કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૩૩

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

નીલેશકુમારને બેભાન થયેલા જોઈને સૌ બેબાકળા થઈ ગયાં. મનુભાઈને કળ વળી એટલે ફોન તરફ દોડ્યા અને ૯૯૯ પર ફોન જોડ્યો. ત્યાં સુધીમાં સરલાબહેન રસોડામાંથી કાંદો કાપી લાવી નીલેશકુમારના નાક પાસે ધરી રાખ્યો. અને લતાબહેન નીલેશકુમારને ઢંઢોળતાં ઢંઢોળતા, ‘ઊઠ નીલુ, ઊઠ નીલુ’ કરી‘ હિબકે ચઢી ગયાં.

મનુભાઈ બારણું ખોલી વારંવાર ઘડિયાળમાં જોતાં જોતાં, એમબ્યુલંસની રાહ જોતાં હતાં . ૮/૯ મિનિટો તો યુગો જેવડી લાંબી લાગી.

ત્યાં તો એમબ્યુલંસ આવી અને પેરામેડિકે તરત જ પહેલું નીલેશકુમારનું બ્લડ પ્રેશર માપતાં માપતાં આ કઈ રીતે બન્યુ તે પૂછ્યું.

સરલાબહેને મોઘમ જવાબ આપ્યો, ‘સમથીંગ હેપંડ ઈન અવર ફેમિલિ એંડ ધેરફોર હી વોઝ વેરી અપસેટ.’

પેરામેડિકે પ્રેસર જોઈને જલ્દીથી સ્ટ્રેચર મંગાવ્યુ, ‘હી ઈઝ અનકોંસિયસ બીકોઝ હીઝ પ્રેશર ઈઝ ટૂ… હાઈ. વી હેવ ટુ ટેઈક હીમ ટુ ધ હોસ્પિટલ.’ કહી સીધું જ સ્ટ્રેચર એમબ્યુલંસમાં મૂકાવ્યું. લતાબહેન ઘરની સ્લીપરમાં જ સ્ટ્રેચર પાછળ ગયાં અને એમબ્યુલંસમાં બેસી ગયા. એમબ્યુલંસ સાઈરન વગાડતી ઊપડી.

સરલાબહેને ઘરની ચાવી શોધી ત્યાં સુધીમાં મનુભાઈએ બધી લાઈટો અને રૂમોના દરવાજા બંધ કરી દીધાં અને આગળનું બારણું લૉક કરી હોસ્પિટલ તરફ તેમની કાર ભગાવી.

મનુભાઈએ ઘડિયાળમાં જોયું તો રાત્રીના અગિયાર થવા આવ્યા હતાં.

વાત આવો વળાંક લેશે એવી તો કોઈને ખબર નહોતી ! આખરે કારમાં બેઠાં પછી સરલાબહેન થોડાં સ્વસ્થ થયાં ત્યારે પ્રીતને ફોન કરવો કે નહીં તેની વિમાસણમાં તેઓ પડ્યાં..

મનુભાઈની સલાહ માંગી પરંતુ મનુભાઈ હજુ સરલાબહેન જેટલાં સ્વસ્થ થયાં નહોતા એટલે ‘તને જેમ યોગ્ય લાગે તેમ કર‘ કહી ડ્રાઈવિંગમાં ધ્યાન પરોવ્યું.

થોડું વિચારી સરલાબહેને કિશનને ફોન કર્યો., ‘બેટા, ફુઆને પ્રીતની વાત કરીને એટલે એમનું તો બ્લડ પ્રેશર એટલું તો હાઈ થઈ ગયું કે અનકોંશિયસ થઈ ગયા છે…..હા, અમે હોસ્પિટલ જ જઈએ છીએ. તને શું લાગે છે, પ્રીતને હોસ્પિટલ બોલાવીયે કે નહી ?’

‘મમ, લેટ મી ટૉક ટુ હિમ ફર્સ્ટ. મને લાગે છે કે કદાચ એને એમ થશે કે એને લીધે એના ડેડને આવું થયું તો ખબર નહીં એ કેવું રીએકશન આપશે ?’

‘તમે ત્રણેય ભાઈ બહેન એ વિષે વાત કરી લો અને જે ઠીક લાગે તે કરો. પણ મને જો કે તારી વાત બરાબર લાગે છે . ફુઆ ભાનમાં આવે અને જેને કારણે એમને આ થયું તેને જોઈને ફરી એમને શું થાય તેની કોને ખબર છે ?’ કહી ફોન મૂક્યો.

હોસ્પિટલમાં ઈમરજ્ન્સી વોર્ડમાં એ લોકો પહોંચ્યા ત્યારે ચિંતાતુર ચહેરે લતાબહેન કોરીડોરમાં આંટા મારતાં હતાં. મનુભાઈ અને સરલાબહેનને આવતાં જોઈને દોડીને તેમની પાસે પહોંચી ગયાં. અત્યાર સુધી કંટ્રોલમાં રાખેલું રૂદન મોકળું થઈ ગયું અને મનુભાઈને વળગીને તેઓ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા.

સરલાબહેને તેમને માથે હાથ ફેરવતાં ફેરવતાં, સાંત્વન આપતાં આપતાં, નીલેશકુમારને અહીં લઈ આવ્યા પછી કંઈ સુધારો થયો કે નહી? ભાનમાં આવ્યા કે નહીં વિગેરે પૂછ્યું.

‘ના હજુ ભાનમાં તો નથી આવ્યા પરંતુ ડૉક્ટરે કહ્યું કે સ્ટ્રોક નથી આવ્યો એ સારી નિશાની છે. તેમને ભાનમાં લાવવાનો પ્રયત્ન એ લોકો કરે છે.’ પછી એક મોટો નિસાસો નાંખી ભગવાનને પ્રાર્થના કરતાં હોય તેમ બે હાથ જોડી બોલ્યા, ‘હે, ભગવાન , હેમરેજ ન થયું હોય તો સારું !’

અચાનક યાદ આવ્યું અને લતાબહેને મનુભાઈએ, પ્રીતને ફોન કર્યો કે નહીં , પૂછ્યું:

સરલાબહેને જવાબ આપ્યો, ‘બેન ચિંતા ન કરો. મેં કિશુ, નમન અને નંદાને એ જવાબદારી સોંપી છે. એ ત્રણે ય જણ વિચારીને પ્રીત સાથે ચર્ચા કરીને નક્કી કરશે કે આવા નાજૂક સમયે પ્રીતે આવવું જોઈએ કે નહીં.’

પછી થોડું અટકીને વાસ્તવિકતા કહી, ‘ બેન, પ્રીતને ખબર પડશે એટલે એને એમજ થશે ને કે એના ડેડને એના લીધે જ આવું થયું એટલે પ્રીતને ય સંભાળવાનો છે. વળી નીલેશકુમાર ભાનમાં આવે અને એને જ સામે જોઈને …’

‘તારી વાત સાચી છે, સરલા.’ પછી ગળગળા અવાજે રુંધાતા સ્વરે કહ્યું, ‘તમે લોકો ન હોત તો ખબર નહીં મારું…’ ફરી લતાબહેન ધ્રુસકે ચઢી ગયાં.

સરલાબહેને એમને મોઢે હાથ દઈ દીધો, ‘સ…સ, એવું નહી કહો, બેન. આવી પરિસ્થિતિમાં આપણે એકબીજાને ટેકો ન આપીયે તો ક્યારે આપીશું?’

મનુભાઈ બધાં માટે કડક કોફી લઈ આવ્યા. સ્નેહાને ફોન કરીને મોડું થશે એટલે એલાર્મ સેટ ન કરે અને રાહ ન જોવાનું પણ કહી દીધું.

તરત જ ટ્રીટમેંટ મળી એટલે કે પછી નસીબ જોર કરતું હશે એટલે નીલેશકુમાર ભાનમાં આવી ગયા અને બીજું કોઈ નુકશાન પણ થયું નહોતું. પરંતુ ઓબ્ઝર્વેશન માટે એમને ઓવર નાઈટ હોસ્પિટલમાં રાખ્યા. મોડી રાત્રે મનુભાઈ અને સરલાબહેન લતાબહેનેને લઈને ઘરે આવ્યા.

ઘરે આવ્યા પછી લતાબહેનને થોડી કળ વળી, ‘તારા જીજાજીની એક ઘાત ગઈ મનુ. પરંતુ આ છોકરાનું શું કરવું તે મને સમજાતું નથી સરલા.’

મનુભાઈએ સમજાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘જો બહેન, જે પરિસ્થિતિ છે એમાં કોઈ ફેરફાર થઈ શકવાનો નથી એટલે બેસ્ટ થીંગ ઈઝ, કે આપણે આપણા મનને તૈયાર કરવાનું રહ્યું. ‘

‘સાચી વાત છે તમારા ભાઈની, બેન. આ છોકરાઓ કહેતાં હતાં કે માત્ર આપણો સમાજ જ નહી ઈવન આ ધોળેયાઓમાં પણ હોમોસેક્શ્યુઆલિટિ વિષે ઝાઝી જાગ્રુતિ આવી નથી. પણ આપણો સમાજ એટલો પંચાતિયો છે કે દરેકને છોકરા કે છોકરીનું શું થશે એના કરતાં સમાજ શું કહેશેની ચિંતા વધારે છે. અને એવી સ્થિતિમાં ઘરના, પોતાના માણસોનો સાથ ન મળતાં, ઘર અને સમાજથી અલગ થઈ જાય…… નહીં તો આ છોકરાંઓ કહેતાં હતાં તેમ……ઘણા તો જીંદગી પણ ટૂંકાવી દે! એટલે બહેન, હવે મન મજબૂત કરીને આપણે પ્રીતને સાથ આપવાનો છે.‘ સરલાબહેને લતાબહેનના તાજા જ પડેલા ઘા પર મલમ લગડતાં હોય એવી સલુકાઈથી ખૂબ જ અગત્યની વાત મૂકી.

વહેલી સવારે ૪ વાગ્યે ત્રણે ય જણ સૂવા ગયાં. મનુભાઈને ઊંઘ આવશે તો માંડ બે કલાક સૂવા મળશે તો મળશે, નહીં તો કાંઈ નહીં!

બીજો દિવસ તો એ જ ઉતાવળ લઈને આવ્યો. મનુભાઈને શૉપ પર ગયા વગર છૂટકો નથી. સરલાબહેનને પણ ઘરના રોજીંદા કામો આટોપવાની સાથે સાથે લતાબહેનને સાચવવાનાં છે, આ વાતથી સાવ જ અજાણ ધનુબાથી આ વાત કઈ રીતે છૂપાવવાની તેની ચર્ચા ધનુબા ઊઠે તે પહેલા લતાબહેન સાથે કરવી પડશે!

એટલે એમને થયું ચાલ, લતાબહેનના રૂમમાં જઈને જ વાત કરી લઉં. કોઈ જાગી ન જાય એ રીતે અવાજ કર્યા વગર લતાબહેનના રૂમમાં ગયાં. જાગતાં જ સિલિંગ ને જોતાં હોય તેમ ખુલ્લી આંખે લતાબહેન સૂનમૂન પડી રહ્યા હતાં. ધીમે અવાજે લતાબહેન અને સરલાબહેને ધનુબાને શું કહેવાનું તે નક્કી કરી લીધું, – નીલેશકુમારની તબિયત બગડી એટલે મનુભાઈને મોબાઈલ પર ફોન કર્યો ત્યારે તેઓ એમના ફ્રેંડને ત્યાં હતા. એટલે પછી સીધાં જ લતાબહેનને ત્યાં એ લોકો પહોંચી ગયા. ત્યાર પછીની વાત જેમ છે તેમ જ કરવી પરંતુ પ્રીતની વાત ન કરવી – એમ નક્કી કર્યું.

સ્નેહાને વાતની ખબર હતી એટલે બને એટલી સ્વસ્થ રહીને ઘરનું કામ ઉપાડી લીધું. સ્નેહાને ધનુબા માટે ડૉક્ટરની એપોંઈટમેંટ લેવાનું કહી ધનુબાને નક્કી કર્યા મુજબની વાત કરી. અને લતાબહેન જાગશે ત્યારે તમને વિગતે વાત કરશે કહી વાત ટૂંકમાં જ પતાવી.

ત્યાં તો હોસ્પિટલમાંથી નીલેશકુમારનો જ ફોન આવ્યો અને આજે ડિસ્ચાર્જ કરવાના છે એટલે લતાબહેનને હોસ્પિટલ પહોંચી જવા જાણાવ્યું. જતાં પહેલા, ચા પીતાં પીતાં લતાબહેને ધનુબાને ચિંતા ઓછી થાય એ રીતે નીલેશકુમારના હાઈ બ્લડપ્રેશરની વાત કરી. પછી ટેક્ષી કરીને નીલેશને લઈને સીધા તેમના ઘરે જ જશે એમ સરલાબહેનને જણાવી લતાબહેન હોસ્પિટલ જવા નીકળ્યાં.

કિશને રાતના જ પ્રીતને બધી વાત કરી અને નીલેશફુઆ થોડાં સ્વસ્થ થાય પછી વ્યવસ્થિત રીતે વાત કરવાનું બન્ને જણે નક્કી કર્યું. પ્રીતે એની મમ – લતાબહેનને, એ એના ફ્રેંડને ત્યાં જ હમણા રહેશે, એ સમજાવી દીધું.

આખું અઠવાડિયું ગયું . એ દરમ્યાન નીલેશકુમારે પરિસ્થિતિને ધીમે ધીમે સ્વીકારવા માંડી હોય તેમ લાગ્યું. પરંતુ હજુ પણ લોકો શું કહેશેનો ડર એમને ખૂબ મથાવતો રહેતો હતો.

આ તરફ લતાબહેનની અંદર રહેતી બે સ્ત્રી વચ્ચે આખો દિવસ ઘમાસાણ ચાલ્યા કરે છે પણ દિવસની આખરે ‘મા’ જીતે છે. પણ વળી બીજે દિવસે એ જ ઘમાસાણ !

જો કે ઈંડિયાથી આવેલી પેલી છોકરીને અને એના મા-બાપને પ્રીતની નામરજીની વાત કરી દીધી એટલે લતાબહેનના જીવને થોડી શાતા વળી .

મનુભાઈને તો રવીવાર છે તો પણ સવારે સાત વાગ્યે શોપ ખોલવી જ પડે એટલે ન છૂટકે એ તો ગયા. પરંતુ સરલાબહેનની આંખ પણ સાડા સાત વાગ્યે ઉઘડી ગઈ. એક પછી એક ઊભી થયેલી પરિસ્થિતિઓમાંથી પસાર થતાં થતાં, હમણા છેલ્લા થોડા દિવસોથી સરલાબહેનને કોઈ એવી જગ્યાએ જવાની ઈચ્છા થાય છે જ્યાં મનને શાતા વળે એવું સાંભળવા મળે અને જીવન તરફનો અભિગમ હકારાત્મક બને. વળી એમ કરવાથી મન અને તન બન્નેને આંતરિક શક્તિ મળશે એ વિચારે અધ્યયન કેંદ્રમાં જવાનું નક્કી કર્યું. નીચી આવી ધનુબાનો ચા-નાસ્તો તૈયાર કરી તેઓ નહાવા માટે બાથરૂમમાં ગયા.

તૈયાર થઈને નીચે આવ્યા ત્યારે જોયું તો સ્નેહા પણ ઉઠી ગઈ હતી અને બાથરૂમ ખાલી થવાની રાહ જોતી, ધનુબા સાથે વાતો કરતી બેઠી હતી.

રવિવારના દિવસે સરલાબહેનને બહાર જવા માટે તૈયાર થયેલા જોઈને ધનુબા અને સ્નેહા-બન્નેને નવાઈ લાગી!

બન્નેના આશ્ચર્યને જવાબ આપતાં એમણે કહ્યું, ‘આજે થયું કે પેલા અધ્યયન કેંદ્રમાં આંટો મારી આવું.’

ધનુબા એમના અસલ મિજાજમાં આવી ગયા, ‘ના, નથી જવાનું. આ એકે તો ઘર ઉજાડ્યું……’


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *