ફિર દેખો યારોં : મૌત અંજામ-એ-ઝિંદગી હૈ મગર, લોગ મરતે હૈ જિંદગી કે લિયે

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

કહેવાય છે કે મૃત્યુ કોઈના હાથમાં નથી હોતું. એ કયા નિમિત્તે, કયા સમયે થાય એ અનિશ્ચિત છે. મૃત્યુની અનિશ્ચિતતા બાબતે કવિઓએ હજારો પંક્તિઓ લખી કાઢી હશે. ગયા સપ્તાહે ખ્યાતનામ સૌંદર્યવતી સિનેઅભિનેત્રી શ્રીદેવીનું માત્ર 54 વર્ષની વયે નિધન થયું. સદ્‍ગતના ચાહકોએ આ ઘટનાથી સખત આઘાત અનુભવ્યો. જાણે કે રાષ્ટ્રીય શોક પ્રસરી ગયો હોય એમ લાગ્યું. હજી તેની પુત્રી જાહ્નવીની સૌ પ્રથમ ફિલ્મ રજૂઆત પામવાની તૈયારીમાં હતી. આ સમયે શ્રીદેવીના અણધાર્યા મૃત્યુના શોકની સાથેસાથે કેટલાક સહૃદયીઓએ જાહ્નવીની મનોદશા વિશે પણ ફિકર વ્યક્ત કરી. સમાંતરે શ્રીદેવીના મૃત્યુ અંગેની શંકાકુશંકાઓ પણ ચાલી. તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહેવાતું એક લખાણ અને તેની પરની ટીપ્પણીઓ શરૂ થતાં આઘાત અને શોકનો માહોલ ઓસરીને રમૂજો શરૂ થઈ. એક વાર આવી રમૂજો શરૂ થાય એટલે સાદો અને સામાન્ય શિષ્ટાચાર બાજુએ મૂકાઈ જાય છે. આવા શિષ્ટાચારના કોઈ લખેલા નિયમો નથી હોતા, છતાં એક સામાન્ય સમજણ લેખે તે પાળવાના હોય છે. શ્રીદેવીના મૂલ્યને કે તેમના અણધાર્યા મૃત્યુની ઘટનાને જરાય ઓછી આંક્યા વિના લગભગ એ જ ગાળામાં થયેલા મૃત્યુના ત્રણેક કિસ્સા જોઈએ.

ગયા ગુરુવારે કેરળના આટાપડ્ડી વિસ્તારમાં મધુ નામના એક ત્રીસવર્ષીય યુવકનું અપમૃત્યુ થયું. આ આદિવાસી યુવકે એક દુકાનમાંથી ચોખા ચોર્યા હોવાની ટોળાની આશંકા હતી. આ શંકાના આધારે ટોળાએ તેને આંતર્યો, તેના ‘સામાન’ની તલાશી લીધી, અને તેને બેરહેમીથી ફટકારવાનું શરૂ કર્યું. પોલિસ આવે એ અગાઉ આ યુવકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. સામાજિક નેટવર્કિંગના આધુનિક માધ્યમના વણલખ્યા રિવાજ મુજબ આ યુવકને ફટકારાતો હતો ત્યારે કેટલાકે આગળ ઊભા રહીને ‘સેલ્ફી’ પણ ખેંચી હતી. અહીં અનાયાસે જ આપણને કવિ કરસનદાસ માણેકની સદાબહાર કવિતા ‘મને એ જ નથી સમજાતું’ની આ પંક્તિઓ યાદ આવી જાય: ‘દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.’ નીરવ મોદી જે કરે તેને ‘કૌભાંડ’ ગણવામાં આવે છે. બીજી તરફ મધુ જેવા યુવકને, પોતાના અને પરિવારજનોના પેટનો ખાડો પૂરવા માટે ચોખા ચોરવાની ફરજ પડે ત્યારે તેને ‘ચોર’ ગણવામાં આવે છે અને માર મારીને મોતને ઘાટ ઊતારાય છે. મધુની હત્યાને પગલે કેરળની સરકારે તેના પરિવારને દસ લાખ રૂપિયાની સહાય ઘોષિત કરી એ પણ બહુ સૂચક છે. દસવીસ રૂપિયા મધુના ખિસ્સામાં હોત તો કદાચ તેણે મૃત્યુને ભેટવું ન પડત. એક તરફ બે ટંકના ભોજનના પણ ફાંફા હોય અને બીજી તરફ વજન ઊતારવા માટે ‘ડાયેટિંગ’ કરતા અમીરો હોય ત્યારે એ હકીકત સ્વીકારવી પડે કે શાસન ગમે તેનું હોય, શાસનવ્યવસ્થા સદંતર નિષ્ફળ છે.

બીજો કિસ્સો દેશના પાટનગર દિલ્હીનો છે, જે હજી ખાસ ધ્યાને ચડ્યો નથી. રસ્તે જતા વરઘોડાનું દૃશ્ય વિચારો, જે રસ્તાના બાકીના ટ્રાફિકને સખત હેરાન કરે છે. લગભગ ઉન્માદની અવસ્થામાં, મોંઘાં અને ચમકતાં કપડાં પહેરીને નાચતા સ્ત્રી-પુરુષોનું દૃશ્ય કેટલું વરવું લાગે છે! પણ જે સૂરના તાલે તેઓ નાચી રહ્યા છે એ સૂરના વગાડનારાઓની દશા અંગે ભાગ્યે જ કોઈને વિચાર આવે. પોતાના માપનો ન હોય એવો, લાલભૂરા રંગનો ચમકીલો અને હાસ્યાસ્પદ લાગે એવો ગણવેશ પહેરનાર વાદકના પગમાં ફાટેલા સ્લીપર હશે. ભયાનક ગરમીમાં આવાં કપડાં પહેરીને પોતાના વાદ્યને ફૂંકો મારી મારીને તેણે તેને વાગતું રાખવાનું છે. તેને પાણીનો શોષ પડે તો ગાલ ફુલાવીને વધુ જોરથી ફૂંક માર્યા સિવાય કોઈ ઉપાય નથી. વરઘોડામાં નાચતા લોકો આ વાદકોના માથે ફેરવીને રૂપિયાની નોટો નીચે મૂકે ત્યારે તેને ઝડપી લેવા માટે વાદકોમાં હોડ જામે એ સ્વાભાવિક છે, કેમ કે, મોટા ભાગના વાદકો માટે આ કામ પૂર્ણ સમયનું નથી હોતું. બે છેડા મેળવવા માટે કરવા પડતા અનેક કામોમાંનું આ એક કામ છે. વરઘોડો ગંતવ્ય સ્થાને પહોંચ્યા પછી વાદકોને ભોજન તો ઠીક, પીવાના પાણીનો ભાવ પણ પૂછાતો હશે કે કેમ એ સવાલ છે. ગયે મહિને દિલ્હીના નંદનગરી વિસ્તારના એક ફાર્મહાઉસમાં જાનૈયાઓ બેન્‍ડવાજાંના તાલે પૂરજોશમાં નાચી રહ્યા હતા. તેઓ વાદકોને બક્ષિસ આપીને પાનો ચડાવી રહ્યા હતા. એક જણે પાંચસોની નોટ બક્ષિસમાં મૂકી. અહીં સામાન્ય રિવાજ એવો છે કે જે વાદક આ નોટ ઝડપી લે તેને જ એ મળે. આ બેન્‍ડમાં વાદકો હંગામી ધોરણે ભરતી થતા રહેતા હોય છે. અબરાર નામના એક વાદકે એ નોટ ઊપાડી લીધી. આ જોઈને હંગામી ધોરણે ડ્રમ વગાડવા આવેલા બે યુવકોએ તેમાં પોતાના ભાગની માગણી કરી. અબરારે તેમને બીજા દિવસે પોતાના કાર્યાલય પર આવીને તે લઈ જવા જણાવ્યું. આથી રોષે ભરાયેલા એ યુવકોએ અબરારને વીંધી નાખ્યો. ડ્રમ મોટે ભાગે વજનદાર હોય છે અને વગાડતી વખતે તેને એ રીતે પકડવા પડે છે કે પોતાની જગ્યાએથી ખસી શકાય નહીં. તેની સરખામણીએ વાજું વગાડનાર આસાનીથી બક્ષિસને ઝડપી શકે છે. પોતાના હાથમાં એ રીતે તો બક્ષિસ કદી નહીં આવે એમ વિચારીને માત્ર પાંચસો રૂપિયાના ભાગ ખાતર અબરારની હત્યા કરવામાં આવી. અહીં પણ હત્યાના કેન્દ્રમાં ગરીબી જ છે. અબરારને સપનેય અણસાર નહીં હોય કે પાંચસોની નોટ તેની જિંદગી છીનવી લેશે.

ચોથો કિસ્સો જરા જુદો છે અને તે પ્રતિષ્ઠિત મનાતા સમાજનો છે. વડોદરાના કારેલી બાગ વિસ્તારની એક શાળાએ યોજેલા સાઈક્લોથોનમાં ભાગ લેવા જઈ રહેલા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી હેત ચૌહાણનું, શાળાની બહાર જ આવેલા મુખ્ય માર્ગ પર વાહનની અડફેટે મૃત્યુ થયું. તેને પગલે ઉશ્કેરાયેલા ટોળાએ બસચાલક અને કન્‍ડક્ટરને માર્યા. શાળામાં મોટે પાયે તોડફોડ પણ કરી. એ હદે કે એક તબક્કે શાળાના સંચાલકોએ મૃત વિદ્યાર્થીના દેહ પરથી શાળાનું નામ દર્શાવતું ઓળખપત્ર કાઢી લઈને એમ દેખાડવા પ્રયાસ કર્યો કે તે પોતાની શાળાનો વિદ્યાર્થી નથી. આડેધડ વાહન ચલાવતાં, ટ્રાફિક જામ થાય ત્યારે આડોઅવળો માર્ગ કરીને રોંગ સાઈડથી નીકળી જતાં આપણી ભૂમિકા જુદી હોય છે, અને ટોળું બનીને બીજાને દંડીએ ત્યારે આપણે જુદી ભૂમિકાએ હોઈએ છીએ.

હંમેશાં બીજાને જ જવાબદાર ઠેરવવાની માનસિકતા અને કોઈ પણ બાબતની જવાબદારી ન લેવાની બિમારી નાનામાં નાના નાગરિકથી લઈને મોટામાં મોટા સત્તાધીશ સુધીના સૌ કોઈની હોય એ સંજોગોમાં પરિસ્થિતિ સુધરીને બહેતર બનવાની તકો નહીંવત્‍ જ ગણાય.

મૃત્યુના આ ચારે કિસ્સા એકબીજાથી સાવ અલગ છે. પણ દેશની વાસ્તવિકતાનો તે ચિતાર આપે છે. સરકારે તો બરાબર, પણ નાગરિક તરીકે આપણે હજી કેટલી કેળવણી મેળવવાની બાકી છે, આપણો રોષ કોની પર, કયા માર્ગે ઊતારવાનો છે એ શિખવાનું રહ્યું છે એ બતાવે છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧-૩-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : મૌત અંજામ-એ-ઝિંદગી હૈ મગર, લોગ મરતે હૈ જિંદગી કે લિયે

  1. samir dholakia
    March 15, 2018 at 2:14 pm

    જયારે કોઈ ના જીવન મરણ નો ખેલ ચાલતો હોય ત્યારે ‘સેલ્ફી’ કે વિડીઓ લેવા જેટલું નિર્દય કે બાયલું કોઈ કામ નથી. દરેક જગ્યાએ આવુજ ચાલતું હશે કે આ ભદ્દો ખેલ આપણા દેશ માં જ ચાલતો હશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *