





સમીર ધોળકિયા
આજકાલ રાજકારણમાં એક પ્રશ્ન સાંભળવા મળે છે કે આઝાદી પછી જો પંડિત નહેરુને બદલે સરદાર પટેલ વડાપ્રધાન થયા હોત તો ? આપણે જાહેર જીવનની આ ‘જો અને તો’ની વાતની ચર્ચા નથી કરવાના પણ અંગત જિંદગીઓમાં ‘જો અને તો’ જે ભાગ ભજવે છે તેની થોડી વાત કરવી છે.
“જો મને મારી કારકિર્દીની શરૂઆતમાં કોઈ ટેકો મળ્યો હોત તો હું બહુ આગળ વધી ગયો હોત.” આવું આપણે ઘણા પાસેથી સાંભળતા હોઈએ છીએ. નિષ્ફળ. ઓછા સફળ અને સફળ બધા લોકો પોતાની નિષ્ફળતા કે ઓછી સફળતા માટે આ ‘જો અને તો’ નો છૂટથી ઊપયોગ કરતા હોય છે. આ દવા મનને શાંત કરવા માટે કે મનને મનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
આપણે બધા રોજની વાતોમાં ‘‘જો અને તો’’નો બહુ છૂટથી ઊપયોગ કરીએ છીએ. વાત રાજકારણની હોય કે અંગત જીવનની – આ બંને શબ્દો ચાલે છે/દોડે છે,કલ્પનાના ઘોડા પર; કારણ કે જે બનવાનું તો બની ગયું છે, હવે તો એનું અનોખું પોસ્ટમોર્ટમ આ ‘જો અને તો’ થી કરવાનું છે, જેમાં કોઈ નથી જવાબદારી કે કોઈને નારાજ કરવાની વાત. પકાવવાનો છે તો ફક્ત ખયાલી પુલાવ. પણ હા, પૃથક્કરણ માટે, ભૂલનાં મૂળ શોધવા માટે, શીખવા માટે અને બનાવ કઈ રીતથી વધુ સારી રીતે બની શક્યો હોત એ આ પદ્ધતિથી સારું ચર્ચી અને સમજી શકાય છે. પણ એવું ઓછું બને છે.
મોટા ઐતિહાસિક/રાજકીય/સામાજિક બનાવોમાં ‘‘જો અને તો’’ પદ્ધતિ વધારે સહેલી છે કારણ કે આપણે તો ફક્ત કલ્પનાના અશ્વ પર સવાર થવાનું હોય છે અને મૂળ બનાવ કે કલ્પિત બનાવ બની ગયો હોય છે અને તેમાં આપણા જેવી સામાન્ય વ્યક્તિઓનો કોઈ ફાળો કે ભાગ પણ હોતો નથી તેથી જવાબદારીનો તો સવાલ જ નથી હોતો અને છૂટથી આ પદ્ધતિ નો ઉપયોગ થઇ શકે છે!
‘‘જો અને તો’’ એટલે મોટે ભાગે જૂની અને બની ગયેલ ઘટનાનું વિશ્લેષણ. અને મોટે ભાગે આવું વિશ્લેષણ નિષ્ફળતા અથવા અપેક્ષા કરતાં ઓછી સફળતા પછી જ થતું હોય છે જે નિષ્ફળતાનાં સાચાં કારણો શોધવા કરતાં તેના પર એક ખોટું આવરણ લગાડે છે જે નિષ્ફળતાને ન્યાયી ઠેરવી શકે. પોતાને દોષમુક્ત જાહેર કરી શકે અને મનને શાંત પાડી શકે અથવા મનાવી શકાય …બાકી સફળતા પછી કોઈ જ ચર્ચા કરતું નથી અને કદાચ ઇચ્છતું પણ નથી!
દરેક ઉંમરે જયારે ભૂતકાળ વાગોળતા હોઈએ ત્યારે આપણે વિચારીએ છીએ અને કહીએ છીએ અથવા વિચારીએ છીએ કે જો હું નોકરી કરતાં ધંધો કરતો હોત તો મને પૈસાની કેટલી બહોળપ હોત. એ જ સમયે ધંધાવાળો વિચારતો હોય છે કે હું નોકરી કરતો હોત તો મને કેટલી માનસિક શાંતિ હોત. ઘરે આવી ને કોઈ ચિંતા જ ન હોત! આમાં પારકે ભાણે લાડુ મોટો લાગવાની વૃત્તિ પણ ભાગ ભજવે છે. આ ‘જો ‘ અને ‘તો’ પોતાની હાલ ની પરિસ્થિતિ ન સ્વીકારવી એનું ખરું પૃથક્કરણ ન કરતાં એક તર્ક વગરની કલ્પનાની દુનિયામાં જઈને હાલની પરિસ્થિતિમાં પોતાનો કંઈ પણ વાંક નથી તેમ સાબિત કરવાની શાહમૃગ વૃત્તિ હોય છે અને જેનો કોઈ મતલબ હોતો નથી, કારણ કે તેનાથી કોઈ નક્કર નિષ્કર્ષ કે પરિણામ આવવાની કોઈ શક્યતા નથી હોતી .
ખરેખર જો પરિસ્થિતિ બદલવી હોય તો પોતાને દરેક ખૂણેથી અરીસો ધરીને પૃથક્કરણ કરવું પડે છે જેમાં અરીસામાં આપણી પોતાની છબી સારી નહિ તેવી અને બિનકાર્યક્ષમ હોય તે પણ સ્વીકારવું પડે છે. આના માટે મોટે ભાગે આપણી તૈયારી હોતી નથી. વધારામાં, લગભગ નિષ્ફળ લોકો જ પૃથક્કરણનો આ રસ્તો અપનાવે છે. અમેરિકાના પ્રમુખ કેનેડીએ કહ્યું હતું કે સફળતાના ઘણા જનક હોય છે પણ નિષ્ફળતા હંમેશાં અનાથ હોય છે! નિષ્ફળતાને વાજબી ઠેરવવા તેમજ મન મનાવવા માટે ‘‘જો અને તો’’ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે પોતે ભૂલો કરી છે અને આ કામ માટે પોતે લાયક નથી અને સફળ થયા નથી તે મોટા ભાગના લોકો સ્વીકારી શકતા નથી.
આપણા દેશમાં દરેક વસ્તુ કે બનાવ જો ધાર્યા પ્રમાણે ન થાય તે માટે સરકાર અને નસીબને જવાબદાર ઠેરવવામાં આવે છે. પણ પોતાને કદાપી નહિ ! અને ‘‘જો અને તો’’ પદ્ધતિમાં નસીબનો કિરદાર અનેરો છે કારણ કે જે બનવાનું છે તે બની ગયું હોય છે એટલે બનેલા બનાવ માટે નસીબ ને એટલે કે ‘જો અને તો’ ને જવાબદારી આપવાની હોય છે.
ફક્ત ભૂતકાળમાં બનેલ બનાવો માટે નહિ પણ ‘જો અને તો’ નો ભવિષ્ય માટે ઉપયોગ કરીને નવી તકો, નવાં સાહસો ટાળવા માટે તાર્કિક બહાના તરીકે પણ થાય છે જે કોઈ પણ વ્યક્તિ માટે પ્રયત્ન પહેલાં જ હાર સ્વીકારવા બરાબર છે. જે વધુ ભયજનક અને હાનિકારક છે. ઉપરાંત આ બહાનું વિચારવું ખૂબ સહેલું અને મનને ખોટી શાંતિ (મારો કોઈ વાંક ન હતો) ની ભ્રમણા આપનારું છે.
કઈ રીતે આ ‘જો અને તો’ ની ભયજનક ટેવથી બચી શકાય? પહેલાં તો ભૂલ ખુલ્લા મનથી સ્વીકારવી પડે અને પછી જ બીજાં પગલાં તરફ આગળ વધી શકાય. ઉપરાંત પરિસ્થિતિનો સ્વીકાર કરીને તેમાં સુધારો કરવાનાં પગલાં સક્રિયપણે વિચારવાનાં હોય. એના સિવાય જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે બીજી વ્યક્તિઓ કે સમૂહો સાથે સંપર્ક ચાલુ રાખે, તેમના અનુભવ(અને ભૂલો)માંથી શીખે તો તેનાથી જ્ઞાન તેમ જ સમજ મળે અને આ બંને વડે જ આ પાછળ ધકેલનાર ટેવથી છુટકારો મેળવી શકાય. જિંદગીમાં સફળ એ થાય છે જે તક ઝડપવામાં માહેર હોય ‘જો અને તો’ ના વિચારોમાં રહેનાર વ્યક્તિ તક ઝડપી નથી શકતી અને તક વારંવાર દસ્તક નથી દેતી!
વિચારવાની દિશા પણ હકારાત્મક કરવી પડે. “હું જો પૈસાદાર થઈશ તો ગરીબોને મદદ કરીશ.” અહી ‘જો અને તો’ ભવિષ્ય માટે શરત તરીકે મુકાય છે. એને બદલે એમ પણ વિચારી શકાય કે પૈસા નહિ આવે ત્યાં સુધી બીજી રીતે ગરીબોને મદદ કરીશ. પણ આવું વિચારવામાં ‘‘જો અને તો’’ વાળો અભિગમ અને ભવિષ્ય ની બીક આડી આવે છે.
ફક્ત કારકિર્દી માટે નહિ પણ બીજા પ્રશ્નોમાં પણ જયારે કોઈ પણ ભૂલ કે નાની-મોટી નિષ્ફળતા વિષે વિચારવાનું હોય તો પહેલાં તો ‘જો અને તો’ નો ઉપયોગ જ થાય છે. “મેં ‘આ’ ને બદલે ‘પેલા’ માં રોકાણ કર્યું હોત તો આજે મારે કોઈ આર્થિક ચિંતા ન હોત!” પણ ‘સાચું’ રોકાણ કર્યું હોત તો કોઈ બીજી કોઈ ચિંતા ઉભી થઈ હોત તે વાત નજરમાં આવતી નથી.
જીવનના છેલ્લા પડાવમાં તો આ બે શબ્દોનો ઉપયોગ વધારે થતો હોય છે કારણ કે ફરી કોઈ તક આવવાની કોઈ શક્યતા હોતી નથી તો શા માટે ખયાલી પટ્ટી આંખ અને મગજ પર ન લગાડવી જેનાથી મન ને શાંતિ મળે અને અફસોસ પર એક મજાનું આવરણ આવી જાય? હવે કોઈ નવી પરીક્ષા કે પડકાર તો આવવાનાં નથી તો શા માટે સાચું પૃથક્કરણ કરીને દુ:ખી થવું!
આ સગવડ જે આર્થિક રીતે બહુ તકલીફ ન હોય તેના માટે જ હોય છે.
બાકી ગરીબોને તો રોજેરોજ કમાવાની એટલી તાતી જરૂર હોય છે કે તેઓને આવા પૃથક્કરણ કે વિચારવા માટે સમય જ નથી હોતો. તેઓને તો પેટનો ખાડો પૂરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે.
દરેક શબ્દકોશમાં આ ‘જો અને તો’ નો અર્થ નકારાત્મક ભાવમાં આપેલ છે. જો આપણે આ ‘જો અને તો’નું વૈચારિક સ્પીડબ્રેકર કાઢી નાખીએ તો આપણા જીવનની ગાડી જરૂરથી આગળ વધી શકે અને ગતિ પણ પકડી શકે. જરૂર છે ફક્ત ઈરાદાની અને સમજની.
અહી ચર્ચાથી એવું લાગે કે આ પ્રશ્ન ફક્ત કારકિર્દી કે સફળતા-નિષ્ફળતા સાથે જોડાયલો છે. પણ ખરેખર તો જિંદગીના દરેક પડાવ જેવા કે સામાજિક, આર્થિક,સાંસારિક પ્રશ્નોમાં આ માનસિક ખાડો આવી શકે છે. તેમાં રોકાયા વગર અને તેને ઝડપથી મગજમાંથી દૂર કરીને તેને ઓળંગી જવામાં જ આપણું શ્રેય રહેલું છે.
૦-૦-૦
શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે
નોંધઃ
અહીં મૂકેલ ઈમેજ નેટ પરથી સાભાર લીધેલ છે. તેના પ્રાકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.
ખૂબ સરસ ચર્ચા કરી સમીરભાઈ, આપણે ‘જો’ અને ‘તો’ ને વ્યક્તિગત જીવનમાં બહાના તરીકે જોઈએ છીએ તેમ પ્રજાના તરીકે પણ આ જ રીતે વર્તીએ છીએ. નહેરૂ સરદાર ની વાત તો હજુ ગઈ કાલની છે. પરંતુ પૃથ્વીરાજ ચૌહાણે જો મહમદ ઘોરીને માફ કર્યો ન હોત તો પણ ઇતિહાસ જુદો હોત તેમ માનીએ છીએ. એથી આગળ વધીને જુગારનું આમંત્રણ સ્વીકારતા પહેલા યુધિષ્ઠિરે જો સહદેવ જોશીને પૂછ્યું હોત તો એમ પણ કહીએ છીએ.
પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર, કિશોરભાઈ !
हुई मुद्दत के ग़ालिब मर गया पर अब भी याद आता है ,
वो हर एक बात पे कहना के यूँ होता तो क्या होता !
જો અને તો નો ઉપયોગ ભવિષ્યકોમાં બનવાની સમાન શક્યતા ધરાવતી ઘટનાઓ માટે કરવામાં આવે તો એ એનો સૌથી પોઝીટીવ ઉપયોગ ગણાવો જોઈએ. જો અને તો ની મદદથી તમે એ પ્રત્યેક ઘટના ના જન્મ થી મરણ સુધી ની જર્ની નું વિહંગાવલોકન કરી શકો અને એ રીતે કઈ ઘટના વધુ અનુકૂળ રહેશે એ નક્કી કરી શકો છો.