અવલોકન : બ્લોગર

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

તે બ્લોગર છે. કેવળ એકવીસમી સદીની, તરોતાજા પેદાશ.

માનવ ઈતિહાસમાં ભક્તો, ફિલસૂફો, પેગંબરો, રાજાઓ, મહારાજાઓ, સેનાપતિઓ, યોદ્ધાઓ, કવિઓ, લેખકો, સંગીતકારો, નૃત્યકારો, શિલ્પકારો, વિચારકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાગરખેડૂઓ, ચાંચિયાઓ, બહારવટિયાઓ, અસામાજિક/ અનૈતિક તત્વો; અરે! સામાન્ય માણસો પેદા થયા છે. પણ બ્લોગરની જમાત એ તો આ નવી સદીની જ પેદાશ છે!

તે લેખક છે અને નથી.

તે મોટે ભાગે નકલખોર છે. તે સાવ સીધું કોપી/ પેસ્ટ કરનાર કે આખાંને આખાં પાનાં સ્કેન કરીને મુકનાર કે બહુ બહુ તો, ચોપડીઓ કે સામાયિકોમાંથી ટાઈપ કરીને નકલ કરનાર છે. રડ્યાખડ્યા કોક વીરલા કાંઈક પોતાનું સર્જન કરે છે. પણ એ લેખક કરતાં બહુ જુદી માયા છે. એને એનું લખાણ પ્રસિદ્ધ કરવા માટે કોઈની પરવાનગી લેવી પડતી નથી; કોઈની દાઢીમાં હાથ નાંખવો પડતો નથી; કોઈની ખુશામત કરવી પડતી નથી, કે એને કોઈની શેહ શરમ નડતી નથી. એને કોઈ પ્રુફ રીડરની જરુર હોય તેમ જણાતું નથી! એ સાવ બિનધાસ્ત લેખક છે. એને પ્રસિદ્ધિની કશી પડી નથી. એનું લખાણ બેચાર સગાં સંબંધી અને મિત્રો વાંચે; એનાથી એને સંતોષ છે. બાકી કોઈ પણ લેખકની જેમ પ્રશંસા અને દાદ મેળવવા માટે એ પણ તલસે છે. કદાચ વધારે તીવ્ર રીતે- કારણકે, અહીં આખી દુનિયામાંથી ટપાટપ પ્રતિભાવ મળી શકે છે; જે સામાન્ય લેખકના નસીબમાં નથી.

પ્રકાશક છે અને નથી.

એને પણ એની બધી રચનાઓ પ્રકાશિત કરવી પડે છે. એને પણ એના ગ્રુપોમાં અને મિત્ર મંડળમાં ઈમેલોથી જાહેરાત કરવી પડે છે. બ્લોગની જાળવણી કરવી પડે છે. રંગરોગાન અને સુશોભન કરવાં પડે છે. પણ એને પ્રકાશકની જેમ ટાઈપ કરનારાની, બીબાં ઢાળનારાઓની,  પ્રુફ રીડરોની, કે વિતરકોની ફોજ રાખવી પડતી નથી. એને કોઈ મુડી રોકાણ કરવાનું કે વળતર આપવાનું હોતું નથી. કોઈ ચર્ચાસ્પદ લેખ પાછો ખેંચી લેવો હોય તો તે તત્કાળ તેમ કરી શકે છે.

વિતરક છે અને નથી.

જેવી કોઈ રચના તે પ્રકાશિત કરે કે તરત તે ઓટોમેટિક રીતે વિતરિત પણ થઈ જાય છે; અને ક્ષણમાં જ આખા વિશ્વમાં તે વાંચી શકાય છે. આ માટે તેને એક પાઈનો પણ ખર્ચ થતો નથી. પણ એ વિતરણ ખરેખર થાય, તે માટે તેને જાહેરાત અચુક કરવી પડે છે. જોકે, આવી જાહેરાત પણ સ્વયંસંચાલિત રીતે થાય તે માટે આર.એસ.એસ. ફીડની, રીડરની, બ્લોગરિધમની વિ. સગવડો પણ નિઃ શૂલ્ક મળી રહે છે.

વાચક છે, અને નથી.

એને બીજાના બ્લોગ વાંચવા કરતાં પોતાનો બ્લોગ વંચાય એની વધારે પડી હોય છે! અને આથી જ વાટકી વહેવારની જેમ, એને બીજાના બ્લોગ પર મને કમને મુલાકાત લેવી પડે છે; અને ઉપરછલ્લો પણ પ્રતિભાવ આપી, પોતાના આગમનની હાજરી સાબિત કરી આપવી પડે છે! એ સામાન્ય વાચક જેવો જ હોવા છતાં ઘણો જુદો પડી જાય છે. ચોપડીના વાચકને છેલ્લું વાંચેલું પાનું યાદ રાખવા બુક-માર્ક રાખવા પડે છે, અને એ પડી ન જાય એની સંભાળ રાખવી પડે છે. સામાન્ય વાચકને ગમતું લખાણ પોતાની પાસે સાચવી રાખવા ફોટોકોપી કરવી પડે છે. ચોપડીઓની સૂચી બનાવીને એ ખરીદવી કે પુસ્તકાલયમાંથી મેળવવી પડે છે, કે મિત્ર પાસેથી ઉછીની લાવવી પડે છે. ( પાછી આપવાની કોઈ બાંહેધરી આપ્યા વિના જ તો !)નેટ ઉપર તો ભાત ભાતના ફેવરિટ અને ઈ-બુકમાર્ક હાથવગા મળી જાય છે.

બ્લોગ વાચક કોપી/પેસ્ટ કરી ફાઈલ બનાવી નવરાશે અનેક વાર વાંચી શકે છે. મિત્રોને મોકલી શકે છે.  બ્લોગના વાચકને તો કંટાળી જવાય એટલા, કોપી અને ફોર્વર્ડ કરેલા સંદેશ મળતા જ રહે છે! ગમતું મારું એનાથી એક ડગલું આગળ ધપેલી આ મનોવૃત્તિ છે –ગમતાંનો ગુલાલ કરવાની વૃત્તિ છે. બ્લોગરના ધ્યાનમાં કાંઈક પણ આવે, તો એને પોતાના બ્લોગ પર મુકી વહેંચવાનો એને ઊછાળો થઈ આવે છે, અને તેનો એ તરત અમલ કરી શકે છે – ભલે મેળવનાર એને ‘સ્પેમ’ ગણતો હોય !

તે એક સામાન્ય માણસ છે અને નથી.

તે સાવ સામાન્ય માણસ તો છે જ. તે થેપલાં બનાવતી ગૃહિણી, નવ વર્ષનું બાળક કે બાસઠ વર્ષનો બુઢ્ઢો હોઈ શકે છે. માત્ર થોડુંક કોમ્પ્યુટર વાપરવાનું જ્ઞાન, થોડીક બ્લોગ આવડત, ચપટીક ટાઈપ કરવાની આવડત – અને બ્લોગરંની ગાડી ચાલુ. પણ એ સામાન્ય માણસથી મુઠ્ઠી ઊંચેરો છે. એને કાંઈક વહેંચવું છે; એને માત્ર ખિસ્સાભેગું નથી કરવું. એને કોઈ પણ સામાન્ય કે અસામાન્ય માણસની જેમ પ્રતિષ્ઠા અને બે જણમાં ગણાવાની (Recognition) ખેવના જરુર છે જ. પણ કોઈ ન ગણે તો પણ એ બ્લોગિંગની પડેલી આદત ન છોડવા માટે વિવશ પણ છે.

તે નશાખોર છે અને નથી.

એને બ્લોગિંગનો બેવડો ચઢેલો છે! એ સામાન્ય માણસ પોતાના નાનકડા જીવનના વર્તુળમાંથી જરીક બહાર આવેલો જીવ છે. પણ એ અઠંગ શરાબી જેવો છે. એના પીઠામાં દોઢિયાં ખર્ચ્યા વિના લઠ્ઠો કે વિદેશી શરાબ મળી શકે છે. એ બેભાન બનીને લથડિયાં ખાતો, ચિક્કાર ઘૂમતો ભાળી શકાય છે. પણ બિભત્સ લખાણ ન હોય તો પોલિસ એને પકડી શકતી નથી.

તે રોગી છે અને નથી.

આમ તો તે સારું સ્વાસ્થ્ય ધરાવે છે, એટલે રોગી નથી. પણ તે બ્લોગર સિન્ડ્રોમ નામની અસાધ્ય અને નવી નક્કોર બિમારીથી પીડાતો હોય છે! પ્રતિભાવ ન મળવાને કારણે તે વારંવાર આ ‘ધંધો’ છોડવા કૃત નિશ્ચય બને છે; પણ પોતાનો એ નિર્ણય લાંબો વખત ટકાવી રાખવા અસમર્થ હોય છે. હજુ સુધી આ બિમારીનો કોઈ જ ઈલાજ સંશોધકોને મળ્યો નથી , અથવા એ બાબત કોઈ સંશોધન હજુ શરૂ જ થયું નથી!

માટે બ્લોગર એક વિશિષ્ઠ વ્યક્તિ છેકે નથી?

———————————-

સર્વે વાચકો અને બ્લોગરોને આ બાબત પોતાના વિચાર બિનધાસ્ત રજૂ કરવા આ સાથે હાર્દિક આમંત્રણ છે.

 


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

3 comments for “અવલોકન : બ્લોગર

 1. March 20, 2018 at 1:03 am

  મજાનુ અવલોકન

 2. ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)
  March 20, 2018 at 2:53 am

  ભક્ત નરસિંહ મહેતાના ‘ શકટનો ભાર ખેંચતા શ્વાન ‘
  સુરેશભાઈ, તેમને બિચારાઓને સાહિત્ય સેવાનો લાભ લેવા દો ને
  સાહિત્ય ચોર શોધવા દીવો લઈને નીકળવાની કયા જરૂર છે? આપણા સ્વ. શ્રી ક.મા.મુનશી. સ્વ. શ્રી તારકભાઈ મહેતા.સ્વ. ઝવેરાત મેઘાણી. વગેરે પરન્તુ તેઓની નકલમાં પણ અકલ હતી. વાચક અસલ રચના ભૂલી નકલને જ સાચી માની લેતો.

  • March 21, 2018 at 8:59 pm

   આ તો એક અવલોકન છે ! જો કે, એ લખાયાને પણ દસ વર્ષ વીતી ગયાં. હવે તો માહોલ ઘણો બદલાઈ ગયો છે. હવે બ્લોગિંગનો યુગ આથમી રહ્યો છે.
   હવે જમાનો ફેસબુક, વોટ્સ એપ અને ટ્વીટરનો છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *