ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ == મ ણ કો ૧૩ =

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

વર્તમાન પેઢીના લોકો માટે’ ઉબંટુ ‘  ( UBUNTU ) શબ્દ અજાણ્યો નથી. આધુનિક શબ્દકોષની પ્રચલિત ભાષામાં કહીએ તો એ એક ‘ Open Source Software Operating System ‘ છે. કોમ્પયુટર વિશ્વમાં એ સોફ્ટવેર સાવ મફત ઉપલબ્ધ છે. આ સિસ્ટમની શોધ જ ‘ મફત વહેંચણી ‘ ખાતર થઈ છે. કોઈ પણ વ્યક્તિ એ વાપરી શકે છે એટલું જ નહીં, એમાં સુધારા – વધારા પણ સૂચવી શકે છે.

ઉબંટુ ( UBUNTU ) દક્ષિણ આફ્રિકાની ઝૂલૂ ભાષાનો શબ્દ છે, જેનો શાબ્દિક અર્થ છે ‘ માનવતા ‘ . એ શબ્દનું ભાષાંતર બહુધા  ‘ અન્ય માનવો પ્રત્યેની માનવતા ‘ તરીકે કરવામાં આવે છે. હવે તો એ એક વિચારધારા તરીકે પણ માન્યતા પ્રાપ્ત કરી ચૂક્યું છે.

આ વિચારધારા સદીઓથી દક્ષિણ આફ્રિકામાં મૌખિક સંસ્કૃતિરૂપે પેઢી – દર – પેઢી ચાલતી આવી છે. રંગભેદ નાબૂદ થયા બાદ આ વિચારસરણી વધુ રૂઢ અને લોકપ્રિય બની. આ શબ્દનું એક અર્થઘટન એવું પણ થાય છે કે  ‘ તમે છો તો હું છું ‘ અર્થાત્ મારું અસ્તિત્વ તમારા સૌ થકી છે. તમે નથી તો હું પણ નથી. આપણા સૌ વચ્ચે એક સર્વ – સાધારણ સાંકળ – સેતુ છે અને એ થકી એટલે કે આપણા સહ- માનવો સાથેના વિનિમય દ્વારા આપણે આપણી જાતના માનવીય તત્ત્વોને ઓળખી, પામી શકીએ છીએ.

કહેવાય છે કે પશ્ચિમના એક નૃવંશશાસ્ત્રી કોઈક સમયે એક સ્થાનિક આફ્રિકન પ્રજાતિની ટેવો અને રીતરિવાજોનો અભ્યાસ કરતા હતા. આ અભ્યાસ માટે એ નિરંતર સ્થાનિક લોકો અને વિશેષત: બાળકો વચ્ચે રહેતા. એક દિવસ એમણે બાળકોને એક રમત રમાડવાનું નક્કી કર્યું. એ ક્યાંકથી ફળો અને મિઠાઈ લઈ આવ્યા અને એ બધું એમણે એક સુશોભિત ટોપલીમાં મૂકી ને ટોપલી એક ઝાડ નીચે મૂકી. બધા બાળકોને ત્યાંથી થોડેક દૂર ઊભા રાખી એમણે એક રમત રમાડવાનો પ્રસ્તાવ મૂક્યો. એમણે કહ્યું કે જેવા એ  ‘ એક, બે ને ત્રણ ‘ કહે એટલે સૌ બાળકોએ ટોપલી તરફ દોડી જવાનું અને જે બાળક સૌથી પહેલું ટોપલી સુધી પહોંચે એને આખી ટોપલી અને એમાંની ચીજો મળે. બધા બાળકો એક હરોળમાં ઊભા રહી આદેશની રાહ જોવા લાગ્યા. જેવા એ વૈજ્ઞાનિક  ‘ એક, બે, ત્રણ ‘ બોલ્યા કે તુરંત બધા જ બાળકો એકી સાથે એકબીજાનો હાથ પકડીને સાથે ટોપલી તરફ દોડ્યા ! બધા જ સાથે ટોપલી સૂધી પહોંચ્યા અને ટોપલીમાના મિઠાઈ અને ફળો સરખે ભાગે વહેંચ્યા, વૈજ્ઞાનિક સાહેબને પણ એમનો ભાગ આપ્યો. બધા જ એક કૂંડાળામાં બેસી હસતા – રમતાં મિઠાઈ અને ફળોનો આનંદ લેવા લાગ્યા. નૃવંશશાસ્ત્રી સાહેબે પૂછ્યું કે મારી સૂચનાની ઉપરવટ જઈને તમે બધા સાથે કેમ દોડ્યા? તમારામાના એકને જ બધું મળી શક્યું હોત. બાળકોએ જવાબ વાળ્યો, ‘ ઉબંટુ ‘ ! અમારામાંનુ એક જ કઈ રીતે ખુશ રહી શકે જ્યારે બાકીના નારાજ હોય !

આફ્રિકાની એ પછાત જાતિનો  ‘ ઉબંટુ સિદ્ધાંત ‘ બધા સુધરેલા લોકોને પણ સમજાય તો !

આ સ્હેજ પ્રલંબ પ્રસ્તાવના પછી ભગવત રાવતની આ જ વાત દોહરાવતી એક કવિતા :

                                              ==  सभ्यता  और  संस्कृति  ==

                       (  पाँचवीं  कक्षा  के  लिए  समाज – विज्ञान  का  एक  पाठ  )

सभ्य आदमी समूह में मिलकर नहीं गाते

समूह में मिलकर नहीं नाचते

समूह में मिलकर समय नहीं गँवाते

सभ्य आदमी अकेले रहना पसंद करते हैं

सभ्य आदमी समूहों मे नहीं पाए जाते

 

पिछड़े हुए लोग समूहों में मिलकर गाते हैं

समूहों मे मिलकर नाचते हैं

समूहों मे मिलकर समय बिताते हैं

पिछड़े हुए लोग समूहों मे पाए जाते हैं

 

पिछड़े हुए लोग सभ्य आदमियों के लिए

विज्ञापन होते हैं

वे उनके घरों की सजावट के लिए

सुंदर – सुंदर वस्तुएँ बनाते हैं

जब पिछड़े हुए लोग समूहों मे नाचते – गाते हैं

तो सभ्य आदमी उन्हें देख – देख कर

तालियाँ बजाते हैं

 

पिछड़े हुए लोग पुश्त – पुश्त

संस्कृति के वृक्षों की रखवाली करते हैं

सभ्य लोग संस्कृति के पके हुए फल खाते हैं

 

सभी जानते हैं

सभ्यता सभ्य लोगों से जानी जाती है

और सभ्य लोग

पिछड़े हुए लोगों से जाने जाते हैं

इस तरह सभ्यता और संस्कृति के हित में

दोनों को अलग – अलग बनाए रखना

देश की विवशता है …

                                                                                     – भगवत रावत

                      ગુજરાતી ભાવાનુવાદ :

                                           ==  સભ્યતા  અને  સંસ્કૃતિ  ==

                           (  પાંચમા ધોરણ માટે સમાજ – વિજ્ઞાનનું એક પ્રકરણ  )

સભ્ય માણસો સમૂહમાં નથી ગાતા

સમૂહમાં નથી નાચતા

સમૂહમાં ભેગા મળી સમય નથી વેડફતા

સભ્ય માણસો એકલા રહેવાનું પસંદ કરે છે

સભ્ય માણસો સમૂહમાં નથી મળી આવતા

 

પછાત લોકો સમૂહમાં મળીને ગાય છે

સમૂહમાં નાચે છે

સમૂહમાં સમય વિતાવે છે

પછાત લોકો સમૂહમાં મળી આવે છે

 

પછાત લોકો સભ્ય માણસો માટે

જાહેરાત સમાન હોય છે

પછાત લોકો સભ્ય લોકોના ઘરોના સુશોભન માટે

સરસ- સરસ વસ્તુઓ બનાવે છે

જ્યારે પછાત લોકો સમૂહમાં નાચે – ગાય

ત્યારે સભ્ય માણસો એમને જોઈ – જોઈને

તાળીઓ પાડે

 

પછાત લોકો પેઢી- દર- પેઢી

સંસ્કૃતિના વૃક્ષોની રખેવાળી કરે

સભ્ય લોકો સંસ્કૃતિના પાકેલા ફળો આરોગે

 

બધા જાણે છે

સભ્યતાની ઓળખાણ છે સભ્ય લોકો

અને સભ્ય લોકોની ઓળખ

આ પછાત લોકો

આમ

સભ્યતા અને સંસ્કૃતિના હિતમાં

એ બન્નેને અલગ – અલગ જાળવી રાખવા

દેશની મજબૂરી છે ..

                                                                        – ભગવત રાવત

કવિએ સિફત અને ઇરાદાપૂર્વક સમગ્ર વાત, બાળકોને શિક્ષક પાઠ ભણાવતા હોય એવી સપાટ બાનીમાં – કહો કે વિજ્ઞાન અથવા ગણિતના અફર નિયમો વિધાન સ્વરૂપે કહેવાતા હોય તેમ – મૂકી છે. સંવેદનશીલ વાચકને એ સપાટ- બયાની પાછળનો મર્મ અને સંદેશ પારખવામાં ભાગ્યે જ કોઈ પ્રયત્ન કરવો પડશે. કવિ પર્ત- દર- પર્ત સભ્ય માણસો અને પછાત માણસોની લાક્ષક્ણિકતાઓ આપણી સમક્ષ નિયમાવલિરૂપે મૂકતા જાય છે અને દરેક નિયમના ઉચ્ચારણ સાથે એક અદ્રશ્ય પ્રશ્ન આપણી આગળ છોડતા જાય છે. સભ્ય માણસ એકલો ગાય છે, એકલો નાચે છે, એકલો ખાય છે, એકલો રહે છે વગેરે. આપણે હમેશા જોતા આવ્યા છીએ કે આપણી દ્રષ્ટિએ પછાત એવા આદિવાસીઓના બધા ગીતો સમૂહ – ગીતો, બધા નૃત્યો સમૂહ – નૃત્યો હોય છે. ( આ આદિવાસી શબ્દ પણ એ હકીકત તરફ અંગુલિનિર્દેશ કરે છે કે આ લોકો આ પૃથ્વી કે પ્રદેશ- વિશેષના મૂળ નિવાસી છે. ‘ સભ્ય લોકો ‘ તો પાછળથી આવ્યા ! અસલ નિવાસી એટલે અસલ હકદાર પણ ! )

આપણે અનેક એકલ ફિલ્મી ગીતો સાંભળ્યા છે. અચાનક એમાં સમૂહ સ્વરો – કોરસ ઉમેરાય તો એ ગીતના સૌંદર્ય અને સમગ્ર અસરમાં કેવા ચાર ચાંદ લાગી જાય છે એ હકીકતથી સંગીતપ્રેમીઓ ક્યાં સુવિદિત નથી !

કવિતા જેમ આગળ વધે છે તેમ એમાં સમાવાયેલા વિધાનો પાછળ નિહિત તલ્ખી- તીખાશ કદમ – દર- કદમ વધુ ને વધુ મુખર થતી જાય છે. પછાત માણસો જાણે સભ્ય માણસો માટે પ્રચારનું માધ્યમ છે. સભ્ય માણસોના દીવાનખાનાઓના સુંદર શો-કેસમાં મૂકવા માટેની વસ્તૂઓ કોણ બનાવે છે? પછાત માણસો. અને એ શો- કેસ શાના માટે છે વારૂ ? સભ્ય લોકો સભ્ય દેખાઈ શકે એટલા માટે સ્તો ! કેવી વિડંબના !

એ જ રીતે આ પછાત લોકો જ્યારે નાચે ત્યારે સભ્ય લોકો એમની સાથે નાચવાનું દુસ્સાહસ ક્યારેય નહીં કરે. એ લોકો બસ, આજૂબાજૂ ટોળે વળીને તાળીઓ પાડશે, પોતે સભ્ય દેખાઈ શકે એટલા માટે. પરાકાષ્ઠા તો એ છે કે સંસ્કૃતિના વૃક્ષનું સંરક્ષણ અને સંવર્ધન આ પછાત લોકો કરે છે, સભ્ય લોકો એ જ વૃક્ષના પક્વ ફળ ખાઈ શકે એટલા માટે !

યાદ રહે, અહીં આ સભ્ય વર્ગના લોકો અને પ્રવર્તમાન વ્યવસ્થા પર કટાક્ષ કરવો એ જ કવિનો ઉદ્દેશ્ય નથી :

સિર્ફ  હંગામા   ખડા   કરના   મેરા   મકસદ  નહીં

મેરી  કોશિશ  હૈ  કિ  યે  સૂરત  બદલની  ચાહીએ

એમનો મુખ્ય હેતુ તો છે આ કહેવાતા પછાત લોકોને એમની અસલ ઓળખાણ અને ગરિમા પાછી અપાવવી અને એ આખી પ્રક્રિયા દરમિયાન કવિ પોતે પણ એક અગત્યના પાત્ર તરીકે નિરંતર પોતાની હાજરી પૂરાવવા માંગે છે. એ શોષિતોના પક્ષમાં ઊભા રહી, એમને પ્રેોત્સાહિત કરી, જીવનથી મોઢું ન ફેરવી લેવા માટે તો કહે જ છે, સ્વયં પણ એ દ્વારા પોતાની સાર્થકતા પ્રાપ્ત કરવા માંગે છે. એમની આ પ્રતિબદ્ધતા એટલી હદે સ્પષ્ટ છે કે એમણે એમની એક કવિતામાં આ વાત બેધડક ઉચ્ચારી છે :

ઘણા બધા કામ બાકી છે

કરવા માટે

એ કામ કરતાં – કરતાં જે કંઈ થશે

એ જ મારી સાથે આવશે

માત્ર કંઈક નવું, અનોખું કરવા માટે

હું કવિતા પણ નહીં લખું..

કવિ કહે છે કેમ, પોતાની આસપાસની દુનિયા સાથે લડતાં, ઝધડતાં, પ્રેમ કરતાં, વાતો કરતાં, સમજતાં, સમજાવતાં જે કંઈ થઈ જાય એ જ જીવન છે અને એ જ કવિતા …


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

7 comments for “ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ == મ ણ કો ૧૩ =

 1. March 28, 2018 at 2:12 am

  Liked.

 2. Kishorchandra Vyas
  March 28, 2018 at 11:42 am

  ‘ubuntu’ ઝુલું ભાષાના શબ્દ અને તેની રોજિંદા જીવન માં સુંદર રીતે અમલ કરવામાં આવે તો દરેક નું જીવન હરિયાળું બની જાય !!! ભગવતજી જે કહેવા માંગતા હતા તેની આથી વધારે સમજણ થાવરાની જી સિવાય કોણ આપી શકે…હૃદયસ્પર્શી આલેખ ..અભિનંદન

 3. નાથાલાલ દેવાણી
  March 28, 2018 at 11:59 am

  ખૂબ સરસ કવિતા. આપણે સભ્ય નથી થવું.. કારણકે આપણને ભળવું ગમે છે, મળવું ગમે છે.
  કવિતા ગમી… આસ્વાદ ગમ્યો… બધું જ સરસ

 4. Ratilal Yadav
  March 28, 2018 at 12:13 pm

  Wah wah . Thank you Bhagvan. You have explained it superbly and simply. Very touchy !!

 5. samir dholakia
  March 28, 2018 at 2:16 pm

  UBUNTU નો ખરો અર્થ થાવ્રનીભાઈ અને ભગવત રાવત પાસે થી જાણવા મળ્યો . એક નાના શબ્દ માં કેટલો ઊંડો સાર છૂપાયલો છે.
  આભાર ,ભગવાનભાઈ !

 6. mahesh joshi
  March 30, 2018 at 5:23 pm

  What a group of small children could do ( UBANTU ) while play , hardly we , the elders in a so called civilised society try to do . As we move to city culture, this is more visible . But let also accept that as
  such group / society ( weaker section ) progresses /advances , they also become a part of so called
  civilised society leaving apart their core values/ customs ( UBANTU ).
  Nice presentation. Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *