-રજનીકુમાર પંડ્યા
( કાંતિલાલ ગીરધરલાલ વોરાનું નામ કે.લાલ કોણે પાડી આપ્યું ? ફૈબા કોણ થયું ?
કે.લાલે અંતે ભેદ ખોલ્યો: ‘અંતે રેશનકાર્ડ મારાં મારાં નવાં નામનું ફઈબા બન્યું’.
‘રેશનકાર્ડ? ફઈબા ?’ મેં પૂછ્યું. ’માણસની ચકલી બને પણ રેશનકાર્ડનાં ફઈબા ! શી વાત ? કેવી રીતે બને?’
‘હા, બંગાળમાં રેશનકાર્ડમાં કાંતિલાલનું કે. લાલ લખાય. આખા બંગાળમાં આ પદ્ધતિ છે. મને મનમાં ઝબકારો થયો. ત્યારથી કે.લાલ નામ રાખી દીધું. મારવાડી રાજી થઈ ગયો. કહે કે બરાબર છે. હવે વાંધો નહિ આવે. આજે મારા જૂના-જાણીતા થઈ ગયેલા કે. લાલના નામે શો હાઉસફૂલ થઈ જાય છે. એ વખતે નવા-નવતર નામને કારણે દરોડો પડ્યો. અલબત્ત, સ્ટેજ પર મારો પ્રવેશ થયો ત્યારે જોનારાને ખબર પડી કે અરે, અરે, આ તો આપણો કાંતિલાલ. કાંતિલાલ તાકા ફાડનારો. પણ ગમે તેમ જોરદાર સફળતા મળી. મેં મારા ઘરે પાર્ટી રાખી. સૌ જાદુગરોને પણ નોંતર્યા. પી.સી. સરકાર પણ એમાં ખરા. હું મારા બાપુજીથી શરૂ કરીને સૌ વડીલ જાદુગરોને પગે લાગતો હતો. સરકાર એ જોઈને હસવા માંડ્યા. મને કહે, ‘દેખ કે. લાલ,મેરી બાત સુન ! ગોગિયા પાશા, તુમ ઔર મૈં સબ સચ્ચે, બાકી જિન કે પાંવ તુમ છૂતે હો વો જાદુગર મંડલ કે મામૂલી ખેલ કરનેવાલે હૈ, ઉન કે પાંવ છૂને કી કોઈ જરૂરત નહિ.’
‘તમને પણ એમની વાત સાચી ન લાગી ?’
‘કેવી રીતે લાગે ?’ એમણે કહ્યું, એમાંના કેટલાક તો સરકારથી ચાર ચાસણી ચડે તેવા હતા. મોટાને માન આપવું એ અમારા સંસ્કાર છે. મેં કહ્યું, ‘દેખો સરકાર સાહબ, મૈં અભી તક પ્રોફેશનલ નહિ બના. મગર લગતા હૈ કિ અબ બનના પડેગા. ક્યોકી જિસ કા નામ હો ઉસ કો હી ઈજ્જત દેતે હો તુમ લોગ.’ એમને મારી આ ટીકા નહિ ગમી હોય. પણ એ વખતે તો એ ખામોશ રહ્યા. પણ મેં મનમાં ગાંઠ વાળી કે મોકો આવે ત્યારે બતાવી દેવું.’
‘ક્યારે આવ્યો એ મોકો ?’
‘બહુ અચાનક અને અણધાર્યો આવ્યો એ મોકો, કારણ કે બાપુજીએ ધંધાદારી શો કરવાની તો મનાઈ કરી હતી. માત્ર આમ ક્યારેક ચેરિટી શો કરતો. બાકી તો હું ભલો, દુકાન ભલી અને કાપડના તાકા ભલા. પણ એમાં એકવાર 1960ની સાલમાં દુકાનમાં મારે ત્યાં કાપડ લેવા બે ગુજરાતી જણ આવ્યા. એ હતા મુંબઈની મશહૂર નાટ્યસંસ્થા આઈ.એન.ટી.ના એ વખતના સૂત્રધાર મનસુખ જોશી અને ચંદ્રકાન્ત દલાલ. એ લોકો અંદરોઅંદર વાતો કરતા હતા. એમાં મને એટલી ગંધ આવી કે એ લોકો થોડા વખત પહેલાં પેરિસમાં ‘દેખ તેરી બમ્બઈ’ નાટક લઈ ગયા હતા. પણ સંજોગોવશાત ભારે નુકસાન થયું હતું. એટલી મોટી નુકસાની ગઈ હતી કે કદાચ સંસ્થાને જ તાળાં દેવાઈ જાય. એટલે એ ખોટ પૂરી કરવા માટે એ લોકો પી.સી. સરકારના શો ગોઠવવાનું વિચારતા હતા. હજુ કરાર કર્યો નહોતો. પણ તૈયારીમાં જ હતા. આટલી હકીકત હું એમની વાતચીત પરથી પામી શક્યો. પણ મારાથી ગ્રાહક્ની વાતમાં વચ્ચે દખલ કેવી રીતે દેવાય ? છતાં બહુ લાંબું ચાલ્યું એટલે છેવટે બોલી જ દીધું કે ભઈ, હું પણ મેજિક કરું છું. સરકારનું ગોઠવો એમાં વાંધો નથી. મોટો જાદુગર છે. પણ ગોઠવતાં અગાઉ મારું એકાદ વાર જોઈ લો તો કેમ ?’
‘કાપડના તાકા હાથમાં હતા, ને આવી વાત કરી ?’
‘હા, કાપડના તાકા સંકેલતાં ઉખેળતાં અને ફાડતાં આ વાત કરી. તમારી જેમ એમને પણ નવાઈ લાગી. એમને થયું કે આ ધોતિયાં- ઝભ્ભાવાળો વેપારી કાંઈ સરકારને ટક્કર મારે એવા ખેલ કરી શકે ? પણ નવાઈને દાબીને એ બન્ને બોલ્યા કે પહેલાં તમારા એક-બે શો જોવા પડે. એમની વાત સાચી.મેં એમને મારા ચેરિટી શોનાં આલ્બમ બતાવ્યાં, એ પ્રભાવિત પણ થયા. પણ આખરે તો ભઈ, આઈ.એન.ટી. જેવી સંસ્થાના પરખંદા માણસો. નજરે શો જોયા વગર કેવી રીતે માને ? એમણે વિચારવાની પણ હા પાડી એ મારા માટે મોટી વાત.પણ આવી મોટી વાત મને સુખેથી સૂવા શાને દે? મારી ઊંઘ ઊડી ગઈ. આ વાત બન્યા પછી એ મુંબઈ ચાલ્યા ગયેલા. થોડા જ દિવસોમાં મેં એમને મારા ખર્ચે પ્લેનમાં બોલાવ્યા. મારા એક-બે ચેરિટી શો હતા. મેં એમને બતાવ્યા.એટલા બધા અંજાઈ ગયા છતાં કંઈ બોલ્યા નહિ. પાછા મુંબઈ જતી વખતે કહે કે અમને જરૂર લાગશે તો તમને બોલાવીશું. પાછી મારી ઊંઘ હરામ થઈ ગઈ. એ દુવિધામાં જ કે શું થશે ? મેં મારા શોને અપ-ટુ-ડેઈટ બનાવેલો. સરકાર તો પોતાના શોમાં બેન્ડ વગડાવતા જે માત્ર લગ્નપ્રસંગે જ હોય. જ્યારે મેં તો મારા શોમાં મધુર સંગીતનું આયોજન કરેલું. એ માટે બાર તો વાદકો રાખેલા. પંડિત રવિશંકરના આસિસ્ટન્ટ જેવા માણસો. લાઈટ-ઈફેક્ટમાં પણ મેં પ્રખ્યાત નૃત્યકાર ઉદયશંકરના શોમાંથી પ્રેરણા મેળવેલી. આમ જાદુના ખેલ માટે તદ્દન નવા જ પ્રકારનું વાતાવરણ તૈયાર કરેલું ને આમ છતાં પેલા બે મને પાકો જવાબ આપ્યા વગર જ મુંબઈ પાછા ચાલ્યા ગયેલા. હું ઊચક જીવે હતો. ધંધામાં મન લાગે નહિ. ત્યાં મારા બનેવીનો તાર મુંબઈથી આવ્યો કે ભાઈ, તારો ઘોડો વિનમાં છે. ચિંતા ના કરીશ.’
‘તમારે તો બત્રીસેય કોઠે દીવા થઈ ગયા, ખરું ?’
‘હા, એમ જ. એ સમાચારથી પ્રગટેલો રોમાંચ હજુ ભૂલતો નથી. હું મુંબઈ ગયો. કોરા કાગળમાં પંદર દિવસનો કોન્ટ્રાક્ટ કર્યો. પણ પિતાજીને સમજાવે કોણ ? આખરે મારા બનેવી અને ભાઈઓએ અજમાયશી તરીકા ઉપર બાપુજીની મંજૂરી મેળવી આપી, ને મેં ખેલ શરૂ કર્યા. પ્રવીણ જોષીએ એની જાહેરાતો કરી. એવી જોરદાર કરી કે બુકિંગ પર દરોડો જ પડ્યો. અરે, મોરારજી દેસાઈના પુત્ર કાંતિલાલ દેસાઈ ટિકિટ મેળવવા માટે પાંચ છ વાર ધક્કા ખાઈ ગયા. શો એવા તો સફળ થયા કે ચાર-પાંચ વાર આવી આવીને ખેલ જોઈ ગયા. મને કહે કે અલ્યા, ભાંગ-બાંગ પીને ખેલ કરે છે કે શું ? ત્રણ ત્રણ કલાક સુધી કેમ ચલાવી શકે છે ? આ વાત એમણે આઈ.એન.ટી.ના દામુ ઝવેરીની હાજરીમાં કરી. દામુ ઝવેરી મારા પિતાના મનની ગાંઠ જાણે. એમણે શોના અગિયારમા દહાડે મારા બાપુજીને કોલકતાથી પ્લેનમાં ખાસ બોલાવ્યા ને મારા સસરાને વર્ધાથી બોલાવ્યા. મારા શોમાં મારા પિતાનું સ્વાગત મારી પત્ની પુષ્પાએ લાજ કાઢીને કર્યું. બાપુજી થોડા ઢીલા થઈ ગયેલા. પણ શો જોયો. મારી વાહવાહ, પ્રશંસા અને કામ જોયું ત્યાં તો એ સાવ ભાંગી જ પડ્યા. આંખમાંથી આંસુ ચાલ્યાં જાય. દામુ ઝવેરીએ મારા બાપુજીને કહ્યું કે આ તમારો એકલાનો લાલ નથી, ગિધુબાપા, આ અમારો સૌનો લાલ છે. એના નામનો જુવાળ શરૂ થાય છે. એ જુવાળનો સાચો લાભ લઈ લો… એના હાથે કાલના એક વણજાણેલા પ્રદેશનું નામ રોશન થવાનું છે તે થવા દો.’
‘બાપુજીએ શું કહ્યું ?’
બાપુજીએ કહ્યું કે તમારી વાત સાચી છે. કબૂલ કરું છું. રજા આપવામાં મને કોઈ જ વાંધો નથી પણ મારી એક શરત છે અને તે તારી પત્નીએ પાળવાની છે, તે એ કે…
હું, આ લેખક, એટલો અધીરો કે કે.લાલ બિચારા બોલતા હતા તોય વચ્ચે ‘શું ? શું ?’ નો ઉપાડો લીધો. એટલે એ બિચારા ગોટવાઈ ગયા. મને કહે કે ‘હું શું કહેતો હતો ?’
‘આઈ.એન.ટી.ના તમારા ખેલ વખતે તમારી આબરૂ જોઈને તમારા બાપુજી એકદમ ભાવવિભોર થઈ ગયા. ‘ધંધાદારી શો નહિ કરવાની તમારા પર મૂકેલી બંધી હટાવી લીધી અને આંખમાં આંસુ સાથે બોલ્યા કે બસ, હવે મારી એક શરત છે.’
‘હા, હા.’ લાલને પાછો વાતનો સાંધામેળ થઈ ગયો :‘હા, બાપુજી એમ બોલ્યા કે પુષ્પા – મારી પત્ની – જો એમની લાજ કાઢવાનું બંધ કરે તો જ આ રજા અમલમાં આવે.’ બોલતાં લાલ ખૂબ ગંભીર થઈ ગયા : ’એ મારી પત્નીને દીકરીની તોલે ગણતા હતા. એટલે આ નિમિત્તે એમણે એની લાજ છોડાવી. એકસો એક રૂપિયા એના હાથમાં આપ્યા, બોલ્યા, તું અમારી વહુ નથી, દીકરી છો. તમારો વર-મારો દીકરો- ભલે ગામેગામ શો માટે ફરતો. પણ આ દુનિયાભારે લપસણી જગ્યા છે. મેં કોઈ ચડતા જુવાળવાળા કલાકારને શુદ્ધ જોયો નથી. માટે તમારે ગામેગામ એની સાથે ફરવાનું. એટલો ભોગ દેવાનો. તમારાં છોકરાંવને અમે સાચવીશું. તમારાં સાસુ તો એનાં છોકરાંવને કદી અળગાં કરી શક્યા નથી. પણ તમારે કરવાં. એ એટલા માટે કે કાંતિના જીવનમાં કોઈ ડાઘ ન લાગે.’
કે. લાલના વાક્યેવાક્યે મારા મનફલક પર જાણે કે હળવી પીંછી ફરતી જતી હતી. એમના પિતા ગિધુભાઈનું ચિત્ર લસરકાતું જતું હતું. થોડી જ વાર પહેલાં લાલ બોલ્યા હતા કે આજે એ હોત તો આટલા વરસના થયા હોત… પાંત્રીસ વરસથી પુષ્પાબહેન સતત કે. લાલ સાથે ફરે છે.(આ વાત 1982 ની છે. – લેખક) એમનાં બાળકોને એમના વડીલોએ મોટાં કર્યા. પાંત્રીસ વરસ પહેલાં કે.લાલ બંગાળના પ્રખ્યાત મઘઈ પાનના બંધાણી હતા. આજે એ પણ નથી ખાતા. સોપારી પણ નહિ. દારૂનો તો સવાલ નથી ઊઠતો. રૂપાળી મોહક છોકરીઓનો કાફલો સાથે ફરે છે, પણ કોઈ આંગળી તો ચીંધી જુએ ! પુષ્પાબહેનને દીકરીઓની જેમ એમના વાળ ઓળતાં સવારે અમે જોયેલાં. સવારે અમે મળવા ગયા ત્યારે લાલ ખુદ પલાંઠી વાળીને કોઈ આઈટમમાં વપરાતો પડદો બનાવવા બેઠા હતા અને રાત્રે ‘કટિંગ’ થનારી લેડી, દીકરી જેમ લાલનો હાથવાટકો હોય એમ દોડાદોડ કરતી હતી. અરે, મને પૂછ્યું ય ખરું ને કે ‘પપ્પા સે મિલને આયે હો ?’ ત્યારે મને સમજાયું કે આ બધા બંધાયેલા સંસ્કાર-આભાના મૂળમાં ગિધુબાપા હતા. જેમણે વચનમાં કાંતિ પાસેથી ‘દર મહિને તું મને આટલા રૂપિયા મોકલાવજે’ એમ નહિ, પણ સફેદ બેદાગ ચારિત્ર્યની ચાદર માગી લીધી.
વડલો યાદ આવે એટલે વડવાઈઓ પણ નજરે તરવરે જ. છેલ્લામાં છેલ્લી વડવાઈ એટલે કે કે. લાલના પુત્ર હર્ષદ વિશે તો આપણી જાણકારી હતી જ કે મોરનું ઈંડું તો કળાયેલ મોર બની ગયું છે. જુનિયર કે. લાલના નામે લાલથી પણ સવાયા ગણાય તેવા શો કરે છે. આપણને મુલાકાત થઈ નથી, પણ નામના તો કાન સુધી પહોંચી છે. જાપાન લગી જઈ આવ્યો છે.
‘પણ, લાલ’ મેં છેવટે પૂછી જ લીધું :‘તમારા બીજા ભાઈઓ ?’
‘મારાથી નાના ત્રણ ભાઈઓ.’ લાલ બોલ્યા :‘કાપડનો ધંધો કંઈ સંકેલી થોડો જ લીધો છે ? મારા મેજિકના ધંધામાંય મારા બધા ભાઈઓ મારા પાર્ટનર. સહુ ભેગા રહીએ. સંયુક્ત કુટુંબનું સુખ બીજે ભલે ન ચાલ્યું અમારે ત્યાં તો ભયોભયો છે, ભાઈ! હું મોટો, મોટાની રીતે રહું. સૌ મને એ રીતે રાખે. હું નાના ભાઈઓને નાનાની રીતે રાખું. હજુ સુધી કોઈ ખીલી કદી ક્યાંયથી હલી નથી. અમારા બાપુજી હવે ગુજરી ગયા,પણ નાનપણમાં જીદ કરીને એમના પગ દાબતો. આજે પગ દાબવાની જીદ કરવાવાળા કહીએ તો વધ્યા છે – અમારો વસ્તાર, એમ કહેવા માંગું છું.’
‘બહુ થયું, લાલ,’ મેં કહ્યું :’મને તો તમારો શો જોવામાં મજા આવે છે એના કરતાં વધારે મજા આ ગુલાબી ચિત્ર જોઈને આવે છે. આવી વાત સાંભળીને બહાર નીકળ્યા હોઈએ તો ચહેરા પરથી ચોતરફ તેજ ફેંકાયા કરે. દુનિયામાં ક્યાંય અંધારું રહે જ નહિ ને ! શું કહો છો ?’
લાલને મન તો હસવું અને શ્વાસ લેવો-મૂકવો એક બરાબર. મને હસીને કહે, ‘એક વાર બાપા મને કહે કે કાંતિ, એવો કોઈ ખેલ કર કે જેથી આ દેશ આખાની પ્રજા એટલું સમજે કે આપણે સૌ એક બાપનો વસ્તાર છીએ. બાપાની માગણી ગાંધીજી જેવી હતી. પણ ગાંધીજીને જાદુમાં ક્યાં, કયે ઠેકાણે બેસાડવા ? વિચારવાનો સવાલ હતો, પણ છેવટે મળી આવ્યું. રાજસ્થાનનો એક મદારી એક ટબૂડીમાંથી જાતજાતનાં પાણી કાઢવાનો ખેલ કરતો હતો. હું રાજસ્થાન પહોંચ્યો. મદારીને પકડ્યો અને એની પાસેથી આ ખેલ શીખ્યો. નામ પાડ્યું એનું ‘વોટર ઓફ ઈન્ડિયા’. એક જ કૂંજામાંથી વાટે વાટે, પ્રાંત-પ્રાંતનાં નામ લઈને ચાંગળું ચાંગળું પાણી ઠલવાયા કરે.’
‘હા, હા, યાદ આવ્યું.’ મેં કહ્યું, ‘આ ખેલ તો મારા બેટા સૌ-પોતાના નામે ચડાવે છે. દરેક જાદુગર કરે છે.’
‘મૂળ આ ખેલ મારો આપેલો સૌને, ને મને પેલા મારવાડી મદારીએ આપેલો છે. અદભુત ઉપદેશાત્મક ખેલ છે. પણ એક વાર એ ખેલના કારણે મારે ભોં ભારે થઈ પડેલી. અરે, ભોં શું ભારે થઈ પડેલી, જીવ જોખમમાં આવી પડેલો.’
‘એમ ?હોય નહિ..!’
‘માનો, યાર, કહું છું, માનો.’ એ બોલ્યા, ‘બહેરીનમાં આ બીના બનેલી. બાદશાહ મારા પર મહેરબાન, ને મહેરબાન તે કેવા, કે હીરાનો હાર પણ મને ભેટ આપેલો. પણ એક દિવસ બન્યું શું, કે મારા શોમાં હું વોટર ઓફ ઈન્ડિયાનો ખેલ તો કરું, કરું ને કરું જ, એમાં બહેરીનમાં પાકિસ્તાનના એલચીએ બાદશાહના કાનમાં ઝેર રેડ્યું કે આ હિન્દુસ્તાની જાદુગર હિન્દુસ્તાનનો પ્રચાર આ વોટર ઓફ ઈન્ડિયાથી કરે છે. જુઓ, ખેલ કરતી વખતે પાછળ જે પડદો ટાંગે છે તે જુઓ. એમાં ભારતનો નકશો છે. ભારતના નેતા એમાં ચીતરેલા છે. ભારતનું પાણી વારંવાર કૂંજામાંથી કાઢીને ભારત પાણીદાર છે અને બીજા દેશો દેશો નપાણિયા છે એમ ઠસાવે છે. આટલી વાત એણે પઢાવી ત્યાં બીજે દિવસે બાદશાહ ખુદ ઈન્ટરવલમાં હાજર, મને બોલાવીને કહ્યું કે મિસ્ટર લાલ, આ પડદો કાલે નીકળી જવો જોઈએ. ને આ ખેલ કરવો હોય તો એમાં વોટર ઓફ ઈન્ડિયા નહિ,પણ વોટર ઓફ બહેરીન યા વોટર ઓફ પાકિસ્તાન બોલો.’
(પાણી અને બાઉલને લગતી એક આઈટમ પેશ કરતા કે.લાલ)
બાદશાહની મૂછાળી સૂરત મનેય દેખાઈ. મેં લાલને કહ્યું, ‘તમને એમાં શો વાંધો? દેશ તેવો વેશ કરી નાંખવો જોઈએ ને ?
‘ના’, એ બોલ્યા, ‘મારું મન માનતું નહોતું. મેં કહ્યું, વોટર ઓફ વર્લ્ડ બનાવું તો ચાલશે ?તો એ બોલ્યા કે ના, વોટર ઓફ બહેરીન કહો તો જ હા, નહિતર ના! મેં કહ્યું વિચાર કરીને કહીશ. વિચાર કરવામાં મેં બે દિવસ કાઢી નાંખ્યા. એ બે દિવસમાં મારે ત્યાં તાળાં તોડાવ્યાં, ચોરી કરાવી. મૂળ મને ડરાવવાના જ આ બધા કીમિયા. ત્રીજે દિવસે મેં ફરી એક વાર વોટર ઓફ ઈન્ડિયાનો ખેલ કરીને તરત જ રાતના ભારતીય લોકોની મિટિંગ બોલાવી. પૂછ્યું કે શું કરવું ? તો ઘણાખરા તમારા જેવા મમમમવાદી નીકળ્યા.કહે કે હા, હા, કાઢી નાખોને મારા ભાઈ. અરે, માનશો ! રશીદખાન મારો સ્પોન્સરર ! એણે પણ મને સમજવવામાં મણા ન રાખી. પણ મારા અંતરાત્માને તો હું માનું ને ? મને કહ્યું, અહીંથી જતા રહેવું બહેતર છે, પણ આપણા દેશના નકશાને નીચે તો નહિ જ ઉતારું, એમાં મારી તો શું, પણ આખા દેશની નાલેશી લાગે છે. રશીદખાન કહે કે ન માનવું હોય તો તમારાં નસીબ. લાવો મારા લાખ રૂપિયા પાછા. મેં તરત જ લાખ ગણી આપ્યા. આટલેથી વાત પતી જતી નહોતી. કારણ કે અમને ખબર પડી કે બાદશાહ સામે ના-ફરમાની સબબ અમને તુરંગમાં ધકેલવાની તૈયારી ચાલે છે, ત્યારે હવે તાબડતોબ ભાગી છૂટવાનો પ્રશ્ન ઊભો થયો. પણ પ્લેનમાં ટિકિટ એમ ચડખાઉની જેમ તો કેમ મળે ? મૂંઝવણમાં હતા. છતાં એરપોર્ટ ગયા તો ખરા જ. ત્યાં ચમત્કાર થયો. એક સરદારજી મળ્યા.’
‘કેમ ?’ મેં નવાઈ પામીને પૂછ્યું, ‘સરદારજી કાંઈ સંતોષી માતા થોડા જ હતા કે પ્રગટ થયા તે ચમત્કાર ગણાય ?’
‘એવું નથી.’ લાલ બોલ્યા, ‘અત્યારે ભલે તમને સરદારજી સર્વત્ર વર્જયેત’ જેવું લાગતું હોય, એ વખતે કે આજે મને તો સરદારજી રવિવારની રંગીન પૂર્તિ જેવા જ લાગે છે. નજર પડતાંવેંત આનંદ જન્મે. પણ આમાં પાછા આ તો એરપોર્ટના અધિકારી હતા. મને ઓળખી ગયા. મારો પ્રશ્ન સમજી ગયા. કહે કે ચિંતા મત કરો. હમેં આપ કે ઉપર પ્રેમ હૈ. ટિકિટ મૈં દેતા હૂં. એમણે ટિકિટ આપી. અને અમે તરત જ નીકળી ગયા. પછી અમને ખબર પડી કે વળતે દિવસે સવારે મિલિટરી અને પોલીસ અમને એરેસ્ટ કરવા આવી, પણ શું થાય ? પંખી તો ઊડી ગયું હતું. અમે કપડાંભેર મુંબઈ એરપોર્ટ પર ઊતર્યા ત્યારે સૌને નવાઈ લાગી કે આમ કેમ ? પણ અમે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન એક્સપ્રેસ જેવાં છાપાંને વાત કરી, ત્યારે સૌને સાચી વાતની સમજ પડી. એમણે સૌએ આની બહુ મોટી નોંધ લીધી કે જે માણસ ધારત તો લાખ્ખો કમાઈ શકત, તે આમ કપડાંભેર નાસી છૂટીને વતનમાં પાછો ફર્યો છે, માત્ર વતનની આબરૂ ખાતર.’
સાચી વાત હોય એમાં એ પતી ગયા પછી કોઈ સવાલ ન કરાય. કારણ કે સાચી વાતનું વજન એવડું બધું હોય. પણ મને જરા નવાઈ એ વાતની લાગી કે આખી દુનિયામાં કે. લાલ ફર્યા. ફિજીમાં સાડા પાંચ મહિના, મોરેશિયસમાં પણ એટલું જ. આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવામાંય કંઈ કમ નહિ. ચીન જેવા જાદુના દેશોમાં પણ સત્તર મહિના અને જાપાનમાં સાડા ચાર વરસ. છતાં એમને મળેલાં ઈનામ-અકરામની વાત કેમ મુદ્દલેય કરતા નથી ? આવી કઠણ કથા કેમ સંભળાવે છે ?
મેં પૂછ્યું. એનો જવાબ એમણે ટૂંકાવ્યો; ‘ઈનામ-અકરામ-માનની વાતો પણ અનેક છે. પણ એમાં આપણું હીર ટકાવવાની વાત ક્યાંથી આવે ? ક્યાંક ઝઝૂમવું પડે, ક્યાંક રમવું પડે, રમાડવા પડે, ક્યાંક હાથ મિલાવવા પડે. ક્યાંક હાથ ઉગામવા પડે. આવી બધી વાતોમાં હોય છે કસોટી. પારકા પરદેશમાં ક્યાંક લોકો જાતજાતની માગણી મૂકે. તો ક્યારેક આપણા જ દેશમાં આપણા હરીફ યા દુશ્મન આપણને જમીનદોસ્ત કરવા જાતજાતના કારસા કરે. મને તો પાંત્રીસ વરસની મારી જાદુગરની કેરિયરમાં આવા પાંચસો અનુભવ થયા. કેટલા કહું ?કેટલા ન કહું ?’
‘પેલી જાપાનવાળી વાત કરો.’ મેં કહ્યું.‘સાંભળ્યું છે કે ત્યાં તમને સ્ટેજ પર નગ્ન સુંદરીઓને નચાવવાની ફરમાઈશ થયેલી. થયેલી કે નહિ ?’
‘હા, થયેલી. એની વાત ભારે ઉત્તેજક છે, સાંભળશો ?’
( એનો જવાબ ત્રીજા અને અંતિમ હપ્તામાં)
————————————————————————————————-
લેખકસંપર્ક:
રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com







કે. લાલ પ્રત્યે માન વધી ગયું. દેશભક્ત અને ખરા હિંમતવાળા.
હવે જાપાન પહોંચાડો જલ્દી.
પ્રફુલ્લ ઘોરેચા
રજનીભાઇ, શ્રીમાન કે.લાલ કહેતા કાંતિભાઇને અમરેલીમાં કોલેજના ફંકશનમાં નજીકથી જોયેલા ને સાંભળેલા પણ ખરા. બહુ નિખાલસતાથી એમણે સમજાવેલું કે અમે માત્ર હાથચાલાકી જ કરીએ છીએ. ‘લેડી કટીંગ’ વિષે કોઇ વિદ્યાર્થીએ સવાલ કરેલો.એના જવાબમાં એણે કહેલુ કે એ જાદુ માત્ર ઉપરવાળો જ કરી શકે. ‘વોટર ઓફ ઇન્ડીયા’ વિષે પણ કેવા સંજોગોમાં લાખો રુપિયા જતા કરીને વતનનુ સ્વમાન પસંદ કરેલું. એ સમજાવ્યું. એક વિરલ વ્યકિત. જાદુ એના હાથમાં જ નહિ પણ જીભ ને આત્મામાં પણ હતો. લાલ માત્ર એના માબાપના જ લાલ નહિ પણ આખા દેશના લાલ કહેતા પનોતા પુત્ર હતા. એટલા જ ઉદાર હતા. એ મહાન આત્માને મારા પ્રણામ
આદરણીય રજનીકુમારજી.. જાદુગર કે-લાલના જીવન પરની રસપ્રદ વાતો જાદુના એક ગૃપમાં વાંચી-જાણી.. અનહદ આનંદ થયો.. અમે પણ લાલસાહેબની ઘણા નજીક હતા છતા અંતર્ગત કેટલીક જાણી-અજાણી વાતોને માણી.. આપને ખૂબ ખૂબ અભિનંદન…
आज फिर कुछ ऐसी अनुभूति हो रही है जैसे कि लालसाहब के सानिध्य मे मीठी मीठी जादू की बाते हो रही हो। आज फिर आपको धन्यवाद देते हुए कहूंगा कि ये दादाजी की बाते गृपमे रखकर आपने बहोत अभिनंदनिय काम किया है। लालसाहबकी स्मृति मे उनका सब जादूगरो के साथ का अपनापन तरोताजा हो रहा है। जो भी दादाजी को मिलता उनको ऐसा महसूस होता की दादाजी का प्यार मेरे लिए सबसे ज्यादा है।
इस यादगार लेखनी के लिए रजनीकुमार पंड्या का जादूजगत भी सदैव ऋणी रहेगा क्योंकि बहोत सारे लोग लालसाहबकी बहोत सारी बातो से अनजान थे उनको लालसाहबको नजदीक से जानने का ये अवसर मिला है। ये मेटर का कोई हिन्दी रूपांतरण कर दे तो बहोत बडा सत्कार्य होगा।
શ્રી રાજનીકુમારભાઈ –
આજના રાજકીય નેતાઓએ આ લેખ જરૂરથી વાંચવો જોઈએ – ખબર પડે કે દેશાભિમાન શું છે —
કે લાલે જાદૂ કરીને આ બધા રાજકીય નેતાઓને દેશાભિમાન શીખવાડવાની જરૂર હતી – જો આમ હોતતો આજે દેશ ઘણો આગળ હોટ – આપની મહેનતને પ્રશંસાથી માપી શકાય તેમ નથી – ખૂબ આભાર – નવીન ત્રિવેદી
OMG so nice
aaatli saras mahiti….
congrats Rajnibhi
કે.લાલનો જાદુભર્યો શો, એ બાળપણનો સૌથી અજાયબ શો જોયાની છાપ આપી ગયો. ભાવનગરમાં….
સરયૂ પરીખ