સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૧૨). બેક્ટેરીયા/જીવાણુઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

પીયૂષ . પંડ્યા

આપણે ગઈ કડીમાં બેક્ટેરિયા – જીવાણુઓ – તરીકે ઓળખાતા સુક્ષ્મ જીવોનો પરિચય મેળવવાની શરૂઆત કરી. આજે અહીંથી એ જ રસ્તે આગળ વધીએ.

જેમ ભક્તો ભગવાનને માટે કહે છે કે દુનિયાભરનાં વૃક્ષોમાંથી કાગળ બનાવી, બધા જ સમુદ્રોના પાણીની શાહી બનાવી ને લખવા બેસીએ તો પણ પ્રભુના ગુણોનો પાર લખી ન શકાય. હવે જો કોઈ જૈવવૈજ્ઞાનિકને બેક્ટેરિયાનાં લક્ષણો વર્ણવવાનું કહીએ તો એ એવું જ કંઈક કહેશે. આ સૃષ્ટી આપણને જોવા/જાણવા મળી એ વાતને હજી એક સૈકાથી થોડો જ વધારે સમય થયો છે. આ સવાથી દોઢ સદીની અભ્યાસયાત્રામાં બેક્ટેરિયાની અગણિત જાતિઓનો પરિચય થયા પછી પણ એવું માનવામાં આવે છે કે આપણે એ વૈવિધ્યસભર સૃષ્ટીના માંડ દસ ટકાનો જ પરિચય કરી શક્યા છીએ. મૂળભૂત રીતે અતિશય સુક્ષ્મ કદ અને સાવ પ્રાથમિક કક્ષાનું બંધારણ ધરાવતા આ સજીવોમાં પાછું માન્યામાં ન આવે એટલું પારાવાર વૈવિધ્ય જોવા મળે છે. આપણે બહુ શાસ્ત્રીય નહીં એવી રીતે એમને વિશેની રોચક બાબતો જાણતે જાણતે એમનો વધારે પરિચય કેળવતા જઈએ.

સૌથી પહેલાં તો એ જાણીએ કે પૃથ્વી ઉપરની સમગ્ર સજીવસૃષ્ટિ, જેમાં આપણો માનવીઓનો પણ સમાવેશ થઈ જાય છે, એના આદિ પૂર્વજ આ બેક્ટેરિયા છે. એમના થકી જ જીવનનું અંકુરણ થયું અને એ પછી કરોડો વર્ષોના સમયગાળા દરમિયાન ધીમી પણ મક્કમ ગતિથી ચાલતા રહેલા ઉત્ક્રાંતિના દોરમાં વૈવિધ્યીકરણ ચાલ્યા કર્યું છે. વૈજ્ઞાનિક અંદાજ મુજબ પૃથ્વીને અસ્તિત્વમાં આવ્યે લગભગ ૪.૧૩ અબજ વર્ષો થયાં છે. એના અવતરણ સમયે પૃથ્વી એક ધગધગતા ગોળાના સ્વરૂપમાં હતી. પરિણામે પાણી પ્રવાહી સ્વરૂપે ઉપલબ્ધ ન્હોતું. અલગઅલગ પ્રકારના એસીડ્સના પ્રવાહો વહ્યા કરતા હતા. વધારામાં જ્વાળામુખીઓ સતત લાવા ઓકી કાઢતા હતા. પ્રાણવાયુ – ઓક્સીજન – નું વાતાવરણમાં સ્વતંત્ર અસ્તિત્વ ન્હોતું. સામે પક્ષે અંગારવાયુ – કાર્બન ડાયોકસાઈડ – પ્રચૂર માત્રામાં હતો. એ ઉપારાંત મીથેન વાયુ પણ વાતાવરણના મહત્વના ઘટક તરીકે હતો. ટૂંકમાં, આપણી હાલની સજીવ સૃષ્ટીને માટે સંપૂર્ણ પણે વિષમ અને વિપરીત વાતાવરણ હતું. એ વાતાવરણમાં કરોડો વર્ષો પછી વિશિષ્ટ સંજોગો સર્જાયા, જેને લીધે અત્યંત પ્રાથમિક કક્ષાના સજીવો અસ્તિત્વમાં આવ્યા. એ સજીવો કરોડો વર્ષો સુધી એવા આત્યંતિક વાતાવરણમાં અનુકૂળતા કરી ને ટકી રહ્યા અને પોતાની જૈવરાસાયણિક પ્રક્રીયાઓ વડે પૃથ્વીના વાતાવરણમાં બદલાવ લાવતા ગયા. અલબત્ત, એ બદલાવ આવતાં યુગોના યુગો વિતી ગયા પણ છેવટે અત્યારની જીવસૃષ્ટી જેમાં જન્મી, ઉછરી અને જીવી રહી છે એવુ વાતાવરણ સર્જાયું. એ માટે આપણે એ નાનકડા એવા પૂર્વજોના ઋણી રહેવું રહ્યું. ઉત્ક્રાંતિના ચકડોળ માં સહુથી પહેલાં સવાર થનારા આ સજીવોએ એને સતત ચાલતું રાખવામાં ખુબ જ અગત્યનો ફાળો આપ્યો છે.

હવે બેક્ટેરિયાના કદ અને વજન. વિશે થોડી વાત કરીએ. આપણે આ લેખમાળાની પાંચમી કડીમાં આપણે અતિ સુક્ષ્મ જીવો/પદાર્થોના કદમાપનનાં એકમો બાબતે વાત કરી ગયા છીએ. એ મુજબ એક મીલીમીટરના હજારમા ભાગને એક માઈક્રોન ગણવામાં આવે છે. બેક્ટેરિયાની અનેકવિધ જાતિઓમાં આકાર અને કદમાં મોટા પાયે વૈવિધ્ય હોય એ સ્વાભાવિક છે. પણ સરાસરી અંદાજથી કહીએ તો આ સુક્ષ્મ જીવોનું કદ ૨-૫ માઈક્રોનની આસપાસ હોય છે. અપવાદો અલબત્ત, રહેવાના. આટલા સુક્ષ્મ કદને લઈને બેક્ટેરિયાનું વજન પણ માન્યામાં ન આવે એટલું ઓછું હોય છે. સાદી ભાષામાં જાણીએ કે લગભગ દસ ખર્વ ( એકડા પછી બાર મીંડાં!) જેટલા બેક્ટેરિયાના કોષો ભેગા થાય ત્યારે એ સમુહનું વજન એકાદ ગ્રામ થાય!

બેક્ટેરિયાના કદ અને વજન બાબતે જાણ્યા પછી વાત કરીએ એમના આકારમાં જોવા મળતા વૈવિધ્યની. મુખ્યત્વે બેક્ટેરિયાના આકારમાં ત્રણ પ્રકાર જોવા મળે છે.

૧) કોકાઈ/Cocci (ગોલાણુ): લગભગ ગોળાકાર (વર્તુળાકાર નહીં.) કોષો જોવા મળે છે. નીચેની આકૃત્તિમાં જોઈ શકાય છે એમ એમાં પણ વૈવિધ્ય હોય છે.

clip_image002

૨) બેસિલસ/Bacillus (દંડાણુ): સ્પષ્ટરીતે લંબાઈ અને પહોળાઈ જોઈ શકાય એ પ્રકારના દંડ જેવા આકારના કોષો હોય છે. અહીં પણ આકારવૈવિધ્ય જોઈ શકાય છે.

.clip_image004

 

૩) સ્પાઈરલ્સ/Spirals ( કુંતલાકાર): કેટલાંક બેક્ટેરિયા આવા વિશિષ્ટ આકારમાં જોવા મળે છે. પહેલી નજરે અતિ સુક્ષ્મ કદનો સાપ હોય એવું લાગે! નીચેની આકૃત્તિમાં આ પ્રકારનું આકારવૈવિધ્ય જોઈ શકાય છે.clip_image006

આ ઉપરાંત બેક્ટેરિયામાં અન્ય આકારો પણ જોવામાં આવે છે. અહીં અત્યારે એ પ્રસ્તુત ન હોવાથી આપણે માત્ર ત્રણ મુખ્ય પ્રકારો વિશે જ જાણીને આગળ વધી જઈએ.

શરૂઆતમાં આપણે જોયું કે પૃથ્વી ઉપર જીવનનો પ્રાદુર્ભાવ અત્યંત પ્રાથમિક કક્ષાના સજીવોથી થયો. એ સજીવો તો બેક્ટેરિયાના પણ પૂર્વજો હતા. સમય વિતતો ગયો એમ ધીમે ધીમે એમનામાં સુધારાત્મક ફેરફારો થતા રહ્યા. એ રીતે જે અસ્તિત્વમાં આવ્યા એને આપણે આદિબેક્ટેરિયા/ Archaeobacteria તરીકે ઓળખીએ છીએ. એ આદિબેક્ટેરિયામાં જે ગુણાત્મક પરિવર્તનો થતાં રહ્યાં એને પરિણામે સુવિકસીત બેક્ટેરિયા/ Eubacteria નું આગમન થયું. એક અન્ય વૈજ્ઞાનિક મત એવો પણ છે કે બાહ્યાવકાશમાંથી પૃથ્વી ઉપર આવેલી કોઈ ઉલ્કા પોતાની સાથે આવા સુક્ષ્મ જીવોને લેતી આવી અને એમાંથી પછી ઉત્ક્રાંતિનું ચકરડું ફરવા લાગ્યું. આ રીતે જોઈએ તો પૃથ્વી ઉપર જીવનનું અંકુરણ સ્વયંભુ નથી થયું, એ બહારથી આવ્યું છે. આ બધી બબતો અતિ ઉચ્ચ ધોરણે વૈજ્ઞાનિક ચર્ચાઓ માંગી લે છે, આપણે એમાં ઊંડા નહીં ઉતરીએ. આજના પ્રાથમિક પરિચય પછી આપણે આવતી કડીમાં બેક્ટેરિયા વિશે વધારે રસપ્રદ માહિતી મેળવશું.


નોંધ……આકૃત્તિઓ નેટ ઉપરથી સાભાર લીધેલી છે.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *