સચિન દેવ બર્મન અને અન્ય પુરુષ પાર્શ્વ ગાયકો :: [૧]

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ

સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકોના સ્વરમાં ગવાયેલાં સૉલો અને યુગલ ગીતોની આ શ્રેણીમાં આપણે કિશોરકુમાર, મુહમ્મદ રફી, મૂકેશ, તલત મહમૂદ, હેમંતકુમાર અને મન્ના ડેનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.

સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકો માટેનાં સૉલો અને યુગલ ગીતોની કુલ સંખ્યા ૩૪૨ જેટલી ગણવામાં આવે છે.તે પૈકી ૬૦ % જેટલો સિંહ ફાળો તો સ્વાભાવિકપણે કિશોરકુમાર (૧૧૫ ગીતો) અને મુહમ્મદ રફી (૯૦ ગીતો)ના સ્વરમાં ગવાયેલાં ગીતોનો હોય જ. તેમાં મૂકેશ, તલત મહમૂદ હેમંતકુમાર અને મન્ના ડેએ ગાયેલાં ગીતો પણ ઉમેરીએ તો તેમણે રચેલાં પુરુષ સ્વરનાં ગીતોના ૮૩ % જેટલાં ગીતોનો સમાવેશ થઈ જાય. તે ઉપરાંત, સચિન દેવ બર્મને રચેલાં અને તેઓના સ્વરમાં ગવાયેલાં ગીતો કુલ સંખ્યાના ૪ % જેટલાં થાય.

આ સિવાય તેમણે કોઈ એક ગાયક સાથે એક્કડદુક્કડ ગીતો રચ્યાં હોય એવાં ગીતોની સંખ્યા ૩૪ જેટલી અને એવા ગાયકોની સંખ્યા ૧૮ જેટલી થવા જાય.

ફિલ્મ સંગીતની મજા માણવાની તૈયારી કરતાં કરતાં આ આંકડાઓએ વ્યાપાર-ઉદ્યોગ અને સાંખ્યિકીશાસ્ત્રમાં બહુ જાણીતા એવા ‘લાંબી પૂંછડી’ વિષયની યાદ કરાવી આપી.સચિનદેવ બર્મને રચેલાં મુખ્ય ધારાના સાત પુરુષ પાર્શ્વગાયકોનાં ગીતોની સંખ્યા ઉલટાવી નાખેલ ૮૦ઃ૨૦ના સિદ્ધાંતવાળા ૮૦+% ભાગમાં ફેલાયેલ છે.તેમનાં ‘અન્ય’ ૧૮ પુરુષ ગાયકોનાં ૩૪ ગીતો ૧૩%વાળી “લાંબી પૂંછડી” છે.
 

[૧]

આજના અંકમાં આપણે ૧૯૪૬માં તેમની હિંદી ફિલ્મ કારકીર્દીની શરૂઆતથી ૧૯૪૯ સુધીનાં સચિન દેવ બર્મનનાં અન્ય પુરુષ ગાયકોનાં ગીતોને સાંભળીશું. આ સમય ગાળામાં તેમણે ૮ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, જે પૈકી પાંચ ફિલ્મો આપણે આજના અંકમાં આવરી લીધેલ છે. ૧૯૪૭ની ફિલ્મ ‘ચિત્તોડ વિજય’નાં ગીતોની સૉફ્ટ લિંક નથી મળી શકી એટલે એ ગીતોનાં ગાયક કોણ છે તે નથી જાણી શકાયું.ફિલ્મમાં મુખ્ય કલાકારો રાજ કપૂર અને મધુબાલા હતાં. ૧૯૪૮ની ફિલ્મ ‘વિદ્યા’નાં મુખ્ય કલાકારો દેવ આનંદને સુરૈયા હતાં અને પુરુષ સ્વરનાં ગીતો મૂકેશે ગાયાં હતાં. ‘શબનમ’ (૧૯૪૯) માં મુખ્ય ભૂમિકામા દિલીપ કુમાર હતા, પણ તેમના માટે પાર્શ્વ ગાયન મૂકેશે જ કરેલ. એ પછી ૧૯૫૦ની ફિલ્મ ‘પ્યાર’માં રાજ કપૂર માટે સચિન દેવ બર્મને કિશોર કુમારના સ્વરનો પણ ઉપયોગ કર્યો.

આમ જોઈ શકાય છે કે, આ એવો સમય છે જ્યારે દિલીપ કુમાર, દેવ આનંદ કે રાજ કપૂર હજૂ નહોતા તો સ્ટાર બની ચૂક્યા કે ન તો તેમના માટે અલગ અલગ પાર્શ્વગાયકો નક્કી થઈ ચૂકેલા. એ સિવાયના એ સમયના અન્ય હીરો તો પોતાનાં ગીતો પોતે જ ગાતા. મૂકેશ, તલત મહમૂદ કે કિશોર કુમાર, મુહમ્મ્દ રફી કે પછી મન્ના ડેમાંથી કોઈ એકનો સ્વર જ પાર્શ્વગાયક તરીકે હોય એટલી હદે આ ગાયકો હજૂ પ્રસ્થાપિત નહોતા થયા. ખુદ સચિન દેવ બર્મન પણ ‘સફળ’ કહી શકાય એ સ્થિતિમાં હજૂ પહોંચ્યા નહોતા.

૧૯૪૬થી ૧૯૪૯ સુધીનાં સચિન દેવ બર્મને રચેલાં અન્ય પુરુષ ગાયકોનાં ગીતો આ પ્રકારની પૂર્વધારણાને પુષ્ટિ કરતાં હોય એમ જણાય છે

સચિન દેવ બર્મન – એસ એલ પુરી

નેટ પર શોધખોળ કરીશું તો જાણવા મળે છે કે એસ એલ પુરીએ ૧૯૩૪થી ૧૯૫૭ સુધીની ઘણી ફિલ્મોમાં નાનીમોટી ભૂમિકાઓ કરી છે.

બાબુ બાબુ રે દિલકો બચાના – એસ ડી બર્મન સાથે – આઠ દિન (૧૯૪૬) – ગીતકાર: ક઼મર જલાલાબાદી / જી એસ નેપાલી (?)

ફિલ્મમાં અશોક કુમાર પણ છે, એસ એલ પુરી તો ફિલ્મમાં એક કલાકાર તરીકે પણ છે એટલે એમણે તો પોતાના જ પાત્ર માટે ગીત ગાયું હશે તેમ માની લઈએ પરંતુ પ્રસ્તુત ગીતની ઓડીયો ક્લિપ જ ઉપલબ્ધ છે એટલે એ સિવાય કયા અભિનેતા માટે કયા ગાયકે પાર્શ્વગાયન કર્યું હશે તે ખબર નથી પડતી.

ફિલ્મની પટકથા સાદત મન્ટોએ લખી હતી. ફિલ્મ સામાજિક વ્યવસ્થા પર કટાક્ષમય કોમેડી સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવી હતી.

કેટલીક દસ્તાવેજી નોંધ પ્રમાણે મન્ટોએ પણ ફિલ્મમાં કોઈ નાનું પાત્ર પર્દા પર ભજવેલ છે.

સચિન દેવ બર્મન – ચિતળકર

એક નયી કલી દુબલી સી દુલ્હન બન કે…- આઠ દિન (૧૯૪૬)- મીના કપૂર સાથે – ગીતકાર જી એસ નેપાલી

એ સમયે પાર્શ્વગાયકોની ખેંચ હશે એટલે સચિન દેવ બર્મનને ચિતળકર મળ્યા હશે કે સી રામચંદ્ર પણ પોતાની કારકીર્દી જામે ત્યાં સુધી જે કામ મળે તે કરવું દૃષ્ટિએ આ ગીત ગાવા રાજી થયા હશે તે તો જાણ બહારની વાત છે.

સચિન દેવ બર્મન અને ચિતળકરનુંએક બીજું ગીત પણ છે જે ૧૯૫૪ની ફિલ્મ ‘ચાલીસ બાબા એક ચોર’નું છે. ચિતળકરનાં ગીતને એક સાથે રજૂ કરવાના આશયથી એ ગીત અહીંયાં જ સમાવેલ છે.

તેરીયા તેરીયા તેરી યાદ સતાયે તેરી યાદ – ચાલીસ બાબા એક ચોર (૧૯૫૪) – લતા મંગેશકર સાથે – ગીતકાર: પી એલ સંતોષી

આપણે આ લેખના બીજા ભાગમાં જોઈશું તેમ ૧૯૫૦માં ફિલ્મ જગતમાં પોતાનું એક ચોક્કસ સ્થાન પ્રસ્થાપિત થયા બાદ સચિન દેવ બર્મને મુખ્ય ધારા સિવાયના ગાયકોને કોઈ નિશ્ચિત પ્રયોગના ભાગ રૂપે જ પ્રયોજ્યા હતા.પ્રસ્તુત ગીતમાં ચિતળકરના સ્વરને લગભગ છ વર્ષ પછી યાદ કરવા પાછળ કંઈક આવું જ ગણિત હશે! ગીત તો જો કે ચિતળકર જે પ્રકારનાં ગીતો ગાતા એ જ મૂડનું છે..

સચિન દેવ બર્મન + અશોક કુમાર

અશોક કુમાર જેમાં મુખ્ય પાત્રમાં હોય, ફિલ્મમાં સંગીત સચિન દેવ બર્મનનું હોય અને એમાં પાછું અશોક કુમારના ભાગે પર્દા પર ગીત ગાવાનું પણ આવ્યું હોય એવા કિસ્સાઓ સાવ નગણ્ય સંખ્યામાં નથી. આવું એક બહુ જ જાણીતું કહી શકાય એવું ઉદાહરણ આપણે ‘મેરી સૂરત તેરી આંખે’માટે જોઈ ચૂક્યાં છીએ આ ફિલ્મમાં તો સચિન દેવ બર્મને મુહમ્મદ રફી અને મન્ના ડે એમ બે ગાયકોના સ્વરનો ઉપયોગ કર્યો હતો. બીજું એક ઉદાહરણ આપણે આ લેખના બીજા ભાગમાં હવે પછી જોઈશું. એ બન્ને ફિલ્મોના સમયમાં ઘણો ફેર છે. ૧૯૬૩ સુધીમાં તો મુખ્યધારાના પાર્શ્વગાયકો પાસે જ ગીત ગવડાવવાની પ્રથા વણલખ્યો નિયમ બની ચૂકેલ હતી. જે બીજી ફિલ્મની વાત કરીશું એ સમય સુધીમાં પણ અશોક કુમારે મોટા ભાગે પોતાના અભિનિત પાત્રો માટે પોતાના જ સ્વરમાં ગાવાનો આગ્રહ છોડી દીધો હતો. આમ, સચિન દેવ બર્મને અશોક કુમારના જ સ્વરમાં ગીત પણ ગવડાવ્યું હોય તેવું માત્ર એક જ ફિલ્મ, શિકારી (૧૯૪૬) માં જ થયું છે.

ડોલ રહી હૈ નૈયા મોરી – સાથીઓ સાથે – ગીતકાર: જી એસ નેપાલી

ડોલ રહી હૈ નૈયા મોરી – પારો દેવી સાથે – ગીતકાર: જી એસ નેપાલી

ગીતના શબ્દો પરથી જ અંદાજ તો આવી જ જશે કે આ યુગલ ગીત ઉપરના ગીતનું જોડીયું વર્ઝન છે.

હર દિન હૈ નયા – અમીરબાઈ કર્ણાટકી સાથે – ગીતકાર: જી એસ નેપાલી

સચિન દેવ બર્મન – શ્યામ સુંદર

સચિન દેવ બર્મને શ્યામ સુંદર પાસે ત્રણ ગીત ગવડાવ્યાં છે. પરદા પર આ ત્રણેય ગીત ભજવ્યાં પણ શ્યામ સુંદરે જ છે. ત્રણેય ગીત ૧૯૪૭ની ફિલ્મ ‘દિલ કી રાની’નાં છે.

લૂટ લિયા દિલ ચિતચોરને – ગીતકાર: વાય એન જોશી

નાયક (રાજ કપૂર)નું ચિત ચોરી જનાર નાયિકાનો ફોટોગ્રાફ તેના મિત્ર (શ્યામ સુંદર)ના હાથમાં આવી ચડ્યો છે.

મોહબતકી ખાના.. કભી ન મિઠાઈ, ક્યા સમઝે.. કભી ન ખાના મોહબ્બતકી ન ખાના કભી ન મિઠાઈ – ગીતકાર (?)

હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતના ગાયક તેમ જ ગીતકાર વિષે સ્પષ્ટ નિર્દેશ નથી મળતો. ગીત સાંભળતાં ગાયક તો શ્યામ સુંદર છે એ સમજી શકાય છે, ગીતકાર તો ક્યાંથી ખબર પડે?

સર ફોડ ફોડ મર જાના કિસીસે દિલ ન લગાના – ગીતકાર: વાય એન જોશી

કેટલીક અન્ય વેબ સાઈટ્સ પર ફિલ્મના રિવ્યૂ વાંચતાં એટલું સમજાય છે કે ફિલ્મના નાયક (રાજ કપૂર) મિત્ર (શ્યામ સુંદર) પણ નાયિકાને નાયક માટે રીઝવવાના નુસ્ખા અજમાવતો રહે છે, પ્રસ્તુત ગીત આવા જ એક પ્રયાસ રૂપે ગવાયું લાગે છે.

સચિન દેવ બર્મન – રાજ કપૂર

આ ઉપશીર્ષક વાંચીને થોડું ચોંકી જવાય તો તેમાં કંઈ ખોટું નથી. પરંતુ હકીકત એ છે કે આ બન્નેએ સાથે કામ કર્યું છે તે ફિલ્મ પણ ઉપરનાં ગીતના સંદર્ભમાં ઉલ્લેખાયેલ ૧૯૪૭ની ‘દિલ કી રાની’ છે. આ એ પણ વર્ષ છે જ્યારે સચિન દેવ બર્મને હજૂ તેમનું સૌથી પહેલું હિટ ગીત ‘મેરા સુંદર સપના બીત ગયા‘ આપ્યું હતું. અભિનેતાઓ પોતાનાં ગીત પોતે જ ગાતા. મૂકેશ કે મુહમ્મદ રફીના સિતારા હજૂ તો દૂર દૂર ક્ષિતિજે ઉગું ઉગું થઇ રહ્યા હતા. રાજ કપૂર હજૂ તેના પોતાના બેનર હેઠળની પહેલી ફિલ્મ ‘આગ’ અને સચિન દેવ બર્મને સંગીતબધ્ધ કરેલ દેવ આનંદ અભિનિત પહેલી ફિલ્મ ‘વિદ્યા’ એક વર્ષ પછી અને સચિન દેવ બર્મનની દિલીપ કુમાર સાથેની પહેલી ફિલ્મ ‘શબનમ’ બે વર્ષ પછી આવવાની હતી. આ પ્રકારના સંજોગોમાં સચિન દેવ બર્મન અને રાજ કપૂર સાથે હોય અને રાજ કપૂરે તેમણે રચેલું ગીત પણ ગાયું હોય તે આશ્ચર્યજનક ન ગણાવું જોઈએ !

ઓ દુનિયા કે રહનેવાલો બોલો કહાં ગયા ચિતચોર – ગીતકાર: વાય એન જોશી

નાયક (રાજ કપૂર) ગાયક છે. અહીં તેનાં ગીતનું રેડિયો માટે રેકોર્ડીંગ થઈ રહ્યું છે.

ઓ દુનિયા કે રહનેવાલો બોલો કહાં ગયા ચિતચોર – ગીતા રોય સાથે – ગીતકાર: વાય એન જોશી

નાયકે (રાજ કપૂર) રેડિયો પર ગાયેલું ગીત હવે એટલું લોકપ્રિય થઈ ચૂક્યું છે કે સમાજનાં દરેક વર્ગનાં લોકોના હોઠ પર એ ગુંજતું રહે છે.

સચિન દેવ બર્મન – જી એમ દુર્રાની


અજી પ્રીત કા નાતા ટૂટ ગયા, મેરા પ્રીતમ મુઝસે છૂટ ગયા – દો ભાઈ (૧૯૪૭) – ગીતા રોય સાથે – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન

આજના અંકમાં આપણે જેમ ઉલ્લેખ કરતાં રહ્યાં છીએ કે સચિન દેવ બર્મનની કારકીર્દીના શરૂઆતના આ તબક્કામાં ‘૫૦ અને ‘૬૦ના દાયકામાં તેમણે જેમની સાથે કામ કર્યું એ ગાયકો હજૂ પ્રસ્થાપિત થયા નહોતા, એટલે એ સમયે પાર્શ્વગાયનમાટે જે નામ વધારે સ્વીકાર્ય હોય તેવા ગાયકો સાથે તેમણે કામ કર્યું હશે તેમ જણાય છે.

સચિન દેવ બર્મન – કે એસ રાગી

કે એસ રાગી પણ મારા માટે અજાણ્યું નામ છે. નેટ પર શોધખોળ કરતાં બ્લૉગવિશ્વ પર ઘણી જ અજાણ માહિતીના ખજાના સમા બ્લૉગર મિત્ર શ્રી અરૂણકુમાર દેશમુખે રજૂ કરેલી કે એસ રાગી વિષેની ઝાંખીપાંખી માહિતી મળે છે. હાનમકોન્ડા, વારંગલ (એ સમયનું આંધ્ર પદેશ, હવે તેલંગણ)માં જન્મેલા કે એસ રાગી કિશોર વયે મુંબઈ ભાગી આવ્યા, અહી તેઓ ૧૨ વર્ષ રહ્યા પણ પછી બિમાર પડતાં પાછા સ્વદેશ જતા રહ્યા. તેમણે હિંદી ફિલ્મોમાં છૂટપૂટ ગીતો ગાયાં છે, એકાદ બે ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે અને દાગ (૧૯૫૨) અને પતિતા (૧૯૫૩) જેવી ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે.

યાદ રખના મુઝે યાદ રખના, પ્રીત કી દુનિયા મેરી આબાદ રખના – દો ભાઈ (૧૯૪૭) – ગીતા રોય સાથે – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન

આ ગીતની ક્લિપ જોતાં એટલો ખયાલ આવી જ જાય છે કે આ પહેલાંનું અને પ્રસ્તુત ગીત પરદા પર તો ફિલ્મના હીરો, ઉલ્હાસે, ગાયાં છે. લાગે છે કે એક જ ફિલ્મમાં એક જ અભિનેતા માટે અલગ અલગ ગાયકોને પ્રયોજવા અંગે સચિન દેવ બર્મનને આટલા શરૂઆતના તબક્કાથી જ કોઇ પરહેજ નહોતો !

સચિન દેવ બર્મન – સુરેન્દ્ર

સચિન દેવ બર્મન અને સુરેન્દ્રની સંગત છેક ૧૯૪૯માં થઈ. સુરેન્દ્ર તો એ સમયે બહુ મોટાં ગજાંના અભિનેતા-ગાયક તરીકે સ્વીકૃત થઇ ચૂક્યા હતા. આ બન્નેનું સહકાર્ય એક જ ફિલ્મમાં થયું હતું.

મૈં તો હૂં ઉદાસ મગર, વો ભી હૈ સોખ જફાર ગ઼મ, ઉનકે ભી દિલમેં દર્દ હૈ, અય દિલ-એ-બેક઼રાર ક્યું – કમલ (૧૯૪૬) – ગીતકાર: પ્રેમ ધવન

કેમ જાણ કેમ પણ આ ગીત સાંભળતી વખતે એવું લાગ્યા કરે છે કે આ ગીત સચિન દેવ બર્મને પોતે ગાવાની દૃષ્ટિએ રચ્યું હશે !

ખેર, તેમની કારકીર્દીની શરૂઆતમાં સુરેન્દ્રને ‘બોમ્બેના સાયગલ’ તરીકે માર્કેટ કરાતા હતા એટલે ગીતના મુખડામાં કે એલ સાયગલે ગાયેલ ‘અય દિલ-એ-બેક઼રાર ક્યું‘ને પણ વણી લેવાયેલ હશે !

અબ રાત ગયી બીત રે – કમલ (૧૯૪૯)- ગીતકાર: જી એસ નેપાલી

સુરેન્દ્રના અવાજને પૂરેપૂરો ન્યાય મળવાની સાથે સચિન દેવ બર્મનની આપણને જાણીતી કહી શકાય તેવી ધુન રચના પણ આ ગીતમાં અનુભવાય છે.

જૂમ જૂમ કે નાચે મનવા ગાયે જા ગાયે જા ગાયે જા – કમલ (૧૯૪૯) – ગીતકાર: પ્રેમ ધવન

આ ગીતમાં ફરી સચિન દેવ બર્મનની પોતાની ગાયન શૈલીની ઝલક દેખાતી રહે છે

કહેને કો હૈ તૈયાર મગર કૈસે કહે હમ – કમલ (૧૯૪૯) – ગીતા રોય સાથે – ગીતકાર જી એસ નેપાલી

સુરેન્દ્ર છેક છેલ્લા અંતરામાં જોડાય છે.

સચિન દેવ બર્મન – મોતીલાલ

‘૫૦-‘૬૦ના દાયકાની ફિલ્મોમાં જેમને રસ છે તેવાં સુજ્ઞ મિત્રો માટે મોતીલાલ અજાણ નામ નથી. પણ તેમણે પણ પોતાનાં ગીતો પોતે ગાયાં હોય તે કદાચ કંઈક નવા પમાડે એવી ઘટના જરૂર કહી શકાય.

પ્યારા પ્યારા હૈ સમા માય ડીઅર કમ ટુ મી – કમલ (૧૯૪૯) – મીના કપૂર સાથે – ગીતકાર રાજા મહેંદી અલી ખાન

તેમની કારકીર્દીની શરૂઆતમાં મોતીલાલે એવી ઘણી ફિલ્મો કરી હતી જેમાં તેમની ભૂમિકા હળવી હોય. ગીતની સીચ્યુએશનની માગ મુજબ સચિન દેવ બર્મને તો એક હલકીફૂલકી ધૂન પીરસી જ છે, પણ સામાન્યતઃ ગંભીર ગ઼ઝલો માટે યાદ રહેતા ગીતકાર રાજા મહેંદી અલી ખાન પણ પાછા નથી પડ્યા.

આજના અંકમાં એક સમયખંડનાં ગીતોને પસંદ કરવામાં કુલ ગીતોની સંખ્યા પણ થોડી વધારે જ થઈ ગઈ છે. તે ઉપરાંત, હવે પછીનું ૧૯૫૦નું વર્ષ ઘણા સંદર્ભમાં હિંદી દિલ્મ સંગીતની તવારીખનાં નવાં પ્રકરણના ઉઘાડને લાવ્યું હતું. સચિન દેવ બર્મનની કારકીર્દીને પણ એ વર્ષમાં જે વળાંક મળ્યો તે પછીથી તેમની કારકીર્દીનો આલેખ હંમેશાં ઊંચી ગતિ જ કરતો રહ્યો એટલા માટે સચિન દેવ બર્મનની સંગીત કારકીર્દીની આ સફરને આ પડાવ પર થંભાવી દેવી સ્વાભાવિક જણાય છે.

સચિન દેવ બર્મને અન્ય પુરુષ ગાયકોનાં રચેલાં ગીતોની બાકીની સફર આપણે પણ હવે પછીના અંકમાં કરીશું.

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.