વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૨) : આંતરરાષ્ટ્રીય મહિલા દિન: ઉજવણી પાછળની વાસ્તવિકતા

Facebooktwitterredditpinterestlinkedinmail

ઉત્કંઠા ધોળકિયા

મહિલા સશકિતકરણ ! આ શબ્દ છાપાંની કોલમ અને સરકારી યોજનાઓમાં જેટલો વપરાય છે, એનાથી સોમા ભાગનો અમલ પણ વાસ્તવમાં જોવા મળતો હશે કે કેમ એ સવાલ છે. એનું કારણ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થા અને તેને લઈને સ્થાપિત થયેલી એવી વિચારધારા છે. દુઃખની વાત તો એ છે કે આ વિચારધારાનો ભોગ પુરુષો જેટલી જ સ્ત્રીઓ પણ બને છે. આ સ્થિતિ કેવળ આપણા દેશ પૂરતી મર્યાદિત નથી, બલકે ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. આ કારણે મહિલાઓના હક અંગેની ચળવળની સ્મૃતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી વિશ્વભરમાં 8 માર્ચના રોજ કરવામાં આવે છે.

તેનો આરંભ 1909માં ન્યૂયોર્કથી કરવામાં આવેલો. આમ, આ દિનવિશેષની ઉજવણી શતાબ્દિના આંકડાને વટાવી ગઈ છે. શતાબ્દિ અને તેની ઉપર એક દાયકો થવા આવ્યો છતાં મહિલાઓની સ્થિતિમાં શો ફેર પડ્યો? મહિલા સશક્તિકરણ વિષે દુનિયાભરના કાર્ટૂનિસ્ટો કાર્ટૂન દ્વારા આપણી સમક્ષ આ વિષયની વાસ્તવિકતા દેખાડે છે.

****

પહેલું કાર્ટૂન જીહો / JIHO નામના કાર્ટૂનિસ્ટનું છે. ફ્રાંસના આ કાર્ટૂનિસ્ટ પોતાને ‘ગઈ સદીના કાર્ટૂનિસ્ટ’ (cartoonist from the last century).તરીકે ઓળખાવે છે. તેમનું આ કાર્ટૂન આરબ દેશોની સ્થિતિ દર્શાવે છે. ગુનેગારને શિક્ષારૂપે પથ્થરો મારવાની ક્રૂર સજા હજી ઘણા આરબ દેશોમાં પ્રચલિત છે. અહીં પાટિયામાં લખ્યું છે કે મહિલા દિન નિમિત્તે એ સજા રદ કરવામાં આવી છે. (બાકીના દિવસોએ એ અમલી જ છે.) આ પાટિયું વાંચી રહેલા મુલ્લાજી અને તેમની બુરખાધારી બીબી એ દેશોમાં મહિલાઓની સ્થિતિ વિશે ઘણું કહી જાય છે. જીહોનાં કેટલાંક કાર્ટૂનો તેમના બ્લૉગ http://zejihoblog.canalblog.com/ પર જોઈ શકાશે.

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 100

****

‘જે કર ઝૂલાવે પારણું, એ જગત પર શાસન કરે’ ની પ્રસિદ્ધ ઉક્તિ આ કાર્ટૂન દર્શાવે છે. એક ખેલાડી જે રીતે બોલને એક આંગળી ઉપર ફેરવે છે, એ જ રીતે એક સ્ત્રી સમગ્ર પૃથ્વીને ગોળ ગોળ ફેરવી શકે છે. એમરા એરીકેન/Emrah Arikan નામના તુર્કી કાર્ટૂનિસ્ટે એક પણ શબ્દ લખ્યા વિના આ હકીકત સચોટપણે દર્શાવી છે. ખેલાડીએ ‘વન’ લખેલાં ટી-શર્ટ-ચડ્ડી પહેરેલાં છે, જ્યારે સ્ત્રી તેના રોજિંદા પોષાકમાં છે. તેનો નીચો, નાનકડો શારીરિક બાંધો તે ‘અબળા’ હોવાનું સૂચવતો લાગે છે, પણ એક આંગળી પર પૃથ્વી ફેરવતી હોવા છતાં તેના ચહેરા પર સહજતાના ભાવ કાર્ટૂનિસ્ટે દર્શાવ્યા છે. આ સહજતા જોઈને ખેલાડીના ચહેરા પરના આઘાતના ભાવ રમૂજ પ્રેરે એવા છે. એમરાનાં વધુ કાર્ટૂનો https://www.cartoonmovement.com/p/6695 પર જોઈ શકાશે.

****

મહિલાઓની પ્રગતિનાં અને સશક્તિકરણનાં ગમે તેટલાં બણગાં ફૂંકવામાં આવે, ખરેખરી પરિસ્થિતિ શું છે એ નીચેનું કાર્ટૂન બખૂબી બતાવે છે. મહિલા સશક્તિકરણ દિવસની પોકળતા બતાવતું આ કાર્ટૂન જમણેથી ડાબે જોવાનું છે. માર્ચની સાત તારીખે મહિલાનાં મોં ઉપર પટ્ટી બાંધેલી છે. એને કશું બોલવાની, વ્યક્ત કરવાની મનાઈ છે. માર્ચ ૮ના એક દિવસ માટે જ એ પટ્ટી ખૂલે છે. ફરી નવ માર્ચના એ પટ્ટી બંધાઈ જાય છે અને મહિલાઓની સ્થિતિ હતી એવી જ થઈ જાય છે. એના વિચારોને, પસંદગીને, લાગણીઓને ખામોશ કરી દેવામાં આવે છે. બહેરીનના અખબાર અલ વઝા/Al-Wasatના કાર્ટૂનિસ્ટે આ કાર્ટૂન બનાવ્યું છે.

****

મહિલાઓનું મલ્ટીટાસ્કિંગ બતાવતું આ કાર્ટૂન એ સ્થિતિ સ્પષ્ટ કરે છે કે ઘર માટે તે આટલાં બધાં કામો એક સાથે સંભાળે છે. સાથે દર્શાવેલો પુરુષ જે કરતો બતાવ્યો છે એ કેવળ પોતાનાં સ્વાસ્થ્ય માટે કરે છે. છતાં, સ્ત્રીને ક્યારેય યશ નથી મળતો, બલકે એમ કહેવામાં જ આવે છે કે “તું તો આખો દિવસ ઘરમાં જ રહે છે.” આ કાર્ટૂનના કાર્ટૂનિસ્ટ કોણ છે એ ખ્યાલ આવતો નથી.

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 70

****

મર્દાનગી, પુરુષત્વનું પ્રતીક એવી મૂછના અદભૂત ઉપયોગથી આ કાર્ટૂન એક પણ શબ્દ વિના ઘણું ઘણું કહી જાય છે. ઘણા પુરુષો સ્ત્રીઓના પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કરે છે. પણ એમની માનસિકતા કે વિચારધારા પુરુષપ્રધાન હોય છે. એવાં ચશ્માંથી જ તેઓ એ પ્રશ્નો જુએ છે. સરવાળે તેનો કશો અર્થ રહેતો નથી. આ કાર્ટૂનના કાર્ટૂનિસ્ટ મોરોક્કાના અબ્દેલગની ડેડો/ Abdelghani Dahdouh છે.

ડેડોનાં વધુ કાર્ટૂનો https://www.cartoonmovement.com/p/22674/cartoons?p=1 પર માણી શકાશે.

****

મહિલા સશક્તિકરણદિવસની ઉજવણીને ૧૦૧ વર્ષ પૂરાં થઈ રહ્યાં હોવા છતાં બહેનોની સ્થિતિમાં કશો બદલાવ નહિ આવે એવી વાસ્તવિકતા કેન્યાના કાર્ટૂનિસ્ટ વિક્ટર એન્ડ્યુલા/Victor Ndula આ કાર્ટૂન દ્વારા દર્શાવે છે. ઘરની, બાળકની જવાબદારી સાથે પોતાનાં (કહેવાતાં) સશક્તિકરણની જવાબદારી પણ આખરે તો સ્ત્રી ઉપર જ રહેલી છે. એણે જ એનો બોજો ઉપાડવાનો છે. અંગ્રેજી ઉક્તિ We all have our own cross to bear (આપણે સૌએ આપણો ક્રોસ ઊપાડવાનો છે) અહીં કાર્ટૂનિસ્ટે સ્ત્રીના સંદર્ભે બતાવી છે. અહીં ક્રોસ એ વેદના અને દુ:ખનું પ્રતીક છે. મહિલાઓનાં પ્રતીક તરીકે વપરાતાં ચિહ્નને ક્રોસની જેમ ઈસુ ખ્રિસ્તની મુદ્રામાં ખભે ઊંચકેલું બતાવીને કાર્ટૂનિસ્ટે ઘણી બધી અર્થચ્છાયાઓ જણાવી દીધી છે, જેનો સીધોસાદો અર્થ એટલો જ કે સ્ત્રીએ સહન કર્યે જ છૂટકો, કેમ કે, તે સ્ત્રી છે.

એન્ડ્યુલાનાં કાર્ટૂનોમાં રસ પડે તો તે https://www.cartoonmovement.com/p/140 પર જોઈ શકાશે.

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 100

****

પતિ કહે છે કે ગઈ કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હતો. રડતાં બાળક અને કામના બોજને એકસાથે સંભાળતી તેની પત્ની કહે છે : ‘મારા ધ્યાનમાં નહોતું.’ મહિલા દિવસ આવે ને જાય, બહેનો ઉપર એનો એ બોજો રોજ રહે છે. એમને એ ખ્યાલ પણ નથી રહેતો કે ગઈ કાલે એમનો દિવસ હતો અને એ પૂરો પણ થઇ ગયો. બીજી એક તીવ્ર વાસ્તવિકતા બતાવી છે કે પતિ નિરાંતે છાપું વાંચી રહ્યો છે અને સ્ત્રી એક સાથે બે કામ કરે છે. પતિ કોઈ એક કામ પણ સંભાળી લે તો કદાચ આઠ માર્ચ પછી પણ મહિલાઓનો દિવસ રહે.

આ કાર્ટૂન ‘બેરમેન કોમિક્સ’ થકી જાણીતા બનેલા કાર્ટૂનિસ્ટ બેરમેન/Bearman દ્વારા બનાવાયેલું છે. તેમનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ http://beartoons.com/ પર જોઈ શકાશે.

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 100

****

અત્યારના સમયમાં બહેનો ઘણી આગળ આવી છે. પુરુષોનાં ગણાતાં ક્ષેત્રોમાં પણ તેઓ સરસ રીતે પોતાની જાતને સાબિત કરે છે. પણ આ કાર્ટૂન આવી તદ્દન ખોટી કહેવાતી પ્રગતિની વાતોનો છેદ ઊડાડીને સાવ સાચી પરિસ્થિતિ બતાવે છે. બહેનો ગમે તે ક્ષેત્રમાં પહેલાં સ્થાન ઉપર આવે તો પણ એમનું સ્થાન નીચું જ છે. અહીં બીજા અને ત્રીજા નંબરે આવેલા બન્ને પુરુષો અને પ્રથમ નંબરે આવેલી બુરખાધારી મહિલાના ચહેરાના હાવભાવ આબેહૂબ દર્શાવાયા છે.

આ કાર્ટૂન યાદ અપાવે છે કે વિમ્બલ્ડન હોય કે બોલીવુડ, એમાં રહેલી મહિલાઓનાં મહેનતાણાં પુરુષો કરતાં ઓછાં જ હોય છે. ભલે ને એ સ્ત્રીઓ પુરુષો જેટલી જ મહેનત કરતી હોય. તેની સાથેસાથે ખેતરમાં કામ કરતી નિરક્ષર મહિલા કે શાક વેચતી કે રોડ બનાવતી મજૂર મહિલાની સ્થિતિની કલ્પના કરવી અઘરી નથી.

આ કાર્ટૂન સાઉદી અરેબીયાના ‘અલ-મદીના’ અખબારમાં પ્રકાશિત થયેલું છે, જેના કાર્ટૂનિસ્ટના નામનો ખ્યાલ આવતો નથી.

****

ફરી એક વાર મહિલાઓ ઉપર કાયમ માટે રહેલી જવાબદારીની વાતને રજૂ કરતું કાર્ટૂન.. મહિલા દિવસ નિમિત્તે તેને આઠ કિલોની ટ્રોફી એનાયત કરવામાં આવે છે, ત્યારે મહિલા કહે છે કે ઉજવણી પત્યા પછી મને એ ઉપાડવામાં મદદ કરશો? જે પુરુષો પોતાનાં જ ઘરનાં કામમાં મદદ નથી કરતા, તેઓ ટ્રોફી ઉપાડવામાં મદદ કરશે? એક મહિલા માટે તો આઠ કિલોનું વજન કશું જ નથી. આ કાર્ટૂનમાં બતાવેલી વસ્તુઓ તો તે રમતાં રમતાં ઉપાડી લે છે. એટલું જ નહી, ગર્ભાવસ્થામાં પણ કિલોમીટરો દૂરથી પીવાનું પાણી ઉપાડી લાવે છે. ત્યારે આ કાર્ટૂનનો કટાક્ષ એમ પણ કહે છે કે ટ્રોફીની કશી જરૂર નથી. જરૂર છે સાથની, સંવેદનાની અને સમજની.

યુગાન્‍ડાના કાર્ટૂનિસ્ટ ડેમિઅન ગ્લેઝ/Damien Glez દ્વારા આ કાર્ટૂન તૈયાર કરાયું છે. તેમનાં અન્ય કાર્ટૂનો તેમની વેબસાઈટ પર http://www.glez.org/eng/home.htm માણી શકાશે.

****

છેલ્લે ભારતનું કાર્ટૂન, જેના કાર્ટૂનિસ્ટ છે કીર્તીશ ભટ્ટ. મહિલાઓનું શોષણ પરંપરા અને રિવાજોના નામે સહુથી વધુ થાય છે. એવી જ વાત આ કાર્ટૂન રજૂ કરે છે. છે તો મહિલા દિવસ, પણ એની ઉજવણી પુરુષો જ કરે છે. કેમ? એ કારણ કાર્ટૂનમાં વાંચવું રહ્યું. એમાં પુરુષોની ‘લાચારી’ને ‘મનાના પડતા હૈ’ શબ્દોથી અને આ વાક્ય બોલનારા પુરુષના હાવભાવથી બહુ સરસ રીતે વ્યક્ત કરવામાં આવી છે. બોર્ડમાં લખેલાં વાક્યો મહિલાઓની કહેવાતી પ્રગતિ બતાવે છે અને સાચી પરિસ્થિતિ પુરુષનું વાક્ય બતાવે છે. મહિલાઓની હાલત, પ્રશ્નો, સમસ્યાઓ માત્ર સૂત્રસ્વરૂપે રહી ગયાં છે.

કીર્તીશ ભટ્ટ કાર્ટૂનોમાં હિન્‍દી ભાષાનો ઉપયોગ કરે છે અને તેમનાં વધુ કાર્ટૂનો તેમના બ્લૉગ http://bamulahija.blogspot.in/ પર જોઈ શકાશે.

****

મહિલાઓની સ્થિતિને આ તમામ કાર્ટૂનો બહુ વાસ્તવિક રીતે રજૂ કરે છે. આ કાર્ટૂન અલગ અલગ દેશોના કાર્ટૂનિસ્ટોનાં છે. પણ એ સાબિત કરે છે કે દેશ કોઈ પણ હોય, બહેનોની સ્થિતિ બધે જ સરખી છે. ક્યાંક ધર્મના નામે, ક્યાંક પરંપરાના નામે તો ક્યાંક જ્ઞાતિના રિવાજોના નામે- બધે જ શોષણ બહેનોનું વધારે થાય છે. આ વાત માનવામાં ન આવતી હોય તો પોતાની જ્ઞાતિ અને ધર્મના જે રીતિ-રીવાજ હોય એમાંથી કેટલા પુરુષોને લાગુ પડે છે અને કેટલા સ્ત્રીઓને લાગુ પડે છે એ એક વાર વિચારી જોવું.

આ સ્થિતિમાં બદલાવ લાવવા માટે પોતાના ઘરથી આરંભ કરવા જેવી ઉત્તમ સ્થિતિ કઈ?

**** **** ****

(ભુજ- કચ્છમાં સ્થિત લેખિકા ફ્રીલાન્સ તાલીમકાર તરીકે કાર્યરત છે. તેઓ સ્વૈચ્છિક સંસ્થાના કાર્યમાં વીસ વર્ષનો અનુભવ ધરાવે છે.)


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.

:: ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : bakothari@gmail.com


Disclaimer: The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

3 comments for “વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૨) : આંતરરાષ્ટ્રીય મહિલા દિન: ઉજવણી પાછળની વાસ્તવિકતા

 1. March 14, 2018 at 11:09 pm

  Wonder collection great satire to society on women empowerment. We hv to wait a long.

 2. kalpana desai
  March 16, 2018 at 10:16 am

  મહિલાદિને વિશેષ ધ્યાન ખેંચતાં અદ્ભૂત કાર્ટૂનો! સ્થિતિ દુ:ખદ ને વિચારો સુંદર. આભાર.

 3. March 16, 2018 at 8:04 pm

  Good!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *