





-બીરેન કોઠારી
ફિલ્મ અભિનેતા મનોજકુમારે દિગ્દર્શન ક્ષેત્રે ‘ઊપકાર’ ફિલ્મ થકી પદાર્પણ કર્યું, જેની રજૂઆત 1967માં થઈ હતી. આગામી ઘણા સમય સુધી તેઓ પડદા પરના દેશભક્તની મિસાલ બની રહ્યા. ભલાભોળા, સીધાસાદા, દેશપ્રેમી ગ્રામ્ય યુવકના પાત્ર ‘ભારત’ તરીકે તેમણે રૂપેરી પડદે આગવી છબિ ઉપસાવી. ત્યાર પછીના વર્ષે સાહિત્યક્ષેત્રે એક મહત્ત્વની ઘટના બની. દિલ્હીના ‘રાજકમલ પ્રકાશન’ દ્વારા શ્રીલાલ શુક્લ લિખીત હિન્દી વ્યંગ્ય નવલકથા ‘રાગ દરબારી’નું પ્રકાશન 1968માં થયું. પછીના વરસે સાહિત્ય અકાદમીનું પ્રતિષ્ઠિત સન્માન આ નવલકથાને પ્રાપ્ત થયું. વર્તમાન વર્ષે આ નવલકથાના પ્રકાશનની સુવર્ણ જયંતિ ઊજવાઈ રહી છે ત્યારે તેનું પુનર્મૂલ્યાંકન પણ થઈ રહ્યું છે. તેના સર્જક શ્રીલાલ શુક્લને 2011માં સાહિત્યનો સર્વોચ્ચ ગણાતો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, ત્યાર પછી એ જ વર્ષે 86ની વયે તેમનું અવસાન થયું. પણ તેમની કૃતિ ‘રાગ દરબારી’નો મહિમા એવો ને એવો જીવંત રહ્યો છે. એવું તો શું છે આ નવલકથામાં?
‘ઊપકાર’માં જે રૂપાળી છબિ ભારતીય ગામડાની દર્શાવવામાં આવી હતી, તેનાથી સાવ વિરુદ્ધ ચિત્ર આ નવલકથામાં દર્શાવાયું હતું. શિવપાલગંજ નામનું એક ગામડું જાણે કે ભારતની લઘુ આવૃત્તિ છે. તેમાં કૉલેજ, કો-ઓપરેટિવ યુનિયન, પોલિસ સ્ટેશન, શાળા, આરોગ્યકેન્દ્ર જેવી વિવિધ સંસ્થાઓ છે. આવી સંસ્થાઓ પર ગામના અગ્રણી વૈદ્યજી શી રીતે પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે, કેવા કાવાદાવા રમે છે અને છતાં સાત્વિકતાનો પોતાનો નકાબ જાળવવાની મથામણ કરે છે તેનું આબાદ ચિત્રણ છે. આ નવલકથામાં અનેક પાત્રો છે. મહિલા પાત્ર કેવળ બે જ છે, પણ તેની ખાસિયત એ છે કે એકે એક પાત્રો નઠારાં છે. ક્યારેક કોઈ સ્થિતિમાં વાચકને કોઈ પાત્ર પ્રત્યે સહાનુભૂતિ થઈ આવે, પણ બીજી જ ક્ષણે લેખક તેની અસલિયત ઊજાગર કરી દે એટલે તેનો અસલી ચહેરો છતો થઈ જાય.
એમ.એ. પાસ કર્યા પછી પી.એચ.ડી.નો અભ્યાસ કરવા અને બિમારી પછી પોતાનું સ્વાસ્થ્ય સુધારવા માટે ગામડે રહેતા પોતાના મામાને ત્યાં જવા નીકળેલા શહેરી યુવક રંગનાથથી આ કથા આરંભાય છે. ગ્રામવાસીઓને તે પોતાની નજરે નિહાળે છે. કુલ પાંત્રીસ પ્રકરણોમાં પથરાયેલી આખી કથામાં વ્યંગ્યની ધાર ક્યાંય ઓછી થતી નથી. તેમાં પાને પાને, ફકરે ફકરે અને ઘણી વાર તો વાક્યે વાક્યે થતા વ્યંગવિસ્ફોટ સૂક્ષ્મ છતાં એટલા પ્રચંડ છે કે વાંચનાર વાંચતી વખતે જ નહીં, વાંચ્યાના ઘણા સમય પછી પણ તેને યાદ કરીને મનોમન મલક્યા કરે. આઝાદીના બે દાયકા પછીના ભારતની લગભગ દરેક ક્ષેત્રની કડવી વાસ્તવિકતાઓને તેનો રૂપાળો મુખવટો ચીરીને વાંચનાર સામે હસવા હસવામાં રજૂ કરવી એ ‘રાગ દરબારી’ની અનન્ય સિદ્ધિ છે. 1968માં લખાયેલી આ નવલકથા એટલે જ આજે પણ ‘જૂની’ લાગતી નથી.
આ લખનારને 1997માં ‘રાગ દરબારી’ના લેખક શ્રીલાલ શુક્લને તેમના લખનૌના નિવાસસ્થાને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. સાથે નાનો ભાઈ ઉર્વીશ કોઠારી પણ હતો. અત્યંત માયાળુ અને અમારા જેવા પોતાના ચાહકો પ્રત્યે સૌજન્યશીલ એવા શુક્લસાહેબે આ નવલકથા વિશે કેટલીક વાતો કરી હતી. તેમણે કહેલું: ‘નોકરીમાં પહેલાં સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે અને પછી બીજી સરકારી સેવાઓમાં ગામડાનાં લોકો સાથે સીધા સંપર્કમાં આવવાનું થતું હતું. આઝાદી પછીનાં દસ-પંદર વર્ષ સુધી અધિકારીઓનું વલણ થોડું સારું હતું. બધાને કંઈક કરી બતાવવાની તમન્ના હતી. આઝાદીનો પ્રભાવ તાજો હતો. નવા આઈ.એ.એસ. અફસરો જૂના આઈ.સી.એસ. કરતાં વધારે સારું કામ કરી દેખાડવા ઇચ્છતા હતા. ગામડાંના વિકાસ સાથે સંકળાયેલા અફસરોને વર્ષે 50-60 દિવસ ગામડે જવાનું થતું. એ રીતે મારે બહુ લોકોના સંપર્કમાં આવવાનું થયું…જો કે, ‘રાગ દરબારી’નું એક પણ પાત્ર મેં કોઈ એક વ્યક્તિ પરથી સીધેસીધું લીધેલું નથી.’ તેમણે વધુમાં કહેલું, ‘પહેલાં મેં ‘રાગ દરબારી’માં સળંગ નવલકથાને બદલે એક જ રંગની અલગ અલગ વાર્તાઓના કોલાજ તરીકે મુકવાનું વિચાર્યું હતું, પણ પછી પાત્રો મારા કાબૂમાંથી છટકતાં ગયાં.’
આ નવલકથામાંના વ્યંગ્ય ટાંકવા બેસીએ તો આખેઆખી નવલકથા જ ઊતારવી પડે એમ છે. આમ છતાં કેવળ તેની તીક્ષ્ણતાની ઝલક પૂરતી થોડી વ્યંગ્યોક્તિઓ જોઈએ.
‘હૃદય-પરિવર્તન કે લિયે રોબ કી જરૂરત હૈ, રોબ કે લિયે અંગ્રેજી કી જરૂરત હૈ- ઈસ ભારતીય તર્ક-પદ્ધતિ કે હિસાબ સે મચ્છર મારને ઔર મલેરિયા-ઉન્મૂલન મેં સહાયતા કરનેવાલી સભી અપીલેં પ્રાય: અંગ્રેજી મેં લિખી ગઈ થીં.’
‘રિશ્વત, ચોરી, ડકૈતી- અબ તો સબ એક હો ગયા હૈ. પૂરા સામ્યવાદ હૈ.’
‘સ્થાનીય ગુન્ડાગીરી કે કિસી ભી સ્ટૈન્ડર્ડ સે વે હોનહાર લગ રહે થે.’
‘દેખતે હી લગતા થા કિ વહ શિક્ષા-પ્રસાર કે ચકમે મેં નહીં આયા થા.’
‘પુનર્જન્મ કે સિદ્ધાંત કી ઈજાદ દીવાની અદાલતોં મેં હુઈ હૈ, તાકિ વાદી ઔર પ્રતિવાદી ઈસ અફસોસ કો લેકર ન મરે કિ ઉનકા મુકદ્દમા અધૂરા હી પડા રહા.’
‘હમારી યુનિયન મેં ગબન (ગોટાળો) નહીં હુઆ થા, ઈસ કારણ લોગ હમેં સંદેહ કી દૃષ્ટિ સે દેખતે થે. અબ તો હમ કહ સકતે હૈ કિ હમ સચ્ચે આદમી હૈ. ગબન હુઆ હૈ ઔર હમને છિપાયા નહીં હૈ. જૈસા હૈ, વૈસા હમને બતા દિયા હૈ.’
આ નવલકથા વાંચતાં વાંચતાં આશ્ચર્ય થાય કે લેખકે આઝાદી પછીના માત્ર બે જ દાયકામાં આપણા દેશની અસલિયત પારખી લીધી હતી. ત્યાર પછીના દરેક યુગમાં આ નવલકથા વધુ ને વધુ પ્રસ્તુત બનતી રહી છે. અંગ્રેજી, ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં તેના અનુવાદ થયા છે, પણ તેનો ખરેખરો આસ્વાદ મૂળ હિન્દીમાં વાંચ્યા સિવાય આવતો નથી. દૂરદર્શન પર, રેડિયો પર તેમજ મંચ પર પણ તે રૂપાંતરિત કરવામાં આવી છે, છતાં તેના વાંચનમાં જે મઝા છે એ બીજા કોઈ માધ્યમમાં નથી.
આપણી જનતાની તેમજ નેતાઓની માનસિકતા સમજવા માટે આ નવલકથા બરાબર કામ લાગે છે. તાજેતરમાં દિલ્હી યુનિવર્સિટી દ્વારા આ નવલકથાના પ્રકાશનની સુવર્ણ જયંતિ નિમિત્તે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું. નવાઈ લાગે એવી વાત એ છે કે આ આયોજન હિન્દી વિભાગ દ્વારા નહીં, પણ પોલિટીકલ સાયન્સ વિભાગ દ્વારા કરાયું હતું. ભારતીય રાજકારણની જમીની વાસ્તવિકતા શી છે એ આનાથી વધુ સચોટતાથી કોણ કહી શકે?
ઘણા પ્રસારમાધ્યમોમાં પણ આ નવલકથા વિશે લખાઈ રહ્યું છે. જાહેર જીવનમાં હોય એવા સહુ કોઈએ તો ખરું જ, પણ દેશના લોકોની માનસિકતા જાણવા માગતા હોય, મહોરા પાછળની અસલિયત જોવા ઈચ્છતા હોય એવા સહુ કોઈ નાગરિકે તે વાંચવી રહી. ગુજરાતમાં પણ ઠેરઠેર તેનો પરિચય કેળવાય એવા કાર્યક્રમો યોજાય એ આવશ્યક છે. આ સમયમાં અરીસો બતાવનારાઓની સંખ્યા ઘટતી જાય છે, સાથે જ અરીસાની વાસ્તવિકતા સ્વીકારનારાઓની પણ! ‘રાગ દરબારી’નું વાંચન, તેના પરની ચર્ચા આ દિશામાં એક મહત્ત્વનું કદમ બની રહે એમ છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫-૩-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
મથાળાનું નામ ‘રાગ દરબારી’ કેમ રાખ્યું હશે !!
હું હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના રાગ દરબારીથી જ પરિચિત છું.