





– પૂર્વી મોદી મલકાણ
વસંત :-
મહામાસ થી ફાગણ માસ આવે ત્યાં સુધીમાં પ્રકૃતિ શિયાળાની સુસ્તી ઉતારી વસંતોત્સવનાં રંગબેરંગી દિવસો ઉજવવા માટે તૈયાર થઈ જાય છે. વસંતોત્સવ…આ ઉત્સવનું મૂળ ઋતુ બદલાવ છે. લાંબા શિયાળા પછી પ્રકૃતિ સૂરજની નવી ફૂંટતી કિરણો પાસેથી લાલીમા, નદી-નીર પાસેથી ઓસની બુંદો અને વાદળી રંગ, લાંબા થતાં દિવસો પાસેથી ગરમી અને અગ્નિ જેવો કેસરી રંગ અને લાંબી નીંદર પછી ઊભા થતાં વૃક્ષો પાસેથી હરિત રંગ રૂપી શૃંગાર મેળવી ઋતુઓનાં રાજા વસંતનાં આગમનની જાણ કરે છે ત્યારે કેટલાય રંગબેરંગી ફૂલો એકસાથે ખીલી ઊઠે છે, મધુમાખીઓ અને ભંવરાઓનું ગુંજન કરે છે, નાની-મોટી અનેક તિયાઓ વિહાર કરવા લાગે છે, સરસો-ગરમાળાનાં પીળા ફૂલો, પલાશનો કેસરીયો રંગ, કોયલડી વેલ અને જકરંદાનાં ખીલેલા આછા ને ઘાટા જાંબલી ફૂલો, સુવાસિત અને શુભ્ર અબીર જેવા જૂહી-મોગરા-ચમેલીનાં પુષ્પો, મનમોહક લાલ અને ગુલાબી રંગનાં ગુલાબો, રાજા વસંતનાં આવવાનાં માર્ગને જે રીતે સુશોભિત કરી દે છે, તે જોઈ કવિઓનાં કંઠ ખીલી ઊઠે છે અને પ્રેમીઓના મન, હૃદય ગુલાલ સમા રંગાઈ જાય છે.
ખીલી વસંત, વન ફૂલભર્યાં મહેકે,
ગાતા ફરે ભ્રમર, કોકિલનાદ લ્હેકે.
ઊડે સુગંધકણ પુષ્પ તણા રસોના,
આઘા સુણાય ગગને સ્વર સરસોના
ઋતુરાજ વસંત કેવળ કવિઓ અને પ્રેમીઓને જ પોતાનાં અસ્તિત્વમાં અભિભૂત નથી કરતો બલ્કે લોકસાહિત્ય ગ્રંથો, ઇતિહાસ, ચિત્રકલા, સંગીતકલા વગેરે જેવા અન્ય ક્ષેત્રનાં વિવિધ કલાકારોને પણ પ્રેરણા આપતો જાય છે. કવિઓનાં કવિ કાલિદાસજીએ વસંત વિષે કહ્યું છે કે,
प्रफुल्लचूताङ्कुरतीक्ष्णसायको
द्विरेफमाला विलसद्धनुर्गुण: l
मनांसि वेद्धुं सुरत प्रसड्गीनां
वसंतयोद्धा समुपागतः प्रिये llહે પ્રિયે, અંકુરમાંથી પૂર્ણ ખીલી ગયેલા પુષ્પોની તીક્ષ્ણ ધાર જેવા બાણ અને વિલાસતા ભ્રમરોની પંક્તિ જેવું જેનું ધનુષ છે એવો વસંત નામનો યોધ્ધો કામદેવનું રૂપ લઈ પ્રેમીઓનાં મનને ભેદવાં સારી રીતે આવી ગયો છે.
વસંતનું વર્ણન કરતાં આગળ વધતાં કાલિદાસજી કહે છે કે,
द्रुमाः सपुष्पाः सलिलं सपद्मं
स्त्रियः सकामाः पवनः सुगंधिः।
सुखाः प्रदोषा दिवसाश्च रम्याः
सर्वं प्रिये चारुतरं वसन्ते।સર્વનું પ્રિય કરનાર વસંતનાં આગમનથી વૃક્ષો પુષ્પોવાળા ફલિત બન્યાં છે, સરોવર કમળોવાળા બન્યાં છે, સ્ત્રીઓ કામનાવાળી બની છે, પવન સુગંધવાળો બન્યો છે, દિવસ રમ્ય બન્યો છે અને સાંજ સુખમય બની છે.
કવિ કાલિદાસના સમય પછી રાજા રજવાડા પાસે જઈએ. રાજા રજવાડાના સમયમાં હોળીનો આ ઉત્સવ પાંચ દિવસ સુધી મનાવવા આવતો હોવાથી આ ઉત્સવ રંગ પંચમી તરીકે ઓળખાતો હતો. રાજાઓનો આ – સમય પૂરો થયા પછીથી સમય, પાણી અને ખર્ચ બચાવવા માટે હવે કેવળ બે દિવસ ઉજવવામાં આવે છે. જેમાં પ્રથમ દિવસે હોલિકા પ્રગટ કરવામાં આવે છે અને બીજે દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે.
ઘણાં સ્થળોએ ફાગણ પૂર્ણિમાના કેટલાક દિવસો પહેલા જ હોળીની ધમાલ એ રીતે શરૂ થઈ છે કે કે એ ધમાલ જોઈને જ ખ્યાલ આવી જાય છે કે વસંતોત્સવનાં દિવસો નજીક છે. ફાગણમાસની પૂર્ણિમાની રાત્રિએ હોલિકા દહન કરી વર્ષની સમાપ્તિની ઘોષણા કરી આ ઉત્સવ સ્નેહ, નવસર્જન અને સદ્ભાવનાને દૃષ્ટ કરે છે; જેથી કરીને પારસ્પરિક વેર-વિરોધની ભાવના દૂર થઈ જાય. નવવર્ષનાં પ્રથમ દિવસે એટ્લે કે ચૈત્ર પ્રતિપદાના દિવસને નાના-મોટા સર્વેને પ્રેમનાં લાલ રંગમાં રંગી સમાનતા સ્થાપવામાં આવે છે.
હોળીના આ ઉલ્લસિત દિવસે ખાસ કરીને બે પ્રસંગને યાદ કરાય છે. પ્રથમ પ્રસંગ હિરણ્યકશિપુના રાજ્યમાં લઈ જાય છે. જ્યાં હિરણ્યકશિપુ સુત (પુત્ર ) એટ્લે કે વિષ્ણુભક્ત પ્રહલાદની યાદ તાજી કરાય છે. “પ્રહલાદ” નાં બે અર્થ શાસ્ત્રોએ કહ્યાં છે. પ્રથમ અહાલાદ એટ્લે કે ઉચ્ચ સ્વરે કોઈને બોલાવવા અને બીજો અર્થ આનંદ આપનાર. અહીં પ્રહલાદે ઉચ્ચસ્વરે અને વિશ્વાસપૂર્ણ તેમજ આનંદપૂર્વક હિરણ્યકશિપુને કહ્યું; મારા પ્રભુ અહીં તહીં સર્વત્રે વસેલા છે. પ્રહલાદનાં આનંદસ્વરથી ભયભીત થઈ હિરણ્યકશિપુએ થાંભલા પર પ્રહાર કર્યો ત્યારે પ્રભુ નૃસિંહ સ્વરૂપ ધારણ કરી પધાર્યા અને આસુરીશક્તિનો નાશ કરી પોતાનાં ભક્તોને અત્યંત આનંદ આપ્યો છે.
હોળીઉત્સવનો આ રંગબેરંગી ઉત્સવનો બીજો પ્રસંગ આપણને દ્વાપરયુગની વ્રજભૂમિ તરફ લઈ જાય છે. જ્યાં ગોકુળની ગ્વાલિનો પોતાનાં આરાધ્ય કાન્હાને રીઝવવા માટે અનેકાનેક ક્રિયાઓ કરે છે. આ ક્રિયાઓમાં એક રંગ, ગુલાલ, અબીર, ચોવા, ચંદનથી યુક્ત જળ તરંગની ક્રિયા પણ છે, વ્રજની અન્ય કિવદંતી અનુસાર પૂતના રાક્ષસીના વધની ખુશીમાં વ્રજવાસીઓએ હોળીઉત્સવ ઉજવવાનું શરૂ કર્યું. વ્રજભૂમિની બીજી કિવદંતી ઢૂંઢી રાક્ષસી તરફ લઈ જાય છે. આ રાક્ષસીને બાલકૃષ્ણએ મલ્લયુધ્ધમાં પરાસ્ત કરી પછી ઢૂંઢી રાક્ષસીએ શરણ સ્વીકારી વરદાન માંગ્યું કે પોતે વ્રજ અને કાન્હાની કથાઓમાં હંમેશા અમર રહે. ઢૂંઢીને મળેલા વરદાનને કારણે તે વ્રજભૂમિની લોકકથાઓમાં “ઢાઢી નાટ્યલીલા” બની સમાઈ ગઈ. આજે પણ વસંતથી હોળી સુધીનાં ચાલીશ દિવસ સુધી વ્રજમાં ફાગ, ફગુવા, રસિયા, ધમાર અને ઢાઢીલીલાની રમઝટ ચાલે છે ત્યારે ઢૂંઢી રાક્ષસી આનંદઉત્સવ રૂપે જીવંત થઈ વ્રજવાસીઓને પોતાનાં આ નવા સ્વરૂપમાં વ્રજવાસીઓને રસમય કરી દે છે.
ઋતુઓનું ગર્ભાધાન ચાલીસ દિવસ પહેલાથી થતું હોવાથી હોળી આવે તે પૂર્વેનાં ૪૦ દિવસ પહેલાં વસંતની ઉજવણી શરૂ થઈ જાય છે. વ્રજભૂમીમાં વસંતનાં આ ૪૦ દિવસમાંથી દસ દસ દિવસના ચાર યુથાધિપતિ બને છે. આ યુથાધિપતિઓ સાત્ત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ એમ ચાર પ્રકારના ગોપીજનોની ટોળકી બનાવે છે અને પછી વસંતથી હોળી સુધી વિવિધ ખેલ કરે છે. પ્રથમ દસ દિવસમાં વસંતક્રીડા ખેલ દ્વારા કામદેવનું પૂજન થાય છે અને દેવદમન શ્રી કૃષ્ણ સમક્ષ આંબાના મોર, ખજુરીની ડાળ, લીલા સરસવ, જવ અને બોર આ પાચેંય વસ્તુઓ ધરવામાં આવે છે. કૃષ્ણમાર્ગીય મંદિરો અને હવેલીઓમાં આનો સૂક્ષ્મ ખેલ થાય છે.
કૃષ્ણની વાત ચાહે ગઇકાલની હોય પણ આજેય કૃષ્ણની જન્મભૂમિ મથુરા, કર્મ ભૂમિ ગોકુલ, વ્રજ અને વૃંદાવનની હોળીની ધૂમ માણવા જેવી છે. રહી ગ્રંથોની વાત તો… શ્રી ભગવદ્ ગીતામાં વસંત ઋતુને ઋતુઓનો રાજા કુસુમાકર કહી પોતાની વિભૂતિ માની છે. જ્યારે વ્રજ, વ્રજસાહિત્યને બાદ કરતાં અનેક ગ્રંથોમાં વસંતોત્સવ અને હોળીનું વર્ણન જોવા મળે છે. સાતમી સદીના પૂર્વાર્ધમાં કનૌજના રાજા હર્ષવર્ધન દ્વારા “રત્નાવલી” નામનું નાટક લખાયું; જેમાં તેમણે વસંતોત્સવને મદનોત્સવ અને કામોત્સવ રૂપે ઓળખી આ ઉત્સવને કામદેવ સમાન સ્વરૂપ ધરાવતાં ભગવાન કૃષ્ણને સમર્પિત કર્યો છે. હર્ષ સિવાય ભવભૂતિ, કવિ કાલિદાસ, બાણ ભટ્ટે પણ રંગરંગીલી હોળીનું ચિત્તરંજક વર્ણન પોતપોતાની કૃતિઓ અને કાવ્યોમાં કરેલ છે. એમાં યે સંસ્કૃત ભાષામાં લખાયેલ દશકુમાર ચરિત અને ગરુડ પુરાણમાં જે રીતે આ ઉત્સવનું વર્ણન કરાયું છે તેવું વર્ણન મધ્યકાલીન યુગનાં લેખકો કે આચાર્યો કરી શક્યા નથી.
પૂર્વી મોદી મલકાણ. (યુ.એસ.એ ) purvimalkan@yahoo.com
સંપાદકીય પાદ નોંધ :
અહીં રજૂ કરેલ બન્ને ચિત્રો Vasant Utsav પરથી સાભાર લીધેલ છે.
બહુ સરસ લેખ બન્યો છે. ઈન્ડિયાની હોળી જેવો રંગ, આનંદ ને ઉલ્લાસ આપણે ત્યાં ક્યાંથી કાઢવો?