છલકાવવા દે …..

                                                                                                                                                                     યામિની વ્યાસ

ઈશ્વરે આ વિશ્વ બનાવ્યું જેમાં જાતજાતનાં પશુઓ, પ્રાણીઓ, વનસ્પતિ બનાવ્યાં. ઈશ્વરનું ઉત્કૃષ્ટ સર્જન એટલે માણસ. તેણે માણસને વાચા આપી, વિચાર આપ્યા, સારુંનરસું પારખવાની બુદ્ધિ અર્પી. માણસે આ શક્તિઓનો સદુપયોગ કરી ઘણી પ્રગતિ કરી. વિજ્ઞાનના ઉપયોગથી નદીઓ પર બંધ બાંધ્યા, પર્વતો કોતરી રસ્તાઓ બનાવ્યા, વનસ્પતિને રોગ-મુક્ત કરી સુંદર જંગલો વિકસાવ્યાં. વિમાનો બનાવી દૂરદૂરની મુસાફરી હળવી બનાવી, મબલખ પાક લેવાય તેવી પધ્ધતિઓ શોધી ગરીબોને અન્ન પૂરું પડ્યું. પણ આ જ મનુષ્યે કુદરત સાથે ખેલ ખેલ્યા. પ્રકૃતિ સાથે છલ કર્યું. તેને નાથવાના નઠારા પ્રયત્નો કર્યા.

જે જગદંબાએ તેને વિશ્વ રચીને આપ્યું તેની જ હત્યા કરવાનું તેણે કાવતરું રચ્યું. જગદંબા કે જગત-જનની એટલે સ્ત્રીનો અવતાર. કુટુંબને નવજીવન આપનાર માતા એ પણ સ્ત્રીનો અવતાર. જીવવા માટે પૈસાની જરૂર પડે તો લક્ષ્મી પણ સ્ત્રીનો અવતાર અને જીવન જીવતાં શીખવાડે તે જ્ઞાન એટલે કે સરસ્વતી પણ સ્ત્રીનો અવતાર. સ્ત્રી એટલે જીવન, સ્ત્રી એટલે પ્રગતિ, સ્ત્રી એટલે સમૃદ્ધિ અને સ્ત્રી એટલે સર્વસ્વ! સ્ત્રી તો પૂજનીય છે. સ્ત્રી તો વંદનીય છે. તો આજના સમાજમાં સ્ત્રીનું સ્થાન કેમ નીચે આવી ગયું? સ્ત્રીને કેમ આમ હીણપતભરી સ્થિતિમાં મૂકી દીધી? સૌને જીવન અર્પનારી સ્ત્રીનું જ જીવન જોખમમાં મૂકવામાં આવ્યું? નવજીવન સર્જવાની જેનામાં શક્તિ છે તે સ્ત્રીને જ જીવનથી દૂર કરી દીધી?

જે સમાજમાં સ્ત્રીને પુરુષ સમોવડી ગણવામાં નથી આવતી ત્યાં લક્ષ્મી અને સરસ્વતી ક્યાંથી રહે? જ્યાં સ્ત્રીનો જન્મવાનો અધિકાર જ છીનવી લેવામાં આવે ત્યાં પ્રગતિ કેવી રીતે થાય? ગુજરાત સાથે બીજાં ઘણાં રાજ્યોમાં બાળકીના જન્મના આંકડા ઘણા નીચા છે. ભ્રુણનું પરીક્ષણ કરીને બાળકીને જન્મ પહેલાં જ મૃત્યુની ભેટ આપવામાં આવે છે! તેને આ ધરતી પર આવતા જ રોકી દેવામાં આવે છે. તે અહી આવશે તો લક્ષ્મી અને સરસ્વતી બની કામ કરશે પણ આવશે જ નહિ તો એ બધું કોણ કરશે? અણ-અવતરેલી નાની બાળકી જીવન માટે વલખે છે, પૃથ્વી પર આવી પા પા પગલી પાડવા અધીરી છે, માતા-પિતાની પરી બની લાડ કરવા ઝંખે છે. આપણે તેને અહીં આવવા દઈશું ને? આજના જમાનામાં ભણેલી ગણેલી અને સ્વતંત્ર વિચારો ધરાવતી, કમાતી સ્ત્રી સાપનો ભારો નથી. સ્ત્રી Tension એટલે કે ભારો નથી પણ Ten sons એટલે કે દસ દસ દીકરા બરાબર છે! તેના વગર દુનિયા અધૂરી છે.

કુમળી કળી જેવી લાડકી દીકરી મા-બાપને પ્રેમભરી વિનંતી કરે છે કે હું તમને ઘણું ઘણું વ્હાલ કરીશ, તમારું આંગણું લાગણી અને સંવેદનાથી મહેકાવી દઈશ, ઓ, મા, મને જગતમાં અવતારવા દે, જગતમાં આવવા દે! યામિની વ્યાસની ઉપરની જ કવિતાની છેલ્લી બે પંક્તિઓ ખુબ જ હૃદય દ્રાવક છે :

વ્હાલની વેલી થઈ ઝુલીશ દ્વારે, આંગણે સંવેદનાને મહેકાવવા દે,

સાપનો ભરો નથી, તું જ અંશ છું હું, લાગણીનાં બંધનો બંધાવવા દે.


સંપર્ક:  દર્શા કિકાણી :  ઈ –મેલ –  darsha.rajesh@gmail.com

8 comments for “જળમાં વમળ : ૪૨ : મા! મને તું આ જગતમાં આવવા દે

 1. ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)
  April 2, 2018 at 1:19 am

  દિકરીનો જન્મ અટકાવી સ્ત્રી પુરુષની વસતીનું કુદરતી નિયંત્રણ ખોરવી નાંખવાની મૂર્ખામી કરવાથી સમાજમાં બળાત્કારના અપરાધોમાં વધારો જ થશે. સમાજમાં અવ્યવસ્થા સર્જાશે.
  ——— ઉમાકાન્તવિ.મહેતા (ન્યુ જર્સી)

  • Darsha Kikani
   April 3, 2018 at 4:49 am

   Thank you, Umakant bhai! Yes, we have to do a lot for stree-shakti!

 2. April 2, 2018 at 9:08 pm

  દર્શા કિકાણીનો સરસ લેખ સાથે યામિની વ્યાસની કાવ્યપંક્તિઓ, સુંદર રજુઆત.
  સરયૂ પરીખ

  • Darsha Kikani
   April 3, 2018 at 4:51 am

   Thank you, Saryu ben! Readers like you keep us motivated!

 3. Ketan Patel
  April 3, 2018 at 5:15 pm

  હ્રદય દ્રાવક કવિતા અને તેટ્લુજ સુંદર વિચાર-વિવરણ.
  આપણો દેશ આધ્યાત્મિકતા ના આડમબર થી ભરેલો છે ! નહીતર ભારતદેશમાં વણ-જન્મેલી દિકરી એ આજીજીઓ શાની કરવી પડે ?
  પણ મને એક વસ્તુ ખુબજ ખટકી…..
  કવિતા ફક્ત મા ને સંબોધી ને કેમ લખાયેલ છે ? બાપ, કુટુમ્બ અને પુરુષ પ્રધાન સમાજ પણ તેટલાજ જવાબદાર છે !

  • Darsha Kikani
   April 3, 2018 at 6:49 pm

   Very true, Ketanbhai! A daughter can bloom only with the support of her father and a lady can shine out only with the support of her husband.

 4. Dr. Dilip Pujara, Pediatrician
  April 4, 2018 at 6:03 pm

  દર્શાબેન,
  એક અતિ સંવેદનશીલ સામાજિક વિષય પર સુંદર લેખ બદલ હાર્દિક અભિનંદન.
  સમાજના બધા વર્ગો જાતીય ભેદભાવથી પીડિત છે. ગુજરાતના ઘણા જિલ્લાઓ માં હજાર છોકરાઓ સામે ૮૪૭ બાળાઓ છે. ભૃણ પરીક્ષણ રોકવા સરકારે કાયદો તો કર્યો જ છે પણ એનો અમલ દારુબંધીના કાયદા ના અમલ જેવો જ છે. સમાજના શિક્ષિત વર્ગમાં પણ “બાબો તો જોઈએ જ” ની માનસિકતા કાયમ છે. હું બાળ સ્વાસ્થ્ય ની કાળજી ના વ્યવસાયમાં હોવાથી આ સમસ્યા ને બારીકાઈથી નીરખવાની સ્થિતિમાં છું અને તેથી આ વિષયની હકિકતોથી વ્યથિત પણ છું. કમનસીબે ગાયનેક નિષ્ણાત ( મિત્રો કહેવાનું ટાળી રહ્યો છું) જેમની ધીકતી પરેકટીસ ને મબલખ આવક હોય તેઓ પણ ભૃણ પરીક્ષણ કરતાં ખચકાતા નથી. સરકારી તંત્રમાં “બેટી બચાવો” મિશનમાં હોદ્દો ધરાવતા લોકો પણ પોતાના કુટુંબીજનો માટે તપાસની ખાનગી ભલામણ (દબાણ) કરતા હોવાની વરવી હકીકતો જોઈએ ત્યારે ખરેખર વ્યથા અનુભવું છું. જયાં સુધી સમાજ નો આત્મા આ વિષય પર શુદ્ધ ન થાય ત્યાં સુધી આ ખતરનાક પરિસ્થિતિ ને નહી બદલી શકાય.
  આપના આ સંવેદનશીલ વિષયની અભિવ્યક્તિ માટે ફરી એક વાર ખૂબ ખૂબ અભિનંદન.

  • Darsha Kikani
   April 5, 2018 at 4:12 am

   Thank you very very much, Dilip bhai. It’s a very sensitive social issue which requires immidiate attention.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *