એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું :: [૨]

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

ગીતના મુખડાના ભગ સરખા બોલવાળાં, જૂદી જૂદી ફિલ્મોમાં, મોટા ભાગે અલગ જ ધૂન પર રચાયેલાં ગીતોની આપણી આ સફર ગયા અંકમાં એક્દમ સીધા પાટા પર સડસડાટ આગળ વધ્યે જતી હતી.

આજના અંકમાં એ જ વિષયને આગળ તો ચલાવીશું, પણ થોડા જૂદા અંદાજમાં.

આજના અંકનું મુખ્ય પાત્ર છે સંગીતકાર રોશન(લાલ નાગરથ).

એક જ મુખડા પર અલગ અલગ ફિલ્મોમાં ગીત રચના કરીને બીજી વારનાં ગીતને અદ્‍ભૂત સફળતા મળી હોય એવાં ગીતોનાં લગભગ બધાં જ ઉદાહરણ રોશનના ચોપડે બોલે છે.

ગરજત બરસત ભીજત આયી લો – મલ્હાર (૧૯૫૧) –

ઈન્દીવરના બોલને લતા મંગેશકરના સ્વરમાં સજીને આ વર્ષા ઋતુનું ગીત ઘણું જ મનભાવન બન્યું છે. પરંતુ તેને ફિલ્મનાં ટાઈટલ્સમાં વાપર્યું છે એવાં કોઈ અકળ કારણોસર એ ગીત આ જ મુખડામા થોડા ફેરફાર કરીને બનાવાયેલ અનુગામી ગીત જેટલું લોકપ્રિય ન થયું.

ગરજત બરસત સાવન આયો રે – બરસાતકી રાત (૧૯૬૦)

‘બરસાતકી રાત’માં સાહિર લુધ્યાનવી સાથે સહયોગ કરીને એ જ ધુન પર મુખડાના બોલ અને બાકીના શબ્દો નવેસરથી લખીને સુમન કલ્યાણપુર અને કમલ બારોટના યુગલ સ્વરોમાં પૅકેજ કર્યું તેવો જાણે જાદુ થયો હોય એમ આ ગીત ફિલ્મનાં ટાઈટલ્સમાં જ વપરાયું હોવા છતાં ફિલ્મનાં અન્ય અતિલોકપ્રિય થયેલાં ગીતો સાથે ખભેખભા મેળવીને લોકચાહના મેળવતું થઈ ગયું.

નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ

મુખડાના આટલા શબ્દો પરથી કવ્વાલીની શૈલીમાં પહેલું ગીત ૧૯૪૮ની ફિલ્મ ‘પરાઈ આગ’માં સાંભળવા મળે છે. તન્વીર નક઼્વીના બોલને ગુલામ મોહમ્મદે મોહમ્મદ રફીના સ્વરમાં કવ્વલીના અનોખા અંદાજમાં સંગીતમાં વણી લીધા હતા.

એ પછીનાં જ વર્ષમાં ‘કરવટ’ ફિલ્મમાં હંસરાજ બહલે સૈફુદ્દીન સૈફે લખેલ આ શબ્દોથી શરૂ થતા મુખડાની રચનાને બે જૂદા જૂદા ગાયકોના સૉલો અવાજનાં જોડીદાર ગીત તરીકે સ્વરબધ્ધ કર્યું.

પુરુષ સ્વર સતીષ બત્રાનો છે

અને સ્ત્રી સ્વર પારો દેવીનો.

https://youtu.be/vL9hiFRCvCk

એ પછી ૧૯૬૩માં સાહિર લુધ્યાનવીએ આ શબ્દોને ફરી એક વાર ઓપ આપ્યો. આ વખતે તેમાં એક સાખી પણ ઊમેરીઃ

… राज़ की बात है
मेहफ़िल में कहें या न कहें
बस गया है कोई इस दिल में कहें या न कहें
कहें या न कहें …

રોશને આશા ભોસલેના સ્વરમાં કવ્વાલીને સંગીતબધ્ધ કરી.

આડ વાત

આપણા મૂળ થીમને થોડો વધારે ખેંચીએ, તો અહીં પ્રસ્તુત મુખડાના બોલ પૈકી જી ચાહતા હૈ‘ પર બીજાં ગીતોની શોધ કરવાથી એક અલગ જ પૉસ્ટ માટેની સામગ્રી મળી રહે એટલાં ગીતો મળી રહે છે. એટલે એ ગીતો આપણે હવે પછીના અંકમાં જોઈશું.

આપણી ગાડીને થોડા જૂદા પાટે ચડાવવાનું માટેનું ઈંધણ હવે રોશન સાહેબ આપણને પૂરૂં પાડશે.

 

ઉપર જોયેલાં ઉદાહરણોમાં આપણે જોયું રોશનના પણ બીજીવારનાં એજ મુખડા પરનાં ગીતો વધારે ઝળક્યાં. આટલી વાત પરથી બીજાં બે એક એવાં ગીત પણ યાદ આવે છે જેમાં ગીતની ધૂનનો બીજી વારનો પ્રયોગ અધધ સફળ રહ્યો હોય.

જેમ કે-

તેરા દિલ કહાં હૈ – ચાંદની ચોક (૧૯૫૪) – ગાયક:: આશા ભોસલે

આ પ્રયોગને ધારી સફળતા ન મળી.

ફરીથી એ જ ધૂનને ૧૨ વર્ષ પછી, ફિલ્મ ‘મમતા’માં લતા મંગેશકરના સ્વરમાં ‘રહેના રહે હમ મહેકા કરેંગે‘ના સ્વરૂપે પ્રયોજી, જેની સફળતા તો આજે પણ લોકો યાદ કરે છે. આ જ ગીતને ફિલ્મની માંગ અનુસાર સુમન કલ્યાણપુર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં પણ ફિલ્માવાયું, પણ તે પાછું સફળ ન રહ્યું.

આ ધુન પરની હજૂ વધારે રસપ્રદ આડવાત પર ઉતરી જતાં પહેલાં આ જ બોલમાં થોડા ફેરફાર સાથે એક વધારે ગીત પણ બન્યું હતું.

રહેં ના રહેં ચાહે હમ તુમ – એક લડકી બેશરમ સી (૧૯૭૪) – ગાયક: કિશોરકુમાર અને લતા મંગેશકર – સંગીતકાર: બપ્પી લાહિરી

આડવાત

૧) આ ધૂનનું ઘેલું ઘણા સંગીતકારોને લાગ્યું છે.

          હિંદી ફિલ્મ સંગીતમાં તેનો સૌથી જાણીતો પ્રયોગ ૧૯૫૧ની ફિલ્મ ‘નૌજવાન’માં એસ ડી બર્મને ઠંડી હવાએં લહરાકે આયે ગીતમાં કર્યો. એસ ડી બર્મનનું કહેવું રહ્યું છે કે તેમણે પણ આ ગીત એક હોટેલમાં ઓર્કેસ્ટ્રા બેંડ દ્વારા વગાડાતી સાંભળી હતી.

           એ પછીથી વર્ષાનુક્રમ પ્રમાણે ‘ચાંદની ચોક’ના ઉપરોક્ત પ્રયોગ પછી મદન મોહને ૧૯૬૪માં ‘આપકી પરછાઈયાં’માં મોહમ્મદ રફીના સ્વરમાં આ ધુનને બહુ જ અનોખી રીતે યહી હૈ તમન્ના તેરે દર કે સામને મેરી જાન જાયે માં રજૂ કરી.

         આર ડી બર્મને તો ૧૯૮૧ની ‘નરમ ગરમ’માં હમેં રાસ્તોકી જરૂરત નહીં હૈ , ૧૯૮૩માં ‘અગર તુમ ન હોતે’માં હમેં ઔર જીનેકી ચાહતમાં થોડી વધારે સફળતાથી અને પછીથી ત્રીજી વાર હજૂ વધારે સફળ રીતે ૧૯૮૫ની ‘સાગર’માં સાગર કિનારે દિલ યે પુકારે માં કર્યો .

૨. શ્રી ભગવાન થાવરાણીની વેબ ગુર્જરી પરની શ્રેણી ‘હૈ સબસે મધુર ગીત‘ માંનો ‘મૈને બુલાયા ઔર તુમ યાદ આયે’ પરનો લેખ યાદ કરીશું તો યાદ આવશે કે ‘રહે ના રહે હમ’ના પૂર્વાલાપનાં સંગીતનો પ્રેરણા સ્ત્રોત રૉન ગુડવીનની પ્રખ્યાત ધૂન ‘રીટર્ન ટુ પેરેડાઈઝ‘ હોવાનું પણ કહી શકાય.

        આપણા હિંદી સંગીતકારોની સર્જકતાની એ ખૂબી રહી છે કે તેમનો મૂળ પ્રેરણા સ્ત્રોત ગમે તો રહ્યો હોય, પણ તેઓ તેને જે રીતે પ્રસ્તુત કર્યું છે તેમાં નકલ કરી હોવાની છાંટ તો જતાય જોવા ન મળે. દરેકનું પોતાનું આગવું યોગદાન તો જરૂરથી જોવા મળશે જ.

‘બરસાતકી રાત’થી શરૂ કરેલા આજના આ લેખનો અંત પંણ ‘બરસાતકી રાત’થી કરીએ.

 

એ ફિલ્મની કવ્વાલી ‘ન તો કારવાંકી તલાશ હૈ, ન તો હમસફરકી તલાશ હૈ‘ આપણે અ બધાંએ અનેકવાર સાંભળી હશે.

આ કવ્વાલીની પ્રેરણા સાથે પણ અનેક વાતો જોડાયેલી છે જે શ્રી બીરેન કોઠારીએ ક્યુંકિ યે ઈશ્ક ઈશ્ક હૈ, ઈશ્ક ઈશ્ક! દ્વારા તેમના બ્લૉગ પર બહુ જ રસમય રીતે રજૂ કરેલ છે. એ પ્રેરણા સ્વરૂપ કવ્વાલી સાંભળતાં પહેલાં બીરેનભઈના એ લેખને વાંચી જઈએ.

બસ, હવે મૂળ કવ્વાલી પણ સાંભળીએ –

ન તો બુતકડેકી તલબ – ઉસ્તાદ ફતેહ અલીખા અને ઉસ્તાદ ફતેહ અલી ખાન – તેમના એક કાર્યક્રમમાં લાઈવ

અને એજ બંદિશની થોડી હટકે રજૂઆત – નુસર્રત ફતે અલી ખાંના સ્વરમાં

મુખડાના એ જ બોલ પર અલગ અલગ ફિલ્મોમાં અલગ અલગ રીતે રચાયેલ વિવિધ બંદિશોની આ લેખંમાળાના આવતા મણકામાં ‘જી ચાહતા હૈ’ શબ્દપ્રયોગવાળી કેટલીક રચા કેટલીક રચાનાઓને સાંભળ્યા પછીથી આપણી ગાડીને આ સફરના છેલ્લા પડાવ માટે મૂળ ટ્રેક પર લઈ આવીશું.

3 comments for “એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું :: [૨]

 1. પ્રફુલ્લ ઘોરેચા
  April 2, 2018 at 10:22 am

  મજા આવી ગાઈ. આભાર.

  • April 2, 2018 at 12:48 pm

   આપ સૌ વાચકોને પણ મજા આવે એ મારા માટે બહુ આનંદની વાત છે.
   તેમાં પાછી આભારની સાકારા ભેળવીને તમે એ મજાની મીઠાશને હજૂ વધારે ઘૂંટી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *