વિકલાંગની ક્ષમતા : મુનીબા મઝારી

નિરંજન મહેતા

(પાકિસ્તાની મહિલા મુનીબા મઝારી, જે એક વિકલાંગ છે, તેણે પોતાના જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવી અને તેનો સામનો કરી કેવી રીતે બહાર આવી તે સ્વની વાત જાહેરમાં કહેવા લાગી જેથી અન્ય લોકોને તે પ્રેરણારૂપ બની શકે. તેઓએ પોતાની વાતને જૂદા જૂદા મંચ પર વ્યક્ત કરેલ છે. એવી એક રજૂઆતને અહીં પ્રસ્તુત કરેલ છે.)

તેઓ મારી અક્ષમતા જુએ છે, હું મારી ક્ષમતા જોઉં છું. તેઓએ મને વિકલાંગ કહી, હું મારી જાતને અસામાન્ય સક્ષમ ગણાવું છું. તમારા જીવનમાં કેટલાય બનાવો બને છે. આ બનાવો તમને હતાશ કરે છે, વિકૃત કરે છે પણ તે તમારૂં ઉત્તમ રૂપ ઘડે છે. મારી સાથે પણ આમ જ થયું.

૧૮ વર્ષની ઉંમરે મેં લગ્ન કર્યા. મારા પિતા તેમ ઇચ્છતા હતાં એટલે મેં કહ્યું કે જો તમને તેનાથી ખુશી મળતી હોય તો મારી હા છે. અલબત્ત એ લગ્નથી ક્યારેય હું ખુશ ન હતી.

લગ્નના બેએક વર્ષ બાદ મને એક કાર અકસ્માત થયો. કાર ચલાવતાં મારા પતિને ઝોકું આવી ગયું અને કાર એક ખાડામાં પડી. તે તો કૂદીને પોતાની જાતને બચાવી શક્યા તેની મને ખુશી છે પણ હું કારની અંદર ફસાયેલી રહી અને મને અનેક ઈજાઓ થઇ. આ ઇજાઓની યાદી થોડી લાંબી છે પણ તે સાંભળી ગભરાતા નહીં.

મારૂં કાંડું તૂટી ગયું. ખભા અને હાંસડીના હાડકા તૂટી ગયા. મારી પૂરેપૂરી પાંસળીનું માળખું તૂટી ગયું અને પાંસળીઓની ઈજાને કારણે ફેફસાં અને યકૃત પણ ખરાબ રીતે નુકસાન પામ્યા હતાં. હું શ્વાસ લઇ નહોતી શકતી. મૂત્રાશય ઉપર હું કાબૂ રાખી શકતી ન હતી. તેથી હજી પણ જ્યારે હું બહાર નીકળું ત્યારે મારે મારી સાથે કોથળી રાખવી પડે છે. કરોડરજ્જુની ત્રણ પાંસળીઓ પૂરેપૂરી દબાઈ ગઈ હતી જેથી હું જીવનભર પક્ષાઘાતનો શિકાર બની.

ત્યાર બાદ હું એક હોસ્પિટલમાં દાખલ થઇ જ્યાં મેં અઢી મહિના વિતાવ્યા. મારા પર બહુવિધ શસ્ત્રક્રિયાઓ કરાઈ. એક દિવસ ડોકટરે આવીને મને કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે તું ચિત્રકાર થવા ઈચ્છતી હતી પણ એક ગૃહિણી બની ગઈ. તારા માટે એક ખરાબ સમાચાર છે. તું ક્યારેય પણ ચિત્રકામ કરી નહિ શકે કારણ તારું કાંડું અને હાથ એટલા વિકૃત થઇ ગયાં છે કે તું તારા હાથમાં પેન પણ પકડી નહીં શકે.’

બીજે દિવસે ડોક્ટર મારી પાસે આવ્યા અને કહ્યું, ‘તારી કરોડરજ્જુની ઈજા એટલી ગંભીર છે કે તું ફરી ચાલી નહીં શકે. તારી આ ઈજાઓ અને તારી બાંધેલી પીઠને કારણે તું મા બની નહીં શકે.’

તે દિવસે હું પડી ભાંગી હતી. મેં મારી માને પૂછ્યું, ‘હું શા માટે?’ અને ત્યારથી હું મારા અસ્તિત્વ માટે પ્રશ્ન કરતી રહી. હું શા માટે જીવું છું? ત્યારે મને સમજાયું કે શબ્દોની શક્તિ આત્માને શાંતિ આપે છે.

મારી માએ મને કહ્યું, ‘આ પણ વીતી જશે. ભગવાન પાસે તારા માટે મોટી યોજનાઓ છે. તે શું છે તેની મને ખબર નથી પણ તેની પાસે ચોક્કસ છે’ મારી મુશ્કેલીઓ અને સંતાપમાં આ શબ્દો એટલા તિલસ્મી હતા કે મારૂં જીવન બદલાઈ ગયું.

એક દિવસ મેં મારા ભાઈઓને કહ્યું કે હું જાણું છું કે મારા હાથ વિકૃત છે પણ હું હોસ્પિટલની આ સફેદ દીવાલો જોઈ જોઇને અને આ સફેદ મસોતાં પહેરીને થાકી ગઈ છું. હું મારાં જીવનમાં રંગો પુરવા માંગુ છું. હું કાંઇક કરવા માંગું છું. મને નાનું કેનવાસ અને રંગ લાવી આપો. હું ચિત્રકામ કરવા માંગું છું. આમ મારી મરણશૈયા પર મેં પહેલીવાર મારૂં પ્રથમ ચિત્ર દોર્યું.

એ ચિત્ર કોઈ કળાનો નમૂનો ન હતું કે ન હતી કેવળ લાલસા. એ મારા માટે ઉપચાર પદ્ધતિ હતી. ત્યાર પછી મને રજા અપાઈ અને હું ઘરે ગઈ અને મને ત્યારે જાણ થઇ કે મારી પીઠ પર અને નિતંબનાં હાડકાં પર ઘણાં બધા ઘારાં થયા છે અને. હું બેસવા માટે સક્ષમ ન હતી. મારા શરીરમાં બહુ ચેપો અને ઘણી બધી એલર્જીઓ હતી. આને કારણે ડોક્ટરોએ મને સંપૂર્ણ આરામ કરવા કહ્યું – ચત્તાપાટ સુઈને. છ મહિના નહીં, એક વર્ષ નહીં પણ પૂરા બે વર્ષ. એક રૂમમાં હું પથારીવશ હતી, બહારની દુનિયાને જોતી, પંખીઓના કલરવને સાંભળતી અને હું વિચારતી કે એક દિવસ એવો આવશે જ્યારે પૂરૂં કુટુંબ બહાર જશે અને કુદરતને માણશે.

ત્યારે મને ખયાલ આવ્યો કે લોકો કેટલાં નસીબવાળા છે, તે સમયે મને ખયાલ આવ્યો કે જે દિવસે હું બેસવા લાયક બનીશ ત્યારથી મારૂં આ દર્દ હું દરેકને જણાવીશ જેથી તેઓને સમજાય કે તેઓ કેટલા ભાગ્યશાળી છે અને છતાં પોતાને તેમ નથી સમજતાં.

તે દિવસથી મેં નક્કી કર્યું કે હું મારા ડર સામે લડીશ. આપણને સૌને ડર હોય છે, અજાણ્યાનો ડર, લોકોને ખોવાનો ડર, તંદુરસ્તી અને ધન ગુમાવવાનો ડર. આપણે ઈચ્છીએ છીએ કે આપણે જીવનમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરીએ, આપણે પ્રખ્યાત બનીએ, ધન મેળવીએ. આપણે હંમેશા આમ ભયમાં રહીએ છીએ.

એટલે મેં એક પછી એક બધા ડરની નોંધ કરવા માંડી અને નક્કી કર્યું કે એક એક કરીને હું આ બધા ડર ઉપર પ્રભુત્વ મેળવીશ.

તમે જાણો છો મારો સૌથી મોટામાં મોટો ડર કયો હતો? છૂટાછેડાનો. હું એ વ્યક્તિને વળગી રહી હતી જેને મારી જરાય જરૂર ન હતી, પણ હું માનતી હતી કે હું તેને મેળવી શકીશ. પણ જે દિવસે મેં નક્કી કર્યું કે આ કશું નહીં પણ મારો ડર છે, મેં મારી જાતને મુક્ત કરી તેને બંધનમુક્ત કરીને અને મેં મારી જાતને એટલી મજબૂત કરી કે જે દિવસે મને સમાચાર મળ્યા કે તે બીજા લગ્ન કરે છે ત્યારે મેં તેને સંદેશો મોકલ્યો કે હું તારા માટે ખૂબ ખુશ છું અને તને શુભાશિષ મોકલું છું. તેને એ પણ ખબર છે કે આજે પણ હું તેને માટે પ્રાર્થના કરૂં છું.

બીજી વાત એ હતી કે હું કદી મા બનવાની નથી અને તે મારા માટે ઘણું દુ:ખભર્યું હતું અને ત્યારે મને ખયાલ આવ્યો કે દુનિયામાં કેટલાય બાળકો છે જે ઈચ્છે છે તેમના સ્વીકારની. તો રડતા બેસી રહેવાનો કોઈ અર્થ નથી. જાઓ અને કોઈને અપનાવો. અને મેં એ જ કર્યું.

લોકો માને છે કે બીજા તેમને નહીં અપનાવે કારણ પરિપૂર્ણ દુનિયામાં આપણે અપૂર્ણ છીએ. એટલે મેં નક્કી કર્યું કે અપંગતાની જાગરૂકતા માટે એક NGO, જે હું જાણતી હતી કે તેનાથી કોઈને ફાયદો નથી, તે શરૂ કરવાને બદલે હું વધુને વધુ જાહેરમાં આવીશ. મેં ચિત્રકામ શરૂ કર્યું. મેં નક્કી કર્યું કે હું પાકિસ્તાનની નેશનલ ટી.વી.માં એક એન્કર તરીકે જોડાઇશ અને તે દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં મેં બહુ બધા કાર્યક્રમો કર્યા છે.

હું પાકિસ્તાનની મહિલાઓ માટે UNITED NATIONSની રાષ્ટ્રીય સદભાવ પ્રતિનિધિ (NATIONAL GOODWILL AMBASSADOR) બની અને હવે હું મહિલાઓ અને બાળકોના હક્ક માટે બોલું છું.

આપણે સમાવિષ્ટનો, ભિન્નતાનો, જાતીય સમાનતાની વાતો કરીએ છીએ જે જરૂરી છે. જ્યારે પણ હું જાહેરમાં જાઉં છું ત્યારે હું સ્મિત કરૂં છું, હંમેશા મારા મુખ પર એક સુદીર્ઘ સ્મિત. તે જોઈ લોકો મને પૂછે છે કે તમે કાયમ સ્મિત કરો છો તો તમે થાકતાં નથી? તેનું રહસ્ય શું છે?

હું હંમેશા એક જ વાત કરૂં છું કે મેં ગુમાવેલી વસ્તુઓ અને ગુમાવેલા લોકોની ચિંતા કરવાનું છોડી દીધું છે. ચીજો અને લોકો જે મારી સાથે હોવા જોઈએ તે મારી સાથે છે અને ક્યારેક કોઈની ગેરહાજરી તમને વધુ ઉત્તમ બનાવે છે એટલે તેમની ગેરહાજરીને આત્મસાત કરો. આ હંમેશ છૂપા આશીર્વાદ છે.

તમારા જીવનને પૂર્ણપણે માણો, તમે જેવા છો તેવા તમને સ્વીકારો. તમારી જાત પ્રત્યે માયાળુ બનો, હું ફરી કહું છું, તમારી જાત પ્રત્યે માયાળુ બનો અને તો જ તમે અન્ય પ્રત્યે માયાળુ બની શકશો.

તમારી જાતને પ્રેમ કરો અને તે પ્રેમને વિસ્તારો. જીવન મુશ્કેલ હશે, તોફાની હશે, ઘણી કસોટીઓ હશે, પણ તે બધું તમને સક્ષમ કરશે.

એટલે જ્યારે તમે તમારી જાતને તમે જેવા છો તેવા સ્વીકારશો તો દુનિયા તમને ઓળખશે

આ બધું સ્વની અંદરથી શરૂ થાય છે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

4 comments for “વિકલાંગની ક્ષમતા : મુનીબા મઝારી

 1. March 14, 2018 at 2:29 am

  એક બીજી વ્યક્તિ https://en.wikipedia.org/wiki/Arunima_Sinha

  • Niranjan Mehta
   March 14, 2018 at 6:19 pm

   સૂચન બદલ આભાર..

 2. Kishorchandra Vyas
  March 14, 2018 at 1:15 pm

  મુનિબ હજારી વિશે નો આ હૃદયદ્રાવક લેખ માં મુનિબા ની હિંમત અને મનોબળ ને સલામ…અને લેખકશ્રી ને આ લેખ બદલ અભિનંદન

  • Niranjan Mehta
   March 14, 2018 at 6:20 pm

   લેખ ગમ્યો તેનો આનંદ. અભિનંદન બદલ આભાર.

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.