





નયના પટેલ
જમી પરવારીને લતાબહેન અને નીલેશકુમાર સાથે બેઠાં ત્યાં સુધી પ્રીતની વાત કોઈએ કાઢી નહી. ધનુબાની, સ્નેહાની વિગેરે વાતો થતી રહી. લતાબહેનની ધીરજનો અંત આવી ગયો હતો અને તેમાંય આજે પ્રીતે જે તેમને કહ્યું હતું, તે વાતની નીલેશકુમારને તો હજુ ખબર પણ નહોતી. આખરે તેમણે જ વાત ઉપાડી, ‘ મનુ, તું કે સરલા અમને પ્રીતની વાત કરો તે પહેલાં આજે મને એણે એનો જે નિર્ણય જણાવ્યો છે તે કહી દઉં, (થોડું ખચકાઈને બોલ્યા) હજુ તો મેં નીલેશને પણ કહ્યું નથી.’
પછી નીલેશકુમાર તરફ જોઈને ગળું ખોંખારી કહ્યું, ‘ પ્રીતને જુદા રહેવા જવું છે અને…. એણે એના કોઈ દોસ્ત સાથે એક ફ્લેટ લેવાનું નક્કી કર્યું છે.’
‘વોટ, કમાવાની તાકાત નથીને એને જુદા રહેવું છે?’
‘મને ખબર જ હતી તમારા રીસ્પોંસની, એટલે જ તમને કહેવાની મારી હિંમત જ નહોતી ચાલતી. આમ જ એને તમે વઢ્યા કરો એટલે તમને એ કાંઈ કહેજ નહીં તેમાં શું નવાઈ ?’
‘તેં જ એનો પક્ષ લઈ લઈને બગાડ્યો છે.’
ઓચિંતી શરૂ થયેલી આ બે પતી-પત્નીની ઉગ્ર થતી જતી વાતચીતને કઈ રીતે સંભાળવી તેની ગતાગમ મનુભાઈને ન પડી પરંતુ સરલાબહેને બાજી સંભાળી લીધી, ‘નીલેશકુમાર, પહેલાં તમે લતાબહેનની વાત તો સાંભળો.. આમ ગુસ્સે થશો તો અમારે જે વાત કરવી છે તે અમે કઈ રીતે કરીશું?’
લતાબહેનાનો મનનો ઉભરો નીકળવા માંડ્યો, ‘ને સરલા, એ છોકરો કામે જાય છે અને એના પૂરતો ખર્ચ તો કાઢી લે છે પણ આને તો (નીલેશકુમારને બતાવી ) એણે કહી હતી તે લાઈન કેમ લીધી નહીઁ બસ એ જ વાત લઈને બેસી ગયા છે. આજકાલના છોકરાઓને સમજવાની જગ્યાએ, બસ વાત વાતમાં ગુસ્સો કર્યા કરે. એ કાંઈ થોડો હવે નાનો છે ?’
‘જુઓ લતાબહેન, અમારે જે વાત તમને કહેવી છે તે સાંભળશો તો તમને, એને કેમ જુદા રહેવું છે તે સમજાશે.’
રૂમામાં આંધી પહેલાની ખામોશી છવાઈ ગઈ. મનુભાઈ અને સરલાબહેને એકબીજાની સામે જોયું, પછી લતાબહેન અને નીલેશકુમાર સામે જોઈને સ્વસ્થ અવાજે કહ્યું, ‘બહેન, તમે આજે સવારે તમારા ભાઈને પૂછતાં હતાંને કે વાત કાંઈ સીરિયસ છે ? હા, વાત સાચે જ સીરિયસ છે અને એટલે તમે બન્ને વચન આપો કે જરાય ઉશ્કેરાયા વગર અમારી વાતો સાંભળશો અને સૌથી અગત્યની વાત તો એ છે કે… તમે પ્રીતને સમજવાનો પ્રયત્ન કરશો.’
લતાબહેને અને નીલેશકુમારે આંખોમાં આશ્ચર્ય અને કંઈ ખોટું થયાની આશંકા સાથે માથું હલાવી ‘હા’ કહી.
સરલાબહેને ફરી મનુભાઈ સામે જોયું જાણે વાત કરવાની હિંમત માંગતા હોય તેમ, મનુભાઈ પાસે તો એ વાત કરવાની હિંમત અને ભાષા કાંઈ જ નહોતું એટલ સંમતિ આપતાં હોય તેમ લતાબહેન અને નીલશકુમાર તરફ હાથ લંબાવી વાત કહેવાનો ઈશારો કર્યો.
‘બહેન, પ્રીત ખૂબ ડાહ્યો અને હિંમતવાળો છોકરો છે એની જગ્યાએ બીજો કોઈ છોકરો હોત તો… ક્યારનો… ય ઘર છોડીને ભાગી ગયો હોત અથવા જીંદગી ટૂંકાવી નાંખી હોત.’
નીલેશકુમારનો મીજાજ ગયો, ‘એવું તે અમે એને કેવુંક દુઃખ આપીએ છીએ…’
લતાબહેનને પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ આવવા માંડ્યો હતો, ‘તમે સરલાની વાત આગળ સાંભળો તો ખરાં….હં….સરલા એવી તે કઈ બાબત છે કે એ અમને કોઈને કહી શકતો નથી ? અને આમ છેલ્લે પાટલે કેમ બેસી ગયો તેની અમને તો કાંઈ જ સમજ પડતી નથી! ’
સરલાબહેને હિંમત ભેગી કરી મનો મન ઈશ્વરને પ્રાર્થી લીધાં અને અવાજને સમથળ કરવાની ભારે મહેનત કરી બોલ્યા, ‘પ્રીત ‘ગે’ છે અવું એણે પોતે જ નમન, કિશન અને નંદાને આ બીજીવાર, ફરી, પરમ દિવસે પણ સ્પષ્ટ રીતે કહ્યું.
નીલેશકુમાર અને લતાબહેનને વાત સમજ ન પડી હોય તેમ સરલાબહેન તરફ જોઈ રહ્યાં. રૂમમાં સાચે જ સ્મશાનવત્ શાંતી પથરાઈ ગઈ ! પછી કળ વળતાં માન્યામાં ન આવતું હોય તેમ ગુસ્સા સાથે લતાબહેને કહ્યું, ‘સરલા, તું શું બોલે છે તેનું તને ભાન-બાન છે ?’
હવે મનુભાઈમાં થોડી હિંમતનો સંચાર થયો, ‘લતા, નીલેશકુમાર, સરલાની વત સાચી છે. અમે અમારા ત્રણેય છોકરાંઓને કાંઈ કેટલી ય વાર ફેરવી ફેરવીને એ વાતની ખાત્રી કરવા કહ્યું.’
સાવ જ ન ધારેલી વાત હજુ ય નીલેશકુમારને ગળે ઉતરી નહોતી, ‘એક મિનિટ, મનુભાઈ, તમે લોકો મશ્કરી કરો છો ને ?’
સરલાબહેને એમના ધીરગંભીર સ્વરે કહ્યું, ‘ભાઈ, આવી ગંભીર વાતમાં અમે મશ્કરી કરીએ એમ તમે માનો છો ?’
કઈ મા પોતાના જ પુત્રની આવી વાત અન્ય વ્યક્તિ પાસેથી સાંભળી શકે ? ‘એ લોકોની સાંભળવામાં ભૂલ થઈ હોય એમ ન બને ?’
‘બહેન આ પહેલાં પણ, તમને યાદ હોય તો, બાને ઘરડાંઘરમાં મૂકવાની વાત કરવા બેઠાં હતાં ત્યારે પણ એ લોકોએ શું કહ્યું હતું યાદ છે ?’
‘હા, કાંઈ વિનુમામાને ત્યાં લગ્ન પ્રસંગે ભેગા થયાં હતાં ત્યારે પ્રીતે એ લોકોને કાંઈ કહ્યું હતું એટલે મને કહેતાં હતાં કે ફોઈ, પ્રીતેને લગ્ન માટે ફોર્સ ન કરતાં. ‘
નીલેશકુમારે એમનો આખરી નિર્ણય જણાવી દીધો, ‘કોઈ ગમે તે કહે, એ વાત બને જ નહીં અને એમ હું થોડું કાંઈ માની ય લઉં ?’
મનુભાઈએ એમની રીતે ધીમે ધીમે એમની રીતે એ લોકોને વાત ગળે ઉતારવા બીજો પ્રયાસ કરતાં કહ્યું, ‘આ સરલાને ય એમ જ હતું કે આપણા સમાજમાં એવું….’
તેમની વાતને વચ્ચેથી જ કાપી નાંખતાં નીલેશકુમાર બોલી ઊઠ્યા , ‘હું એમ નથી કહેતો, હું એમ કહું છું કે, (અવાજમાં ભાર દઈને બોલ્યા) સો વાતની એક વાત, મારો દીકરો એવો હોય જ નહીં .
આ વાત સગ્ગા મા-બાપને ગળે ઉતારવી કેટલે અઘરી છે તેનો અંદાજ સરલાબહેનને થોડો છે, ‘જુઓ, નીલેશકુમાર, એ વાતને માનસિક રીતે સ્વીકારતાં અમને પણ બે દિવસ થયાં તો પણ જ્યારે એ વાત યાદ કરીએ છીએ ત્યારે એ વાત માનવા મન નથી માનતું અમારું. ‘ પછી લતાબહેન તરફ ફરી બોલ્યા, ‘બેન, આ તમારા ભાઈને એ વાતની જાણ થઈ ત્યારથી રાતના સૂઈ શકતાં નથી.’ પછી નીલેશકુમારને સાત્વન આપતાં કહ્યું, ‘વી નો, ઈટ્સ નોટ ઈઝી ટુ એક્સેપ્ટ !’
નીલેશકુમારે માથું હલાવી કહ્યું, ‘બને જ નહી, હું, એ જાતે પોતે કહેને, તો પણ ન માનું. એને જુદા રહેવા જવું છે અને પેલી છોકરી સાથે લગ્ન નથી કરવાં તેથી આ બધા ધતિંગ કરે છે. તમે લોકો એને નથી ઓળખતાં, હું એની રગ રગ…..
હવે ગુસ્સો કાબૂમાં ન રહેતાં લતાબહેન નીલેશકુમાર પર વરસી પડ્યા, ‘બસ, નીલુ, બસ આમને આમ જ એ છોકરાની જિંદગી બગાડી નાંખી તેં!’
‘મેં? મેં બગાડી એની જિંદગી કે તેં?’
બેન અને બનેવીની મનઃસ્થિતિ સમજતાં મનુભાઈ બન્નેને શાંત પાડવાનો પ્રયત્ન કરતાં બોલ્યા, ‘જુઓ, આમ એકબીજાને માથે દોષનો ટોપલો ઓઢાડવાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનો, બન્ને જણ શાંત થઈ જાઓ.’
આવા સમાચાર લાવનારે જ જાણે ગુહ્નો કર્યો હોય તેમ નીલેશકુમારે સામો ઘા કર્યો, ‘એવી ડાહી ડાહી વાતો કરો છો કારણ એ વાત તમારા કોઈ દીકરાની નથી.’
‘ખબરદાર જો એ લોકોનો વાંક કાઢ્યો છે તો, એક તો એ લોકો કેટલી હિંમત ભેગી કરી આપણને કહેવા આવ્યા અને ઉપરથી પાછા…’
સરલાબહેનની પ્રમાણિકતા ચેપી હોય તેમ મનુભાઈએ પણ અંતરના ઊંડાણથી સ્વીકાર્યું, ‘કુમારની વાત સાચી છે, મારા ભાણિયાની આ ખબર સાંભળીને મારી ઊંઘ ઊડી ગઈ , પણ એ જગ્યાએ મારો દીકરો હોત તો… ખબર નહીં મારું રીકએકશન કેવું હોતે ?’
રૂમમાં ફરી શાંતી ચૂપચાપ આવીને બેસી ગઈ. ક્યાંય સુધી સૌનો સ્વર જાણે હણાય ગયો હોય તેમ રૂમમાં નિશબ્દતા છવાઈ ગઈ.
સરલાબહેને ચૂપકીદી તોડી , ‘બહેન, તમે લોકો તો ભણેલા છો એટલે આ બધું થવાના કારણ ખબર હશે, પણ મને તો જરાય ખબર નહોતી એટલે પહેલા તો મેં કહ્યું કે એવું બધું ધોળીયાઓમાં હોય, આપણામાં થોડું હોય?’
આટલા દુઃખમાં ય લતાબહેનનું મોં જરાક મલક્યું.
પણ નીલેશકુમાર તો સોફાપર પાછળ તરફ માથું ઢાળી, આંખો બંધ રાખીને બેસી રહ્યા હતાં.
લતાબહેનને હવે ધીરે ધીરે કળ વળવા માંડી એટલી વાતાવરણને હલકું કરવા બોલ્યા,’જોને સરલા તેં જોયું હોય તો આપણી હિંદી ફોલ્મોમાં ય હવે તો હોમોસેક્શુઆલિટિ બતાવવા જ માંડ્યા છે ને !’
નીલેશકુમાર માટે હજુ ય આ આઘાત પચાવવો વસમો હતો, ‘હમણા તું ફિલ્મોનું ક્યાં કૂટે છે ?આ તારા લાડલાએ પહેલા ભણવાનું અધવચ્ચે છોડ્યું અને બાકી રહ્યું હોય તેમ હવે હિજડો…..’
કાને હાથ રાખી લતાબહેન રડતા અવાજે કરગરી પડ્યાં, ‘મહેરબાની કરીને ગમેતેમ ન બોલો, તમને
પગે લાગું, તમારા પોતાના જ લોહી માટે આવું બોલતાં શરમ નથી લાગતી તમને ?’
સરલાબહેનને વાતાવરણને થોડું ઓછું વજનવાળુ બનાવવું હતું પણ શું કરવું તેની સમજ નહોતી પડતી, એટલે ફરી પેલો હોમોસેક્સ્યુઆલિટિનો જ સબજેક્ટ કાઢ્યો, ‘બહેન મને સાચ્ચે જ આ બધામાં ખબર નથી પડતી, મને સમજાવોને !’
સરલાબહેનને સમજાવતાં સમજાવતાં લતાબહેનનુ મન પણ એને માટે જાણે તૈયાર થવા માંડ્યું હોય તેમ ઈમબેલેંસ હોર્મોન્સ વિગેરે સમજાવતાં સમજાવતાં થોડાં સ્વસ્થ થયા હોય તેમ લાગ્યું.
પરંતુ નીલશ્કુમારનો અહમ્ ભયંકર રીતે ઘવાયો છે, છંછેડાયો છે. પ્રતિભાવ કઈ રીતે આપવો તેની પણ સૂઝ પડતી નહોતી. મનુભાઈને થયું કે પાબમાં એકાદ બે પેગ નીલેશકુમાર લેશે તો થોડા રીલેક્સ પણ થઈ જશે અને કદાચ એક પુરુષ બીજા પુરુષ પાસે સહેલાઈથી મનની વાત કરી મનને હળવું કરી શકે, એટલે સૂચવ્યું, ‘ચાલો નીલેશકુમાર, આપણે પબમાં આંટો મારી આવીએ .’
આંખો મીંચેલી રાખીને જ બોલ્યા, ‘ ના, નહીં અવાય, મેં મારા ગુરુને દારુ ન પીવાનું વચન આપ્યું છે.’ બોલતાં બોલતાં જોરથી માથું હલાવ્યું અને ફરી માથું ઢાળી બેસી રહ્યા.
સરલાબહેનને થયું કે વાતાવરણને હળવું કરવા ચા જેવું કોઈ બહાનું નથી એટલે સૌને ચાનું પૂછી રસોડામાં હજુ તો પહોંચ્યા જ અને મનુભાઈની રાડ સાંભળી સફાળા બન્ને જણ દોડીને સિટિંગરૂમમાં આવ્યા અને જોયું તો…..
ક્રમશઃ
સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com