ગ઼ઝલ અને રસદર્શન

Facebooktwitterredditpinterestlinkedinmail

ગ઼ઝલ – ડો.મહેશ રાવલ
રસદર્શનઃ દેવિકા ધ્રુવ.

                   હું એવો દીવો શોધું છું (ગ઼ઝલ)

અણજોતી આડશ ઓગાળે હું એવો દીવો શોધું છું.
ઓજસ આવે સૌના ભાગે હું એવો દીવો શોધું છું.

ખૂણેખૂણો ખોલી મનનો હર મનને નિર્મળતા બક્ષે
વાણી વર્તનને અજવાળે હું એવો દીવો શોધું છું.

ઈર્ષાનું બળકટ કદરૂપું અંધારું જે વિખરાવી દે
માણસ જ્યાં માણસને ભાળે હું એવો દીવો શોધું છું.

પારેવા જેવા હૈયાને સધિયારો દઈ સંભાળી લે,
અવઢવનો ઓછાયો ખાળે હું એવો દીવો શોધું છું.

અધકચરાં છે જ્યાં સગપણ ત્યાં, વાદળ શંકાનાં ઘેરાશે
સંબંધોના સંશય બાળે હું એવો દીવો શોધું છું.

અંગત આંખે તરકટ આંજી તત્પર બેઠા છે તકવાદી
ખુદ્દારીથી સંકટ ખાળે હું એવો દીવો શોધું છું.

સાચું એ કાયમ સાચું ‘ને ખોટું એ ખોટું રે’વાનું,
એવી સમજણ  દે સરવાળે હું એવો દીવો શોધું છું.

                                                                        – ડો.મહેશ રાવલ

                                                                        (હ્યુસ્ટનની ગુ.સા.સ.ના  તેમના કાર્યક્રમ દરમ્યાન  મળેલ  ભેટ “ખરેખર” ગઝલ સંગ્રહમાંથી સાભાર)

* * *

રસદર્શન :

ચાર ચાર દાયકાઓથી ગ઼ઝલ લખતા ડો. મહેશભાઈ રાવલની  ઉપરોકત ગ઼ઝલ એક અનોખું અજવાળું પાથરીને મનમાં ઝળહળી ગઈ. સામાન્ય રીતે, નિજાનંદી ખુમારી અને અનોખા ઠાઠથી ચોટદાર લખતા ડો. મહેશભાઈ આમાં એક નાજુક ઉમદા વાત લઈને આવ્યા છે.

સોળ ગુરુવાળી બહેરમાં લખાયેલી આ ગઝલનો ઉઘાડ તો જુઓ? મત્લાના શેરમાં જ એ કહે  છે કે,

અણજોતી આડશ ઓગાળે હું એવો દીવો શોધું છું.
ઓજસ આવે સૌના ભાગે હું એવો દીવો શોધું છું.

દીવા તો સૌ રોજ કરે છે, સદીઓથી કરતા આવ્યા છે પણ આ દીવો રોજિંદા કરતાં કંઈક વિશેષ છે. જાતજાતના સઘળા અંતરાયો ઓગાળી નાખે અને સૌને અજવાળું મળે એવા દીવાની શોધ છે. જગતમાં જોયેલી, અનુભવેલી અનેક વિષમતાને, અંધકારને, મલિનતાને, સંશયોને હટાવવાની વાત આગળના ત્રણ શેરોમાં વ્યક્ત થાય છે.

માનવ મનના ખૂણે ખૂણામાં જાતજાતના જે કચરા ભરાતા રહે છે તેને, અને તે કારણે વાણી–વર્તનમાં જે કાળાશ જામતી જાય છે તેને અજવાળતા દીવાની ઝંખના વ્યક્ત કરી છે. માણસની આસુરી વૃત્તિઓ જેવી ઈર્ષાને કારણે ઊભા થતા કદરૂપા અંધારાને મિટાવી માણસ માણસને સાચી રીતે ઓળખે એવી સુંદર સૂફી વાત આગળના શેરમાં છતી થાય છે. એવું કંઈક બને તો જ કોઈ ગભરુની ઓથે ઊભા રહેવાની તૈયારી પણ થાય ને? જુઓ હૈયાની સંવેદના કેવા મૃદુ શબ્દોમાં ગૂંથાઈ છે?

“પારેવા જેવા હૈયાને સધિયારો દઈ સંભાળી લે, અવઢવનો ઓછાયો ખાળે હું એવો દીવો શોધું છું.”

ક્રમે ક્રમે કવિ આ જ વિષયને વિકસાવતાં આગળ કહે છે કે, સંબંધોમાં કેટકેટલાં સંશયોનાં વાદળો ઘેરાતાં હોય છે તેને પણ બાળવાની જરૂર છે. સગપણ અને સંબંધના વિષયમાં  પણ તકવાદીનો ક્યાં તોટો છે? સહજ કરેલો આ અછડતો ઉલ્લેખ, આંખે તરકટના પાટા બાંધી બેઠેલ ધૃતરાષ્ટ્રની અને એવા અનેક તકવાદીની કથાઓનું સ્મરણ કરાવી દે છે. એક જ શેરમાં વિચારનું વિશાળ ફલક ભાવકના મનમાં વિસ્તારી આપવાનું સરસ કવિકર્મ અહીં અનુભવાય છે.

છેલ્લે મક્તાના શેરમાં ડો.મહેશભાઈની અસલ ‘મિજાજે બયાં’ તાદૃશ થાય છે. સભામાં ઉભેલા અને પ્રેક્ષકોને હાથના એક ઝટકાથી જાણે ભારપૂર્વક કહેતા દેખાય છે કે, સાંભળો..

“સાચું એ કાયમ સાચું ‘ને ખોટું એ ખોટું  રે’વાનું…. આમાં કોઈ બાંધ છોડ નો હાલે..હોં…પણ મારા વહાલા, સમજો જરા..મારે જે કહેવું છે તે એ કે,

”એવી સમજણ દે સરવાળે, હું એવો દીવો શોધું છું.”

વાહ..કેટલી ઉમદા વાત? આવા દીવાની તો આશકા લેવી જ પડે. જેને આવી સમજણ  આવી ગઈ હોય તે જ આ લખી શકે અને એટલે જ અહીં એમનો એક બીજો શેર યાદ આવ્યા વગર રહેતો નથી કે,

જાત ઝળહળ હોય તો ઝાંખું કશું હોતું નથી.
તું તને વિસ્તાર તો આઘું કશું હોતું નથી.

ખૂબ જ સીધા, સાદા, સમજાઈ જાય એવા શબ્દોમાં સહજતાથી છતાં મક્કમતાપૂર્વક કહેવાયેલી ઊંચી વાત મનને તરત જ સ્પર્શી અને ઠસી જાય છે. શબ્દેશબ્દની ઉચિત પસંદગી, ભાવને અનુરૂપ છંદ અને  ઝીણી ગૂંથણી એમને મોખરાના ગ઼ઝલકારોની હરોળમાં મૂકી દે છે એમાં કોઈ બેમત નથી.

શ્રી અમૃત ‘ઘાયલ’ના આશીર્વાદ અને  જનાબ કૈલાસ પંડિતની ગઝલમાંથી પ્રેરણા પામનાર ડો.મહેશભાઈની વિકસેલી અને કસાયેલી કલમને સો સો સલામ..

-દેવિકા ધ્રુવ

* * *

સંપર્કસૂત્રો :

ડો. મહેશ રાવલ
ઈ-સંપર્ક: drmaheshrawal@yahoo.com
ફોન: +1 408 329 3608

દેવિકા ધ્રુવ

શબ્દોને પાલવડે (બ્લોગ) – http://devikadhruva.wordpress. com
ઈ મેઈલ : Devika Dhruva ddhruva1948@yahoo.com

2 comments for “ગ઼ઝલ અને રસદર્શન

 1. April 1, 2018 at 8:03 am

  ગઝલ અને રસદર્શન ગમ્યાં.
  સરયૂ પરીખ

 2. April 2, 2018 at 5:25 pm

  अप्पदिपो भव ।
  મહેશભાઈની ગઝલોમાં એમની અંતરયાત્રા અચૂક ડોકાય છે.
  ————-
  તેમને વિનંતી કે, સ્વ. કૈલાસ પંડિત વિશે ઘણી બધી માહિતી નથી મળતી. તે મેળવી આપશે તો આભારી થઈશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *