કેડી ઝંખે ચરણ : પ્રકરણ ૩૪

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

 

સરલાબહેન અને સ્નેહા ધનુબાનો મિજાજ જોઈને એક ક્ષણ માટે ઘા ખાઈ ગયાં. સરલાબહેને તરત જ સ્વસ્થતા મેળવી લીધી. માંડ માંડ મેળવેલા અત્મવિશ્વાસને સંકોરી તે બોલ્યાં, ‘ બા, હું ત્રણ ત્રણ જુવાન બાળકોની મા છું. ગનુભાઈની પરિસ્થિતિથી હવે હું પણ વાકેફ છું પછી પણ તમને લાગે છે કે હું એવું કોઈ પગલું ભરું?’

‘એ બધું હું કાંઈ નહી જાણું સરલા, પેલી રમાના છોકરા-વહુ પણ આવી જ ડાહી ડાહી વાતો કરતાં હતાં અને આખરે નાંખી આવ્યાને એને ઘરડા ઘરમાં ?’

‘બા મારે સવાર સવારના દલીલો નથી કરવી, પણ છેલ્લી એક વાત પૂછું ? તમારો દીકરો કે દીકરી આવા કોઈ સંપ્રદાયમાં ગયાં નહોતાં તો પણ તમને ઘરડાંઘરમાં કેમ મૂકવા તૈયાર થયા હતાં ? આજે તો ફક્ત પ્રવચન સાંભળવા જ જાઉં છું. સારું લાગશે તો દર અઠવાડિયે જઈશ.’ કહી મક્કમ પગલે જઈ કોટ પહેર્યો અને સૂઝ પહેરવા પેસેજમાં ગયા, તેની પાછળ જ સ્નેહા પણ ગઈ અને ખૂબ જ ધીમા અવાજે કેટલાય દિવસથી કહેવા ઈચ્છ્યું હતું તે કહી જ દીધું, ‘ફોઈ, તમે જરુર જઈ આવો પરંતુ આ જ અધ્યયન સંસ્થા દ્વારા અમારા કુટુંબને થયેલા, સારા અને કડવા, બન્ને અનુભવોની વિસ્તારથી વાત કરીશ.’

‘એટલે તમે લોકોય…?

‘હા ફોઈ એ સંસ્થાના મારા મમ્મી અને પપ્પા બંને ખૂબ આગળ પડતાં કાર્યકર હતાં.’

‘એટલે કે હવે નથી ?’

‘ના, પરંતુ જ્યાં સુધી ફક્ત વેદો, ઉપનિષદો અને ગીતાનાં ઉમદા વિચારો સમજવાની વાત છે ત્યાં સુધી એવી જૂજ સંસ્થાઓમાંની એ એક છે, જ્યાંથી આપણને આપણા ધર્મ સંબંધે ઘણી બધી સ્પષ્ટતાઓ મળે છે. બાકીની વાત પછી કહીશ, જાઓ તમને મોડું થશે. આમે ય એ લોકો કેંદ્ર શરુ કરવાના સમય માટે ખૂબ જ સ્ટ્રિક છે.’

પછી રૂમમાં આવી મોં ચઢાવી બેઢેલા ધનુબાને સાંત્વન આપતાં કહ્યું, ‘બા, તમે ખોટી ચિંતા કરો છો. ફોઈ હવે આખો દિવસ ઘરે રહેવાના છે ત્યારે અઠવાડિયાના એકાદ કલાક માટે સારા વિચારો સાંભળવા જાય તેમાં શું ખોટું છે ?’

‘બેટા, મેં ય દુનિયા જોઈ છે. આ બધા કહેવાતાં સાધુ-બાવાઓ પાછળ ગાંડા થઈને જવાવાળા લોકોના ‘ઘરના છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો’ જેવો ઘાટ છે. આ વનિતાય પોતાનો ઉધ્ધાર કરવા ગઈ અને તેમાં મારો જુવાન જોધ દીકરો…’ આંખોમાં આવેલા આંસુમાં એક માનો વલોપાત નીકળ્યો.

આ સ્થિતિમાં શું કરવું તે સ્નેહાને સમજાયું નહી તો ય એક આખરી પ્રયત્ન કરતી હોય તેમ કહ્યું, ‘બા, આપણે આપણાથી થતો પ્રયત્ન કરવો જોઈએ એ સાચું , પરંતુ આખરે નસીબમાં જે થવાનું હોય છે તે થયા વગર થોડું જ રહે છે ? ગનુકાકાનું આયુષ્ય ત્યાં જ પૂરું થતું હશે..’

એવી ફિલોસોફીથી એક માતાના મનને થોડો જ દિલાસો મળી શકે ? ‘એ જે હોય તે બેટા, પણ મેં તો અકાળે મારો દીકરો ગુમાવ્યોને?’

સ્નેહા પાસે કોઈ દલીલ નહોતી. સાચે જ ધનુબાની આંતરિક યાતના સમજવા માટે એ કેટલી નાની છે તે એને સમજાયું.

ધનુબા આજે દિલ ખોલીને બેઠાં હોય તેમ બોલ્યાં, ‘બાકી મારી ઉંમરની ડોશીઓ તો ધરમ ધ્યાન અને સાધુ-બાવાઓનાં પગ પકડવામાંથી ઊંચી નથી આવતી.’ પછી થોડું અટકીને સાચે જ દિલના તળીયેથી બોલતાં હોય તેમ, ‘મને ભગવાન સામે કોઈ વાંધો નથી, મને વાંધો છે તો ધરમને નામે ધતીંગ કરતાં બાવાઓની સામે. બાકી હું રોજ મારા ભગવાન પાસે બેસીને એક જ વાત માંગુ છું કે સૌને સારી મતિ દે જે અને મને પણ સારે માર્ગે જવાની શક્તિ આપે-એથી વિશેષ મારે કંઈ નથી જોઈતું.’

સ્નેહા તો ધનુબાના આ નવા રૂપને જોઈજ રહી !

ધનુબા તો હજુ ય જાણે ઊંડી સમાધિમાં બેઠાં હોય તેમ બોલ્યાં, ‘આખો દિવસ ‘ભગવાન ભગવાન’ કરતાં માણસોને મેં કાળા કરમ કરતાં જ્યારથી જોયા છેને, ત્યારથી મેં તો નક્કી જ કરી લીધું હતું કે ઘરમાં બેસીને ભક્તિ થાય એટલી કરવી, બાકી આ સાધુ-બાવાઓ મુક્તિ અપાવે એ વાત એકદમ ખોટી.’

સ્નેહાને થયું કે એક અભણ કહેવાતી સ્ત્રીએ કેટલી સરળ ભાષામાં પણ કેટલી મોટી ફિલોસોફીની વાત કરી દીધી !’

પછી કંઈ ન સૂઝતાં, ધનુબાનો હાથ થપથપાવી સ્નેહા તૈયાર થવા ગઈ.

ધનુબાની વાતે સ્નેહાને વિચારતી કરી દીધી, ‘બાની વાત આમતો સાચી છે, પણ તો પછી આપણાં શાસ્ત્રોમાં ગુરુનો મહિમા વર્ણવ્યો છે તે ખોટો ? પરંતુ તરત જ અંતરને તળીયેથી અવાજ આવ્યો, ‘કૃષ્ણમ વંદે જગતગુરુમ્ ।‘

તેના અત્યાર સુધીનાં જીવનમાં કટોકટીની પળે અંતરમાંથી જ જવાબો મળ્યા છે.

અંતરાત્મામાંથી મળતા ઈશ્વરીય સંકેત જેવા માર્ગદર્શન મુજબ કેડી નક્કી કરતી રહેલી સ્નેહાને ફરી હવે યોગ્ય માર્ગ નક્કી કરવાનો સમય આવી ગયો છે. કિશન રોજ ટેક્ષ કરી માત્ર્ર ‘કેમ છે?’ પૂછી તેની હયાતીની યાદ અપાવતો રહે છે. ક્યાંય કોઈ ફરિયાદ નહી, કોઈ દબાણ નહીં કે કોઈ વિહ્વળતા નહી. સ્નેહાને ખાત્રી થઈ ગઈ છે કે એ જો કિશનના પ્રીતને પ્રતિસાદ ન આપશે તો પણ જીવનમાં એક સાચા મિત્રનું સ્થાન એણે અનાયાસે લઈ જ લીધું છે.

વિચારમાં ને વિચારમાં એ ક્યારે તૈયાર થઈ ગઈ તેનું એને પોતાને પણ આશ્ચર્ય થયું.

નીચે આવી બાને શાક સુધારવા લાગવા બેઠી જ ત્યાં તો ફોનની રીંગ વાગી. ફોન નંદાનો હતો, મમ ધર્મિક પ્રવચન સાંભળવા ગઈ છે –સાંભળી એને પણ અનહદ આશ્ચર્ય થયું.

પછી નંદા એની મૂળ વાત પર આવી, ‘સ્નેહા, તું કેમ છે ?’ એણે ભાર દઈને પ્રશ્ન પૂછ્યો.

‘હું મઝામાં છું.’ ભોળી બનવાનો પ્રયત્ન કરતાં સ્નેહા બોલી.

‘યુ નો વોટ આઈ મીન સ્નેહુ!’

નંદાએ જે વિષય કાઢ્યો તે જ વાત કરવા માટે એનું દિલ ક્યારનું તલસતું હતું, એટલે ફોન લઈને આસ્તેથી આગલા રૂમમાં સરકી ગઈ. ‘નંદા, મેં કેથીને પૂછી લીધું અને એણે મને કહ્યું કે મારે જો રીમેરેજ કરવા હોય તો રહેવાની પર્મિશન તો મળે પણ ‘પેલા’ તરફથી કોઈ પણ પ્રકારની આર્થિક સહાય મળે નહીં. મેં તો કેથીને કહી જ દીધું કે મારે એની પાસેથી કંઈ જ જોઈતું નથી, એની વે.’

‘એટલે વાત પાક્કીને ?’

‘સાચે જ તું લૉયર છે, વાતનો…’

‘સ્નેહુ, દિલ પર હાથ રાખી કહે કે હું જે વાત કરું છું તે ખોટી છે !’

‘ઓ.કે. બાબા ઓ.કે.- યસ, મને હવે થવા માંડ્યુ છે કે… આઈ થીંક, આઈ લવ યોર બ્રધર. બટ…ડુ યુ થીં ઈઝ ઈટ પોસીબલ ? ‘

નંદાં તો સ્નેહાના આ એકદમ ઓપન કન્ફેશનથી ખુશીની મારી ઉછળી જ પડી , ‘અરે, મિંયા-બીબી રાજી તો ક્યા કરેગા કાજી ?’

‘અરે, ક્યા કરેગા ફુઆજી, ક્યા કરેગા બા-એ વિચાર્યું છે ક્યારેય ?’ સ્નેહાની ખરી ચિંતાએ ડોકિયું કર્યું.

‘જો સ્નેહા, જખ મારે દુનિયા, અમે ત્રણ જણ તમારી પડખે છીએ પછી શું ચિંતા છે તને ?’

‘તને પણ મારી જેમ ખાત્રી છે કે ફોઈ મને પુત્રવધૂ તરીકે ખુશીથી સ્વીકારી લેશે ?’

‘મને પૂરો વિશ્વાસ છે મારી મમ ઉપર. એટલું જ નહીં બીજાને સમજાવવાની એની કળા પર પણ મને ૧૦૦%નો વિશ્વાસ છે –ભાભી !’

‘સાચું કહું નંદુ, મને ખૂબ ગમ્યો એ શબ્દ.. ગમ્યો એટલું જ નહી ખૂબ વહાલો લાગ્યો.’

‘બેશરમ, મને તો એમ કે તું શરમાઈ જઈશ અને મને કહેશે, ડોંટ બી સીલી નણંદબા !’

‘ઓ.કે. બી સીરિયસ, નણંદબા, લુક, આઈ હેવ નોટ ટોલ્ડ એનીથીંગ ટુ યોર બ્રધર યટ, સો બી ક્વાયટ ઓ.કે?’

‘મને ખબર છે, ભાભી…આઈ કાંટ વેઈટ ટુ કોલ યુ ભાભી – મેં તને કોલ કર્યો તે પહેલા જ કિશુ સાથે વાત કરી અને મેં તને પૂછ્યું તેમ એને ય પૂછ્યું તો, એવા રડમસ અવાજે….’

‘બસ હવે વાતને બહુ ડ્રામેટિક ન બનાવ, આજે હું એને કહેવાનો વિચાર કરું જ છું, પણ યાર. કહું કઈ રીતે ?’

‘મને કહ્યું તેમ એને કહેવાનું. અથવા સ્નેહુ, એક આઈડિયા છે મારી પાસે. આ દેશમાં મેન જે રીતે વિમેનને ઘૂંટણીયે બસીને પ્રોપોઝ કરે તેમ, ફોર અ ચેઈન્જ, તું ન કરી શકે ?’

‘નંદુડી, આઈ એમ સીરિયસ મેન, એની વે તેં કઈ રીતે તારા બૉયફ્રેંડને પ્રોપોઝ કર્યું હતું ?’

‘વાહ, વાહ સ્નેહા માની ગઈ હં, એક કાંકરે બે પક્ષી મારવાનો પ્રયત્ન ફાઈન છે, પણ તને ખબર હોવી જ જોઈએ કે હું લૉયર થવાની છું એટલે એમ કાંઈ મારી પાસે વાત નહીં કઢાવી શકે, સમજી, ફર્ગેટ ઈટ ?’

સ્નેહા આગળ કાંઈ જવાબ આપે તે પહેલાં તેણે પાછળથી સાંભળ્યું, ‘ છોકરી, મારી નંદુ સાથે બૉયફ્રેંડની ને એવી બધી શું વાતો કરે છે ક્યારની ?’ ધનુબા ખબર નહીં ક્યારનાં બારણા પાસે ઊભા હશે અને વાતો કેટલી સાંભળી હશે એનો અંદેશો સ્નેહાને કે નંદાને નહોતો!


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *