બંદિશ એક, રૂપ અનેક – ૪૧- નુક્તા-ચીં હૈ ગ઼મ-એ- દિલ

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

મીરઝા અસદદૌલાબેગ ખાન -મીરઝા ગ઼ાલિબ -નાં સ્વર્ગવાસનું આ 150મું વર્ષ છે.

શરૂઆત કરીયે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલી તેમની મઝારની મુલાકાતથી:

નુક્તાચીં હૈ ગ઼મદિલ” નું પઠન ગુલઝારના અવાજ માં:

આ બહુ પ્રચલિત અને ગમતી ગઝલ વિશેષ રૂપે સમજીએ શ્રી વલીભાઈ મુસા રસદર્શન દ્વારા:

નુક્તાચીં હૈ ગ઼મદિલ ઉસ કો સુનાએ ન બને

ક્યા બને બાત જહાઁ બાત બતાએ (બનાયે) ન બને (૧)

                           (નુક્તા-ચીં = દરેક વાતમાં દોષ કાઢવાવાળો; બાત બનના= મનોકામના પૂરી થવી; બાત બનાના= સુફિયાણી વાત કરીને કોઈને છેતરવું, જૂઠું બોલવું, મીઠી મીઠી વાતો કરવી)

ગ઼ાલિબની ખૂબ જ વિખ્યાત ગ઼ઝલો પૈકીની આ ગ઼ઝલ ચલચિત્રો, ટી.વી. શ્રેણીઓ અને મહેફિલોમાં અચૂક સ્થાન પામી છે અને એકાધિક ગાયકોએ પોતાના મધુર કંઠે તેને ગાઈ છે. દર્શકો અને શ્રોતાઓની દાદ દ્વારા પોરસાયેલી આ ગ઼ઝલનો મત્લા શેર લાજવાબ છે. શેરના ઉલા (પ્રથમ) મિસરા ‘ઉસ’ને અનુલક્ષીને કહેવાયો છે, જે ‘માશૂકા’ માટે અભિપ્રેત છે. ઉર્દૂમાં ‘માશૂક’ શબ્દ પ્રિયતમ અને પ્રિયતમા બંને માટે સામાન્ય તરીકે પ્રયોજાય છે, આપણે બેઉ માટે અનુક્રમે માશૂક અને માશૂકા એમ જ રાખીશું. શાયરની માશૂકા દરેક વાતમાં દોષ કાઢવાવાળી અર્થાત્ આલોચક છે અને તેથી તે પોતાના દિલની ગમગીનીને તેની આગળ બયાન કરવાનું મુનાસિબ સમજતા નથી. આમ જ્યારે માશૂકા સાથે કોઈ વાત થતી જ ન હોય તો પછી પોતાના દિલના દર્દને હળવું કરવાની તેમની વાત કઈ રીતે બને, અર્થાત્ તેની મનોકામના કઈ રીતે સિદ્ધ થઈ શકે.

મૈં બુલાતા તો હૂઁ ઉસ કો મગર ઐ જજ઼્બાદિલ

ઉસ પે બન જાએ કુછ ઐસી કિ બિન આએ ન બને (૨)

               (જજ઼બા-એ- દિલ= મનોભાવ, મનનો આવેશ)

‘ન બને’ રદીફ અને તેની પૂર્વેના કાફિયા – શબ્દાંતે ‘આએ’ પ્રાસ થકી ગ઼ઝલ સુમધુર અને મનનીય બની રહે છે. ગ઼ઝલકારની રદીફ અને કાફિયાની યોગ્ય પસંદગી એ ગ઼ઝલની અર્ધી મંઝિલ સર કરી શકે છે. ગ઼ઝલના આ બીજા શેરમાં કમાલની વિભાવના પેશ થઈ છે.
શાયર પોતાના મનોભાવને અભિવ્યક્ત કરવા માશૂકાને પોતાની પાસે બોલાવે તો છે, પણ તેણીના પક્ષે એવું કંઈક બની જાય છે કે તે આવતી નથી અને દૂરી જ નિભાવે છે. આમ શાયર અફસોસ કરે છે કે તેના આવ્યા વગર તેનો મનોભાવ તો કેવી રીતે પ્રગટ થઈ શકે.
ગ઼ાલિબની ગ઼ઝલોના શેરમાં આવા સૂક્ષ્માતીત સૂક્ષ્મ સંવેગો ગુંથાતા હોય છે કે આપણે આફરિન આફરિન પોકારી ઊઠીએ. ગ઼ાલિબ માનવીય વર્તણૂકો (Human behavior)ના એવા અભ્યાસુ છે કે આપણે ભાવુકો તેમને બિરદાવ્યા વગર રહી જ ન શકીએ.
ખેલ સમઝા હૈ કહીં છોડ઼ ન દે ભૂલ ન જાએ
કાશ યૂઁ ભી હો કિ બિન મેરે સતાએ ન બને (૩)

શેરના ઉલા મિસરામાં માશૂક એવી ભીતિ મહસૂસ કરે છે કે માશૂકા ઇશ્કને ખેલ સમજીને તેનાથી દૂર ભાગી જાય કે તેને ભૂલી પણ જાય. પરંતુ તરત પાછા સાની મિસરામાં મન મનાવી લેતાં માશૂક કહે છે કે માશૂકા પક્ષે પોતાના તરફની અવહેલના ત્યારે જ શક્ય બને, જ્યારે કે તે તેને સતાવતા હોય કે પરેશાન કરતા હોય! ગ઼ાલિબની મોટા ભાગની ગ઼ઝલોમાં વિપ્રલંભ (વિયોગ) શૃંગાર રસ પ્રયોજાયેલો જોવા મળે છે અને તેથી જ તો તેમની ગ઼ઝલોમાંથી આપણે લુત્ફ લઈ શકીએ છીએ. આમેય કહેવાય પણ છે જ ને કે ‘જો મજા ઇંતઝારમેં હૈ, વો પાનેમેં નહીં’.

ગ઼ૈર ફિરતા હૈ લિએ યૂઁ તિરે ખ઼ત કો કિ અગર
કોઈ પૂછે કિ યે ક્યા હૈ તો છુપાએ ન બને (૪)

ગ઼ાલિબ પોતાની ઘણી ગ઼ઝલોમાં નામાબર (કાસદ)ને ઉલ્લેખે છે. માશૂકાને પત્રો પહોંચાડવાનું કામ બજાવતા આ કાસદ ઉપર માશૂકને ઘણીવાર શંકા થતી હોય છે કે રખેને એ કાસદ જ પોતાની માશૂકાનો વધુ કરીબી થઈને ખલનાયક તો નહિ બની જાય, આડખીલીરૂપ તો નહિ બની જાય! અહીં આ શેરમાં પણ ગ઼ાલિબ એવી જ વાત લાવે છે; પરંતુ અહીં કાસદ નહિ, પણ માશૂકનો હરીફ છે. માશૂકાના પોતાના ઉપરના પત્રને ગડી વાળીને લઈ ફરતો એ હરીફ બિનભરોંસાપાત્ર છે. તેમના પ્રણયની ગુપ્તતા એ નહિ જ જાળવે. કોઈક એને પૂછે કે તેના હાથમાં શું છે તો તે રહસ્ય ખુલ્લું કરી જ દેશે અને આમ જમાનાને માશૂકના ઇશ્કની જાણ થઈ જશે. એ તો સર્વવિદિત છે જ કે જમાનો હંમેશાં પ્રેમીયુગલોનો દુશ્મન જ રહ્યો છે. માશૂકનો હરીફ માશૂકને ઊઘાડો પાડી દઈને તેને બદનામ કરી દીધા પછી હળવેથી તે માશૂકાનો નિકટતમ પ્રેમી થઈ જશે. આ શેરમાં માનવસ્વભાવની શંકાશીલતાને ઉજાગર કરવામાં આવી છે. આપણને યાદ રહે કે ગ઼ાલિબની વાસ્તવિક કોઈ માશૂકા છે જ નહિ. તેમની ગ઼ઝલોમાં તેમની કલ્પનાની માશૂકા એક વિષય માત્ર જ બને છે. આમેય આપણે જાણીએ જ છીએ કે ગ઼ઝલકારની ગ઼ઝલોમાં શરાબ અને સુંદરી હોય જ અને તેથી જ તો શાયરીમાં રંગત આવતી હોય છે, અન્યથા એ સર્જન નીરસ જ બની રહે.

ઉસ નજ઼ાકત કા બુરા હો વો ભલે હૈં તો ક્યા
હાથ આવેં તો ઉન્હેં હાથ લગાએ ન બને (૫)

                   (નજાકત= કોમળતા); આતિશ = આગ]  

આ શેરમાં શાયર માશૂકા પરત્વે હળવો આક્રોશ વ્યક્ત કરે છે. તે માશૂકાને સંબોધતાં કહે છે કે ભલેને તારામાં ગમે તેવી નજાકત (કોમળતા) હોય, પણ એ કશાય કામની નથી; અને તેથી હું સખ્ત શબ્દોમાં તારી નજાકતની આલોચના કરું છું. એવી નજાકત તો શા કામની કે જે પાસે હોય અને તેને સ્પર્શી ન શકાય. આમ માશૂકાની નજાકત આસમાનના સિતારાઓ જેવી છે; જે સુંદરતમ તો છે, પણ તેમને હાથમાં લઈ શકાતા નથી. આ શેરના બીજા મિસરામાં ‘હાથ’ શબ્દની પુનરાવૃત્તિ, પણ ભિન્ન અર્થોમાં, મનનીય બની રહે છે. ‘હાથ આવવું’નો મતલબ છે, ‘પ્રાપ્ત થવું’ અને ‘હાથ લગાવવો’નો મતલબ છે, ‘સ્પર્શ થવો’. આ શેર આપણને ગ્રીક દંતકથાના શાપિત રાજા ટેન્ટેલસની યાદ અપાવે છે કે જેના મોંઢા સુધી ફળ અને પાણી હોવા છતાં તે તેમને આરોગી કે પી શક્તો નથી..

કહ સકે કૌન કિ યે જલ્વાગરી કિસ કી હૈ
પર્દા છોડ઼ા હૈ વો ઉસ ને કિ ઉઠાએ બને ()

               (જલ્વાગરી = તેજ (પ્રભા)ની જાદુગરી)

અહીં માશૂકાના હુશ્નને બિરદાવવામાં આવ્યું છે. પર્દાની પાછળ છુપાયેલા હુશ્નના તેજની જાદુગરી કોની છે એ જાણવું કે સમજવું કોઈપણ બુદ્ધિમાન માણસની બૌદ્ધિક શક્તિ બહારનું છે. માશૂકાએ પોતાના હુશ્નને છુપાવવા માટે પોતના ચહેરા ઉપર પર્દો એવી રીતે નાખ્યો છે કે તેને ઉઠાવવામાં આવે તેવી કોઈ શક્યતા વર્તાતી નથી. ચહેરા ઉપર પર્દા કે નકાબનું હોવું એ સ્વરૂપવાન બાનુ માટે તહજીબ (શિષ્ટાચાર)નો એક ભાગ ગણાય છે. મર્દમાત્ર માટે એ સાહજિક આરજૂ હોય છે કે ઢંકાયેલા સૌંદર્ય તરફ વિશેષ આકર્ષણ કે લગાવ હોવો. અહીં શાયરની ઝંખના તો એ જ છે કે માશૂકાના સૌંદર્યનું અનાવરણ થાય અને તે એ સૌંદર્યને જોવા પામે, પણ સાથે સાથે તેને એ વાતનો યકિન પણ છે કે એ પર્દો નહિ જ ઊઠે. આ શેરને ઇશ્કે હકીકી સંદર્ભે લઈએ તો સમજાય છે કે અનુપમ સૌંદર્ય ઠેર ઠેર વેરાયેલું પડ્યું છે એવા બ્રહ્માંડનો સર્જનહાર ઈશ્વર પણ પર્દા પાછળ છુપાયેલો જ હોય છે કે જેને આપણે આપણાં ચર્મચક્ષુઓ વડે હરગિજ નિહાળી ન શકીએ, સિવાય કે આપણે આપણાં અંત:ચક્ષુ દ્વારા તેની અનુભૂતિ કરીએ.

મૌત કી રાહ દેખૂઁ કિ બિન આએ રહે
તુમ કો ચાહૂઁ કિ આઓ તો બુલાએ બને (૭)

આ શેર સમજવામાં થોડો સંકુલ છે. જો ઉલા મિસરામાંના ‘દેખૂઁ’ પછી અને સાની મિસરામાંના ‘ચાહૂઁ’ પછી પ્રશ્નાર્થચિહ્ન સમજવામાં આવે તો આખો શેર સ્પષ્ટ રીતે સમજાઈ જશે. માનવ મોતની રાહ જુએ ન જુએ તો પણ તેના નિર્ધારિત સમયે તે આવવાનું જ છે. જીવ માત્ર જે જન્મે છે, તેનું મોત અનિવાર્ય હોય છે. આ શેરને પણ ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી બંને ભાવે સમજી શકાય છે. જો તેને દુન્યવી માશૂકા સંદર્ભે સમજીએ તો તે ઇશ્કે મિજાજી બને અને મોતને જ માશૂકા તરીકે કલ્પી લેવામાં આવે તો તે ઇશ્કે હકીકી બને. જે મૃત્યંજય હોય છે તેઓ મોતને ગળે લગાવતા હોય છે. સાની મિસરામાં શાયર કહે છે કે માશૂકા પોતાની તરફ આવવાનું ન જ ચાહતી હોય તો તેને લાખ બોલાવો તોય એ નહિ જ આવે. આમ માશૂકા કે મૌત બંનેનું પોતાની તરફ આવવું કે ન આવવું તે સ્વયં તેમના પોતાના ઉપર આધારિત છે અને તેથી માશૂકે તો તટસ્થભાવ જ ધારણ કરવો રહ્યો. આમ ગ઼ાલિબ ઘણી વાર પોતાની ગ઼ઝલોમાં ઉમદા વાતો બયાન કરી દે છે. ગ઼ાલિબની એ જ ખૂબી છે કે તે સૂક્ષ્મ બાબતો પણ મનનીય રીતે બયાન કરી શકે છે.

બોઝ વો સર સે ગિરા હૈ કિ ઉઠાએ ઉઠે
કામ વો આન પડ઼ા હૈ કિ બનાએ બને (૮)

આ શેરના સાની મિસરાને પ્રથમ લઈને સમજીએ તો ગ઼ાલિબ જે કહે છે તેનો મતલબ એ થાય કે જે કામ કરવાનું માથે આવ્યું છે તેને પૂર્ણ કરી શકાય તેમ નથી. હવે આના ઉદાહરણ રૂપે ઉલા મિસરામાં કહેવાઈ ગયું છે કે જે રીતે માથા ઉપરના બોજને એક વખત ઉતારીને ફેંકી દીધા પછી તેને જાતે જ ફરી ઊંચકવો મુશ્કેલ બને છે. આ પહેલા મિસરાનો ઇંગિત અર્થ એ નીકળે છે કે માથા ઉપરથી ફેંકાઈ ગયેલા બોજને ફરી માથા ઉપર લેવો હોય તો અન્ય કોઈ સહાયકની જરૂર પડે. બીજા મિસરાનો પણ ઇંગિત અર્થ એ લઈ શકાય કે કોઈ કાર્ય કરવાની જવાબદારી માથે આવી પડી હોય તો તે કાર્ય આપમેળે થઈ ન જાય, પણ તેને આપણે કરવું પડે. આમ ગ઼ાલિબ માનવજીવનની વાસ્તવિકતાઓને પોતાના શેરમાં એવી ઉમદા રીતે વણી લે છે કે આપણે હેરત પામ્યા સિવાય ન રહી શકીએ.
ઇશ્ક઼ પર જ઼ોર નહીં હૈ યે વો આતિશ ‘ગ઼ાલિબ’
કિ લગાએ ન લગે ઔર બુઝાએ ન બને (૯)

                 (આતિશ = આગ)

ગ઼ઝલના આ મક્તા શેરમાં ગ઼ાલિબ ઇશ્ક઼ની ફિલસુફી સમજાવતાં કહે છે કે ઇશ્ક ઉપર કોઈનું જોર ચાલતું નથી. ઇશ્ક઼ તો આઝાદ છે અને તે કોઈની તાબેદારી કદીય સ્વીકારે નહિ. ઇશ્ક઼ એ પ્રેમીઓનાં દિલોમાં જાગતો એવો બેમિસાલ અગ્નિરૂપી કુદરતી સંવેગ છે કે જેને દુન્યવી અગ્નિની જેમ પેટાવી કે બુઝાવી શકાતો નથી. ઇશ્ક઼ કરવામાં આવતો નથી હોતો, એ તો થઈ જતો હોય છે; અને એક વખત આવા થઈ ગયેલા ઇશ્ક઼ને કદીય મિટાવી શકાય નહિ. વિશ્વભરનાં પ્રેમીજનોનો ઇતિહાસ ગવાહ છે કે એવાં સાચાં પ્રેમી યુગલોના પ્રેમને મિટાવવા માટેના લાખ પ્રયત્નો છતાં તેને મિટાવી શકાયો નથી. એવાં પ્રેમીયુગલોએ ફના થવાનું મુનાસિબ ગણ્યું છે, પણ કહેવાતી એવી જાલિમ સત્તાઓ આગળ તેઓ કદીય ઝૂક્યાં નથી. ઇશ્કે હકીકી સંદર્ભે આ શેરને સમજીએ તો ઈશ્વર પરત્વે લાગેલી લગની પણ એવા દિવ્ય અગ્નિ જેવી છે કે જેમાં આત્મસમર્પણ સ્વીકાર્ય છે, પણ પ્રતિકૂળતાઓ સામે શરણાગતિ તો હરગિજ નહિ.
સમાપને, ગ઼ાલિબની આ ગ઼ઝલને સમગ્રતયા અવલોકને મૂલવતાં ભાવકોને અવશ્ય લાગશે કે આ તેમની પ્રથમ હરોળમાં આવતી ગ઼ઝલો પૈકીની એક છે. ગ઼ાલિબનું કવન એવું નૈસર્ગિક છે કે આપણે પેલી ઉક્તિને સ્વીકારવી જ પડે કે કવિઓ કે શાયરો બનતા નથી હોતા, પણ જન્મતા હોય છે.

રસદર્શન: સૌજન્ય શ્રી વલીભાઈ મુસા

અજિત સરીને નવે નવ શેરનું પઠન કરેલ છે.તે સાથે દરેક શેર રોમન લિપિમાં અને એત્નો અનુવાદ પણ આ ક્લિપમાં જોવા મળે છે.

મક્તા સહીત આ ગઝલમાં નવ શેર છે, જેમાંથી ત્રણ કે ચાર જુદા જુદા ગાયકો, સંગીતકારો, મહેફિલમાં પ્રોગ્રામમાં અને ફિલ્મોમાં શામેલ કરેછે।

૧૯૩૦ના વર્ષમાં સ્વ. કુંદનલાલ સાયગલે ગયેલી ગઝલ “નુક્તાચી હૈ ગમે દિલ” ની એક રેકર્ડ 78 RPMમાં હિન્દુસ્તાન રેકર્ડ કંપનીએ બહાર પાડી, તે સમયે લગભગ દસેક જેટલી ગ઼ાલિબ ની ગઝલ ની રેકર્ડ સાયગલના અવાજમાં બજારમાં આવી, અને તેનું ખુબ જ વેચાણ થયું, ગ઼ાલિબની શેર-શાયરી અને ગઝલો પર સંગીત પ્રેમીઓનું ધ્યાન ગયું, કહેવાય છે કે અહીંથી ગ઼ાલિબની ગ઼ઝલોને જીવતદાન મળ્યું! ૧૯૩૩માં ન્યુ થીયેટર્સ ની ફિલ્મ “યહૂદી કી લડકી” આવી, તેમાં આ ગઝલ પંકજ મલિકનાં સંગીત નિર્દેશનમાં ફરી બહાર પડી.

કુંદનલાલ સાયગલ : ફિલ્મ “યહૂદી કી લડકી “: શેર છે નંબર ૧, ૨, ૮ અને ૯

સોહરાબ મોદીએ ૧૯૫૪ માં  સાદાત હુસેન મન્ટો ની વાર્તા અને તેના પરથી રાજેન્દ્ર સિંહ બેદી અને જે.દત્તાની પટકથા પર આધારિત ફિલ્મ “મિર્ઝા ગાલિબ’ બનાવી, સંગીતકાર બિકાનેરમાં જન્મેલા શ્રી ગુલામ મહમદ ની બંદિશ સુરૈયા ના સ્વરમાં: શેર ૧, ૪, ૨ અને ૯

નૂરજહાં પાકિસ્તાની ફિલ્મ “ગાલિબ” માં : ૧, ૪, ૨ અને ૯

એક સમય નાં પ્રખ્યાત સંગીતકાર ગુલામ હૈદરનાં દીકરી,, ઉદ્યોગપતિ અને સૂફી ગાયિકા આબિદા પરવિન : શેર ૧,૪, ૬,૨ અને ૯

નજ્મ઼ા અખ્તર

નરગીસ દત્ત નાં માતુશ્રી જદ્દનબાઈનાં અવાજમાં શેર ૧, ૨, ૩, ૪ અને ૯

મુહમ્મદ રફી ૧, ૩, ૭, અને ૯

સુકુમાર મુખરજી ૧, ૨, ૪ અને ૯

સંગીતકાર અને સ્વરકાર રવી ૧, ૨, ૪ અને ૯

દિલ્હી વિશ્વવિદ્યાલય સાથે સંકળાયેલાં ડૉ. રાધિકા ચોપરા, 1,૪, ૨, અને ૯

PTVના કાર્યક્રમ ‘મિર્ઝા ગ઼ાલિબ બન્દર રોડ પર’માં સેહર સિદ્દીકી : ૧, ૨, ૬ અને ૯

જોધપુરના સૂફી ગાયિકા અનિતા સંઘવી, તેઓ કોંગ્રેસના વર્તમાન પ્રવક્તા અભિષેક સંઘવીના પત્ની: શેર ૧, ૨, ૩, ૪ અને ૯

સંગીત રચના બુલો સી રાની અને ચન્દીરામાણી, ઉષા આમોનકરનો અવાજ શેર ૧, ૨, ૭ અને ૯

વિડીયો ક્લિપ એમ્બેડ કરવાનું નિષિધ્ધ કરેલ હોવાથી આ લિંક ક્લિક કરવાથી વિડીયો ક્લિપ બીજી વિન્ડોમાં ક્લિપ ખુલશે.
https://youtu.be/ILfVPPxW_g0

વોશિંગટન માં રહેતા ઝોહરા મોરષદ એક મહેફિલમાં

ગઝલ અને શસ્ત્રીય સંગીતમાં પારંગત ડૉ. સંગીતા નેરુરક૨ ની સાયગલ સંગીત શ્રેણીમાં તેમણે સાયગલ સાહેબની બંદિશો બખૂબી ગયી છે. અહીં સાંભળો “નુક્તા-ચી હૈ દિલ”

શ્રીમતી સેહર નિગાર

શ્રીમતી જયંતી નાડીગની સુરૈયાને અંજલિ

મુબઈ: રંગશારદા ઓડટોરિયમ ગાલિબના જૂદા જૂદા શેર એક ગઝલના અંદાઝમાં, શરુઆત મક્તા “ઇશ્ક઼ પર જ઼ોર નહીં હૈ યે વો આતિશ ‘ગ઼ાલિબ” મનોચિકિત્સક ડો. અજય સિંહ દ્વારા સુંદર રજૂઆત –

૧૯૮૯માં ટી.વી. પર દિપ્તી નવલે મિર્ઝા ગ઼ાલિબની ગ઼્ઝલો પર એક સિરીઅલ કરી હતી – The Playful Muse (1989). આ સિરીયલના દરેક અંકમાં તેમણે ગ઼ાલિબની એક એક ગ઼ઝલને જૂદા જૂદા ચાર અંદાજ઼માં પેશ કરી હતી. સિરીયલના ચોથા એપિસોડમાં “નુક્તા-ચીં હૈ ગ઼મ-એ- દિલ” અલકા યાઇકના સ્વરમાં સંગીતકાર રવિએ એક ગરબાના સ્વરૂપે પેશ કરી છે. ગરબાના મુખ્ય કલાકાર અરૂણા ઈરાની છે.

આ ગઝલના આ એપિસોડમાં બીજા અંદાજમાં અહીં સાંભળી શકાય છે.


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

3 comments for “બંદિશ એક, રૂપ અનેક – ૪૧- નુક્તા-ચીં હૈ ગ઼મ-એ- દિલ

 1. March 17, 2018 at 7:37 am

  Bahu saras…

 2. vimala
  March 17, 2018 at 11:28 pm

  આભાર નીતિનભાઈ,
  શની -રવિને સંગીત સમૃધ્ધ કરી આપવા બદલ ફરી-ફરી આભાર

 3. Tarangini Vasavada
  March 19, 2018 at 3:00 am

  વાહ, વાહ ???મગજ તરબતર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *