ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ == મ ણ કો ૧૨ ==

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

 

સામાન્યત: આપણે જેને અપરાધ માનતા આવ્યા છીએ એ સ્થૂળ હોય છે. હત્યા, ચોરી, લૂંટ, બળાત્કાર, અત્યાચાર વગેરે. અપરાધનો એક અન્ય સુક્ષ્મ પ્રકાર પણ છે. કોઈ ઘટના, વ્યક્તિ, સમૂહ, જાતિ, કોમ કે ધર્મ પ્રત્યે જડ અને પૂર્વનિર્ધારિત માન્યતાઓ ધરાવવી, એ વિષયક પૂર્વાપર કારણો અને જે દેખાય છે એના મૂળ અને ઇતિહાસનો અભ્યાસ કર્યા વિના ત્વરિત અભિપ્રાય બાંધવો એ આવા પ્રકારનો અપરાધ છે. આપણે બહુધા દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓ વિષે આ બીજા પ્રકારનો અભિપ્રાય બાંધીએ છીએ, ઉપરછલ્લું દેખાય એના પરથી તારણો કાઢીને.
આપણે જેને નાના, પછાત અને વર્ગીકૃત માણસો માનીએ છીએ એ આવા કેમ રહી ગયા, એમને આવા કોણે બનાવ્યા એનું વિશદ અને તલસ્પર્શી અને ખાસ તો પૂર્વગ્રહરહિત અને પારદર્શક અધ્યયન કરીએ તો અંતે એ છાનબીનનો કાંટો આપણી સામે તકાઈને ઊભો રહે એવું પણ બને.
એક બાજુ, આ પહેલાંના હપ્તામાં જેની વાત કરી એ વાસ્તવિક વ્યક્તિ તીજનબાઈ છે તો બીજી બાજૂ આજની કવિતામાં જેની વાત કરવાના છીએ એ, પ્રથમ દ્રષ્ટિએ કાલ્પનિક લાગતી પરંતુ ખરેખર આપણને ડગલે ને પગલે આપણા ખુદના જ જીવનમાં દેખાતી ગંગાબાઈઓ છે. આ બન્ને, પ્રથમ દ્રષ્ટિએ વિરોધાભાસી લાગતા પણ ખરેખર તો સમાજના એક જ તબક્કામાંથી આવતા બે પાત્રો છે. તીજનબાઈ એમનો અસલ કુનબો છોડી – છાંડીને આગળ વધી ગયા – બધા અંતરાયોને અતિક્રમીને – તો બીજી બાજુ આજની કવિતાની નાયિકા ગંગાબાઈ છે, જે એ સીમાઓ વળોટવા સંઘર્ષરત છે, તીજનબાઈ વાળા જ પ્રતિરોધોને સામનો કરવા ઝૂઝતા. હજી ત્રીજી કોઈક મંજૂબાઈ કે જમનાબાઈ કે અમલાબાઈ પણ હશે (આ લેખમાળામાં કદાચ હવે પછી આવશે !) જેના ગરીબી અને અંધકાર વળોટી બહાર નીકળવાના પ્રયત્નો સરિયામ નિષ્ફળતાને વરશે !
હવે, આજની કવિતા :
                                                   ==  सोच रही है गंगाबाई  ==
सिर्फ़ एक ही बेटा है गंगाबाई का
छोड गया था बाप ज़रा – उसे गोद में
कैसे काटी फूँक – फूँक बचा – बचा कर
अपनी कठिन उमर गंगाबाई ने
वही जानती
बरतन झाड़ु – पोंछा कर के
किसी तरह बेटे को दसवाँ पास कराया
पर जब से उसका बेटा लग गया काम से
सबके चेहरे बदल गए हैं
गंगाबाई का लड़का अब
जब पैंट और बुशशर्ट पहन कर
बालों मे अच्छे से कंघा – वंघा कर के
कार चलाता है सरकारी
तो पड़ोस के लोगों की आँखें
ऐसे जलने लगतीं हैं जैसे
सरकारी गाड़ी दहेज में घर आई हो
सारे लोग मोहल्ले भर के
मन ही मन ऐसे रहते हैं जैसे
गंगाबाई ने कोई अपराध किया हो
लड़का भी कुछ अकडैलु है
सबसे अलग रहता है
सभी जगह कहता फिरता है
उसे नहीं परवाह किसी की
गंगाबाई नहीं चाहती उसके बेटे को
लगे किसी की नज़र – बददुआ
अब तक जैसे सब से मिल – झुल कर
रहती आई गंगाबाई
गंगाबाई वही चाहती
लेकिन जिस दिन से उसके बेटे ने
साफ़ कह दिया
‘ अम्मा, अब तू किसी साले के घर का
झाड़ू – पोंछा नहीं करेगी
घर बैठेगी
आख़िर मेरी भी तो इज़्ज़त है ‘
बस, उस दिन से उसके
पास, पड़ोस, जात – बिरादरी वाले मुँह बिचका कर
आपस में गंगाबाई को
कहने लगे गंगा महारानी
अब महारानी जैसी गाली सुनकर
गंगाबाई इतना खौली, इतना खौली
कि आखिर उसने भी कह डाला
हाँ, हुँ महारानी
पर उस दिन से
उसके मन को चैन नहीं है
मन ही मन बड़- बड़- बड़ – बड़ करती रहती है
और इधर गंगाबाई ने जब से
सभी घरोंका झाड़ू – पोंछा छोड दिया है
बड़े घरों की सभी औरतें
जब – जब जुटती हैं दुपहर में
अकसर गंगाबाई की चर्चा करने लगतीं हैं
कोई कहती
गंगाबाई ने ही एक अनोखा श्रवणकुमार जना है
सोच रही है गंगाबाई
उसके लोगों की आँखों मे
खटक रहा क्यों उसका बेटा
उपरवालों की आंखों मे
खटक रहा क्यों उसका बेटा
किस से बोले गंगाबाई
किसको अपना दुख बतलाए
उसने कभी नहीं सोचा था
ऐसा दिन भी आ सकता है
उसने ऐसी क्या ग़लती की
सोच रही है गंगाबाई …
                                                               – भगवत रावत

ગુજરાતી ભાવાનુવાદ :
                                                     ==  વિચારે છે ગંગાબાઈ  ==
કેવળ એક જ દીકરો છે ગંગાબાઈને
બાપ છોડી ગયો’તો ખોળામાં જરીક જેવડો હતો ત્યારે
કેમ વિતાવી ફૂંકી – ફૂંકી બચતાં – બચાવતાં
પોતાની આકરી જિંદગી ગંગાબાઈએ
બસ એ જ જાણે છે
ઠામ – વાસણ, કચરા – પોતાં કરીને
જેમ- તેમ દીકરાને દસમું પાસ કરાવ્યું
પરંતુ જ્યારથી એનો દીકરો લાગ્યો છે કામે
બધાના ચહેરા જ બદલાઈ ગયા
ગંગાબાઈનો દીકરો હવે
જ્યારે પેંટ અને બુશશર્ટ પહેરી
માથું – બાથું ઓળી
સરકારી ગાડી ચલાવે છે
તો પાડોશીઓની આંખો
એમ ચકળ – વકળ થાય છે
જાણે કે સરકારી ગાડી
કરિયાવરમાં ઘરે લાવ્યો હોય
શેરીના બધા લોકો
મનમાં ને મનમાં એવું વિચારે છે
જાણે ગંગાબાઈએ કોઈ ગુનો કર્યો હોય
છોકરો પણ જરાક અક્કડ છે
બધાથી વેગળો રહે
ઠેકઠેકાણે કહેતો ફરે
એને કોઈની સાડીબાર નથી
ગંગાબાઈ ઇચ્છતી નથી
એના દીકરાને લાગે કોઈની નજર કે શાપ
અત્યાર લગી જે રીતે બધા સાથે હળી – મળીને
રહેતી આવી છે ગંગાબાઈ
એ જ રીતે રહેવા ઇચ્છે છે ગંગાબાઈ
પણ જે દિવસથી એના દીકરાએ
ચોક્ખું કહી દીધું
‘ મા, હવેથી તું કોઈ લબાડના ઘરના
કચરા – પોતા નહીં કરે
ઘરે જ રહીશ
છેવટે મારી પણ ઇજ્જત – આબરૂ છે ‘
બસ – તે દિવસથી
એના આડોશીપાડોશી નાત – જાતવાળાઓએ
મોઢું ચડાવીને
કહેવાનું શરૂ કર્યું એને ગંગા મહારાણી
હવે  ‘મહારાણી’ જેવી ગાળ સાંભળીને
ગંગાબાઈ એવું તો સમસમી ગઈ
કે છેવટે એણે પણ કહી દીધું
હા, છું મહારાણી હું, બોલો
પણ તે દિવસથી
એના મનને ચેન નથી
મનોમન બબડાટ કરતી રહે છે
અને હવે ગંગાબાઈએ જ્યારથી
બધા ઘરોના કચરા – પોતા છોડી દીધા છે
મોટા ઘરોની બધી મહિલાઓ
જ્યારે પણ બપોરે ભેગી થાય
લગભગ ગંગાબાઈની જ ચર્ચા કરે છે
કોઈ કહે
ગંગાબાઈએ જ એક અનોખો શ્રવણ જણ્યો છે
વિચારે છે ગંગાબાઈ
એના જ લોકોની આંખોમાં
કેમ ખૂંચે છે એનો દીકરો
મોટા લોકોની આંખોમાં
કેમ ખટકે એનો જ દીકરો
કોને કહે ગંગાબાઈ
કોને પોતાનું દુખ બતાડે
એણે ક્યારેય વિચાર્યું નહોતું
આવો દિવસ પણ આવશે
એણે ભૂલ શું કરી
વિચારે છે ગંગાબાઈ …
                                                             – ભગવત રાવત

વાર્તા માંડે છે ભગવત ગંગાબાઈની. અનેક દુખ, સંઘર્ષ વેઠીને મોટો કરેલો, ભણાવેલો, બાપ- વિહોણો એકને એક દીકરો. નામ- વિહોણો. નામ હશે તો પણ યાદ ન રહે એવું ચીલાચાલૂ . ગંગાબાઈએ ઘર- ઘરના કામ કરીને માંડ બે છેડા ભેગા કરી દીકરાને નોકરી માટેનું લઘુતમ ભણતર પૂરું કરાવ્યું.
વાર્તામાં નાનકડો વળાંક. ગંગાબાઈનો છોકરો તો સરકારી નોકરીએ લાગીને અન્ય લોકોની સમકક્ષ થઈ ગયો. ગામના છેવાડાની ઝોંપડપટ્ટીમા લઘર- વઘર મેલા – ઘેલા કપડે રઝળતો- સબડતો ગરીબ- બિચારો પેંટ અને બુશશર્ટમાં ફરતો થઈ ગયો અને એ પણ માંગી-ભીખીને લાવેલા નહીં, પોતાની સ્વયંની કમાણીમાંથી ખરીદેલા.
અચરજની વાત એ કે ગંગાબાઈનો છોરો ભણી – ગણીને સરકારી ડ્રાઈવર જેવી  ‘ પ્રતિષ્ઠિત ‘ નોકરીએ લાગ્યો એમાં તો ગંગાબાઈના વર્તુળના કેટલાયના મોઢા ફરી ગયા, કોઇ દેખીતા કારણ વિના ! ( કારણ તો છે પણ એની ચર્ચા નહીં કરીએ. ). લોકોની આંખો ગંગાબાઈ તરફ તણખા વરસાવવા લાગી. અધૂરામાં પૂરું, છોકરો નવા જમાનાના રંગે રંગાયેલો અને છટકેલ મગજનો. એને કોઈની પડી જ નથી. એ કોઈની સાડીબાર નથી રાખતો. આર્થિક પગભરતા થકી આવી જતી ખુમારી એના રોમ- રોમથી છલકે છે. ગઈકાલ સુધીનો ઓશિયાળો અને ગંગાબાઈ જે ઘરોમાં કામ કરતી એમની મહેરબાનીઓ પર નભતો છોકરો હવે ઊંચી આંખે ખુમારીથી ચાલવા માંડ્યો. ઉસકી યે જુર્રત ઠાકુર ?
પણ ગંગાબાઈ તો હજૂ પણ એ જ સદીઓ પુરાણી ગંગાબાઈ છે. બિચારી અને કચડાયેલી. બે ટંકના રોટલા મળે એમાં જ ધન્યતા અનુભવતી અને મોટા લોકોનો આભાર માનતી ગંગાબાઈ. એને હવે એ બીકે ઘેરો ઘાલ્યો છે કે મારા છોરાને કોઈની નજર ન લાગી જાય. જેમના થકી આપણે ‘ છીએ ‘ એમની દુશ્મનાવટ ન જોઈએ. પણ છોકરો ? એ તો સાવ જ આડો ફાટ્યો.  ‘ મા, બધું વૈતરું બંધ. ઇજ્જતથી રહેવું છે. ખૂબ મજૂરી કરી. હવે બધાની જેમ રહીશું. ‘ આ તો ખુલ્લો વિદ્રોહ ! પેંટ – શર્ટ, ઓળેલા વાળ, ખુમારી- સભર ચાલ ઓછા હતાં તે મા ને પણ યુગો જૂના વૈતરાવાળી વિચારસરણીમાંથી વાળી ? અક્ષમ્ય.
ગંગાબાઈ બહિષ્કૃત. લોકો એને હવે  ‘ મહારાણી ‘ કહીને ગાળ આપે છે. એક વાર તો એણે ઉકળાટમાં કહી દીધું કે હા, હું મહારાણી છું. બોલો, શું કરી લેશો ? પણ જંપ નથી એને. દીકરો ભણી- ગણીને નોકરીએ ચડ્યો એ તો કોઈ ગુનો નથી. પણ લોકોના મેણા- ટોણા – ઇશારાઓનું શું કરવું ? એની રૂઢ થયેલી માનસિકતામાં આ તંગ હાલાત કોઈ રીતે બંધબેસતા નથી. આખરે કોઈ સ્ત્રી કહે કે  ‘ તેં એકલીએ જ શ્રવણ જણ્યો છે ‘ તો એનો રોકડો જવાબ વાળવાની ખુમારી અને હિંમત લાવવા ક્યાંથી ? એ તો હમેશા બિચારી અને ઓશિંગણ જ રહેતાં શીખી છે. એ એકલી જ નહીં, એની મા અને એની મા પણ !

નોંધપાત્ર વાત તો એ પણ છે કે ગંગાબાઈનો નવો અવતાર માત્ર એ લોકોને જ ખટકતો નથી જેમને ત્યાં એ કામ કરતી હતી. આ વાત એની જ બિરાદરીના લોકોને પણ ખૂંચે છે. વર્ગભેદનું આ એક નવું અને ચોંકાવનારું પરિમાણ છે.

ગંગાબાઈનું દુખ અનોખું છે. જ્યાં સુધી એ એની રોજિંદી ગૂંગળાવનારી જિંદગીથી ઘેરાયેલી હતી ત્યાં સુધી બધું સ્વાભાવિક અને હેમખેમ હતું. એની જિંદગીમાં ઊગેલા નવા સૂરજે એને અજવાળું તો આપ્યું છે પણ કંઇક એવું અગમ્ય અને અકથ્ય પણ છે જે છીનવી લીધું છે.

कभी  जो  ख़्वाब  था  वो  पा  लिया  है
मगर  जो  खो  गई  वो  चीज़  क्या  थी

સાવ સીધી ભાષામાં કહીએ તો ગંગાબાઈનું સુખના દહાડામાં પણ આ રીતે દુખી થવું બે પરિસ્થિતિમાંથી જન્મ્યું છે. પહેલું તો એ બિચારી અને દબાયેલી રહેવા પેઢીઓથી એ હદે ટેવાયેલી છે કે હવે બદલાયેલી સુખદ પરિસ્થિતિઓમાં લોકોના પ્રચ્છન્ન અણગમા અને બળતરાનો સામનો એ નથી કરી શકતી. આ ગંગાબાઈઓને યુગોથી આયોજનપૂર્વક કરોડરજ્જુ વિહીન જ રાખવામાં આવી છે. બીજું એટલું જ અગત્યનું કારણ એ કે એની ચોપાસના લોકો – જેમને મહેરબાન અને ઉદાર ગણવાની એને ટેવ પાડવામાં આવી છે- માટે સેવક અને વિનીત વર્ગમાંથી એકાદ કે કેટલાકનું ઓછું થઇ જવું એમના એશોઆરામમાં વિઘ્ન સમાન છે. ગઈ કાલ સુધીનું નીચું માથું હવે આંખમાં આંખ પરોવીને વાત કરે ! સામંતી યુગ હોત એ લોકો વાક્બાણથી પણ આગળ જઈ શક્યા હોત પણ હવે તો મજબૂરી છે. મોટા ભાગની વિસંગતિઓ આર્થિક અસમાનતામાંથી જન્મે છે ને !

છેવટે તો, કોઈકે કહ્યું છે તેમ જગતમાં અનેક જાતિઓ, વર્ગો, કોમો, ધર્મો માત્ર નામના જ છે. અહીં માત્ર બે જ પ્રકારના લોકો છે – શોષક અને શોષિત …


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

8 comments for “ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ == મ ણ કો ૧૨ ==

 1. सत्यपाल
  March 14, 2018 at 8:32 am

  इतने आसान लफ्जों मे,सामाजिक जीवन की जटिल स्थितियों को समेटती- ‘गंगाबाई ‘

  • Bhagwan thavrani
   March 16, 2018 at 6:37 pm

   बहुत बहुत धन्यवाद सत्यपाल जी !

 2. Kishorchandra Vyas
  March 14, 2018 at 1:00 pm

  ગંગાબાઈ ની મનોદશાનું અદભુત વિશ્લેષણ કરતી ભગવતજી ની સુંદર કવિતાની સમજાવટ સરળ શબ્દોમાં સુપેરે શ્રી થાવરાની જી આપે કરી છે… મન પર ઊંડી અસર કરે તેવો લેખ… હાર્દિક અભિનંદન..

  • Bhagwan thavrani
   March 16, 2018 at 6:37 pm

   હાર્દિક આભાર કિશોરભાઈ!

 3. Arvind Bhatt
  March 16, 2018 at 3:14 pm

  સુંદર કવિતાનો ઉત્તમ અનુવાદ અને આસ્વાદ

  • Bhagwan thavrani
   March 16, 2018 at 6:38 pm

   આભાર અરવિંદભાઈ!

 4. mahesh joshi
  March 19, 2018 at 6:28 pm

  Major section of society still can’t tolerate upliftment of weaker sections or for that matter even any body, may be a neighbour or relative/friend whosoever they may be. Here Rawat tells us through सोच रही है गंगाबाई , as to how the otherside feel of such change in scenerio . Thanks for nice presentation.

  • Bhagwan thavrani
   March 21, 2018 at 5:22 pm

   Thanks a lot maheshbhai for being so meticulous in reading this column and making it a point to always post comments !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *