ત્રણ કૃતિઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

– રક્ષા શુક્લ

                      (૧)  વિશ્વાસ એટલે

             (અછાંદસ)

વિશ્વાસ એટલે
એ જોવા મેં જોડણીકોશ ખોલ્યો.
પુલ્લિંગ, સંજ્ઞાવાચક,
ભરોંસો, શ્રદ્ધા, પ્રતીતિ….
વધુ અર્થો જોવા મેં જીવનકોશ ખોલ્યો.

વિશ્વાસ એટલે
મારે આંખે પાટાં બાંધીને અને
તારે પર્દા પાછળ રહીને રમવાની રમત !

વિશ્વાસ એટલે
તેં ટીંગાડેલું સૂર્યોદયનું ગાજર
અને મારી ન ખૂટતી કાળમીંઢ રાતો !

વિશ્વાસ એટલે
તેં આપેલું ભીંતો વગરનું ઘર
અને એમાં ખીંટી વિના લટકતું મારું જીર્ણવસ્ત્ર.

વિશ્વાસ એટલે
ઉજ્જડ ભોં પર મારે ઉગાડવાનાં ફૂલો
ને તારું એને મૃગજળથી સીંચવું?

વિશ્વાસ એટલે
જેના ઈસ-પાંગત ગુમ છે એ ઢોલિયો
અને મને હવે ન ખપતી એ નિરાંતવી ઊંઘ.

વિશ્વાસ એટલે
વારંવાર મારી જીભે તું મારે છે એ તાળું
કે એને રોજ ખેંચી જોતા તારા હાથ?

વિશ્વાસ એટલે
કંઈ ન ગુમાવવાની તારી ધરપત પર
તારું જ ઇતરાવું?
અને મારું કરુણાભીની આંખોથી તેને જોવું.

વિશ્વાસ એટલે
તારા અભિનય કૌશલ્ય પર તારું જ મુસ્તાક હોવું
કે મારું ‘દુબારા’ બોલવાના પાગલપનથી છૂટવું !

વિશ્વાસ એટલે
મારે જ સળગતો રાખવાનો છે એ દીવો !
અને તેં જ આપેલી આંધીઓથી એને બચાવવા
મથતા તારા હાથ?

વિશ્વાસ એટલે
જેની દીવાલો હચમચી ગઈ છે એવી મારી ખાતરી
અને એ દીવાલની કાંકરી ખેરવતા તારા નખ.

ટૂંકમાં

વિશ્વાસ એટલે
સાર્થ જોડણીકોશમાં
શોભતો એક શબ્દ માત્ર !

 

                                  * * *

                   () બદલીશું ઈતિહાસ (ગીત)

વાસણ-કપડાં, કચરા-પોતાં, એ જ નથી અધ્યાસ,
ઓફિસ-ધંધો, સાહસ-સત્તા, બદલીશું ઇતિહાસ.

કોબીજ-બોબીજ લઉં ને કિચનમાં હું બધું સંભાળું,
એ જ ત્વરાથી નેટ ઉપર ફોલ્ડરનું ખોલું તાળું.
દીવો ઉંબર પર મૂકું, ભીતર ભળતું અજવાળું,
નરસિંહ-મીરાં, મુનશી મારા દરવાજે હું ભાળું.

એ સૌના હોવાથી મારું હોવું ખાસમખાસ,
વાસણ-કપડાં, કચરા-પોતાં, એ જ નથી અધ્યાસ.

ગેન્ડીમાં વહેતા જળથી મારામાં વૃક્ષો ફૂટે,
પુસ્તક સઘળાં ઓનલાઈન થઇ ધોધંધોધ વછૂટે.
કક્કાને જે તિલક કરેલું રંગ હજુ ક્યાં ખૂટે !
પહાડો ને ધસમસ નદીઓ મારું સરનામું ઘૂંટે.

વણખેડી જો ભોંય મળે, એમાં પણ પાડું ચાસ,
વાસણ-કપડાં, કચરા-પોતાં, એ જ નથી અધ્યાસ.

 

                          * * *

                       (૩) જગ આખાને તાળું (ગીત)

હરિ નામના મારગ ઉપર મહેક બધીયે ઢાળું,
પુષ્પોની પગદંડીએ હું હરિ આવતા ભાળું.

નઝરુંમાં વ્હાલપ છલકે ‘ને હૈયું થાતું ડૂલ,
હરખ નામની ડાળે ઊઘડે ફૂલની જાણે ઝૂલ .

હરિવર ધીમું ધીમું મરકે મંદ મંદ મર્માળુ,
હરિ નામના મારગ ઉપર મહેક બધીયે ઢાળું.

મેઘધનુ પર બેસી આવે ફૂલગુલાબી દા’ડા,
દિવસોનો દરબાર અનોખો રાતોનાં રજવાડાં,

ભૂખ ભાંગતી ભવની આખર, સાથે કીધું વાળું,
હરિ નામના મારગ ઉપર મહેક બધીયે ઢાળું.

પીંછાના આ સ્પર્શ માત્રથી આખેઆખી ખૂલી,
છલકાયાં કંઈ તરસ તળાવો હું જ મને લ્યો, ભૂલી.

હરિવર મારે દ્વારે હો તો જગ આખાને તાળું.
હરિ નામના મારગ ઉપર મહેક બધીયે ઢાળું,

 

                                    * * *

સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – shukla.rakshah@gmail.com
મોબાઈલ – 99792 44884

* * *

(‘કુમાર ટ્રસ્ટ’ દ્વારા ‘શ્રીમતી કમલા પરીખ પારિતોષિક’ પામેલ રક્ષાબેન શુક્લ ભાવનગરના તળાજા ગામનાં રહેવાસી છે. ઈંગ્લીશ વિષય સાથે એમ.એ.;બી.એડ થયેલ છે. તેઓ ગુજરાતી કવિતાના ધોધમાં સતત રમમાણ છે. પંદર જેટલાં સંપાદનોમાં તેમનાં કાવ્યોને ગૌરવવંતુ સ્થાન મળેલ છે. સુપ્રતિષ્ઠિત સામયિકોમાં, વર્તમાન પત્રોના કાવ્યવિભાગમાં તેમની રચનાઓ અને આસ્વાદ પ્રકાશિત થતાં રહે છે. તે ઉપરાંત કવિતા વિષયક કાર્યક્રમો અને સંમેલનોમાં મોખરાનું સ્થાન શોભાવે છે. તેમની વધુ ઓળખાણ તો તેમની કવિતાઓ જ છે. ગીતો તરફ તેમનો સવિશેષ લગાવ છે. ‘વેગુ’ ઉપર, રક્ષાબહેન, આપનું હાર્દિક સ્વાગત છે. – દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય સમિતિ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *