વ્યંગ્ય કવન : (૨૨) ધમાચકડી પડે થાળે!

વલીભાઈ મુસા

                                               (અછાંદસ)

 

ઓપન એર થિયેટર કે બાંધકામે – ઓપન ટુ સ્કાયનો ખ્યાલ વિકસ્યો,

ઓપન એર હેર કટીંગ સલુનોમાંથી, પાથરણાં બજારોમાંથી, ખુલ્લી ગટરો અને

ફૂટપાથના બકાલાના ટોપલા, પાણીપુરી-દાળવડાં-ચા તણાં હસ્ત ચતુર્ચક્રયાનો, કે પછી

એ જ ફૂટપાથિયાં બુટપોલીશનાં ખોખાં કે ખુલ્લા નભ તળેના ગ્રામ્ય શૌચવગડાઓ મહીંથી!

 

કાવ્યારંભે ખડકાયું તો ઘણુંબધું OAT કે OTS વર્ણવવા કાજ,

કિંતુ મુજ લક્ષ તો કેન્દ્રિત થતું, ઓપન એર હેર કટીંગ સલુન ભણી.

એકદા અમદાવાદ મધ્યે, આશ્રમ રોડે, વા.સા. હોસ્પિટલ સાન્નિધ્યે, નવરો ધૂપ બેઠો,

એ બાર્બર, શિયાળુ કૂણા ધૂપે વિટામીન ‘ડી’ ઉપરાંત વિટામીન ‘એમ’ કાજે ગ્રાહક ઝંખતો!

 

બિચારા એ બાર્બર કે પછી નિજ ઘરે બેઠી બાર્બરા યા સંતાનોના સુભાગ્યે,

દાઢીએ હાથ પસવારતો એક ગ્રાહક આવિયો અને પૂછે દાઢી છોલવા તણો ભાવ!

’જે આપવું હોય તે આપજો, વળી જગજાહેર ભાવ અને એમાં વળી શું મૂલવવું ?’

‘ના ભાઈ, પાછળથી ટિટિયારો મુજને પસંદ નહિ, એકી ધડાકે બોલ વ્યાજબી!’

‘જૂઓ બોણીનો વ્યાજબી ભાવ કહું છું, બીજે પૂછજો,

જો ફરક પડે તો તમે બે ટાંગ પહોળી કરી ઊભા રહેજો અને નીકળી જઈશ હું વચમાંથી!

બોલો સાહેબ, આનાથી વધારે શી ખાત્રી હું આપી શકુ? જાઓ, આપજો દસ રૂપિયા.’

‘દસ રૂપિયા, બાપ રે! વ્યાજબી બોલ! અમારે સેલ્ફ સર્વિસે એટલામાં તો સો દાઢી થાય!’

‘જાઓ આઠ આપજો.’,

‘ના, પાંચ જ!’

’જાઓ, સાત આપજો.’,

‘ના, પાંચ જ!’,

‘જાઓ છ આપજો’,

‘ના, પાંચ જ’;

‘લ્યો ત્યારે, તમે કહો એટલા પાંચ મંજૂર?’

‘હા, મંજૂર!’,

‘તો, બેસો ત્યારે!’

અને કામ શરૂ તો થયું; પણ, આ શું? અર્ધી દાઢીએ અદબ વાળી ઊભો રહ્યો એ બાર્બર!

‘કેમ ભાઈ, કેમ! શું થયું?’

‘કંઈ જ નહિ! દસ કબૂલો!’

’આ તો હડહડતો અન્યાય કહેવાય!’

‘જે ગણો તે! હવે, મારો દાવ! શોષણખોરીની હદ ખરી?’

‘ભાઈ, જા દસ મંજૂર!’,

‘ના, પંદર થશે!’,

‘મંજૂર!’,

‘વીસ જ લઈશ!’,

‘એ પણ મંજૂર!’

કામ પૂર્ણ થયું, પાણી છંટાયું, સ્નોનાં ટપકાં અને પફપાવડર પછી હાથ લંબાવ્યો બાર્બરે!

‘પૈસા આપો, ભાયા!’

‘શાના પૈસા? ભલા, પૈસા હાથનો મેલ!, કૂતરાંય તેને સૂંઘે નહિ!’

’વાત સાચી! હવે, જલ્દી બોલો! પોલીસ બોલાવું? ‘શોપ લિફ્ટીંગ’નો કેસ બને!’

 

“બોલાવ, બોલાવ! હું કોણ, ખબર છે! દબાણ અધિકારી! * ‘શોપ ટોઈંગ’નો કેસ બન્યો, હા!”

વળી સિસોટી વાગે, સાદા વેશે CID પોલીસ ટુકડી આવે, નકલી દબાણ અધિકારીને ઝડપે!

દબાણ અધિકારી પણ વ્હીસલ વગાડે, સાદા વેશે બીજી ટુકડી આવી ઝડપે CID પોલીસને!

બાર્બર વ્હીસલ વગાડે, સઘળા ફૂટપાથિયા ધંધાદારી જનતા પોલીસ થૈ બધાને ઝડપી પાડે!

સાચી પોલીસનો ડબ્બો આવે, બધા પોલીસમેન બાર્બરને સેલ્યુટ મારે, ધમાચકડી પડે થાળે!

 

                                                                                                                   (* Shop-towing = દુકાન ખેંચી (ઉપાડી) જવી )

                                                                                   * * *

સંપર્કસૂત્રો:
ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com> || મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુ : William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ || માનવધર્મ – જીવો અને જીવવા દો

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “વ્યંગ્ય કવન : (૨૨) ધમાચકડી પડે થાળે!

 1. ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)
  March 21, 2018 at 2:18 am

  जैसे को मीला तैसा,
  तैसे को मीला ताई,
  तीनों ने मील के,
  हँसी बजाई।

 2. નિરંજન મહેતા
  April 5, 2018 at 1:24 pm

  વાહ,વલીભાઈ વાહ!

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.