કુંપળમાંથી કે. લાલ (ભાગ 3)

Facebooktwitterredditpinterestlinkedinmail

(ગયા હપ્તાથી ચાલુ)

– રજનીકુમાર પંડ્યા

મેં જાપાનવાળી વાત કાઢી.’ પૂછ્યું. ‘સાંભળ્યું છે કે ત્યાં તમને સ્ટેજ પર નગ્ન સુંદરીઓને નચાવવાની ફરમાઈશ થયેલી. થયેલી કે નહિ ?સાફા વગરના, ચીતર્યા ન હોય એવા, અસલી કે. લાલ એકાએક રંગમાં આવી ગયા.

‘શું જાદુ કે શું નાટક, શું ફિલ્મ કે શું જાહેરખબર, બધેય રૂપાળી છોકરીઓની જરૂર પડે જ.’

‘એ તો હુંય સમજું’ મેં કહ્યું: ;‘ પણ નવાઇ લાગે છે. તમેય….”

‘શું કરીએ ?’ મેં કહ્યું : ‘આ કંઈ તમારી એકલાની મજબૂરી થોડી છે ? આ વાંચનારામાંથી નવ્વાણું ટકા નિસાસા નાખતા હશે.’

‘ઊના ઊના નિસાસા નાખે એનો વાંધો નથી.’ કે. લાલ બોલ્યા : ‘એની લૂ લાગી જાય એનો વાંધો છે. જાપાનમાં મને એવી લૂ લાગી ગઈ હતી. બનાવમાં તો એવું કે કુવૈતમાં અમારા શો ચાલે તેમાં જાપાનના માણસો જોવા આવેલા. શો પત્યા પછી મારી પાસે આવ્યા. કહે, ‘કે.લાલ,વાહ વાહ ! અજબ તમારો શો ને ગજબ તમારી ગ્લેમર ! બસ, આ જ છોકરીઓને લઈને જાપાન આવો. સેક્સને થોડી વધુ ઉઘાડી કરો. આમ તમારા જાદુ અને સેક્સના જાદુ એમ બેવડે જાદુએ કામ કરો. તમને સૌના કોન્ટ્રાક્ટ પર કોન્ટ્રાક્ટ આપીએ.’

હવે આ વાત કરતાં કરતાં જ લાલની આંખો લાલ થઈ, તો એ વખતે ખરાખરીને ટાણે કેવી થઈ હશે? હું તો સમજું, છતાં વાતને એના છેલ્લા ટીપા સુધી દોહી લેવાના વાસ્તે જ પૂછ્યું,‘એવા કેટલા કોન્ટ્રાક્ટ કર્યા ?’

‘કોન્ટ્રાક્ટનો ક્યાં હિસાબ માંડો છો ?’

કે. લાલ બોલ્યા : ‘મારા હાથની અડબોથ ખાધા વગરના રહ્યા એ કહો ને ! મેં કહ્યું કે ફરી આવી વાત ના ઉચ્ચારશો. છોકરીઓ તો મારી દીકરીઓ કહેવાય. પણ પેલા ખંધા તો જનમખંધા નીકળ્યા. કહે કે સોરી, સોરી, પણ આ તો ધંધાની વાત છે. તમને એક શોના ચાર લાખ મળતા હશે, તો સાડા પાંચ લાખ આપીશું, બસ ! તમને પેટમાં તો આ જ દુઃખે છે ને ! ને અમારી તો માગણી મામૂલી છે. તમે સમજો ને, છોકરીઓને સમજાવી લેજો ! એમાં શું ?’

મેં લાલને ઉશ્કેરવા માટે જૂઠું કહ્યું : ‘હું હોઉં તો માની જાઉં હોં !’

‘તમારી વાત તમે જાણો.’ એ બોલ્યા :’હું તો એ લોકો મને મનાવી લેવા ત્રણ દિવસ રોકાયા તોય ન માન્યો. કુવૈતથી ઊડીને મદ્રાસ આવતો રહ્યો. તો મારા બેટા, મારી પાછળ એય મદ્રાસ આવ્યા. મને નીંદરમાંથી ઢંઢોળીને કહે, ‘લાલ, અમે એક રસ્તો કર્યો છે. તમારી સાથેની છોકરીઓ જ તમારી દીકરીઓ કહેવાય ને ? કબૂલ. બસ? પણ અમે અમારી પાંચ જાપાનીઝ છોકરીઓને આપીએ. એને નગ્ન રજૂ કરો ને ? તમને વાંધો કંઈ ? અમારુંય રહ્યું ને તમારુંય રહ્યું.’

‘હા, હોં લાલ.’ મેં કહ્યું :’હવે ના માનો તો તમારી ભૂલ.’

‘હું જાણું છું કે તમે મને ભુલાવામાં નાખવા આવું બોલો છો. પણ, મિત્ર, સાંભળી લો કે…’ એ બોલ્યા :’મેં એ ખવીસોને કહ્યું કે આ…. જગતની કોઈ પણ સ્ત્રી મારા માટે પરિવારની દીકરી છે. એ છોકરીઓ તમારે ત્યાં હોટલોમાં કે ક્લબોમાં નગ્ન બનીને નાચતી હોય એ મારે જોવાનું નથી. પણ મારા ખેલોમાં તો નહિ જ, અને જુઓ, તમે પૈસા કમાવા ખાતર આવું કરવા માંગતા હો તો કહી દઉં કે અમારા દેશમાં સ્ત્રી લગ્નની રાતે ઊલટું વધુમાં વધુ કપડાં અને ઘરેણાંનો ભાર શરીર પર ચડાવે છે ને છતાં પરણ્યાને ઘાયલ કરે છે. કપડાં ઉતારવાથી જ સેક્સના બાણ વાગે છે એમ ન માનશો. હું પૂરાં કપડાં સાથે છોકરીઓને જાદુના ખેલમાં આસિસ્ટન્ટ તરીકે રજૂ કરું, છતાં ટંકશાળ પાડી દઉં. મંજૂર હોય તો બોલો ! નહિતર ભાગો અહીંથી. સવા કરોડની મારી ઊંઘ હરામ થાય છે.’

‘ભાગ્યા?’

‘ના, રહ્યા. રહ્યા અને મને લઈ ગયા. જાપાનમાં ટોકિયોમાં શાંગહાઈ થિયેટરના જેવું આલીશાન થિયેટર એ લોકોએ રાખેલું. એમના મનમાં ઢચુપચુ હતું. પણ મને કોન્ફિડન્સ. શો શરૂ કર્યો-ધડાકો કરી ધુમાડો પેદા કરી હું પ્રગટ થયો. પછી જે શો કર્યો છે, કંઈ શો કર્યો છે ! અરે, શો પત્યે આયોજકોને મળવા માટે માણસો પડાપડી કરે. પેલા ખુશ ખુશ. મારી સાથે પૂરા ત્રણ કલાક મિટિંગ કરી.પૂરા પાંચ મહિનાનો કોન્ટ્રાક્ટ કર્યો. જાપાનમાં તો હું પ્રશંસામાં નાહ્યો. હજુય જાપાન મને વહાલું. હમણાં જ ગયો હતો. કુલ બાર વાર ગયો. છેલ્લે તો એક સુંદરીને સિંહણમાં પલટાવવાનો અને પુરુષને લાંબા બાર ફૂટના અજગરમાં ફેરવી નાખવાનો પ્રયોગ કરેલો. એશિયાના જાદુગરોમાં આ વિક્રમ ગણાય.’

‘તમારી વાતમાં કંઈ મોણ ના નાખીએ તોય સ્વાદિષ્ટ લાગે એવી છે.’ મેં કહ્યું :‘બાકી મેં તમારી કુવૈતની વાત સાંભળેલી. થોડું થોડું યાદ છે.’

‘શું યાદ છે ?’ એમણે પૂછ્યું.

‘એ જ કે તમે કુવૈતમાં શો કરેલા. ત્યાં કંઈ મુસીબત થયેલી.’

‘ત્યારે તમે કંઈ જાણતા નથી.’ એ બોલ્યા: ‘હું કહું. કુવૈતના બાદશાહ શેખ અબ્દુલ્લા અલ સબા. મને એમણે કુવૈતનો વીઝા આપેલો. પણ મારી પહેલાં મારાં પોસ્ટરો ત્યાં પહોંચી ગયેલાં. એમાં એક જગ્યાએ લેડી-કટિંગનું ચિત્ર મૂકેલું. એ જોઈને બાદશાહના બુઝર્ગો કહે કે આ તો અજાયબી કહેવાય. કાં તો ખુદા, કાં તો શેતાન જ આ કરી શકે.ખુદા તો એક જ છે. એટલે નક્કી આ શેતાન જ લાગે છે. એને આપણા મુલકમાં આવવા જ ન દેવાય. અમારી સ્ટીમર કિનારાથી પંદર કિલોમીટર દૂર ઊભી રાખેલી. ત્યાં અમને અટકાવ્યા. આવવા ન દેવા કહેણ મોકલ્યું કે વાપસ ચલે જાઓ.

(કે.લાલ દ્વારા કટીંગ ધ લેડીનો રોમાંચક પ્રયોગ)

મેં કારણ પૂછ્યું. કારણ કહ્યું તો મને હસવું આવ્યું. મેં કહ્યું : મને તમારા શેખ સાથે વાયરલેસથી વાત કરવા દો. મહામુસીબતે હા પાડી. એમણે વાત કરી ને મેં એમને સમજાવ્યું કે હજૂર, આ કોઈ શેતાની વિદ્યા નથી. હાથચાલાકી છે. મને કાલે એકલાને સવારે પેશ થવા દો. હું તમને સમજાવીશ. એમણે હા પાડી. માંડ હું એકલો લોન્ચમાં જઈને એમની સામે ભર્યા દરબારમાં પેશ થયો. એને કહેવાય દીવાને આમ. સૌ ચાની પ્યાલી પર બેઠેલા. મેં કુર્નિશ બજાવી. હવામાં હાથ ફેલાવ્યા અને એમના ઢગલાબંધ દીનાર પેશ કર્યા. બાદશાહ મને કહે કે આ મેલી વિદ્યા ? મેં કહ્યું, ‘અરે, અલ્લા અલ્લા કરો. મેલી વિદ્યા તે વળી કઈ બલા ? આ તો હાથચાલાકી છે, હાથચાલાકી. ચાલો અંદર તમારા ખાનગી આવાસમાં. ભેદ ખોલી દઉં.’ ભેદ ખોલી બતાવ્યા અને મારા પરનો પ્રતિબંધ ખૂલ્યો. કુવૈતમાં અમને આવવા દીધા. સાહેબ, સાડા ચાર માસના શો જામ્યા. બાદશાહ શેખે મારા માનમાં અઢી લાખ ખર્ચીને પાર્ટી આપી. ‘મરહબા મરહબા’ થઈ ગયું.’

‘મૂળ શું ?’ મેં કહ્યું : ‘ત્યાં આપણું કોણ ?આપણા હોય તો એવું થાય ?’

‘આપણા કોને ગણો છો ?’ એ બોલ્યા : ‘આપણી સાથે દિવસ-રાત રહેતા હોય એ પણ ક્યારેક આપણા ન હોય. એક જ નમૂનો દઉં. લો, ત્રેસઠની સાલની વાત છે. કેટલાં ? સત્યાવીશ વરસ થયાં. મારી જ સાથે મારા કાફલામાં ફરતા એક બંગાળી જુવાનને મારા જ એક બંગાળી હરીફે ફોડી નાખેલો. મેં મારા પ્રશંસક એવા ક.મા. મુનશીને કહીને મુંબઈમાં ભારતીય વિદ્યાભવન લીધેલું. મારા શો ચડિયાતા જવા માંડ્યા. એટલે આપણા હરીફસાહેબે મારા સાથીનેફોડ્યો. લેડી-કટિંગની આઈટમમાં વપરાતી ઈલેકટ્રિક કરવતી કે જેના મિનિટે પંદરસો આંટા ફરે છે તેના બોલ્ટ ઢીલા કરી નાખ્યા. આ કામમાં એ જ મારો આસિસ્ટન્ટ ને હું પૂરો વિશ્વાસબદ્ધ. હવે આમાં જો જરાક ઈધર ઉધર થાય તો છોકરી વેતરાઈ જાય અથવા બ્લેડ છૂટી પડીને ઓડિયન્સમાં સુદર્શન ચક્રની જેમ ઊડે તો કાળો બોકાસો બોલી જાય. હું ખેલ કરવા તૈયાર અને આ કાળો બનાવ તૈયાર. પણ કોણ જાણે શું થયું, મને બાલ્કનીમાં કોઈ કાળી આકૃતિ હાથ ફરકાવીને રોકતી હોય એવો ભાસ થયો. ‘કાવતરું છે’ એવા શબ્દો કાને પડ્યા. હું અટક્યો, ત્યાં પેલો કાવતરાબાજ ખુદ મારા કાન પાસે આવીને બોલ્યો : ‘સાહેબ, માફ કરજો. કરવતીના આંટા ઢીલા મેં કર્યા છે.’ પણ એટલી વારમાં કોઈક અજબ મનોબળ આવી ગયું હતું. હવે શો અટકાવું તો ફિયાસ્કો થાય એટલે મનમાં મેં ત્રણ વાર નવકાર મંત્ર ભણીને ભણીને મશીન ચાલુ કર્યું. કરવતીનો દાંડો હાથથી મજબૂત પકડી રાખ્યો. પ્રયોગ નિર્વિઘ્ને થયો. પણ મારા હાથમાં છાલાં પડી ગયાં. હથેળીમાંથી લોહી નીકળવા માંડ્યું. પછી તો શો પત્યા પછી મેં પેલા બંગાળીને કહ્યું, ‘મૂરખા,છોકરી બંગાળી હતી. તારી બહેન થાય.છતાં આવો કાળો કામો કર્યો ?’ પણ એ રડી પડ્યો. શું કરવું?એને કોણે ફોડ્યો હતો તેની વાત કરી.

(‘કટીંગ ધ લેડી’નો દિલધડક પ્રયોગ કરી રહેલા કે.લાલ)

’આવા તો બીજા હજાર બનાવ છે. અમદાવાદમાં પણ બન્યું હતું. એક નબળા જાદુગરના ખેલમાં ઓડિયન્સમાંથી એક જણે ‘તમે તો કે. લાલ આગળ કુચ્ચા’ એમ બોલીને ટીકા કરી એમાં ડૉરકીપરે એને માર્યો. માર ખાનારના બનેવીએ ડોરકીપરને માર્યો. ખૂન થઈ ગયું. હવે, હું બીજે ગામ ખેલ કરું ત્યાં પોલીસ મને એના ચડાવ્યે ખૂનના ગુનાસર ગિરફતાર કરવા આવી. વોરન્ટ લઈને. હળાહળ ભ્રષ્ટાચાર જ ને ? પણ એમાંથી પણ નિર્વિઘ્ન બીજે દિવસે નીકળી ગયો. મને ચડાઉ ધનેડાની જેમ પકડવા આવનાર પોલીસ અધિકારીને ગડગડિયું મળ્યું. આમાં મને મદદ કરનાર મારા પરમ વડીલમિત્ર જયભિખ્ખુ, એટલે કે બાલાભાઈ દેસાઈ, એમની તે શી વાત કરું ? મને શરૂમાં બહુ ટેકો કરેલો. મેં એક વાર એક શો કરીને એમને થેલી અર્પણ કરી તો ન લીધી. કહે કે કલમની આવક સિવાય બીજી આવક હું લેતો નથી. મારે તો આપવા જ હતા. શું કરવું ? અંતે તોડ કાઢ્યો. એમણે એમાં એકસો એક ઉમેરી દીધા. ‘જયભિખ્ખુ ટ્રસ્ટ’ સાહિત્યસેવા માટે ઊભું કર્યું. હું એમાં આજે પણ ટ્રસ્ટી છું. વર્ષે પાંચેક પુસ્તકો પણ બહાર પાડીએ છીએ.’

બગસરા દરબાર શ્રી મેરામવાળા તો ધૂમકેતુ જેવા !(હાલમાં જ અવસાન પામ્યા) અચાનક આવે, લિસોટો કરે અને અલોપ થઈ જાય. આ વખતે આવ્યા ત્યારે બાન પકડ્યા. કહ્યું : ‘કે. લાલ ને તમારા ગામ બગસરાની કંઈક નવી બાતમી આપો તો છોડું.’

‘એમણે લાખોનાં દાન કર્યાં, સેંકડો ચેરિટી શો કર્યા. વતનમાં અને વતનની બહાર ધર્માદા કર્યા. એ કહું ? કે પછી એમના બાપુજીના મોટાભાઈ લાલચંદ વાળા બગસરામાં ગાંધીજીની ઘરેડનું બાલમંદિર ચલાવે છે એ વાત કરું ?’ એ બોલ્યા.

‘કોઈ માથું પડે ને ધડ લડે એવી વાત નથી ? મેં પૂછ્યું : ‘કાંઈક પડીકાબંધ વાત આપો.’

(સ્ટેજ પાછળ કે.લાલ સાથે રજનીકુમાર પંડ્યા અને તેમનાં પત્ની તરુલતા દવે)

‘છે’ એ બોલ્યા :‘યાદ આવ્યું. મારા દાદા મોટા રામવાળા એમના રસાલા સાથે આજથી સોળેક વરસ ઉપર જાત્રાએ નીકળેલા. કોલકતા પહોંચેલા. એમનાં રાણી હીરબાઈમા દિવસે ચૂડલો અને દાગીના ઠઠાડે અને રાતે ઈસ્કોતરામાં મૂકીને વળાવિયા નાનાભાઈ ધાધલને ઓશીકે મૂકીને સાચવવા આપે. કોલકતાના ચોર ભારે કસબી. એક વાર નાના ધાધલનું માથું પડ્યું નહિ, ધડ લડ્યું પણ નહિ ને ઊંઘતું રહ્યું. સવારે દેકારો દેકારો. કોલકતામાં ચોરને ગોતવા ક્યાં? પણ કે. લાલના બાપુજી ગિધુબાપાએ ભારે દાખડો કર્યો. ચોરને ગોતાવી દીધો – ચોવીસ કલાકમાં. મને તો આમ કે. લાલના બાપા પણ જાદુગર જ લાગે છે.’

મેરામબાપુને મેં પેરોલ પર છોડ્યા. ત્યાં જાદુગર ચાનિયા આવ્યા. મને કહે કે મને કે. લાલનું સરનામું લખાવો. મેં કહ્યું લખો : ‘કે.લાલ મૅજિશિયન, રિવર વ્યુ ફ્લેટ્સ, દિનેશ હોલ પાસે, અમદાવાદ-380009.

(લેખક પર કે.લાલે લખેલા અનેક પત્રોમાંનો એક)

સરનામું લખીને એ ભાગતા હતા ત્યાં મેં પાછા ખેંચ્યા, પૂછ્યું : ‘સરનામાની ચીલઝડપ શા માટે, ચાનિયાજી?’ તો કહે : ‘નામ તો એમનું હૃદયે હતું. પણ સરનામું ખૂટતું હતું. વડોદરામાં થોડા વર્ષ પહેલાં એમના શો વખતે આગ લાગી. બધુંયે બળીને ભસ્મીભૂત થઈ ગયું. અમને જાદુગરોને સમાજમાં માનભર્યું સ્થાન અપાવનાર એ માણસ પાછો પોતાની રાખમાંથી ઊભો થઈ ગયો. મારે એમને અભિનંદનનો પત્ર લખવો છે.’

જાદુગર પર જાદુ છાંટનાર કે. લાલને મારે પૂછવું છે કે રાખમાંથી ઊભા કેમ થવાય ? જો કે એમણે તો ચહેરા ઉપર પ્લાસ્ટિક સર્જરી કરાવવા જતાં મોં વિકૃત થઈ જવાનો ભય વહોરીને પણ એ કેમ કરાવી ? ને એમાંથી ઊભા થઈને રંગમંચ પર કઈ રીતે આવ્યા ? એ સવાલનો જાદુઈ જવાબ વળી હવે પછી તરત તો નહિં પણ ફરે ક્યારેક….

**** **** ****


 

(કે.લાલના અંતિમ દિવસોમાં, 26 ઑગસ્ટ, 2012ના રોજ લેખકે લીધેલી મુલાકાત દરમિયાન આ લેખકે ઝડપેલી કે.લાલના માની તસવીર તરફ કે.લાલ આંગળી ચીંધીને બતાવી રહ્યા છે.)

.

લેખકસંપર્ક:

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

6 comments for “કુંપળમાંથી કે. લાલ (ભાગ 3)

 1. Kartik
  March 26, 2018 at 7:05 pm

  જેનુ નામ જાદુના પર્યાય તરીકે લેતા એવા કે.લાલ સાહેબની જીવની અને એમના દર્શન કરીને બહુ આનંદ થાય છે. વળી એમને મોઢે (અને તમારે મોઢે પણ) અસલ અમરેલી-ગૉંડલ-જેતપૂર વાળી કાઠીયાવાડી બોલી સાંભળીને બહુ ગમ્યુ.

 2. Piyush Pandya
  March 26, 2018 at 7:40 pm

  જીવનમાં બે વાર એમનાં કરતબો માણ્યાં છે. અહીં એમને વિશે ત્રણ હપ્તે વાંચીને એમનો રોમાંચક ખેલ જોયો હોય એટલો જ આનંદ થયો.

 3. Ishwarbhai Parekh
  March 26, 2018 at 7:45 pm

  KHUB ARTH PURN MAHITI MATE DHANAYVAAD RAJNIKUMAR .

 4. navin trivedi
  March 27, 2018 at 6:42 pm

  Shri રાજનીકુમારભાઈ =
  દરેક વખતે લખવાનું મન થાય એવી ભાષા -એકજ બેઠકે લેખ વંચાય છે – મહાન થવા માટે ગાંધીજી હોવું જરૂરી નથી – વ્યવસાય ગમે તે હોય – આદર્શો ગાંધીજીના હોય તો મહાનતાના પંથે છો તેમ કહી શકાય – આપની મહેનતનું મૂલ્ય ના હોઈ શકે – માત્ર લખવા ખાતર લાખ્ખો છું તેમ નહીં – દિલ થી લાખ્ખો છું – શુભેચ્છા સાથે – નવીન ત્રિવેદી

 5. ભોગી ભાઇ મહેતા.
  March 28, 2018 at 6:28 pm

  આપની વાત રાખવાની શૈલી અતિ સુંદર. મનને કે.લાલ ને મલવા નો આનંદ થયો. જીવન સાદગી ભર્યું પણ પ્રેમ સહુ સાથે. કોઈ ને,ભૂલે નહીં. મારા સંબંધ ખુબ સારા હતા. પુષ્પાબેન તો મારા મોટા બેન હતા. નાનપણથી એમના આશીર્વાદ તથા સ્નેહ મલ્યો છે. વર્ધા નિવાસી છીયે. બાકી તેમના શો વખતે તેમના સાથે સંગાથે આનંદ કરેલ છે..આપને વંદન અમારા. બહુજ સરસ લેખ.

 6. B Rawal
  March 31, 2018 at 11:36 pm

  No words to describe
  Fantastic representation by Rajanikumar Pandya. Congrates for such a nice reprentation .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *