ફિર દેખો યારોં : સર! તમારાં લખાણો નથી વાંચ્યાં. પણ પહેલાં એક ‘સેલ્ફી’ હો જાય!

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

બીજી ભાષાઓ વિશે ખબર નથી, પણ ગુજરાતીમાં પુસ્તકો વ્યાવસાયિક ધોરણે પ્રકાશિત થવા લાગ્યાં ત્યારથી એક સર્વસામાન્ય માન્યતા રહી છે કે આપણી પ્રજામાં વાંચનનું પ્રમાણ ઓછું છે. આ માન્યતા પણ હવે તો એક સદીથી વધુ પુરાણી થઈ. આજકાલ સામાજિક નેટવર્કિંગ માધ્યમોનું ચલણ વધવા લાગ્યું છે, અને તેમાં વાંચનનો શોખ ધરાવતા અનેક લોકો જોડાઈ રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં વાંચનારાઓ પોતાને ખાતર નહીં, પણ વાંચીને જાણે કે સમાજ પર ઊપકાર કરી રહ્યા હોય એવો ભાવ સેવતા જણાય છે. ઘણા વાંચનારાઓ પોતાના વાંચન થકી માતૃભાષાની સેવા કરવાનો ભાવ પણ ધારણ કરે છે. વાંચનારની આવી સ્થિતિ હોય તો વાંચનની સામગ્રી લખનાર લેખકની શી મનોસ્થિતિ હશે એ કલ્પના કરવી અઘરી નથી. અખબારોની કટારમાં લખે એ જ લેખક અને તેમાં જે લખાય એ જ સાહિત્ય એવી ગેરસમજણ વ્યાપક બનાવવામાં અખબારના કટારલેખકોનું પ્રદાન નાનુંસૂનું નથી. હજી લેખક અને સાહિત્યકાર વચ્ચેનો ફરક સમજનારા ઓછા છે. આવા સંજોગોમાં આપણા પાડોશી રાજ્યની સ્થિતિ જાણીને આનંદ થયા વિના રહે નહીં. ભલે ને એ આનંદની પાછળની વાસ્તવિકતા ખતરનાક હોય.

કર્ણાટકની પોલિસ આજકાલ એક વ્યક્તિની તલાશમાં છે. આ વ્યક્તિ કે.ટી. નવિનકુમાર નામના એક આરોપીને મેંગ્લોરના જાહેર ફોન પરથી અવારનવાર ફોન કર્યા કરે છે. નવિનકુમાર એક હિંદુ સંસ્થાના સભ્ય છે. સપ્ટેમ્બર, 2017માં જેમને ગોળીથી વીંધી નાંખવામાં આવ્યાં એ પત્રકાર-કર્મશીલ ગૌરી લંકેશની હત્યાના કેસમાં નવિનકુમારની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પર મેંગ્લોરના એસ.ટી.ડી.કોડ 0824થી શરૂ થતા નંબરોથી ફોન આવતા હતા. નવિનકુમારની પૂછપરછ કરી રહેલી સ્પેશ્યલ ઈ‍ન્‍વેસ્ટિગેશન ટીમે આ હકીકત નોંધી હતી. તેમને ખાત્રી છે કે ફોન કરનાર વ્યક્તિ પોતાની ઓળખ છુપાવવા માંગે છે, અને ગૌરી લંકેશની હત્યા સાથે તેનો પ્રત્યક્ષ કે પરોક્ષ સંબંધ છે.

આ બન્ને જણા મૈસુરસ્થિત લેખક કે.એસ.ભગવાનની હત્યાનો કારસો ઘડી રહ્યા છે કે કેમ એ શક્યતાની પણ તપાસ પોલિસ કરી રહી છે. ગૌરીની હત્યાને પગલે કે.એસ.ભગવાનને પોલિસરક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. રેશનાલિસ્ટ તરીકે જાણીતા કે.એસ.ભગવાન હિન્‍દુ માન્યતાઓ બાબતે વખતોવખત પોતાના આકરા પ્રતિભાવ પ્રગટ કરતા રહે છે. નવિનકુમારે પોતાના ‘સંચાલક’ના ઈશારે વધુ એક હત્યાની તૈયારીઓ આરંભી દીધી હોવાની બાતમી અધિકારીઓને મળી. તપાસ અધિકારીઓ માને છે કે આ ‘સંચાલક’ કોઈ ઉદ્દામવાદી હિંદુ સંગઠન સાથે સંકળાયેલો છે.

નવિનકુમારની ધરપકડ બંદૂકની ગોળીઓ ગેરકાયદે રાખવાના આરોપસર કરવામાં આવી હતી. ગૌરી લંકેશની હત્યા માટે 7.65 મિ.મી.ની દેશી પિસ્તોલનો ઊપયોગ કરવામાં આવ્યો હતો. અગાઉ કોલ્હાપુરમાં જેમની હત્યા કરવામાં આવી એવા ગોવિંદ પાનસરે, ધારવાડમાં જેમનું ખૂન થયું એવા એમ.એમ.કલબુર્ગી વખતે પણ આવી જ પિસ્તોલનો ઊપયોગ કરાયો હતો. પાનસરેની હત્યામાં વપરાયેલી બીજી બંદૂકનો પ્રકાર એ જ હતો જે પૂણેમાં નરેન્‍દ્ર દાભોળકરની હત્યામાં વપરાઈ હતી.

કુમારની તપાસમાંથી જે હકીકત નીકળે એ ખરી, પણ નોંધપાત્ર બાબત એ છે કે જેમની હત્યા થઈ એ તમામ લોકો પોતાનાં લખાણો થકી પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. આ લખાણો ચાહે લેખસ્વરૂપે હોય કે પુસ્તકસ્વરૂપે, લોકો વાંચતા હશે ત્યારે તેમનામાં વિરોધ પ્રગટ્યો હશે ને?

તેની સરખામણીએ ગુજરાતમાં વાંચન અને લેખન બાબતે શી સ્થિતિ છે? નવા જમાનાના વીજાણુ માધ્યમોને કારણે એટલો ફરક અવશ્ય પડ્યો છે કે જે લેખકો આ માધ્યમ પર દૃશ્યમાન છે તેમની સાથે સંવાદ શક્ય બન્યો છે. તેની સામે એવી સ્થિતિ પણ ઊભી થઈ છે કે આ માધ્યમ પર દૃશ્યમાન ન હોય તેવા લેખક વિશે વાચકોને ખાસ માહિતી ન હોય. વીજાણુ માધ્યમના અતિરેક અને તેમાં રહેલા વિવેકના અભાવને કારણે પ્રમાણભાન ભાગ્યે જ જળવાય છે. મુઠ્ઠીભર લેખકોને સેલીબ્રીટી માનીને તેમની સાથે ‘સેલ્ફી’ ખેંચવા માટે પડાપડી કરનારા ચાહકોએ પણ એ લેખકનાં લખાણ વાંચ્યાં હશે કે કેમ એ કહેવું મુશ્કેલ હોય છે. આપણા લોકો સાહિત્યના નહીં, ગણ્યાગાંઠ્યા સાહિત્યકારોના કે લેખકોના પ્રેમમાં હોય છે. કોઈ લેખકનાં લખાણો બાબતે હેતુલક્ષિતાથી વાત કરી શકાય એવું ભાગ્યે જ બને છે. કાં તેનો આંધળો વિરોધ થાય છે કે આંધળું સમર્થન. બન્ને સ્થિતિ હાનિકારક છે. વાચકોનો મત કેળવી શકે, તેમને સ્વતંત્ર વિચારતા કરી શકે એવી વૃત્તિ લેખકોમાં ઘટી રહી છે. તેમને હવે પોતાના ભક્તસમુદાયને આંજવામાં રસ પડે છે. પોતે કયા કયા મહાનુભાવોને ઓળખે છે, પોતાના અંગત પુસ્તકાલયમાં કેટલાં પુસ્તકો છે, કયા કયા વિદેશી લેખકોને પોતે વાંચ્યા છે, કઈ નામી હસ્તીઓએ પોતાની બિમારીમાં ખબર પૂછી વગેરે બાહ્ય બાબતો પૂરતી થઈ પડે છે.

ગુજરાતીમાં લેખનને પ્રોત્સાહન આપતાં ઘણાં માધ્યમો ઉપલબ્ધ બન્યાં છે, જે કશું પણ લખનારને સાહિત્યકાર તરીકે માન્ય કરી આપે. ખરેખર તો આવાં માધ્યમો અન્યોની સામગ્રી થકી પોતાની ઓળખ ઊભી કરવા એટલે કે પોતાની દુકાન ચલાવવા જાય છે. તેમાં જથ્થો એટલો બધો ઠલવાય છે કે ગુણવત્તાના અસ્તિત્ત્વ વિશે જાણ હશે કે કેમ એ પણ શંકા જાગે. ક્યારેક એમ લાગે કે વાચકોની સરખામણીએ લેખકોની સંખ્યા પ્રચંડ રીતે વધી ગઈ છે. ફોન કે કમ્પ્યુટરના કી-બોર્ડ વડે ગુજરાતી ટાઈપ કરી શકનાર સૌ કોઈ લેખક ગણાય એવી સ્થિતિ હોય ત્યારે લેખન અને વાંચનનું સ્તર કેવું હશે એની સહેજે કલ્પના કરી શકાય છે.

ખેર! મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં ઊદાહરણો જાણ્યા પછી એમ થાય કે ભલે ગમે તે હોય, આપણે ત્યાં લેખકોને સલામતી તો છે ને! તેમને બિચારાઓને કોઈનો ડર નથી. વાચકો તેમનાં લખાણ વાંચવાને બદલે તેમની સાથે ‘સેલ્ફી’ પડાવીને રાજી રહેતા હોય એ તેમનું સન્માન જ ગણાય. છપાયેલા અક્ષરો પસ્તી થઈ જવાના છે અને બોલાયેલા શબ્દો હવામાં વિલીન થઈ જવાના છે. પછી તેની પર લોહી રેડીને શો અર્થ? આપણે હજી લોકપ્રિયતા વિરુદ્ધ ઊત્તમતાની ચર્ચાનો આનંદ માણતા રહીએ એ આપણા સંસ્કારને, આપણી ભૂમિને છાજે એવું છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૮-૩-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *